ભારતનું બંધારણ વિશ્વના શ્રેષ્ઠ બંધારણો પૈકીનું એક છે. બંધારણસભામાં માલતીદેવી ચૌધરી, પૂર્ણિમા બેનરજી, રાજકુમારી અમૃતકૌર, રેણુકા રે, સરોજિની નાયડુ, સુચેતા કૃપલાની, વિજયાલક્ષ્મી પંડિત, અમ્મુ સ્વામીનાથન, એન્ની માસ્કોર્ન, બેગમ અઈઝાઝ રસૂલ, દક્ષયાની, દુર્ગાબાઈ દેશમુખ, હંસા મહેતા, કમલા ચૌધરી, લીલા રોય જેવાં મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓનું પ્રતિનિધિત્વ રહ્યું હતું. બંધારણના ઘડતરમાં તેમનું અસરકારક પ્રદાન રહ્યું છે. નિર્ભયાકાંડના પગલે કાયદાઓમાં સુધારો કરવા નિમાયેલી જસ્ટિસ વર્મા સમિતિએ કરેલ ભલામણો મુજબ કાયદાઓમાં ફેરફાર કરાતા, સ્ત્રી અત્યાચારોની ઘટનાઓમાં ઘટાડો થવા અપેક્ષા હતી. પરંતુ હાથરસ બળાત્કાર અને હત્યાની ઘટના એ બાબતનો સચોટ પુરાવો છે કે સ્ત્રીઓ સાથેના દૂર્વ્યવહારો અટકવાના બદલે વધી રહ્યા છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 14માં જણાવાયેલા સમાનતાનો સિદ્ધાંત લૈંગિક સમાનતાનો પણ સિદ્ધાંત છે. સરકાર કે તેના કોઈ વિભાગ તરફથી જ્યારે પણ લૈંગિક સમાનતાનો ભંગ થયો છે ત્યાં સર્વોચ્ચ અદાલતે અનેક કેસોમાં દરમ્યાનગીરી કરી સુધારણાનો પ્રશંસનીય પ્રયત્ન કરેલો છે. આ બાબતમાં ભારતના બંધારણની કેન્યાના બંધારણ સાથે સરખામણી કરવા જેવી છે. કેન્યાના બંધારણમાં એવી જોગવાઈ છે કે સંસદમાં લૈંગિક સમાનતા જળવાઈ રહે તે હેતુથી, સંસદમાં કોઈ પણ(પુરુષ કે સ્ત્રી)ની સંખ્યા બે તૃતિયાંશથી વધે નહીં, તે માટે ધારાકીય જોગવાઈ કરવામાં આવશે. ભારતમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો 1976 અને 2010માં પસાર થયેલો ખરડો હવે રદ્દ (Lapse) થઇ ગયો છે અને ધૂળ ખાય છે. ભારતના તમામ રાજકીય પક્ષો મહિલા અનામત વિચારને આવકારે છે, પરંતુ તેના અમલ બાબતે, કૂતરું તાણે ગામભણી અને શિયાળ તાણે સીમભણી જેવું છે.
કોઈનો મત એવો છે કે ગ્રામીણ મહિલાઓ માટે જ અનામત હોવી જોઈએ, કોઈ વળી પછાત વર્ગની મહિલાઓ માટે જ અનામતની માગણી કરે છે. તો કોઈ બંધારણીય સુધારાની તરફેણ કરે છે. કેન્યાના બંધારણમાં લૈંગિક સમાનતાની જોગવાઈનો અમલ થવા સરકારે તે અનુસાર કાયદો ઘડવાની તેની ફરજ હતી. સ્ત્રી સંગઠનો, માનવઅધિકાર સમર્થકો અને અનેક સાંસદોએ તે માટે ઝુંબેશ ચલાવી હતી. પરંતુ સરકાર બિલકુલ નિષ્ક્રિય રહી. જો કે ભારતની સરખામણીએ, કેન્યાની સંસદમાં મહિલાઓની સંખ્યા વધારે છે. ત્યાંની રાષ્ટ્રીય ધારાસભાની કુલ 349 બેઠકોમાં 76 (22 ટકા) મહિલાઓ છે. જ્યારે ભારતની લોકસભાની કુલ 542 બેઠકોમાં 62 (14.58 ટકા) મહિલાઓ છે. કેન્યાની સેનેટની કુલ 67 બેઠકોમાં 21(31 ટકા) મહિલાઓ છે, જ્યારે ભારતની રાજ્યસભાની કુલ 243 બેઠકોમાં માત્ર 25 મહિલાઓ છે.
કેન્યાના બંધારણની જોગવાઈ મુજબ સંસદે વર્ષો સુધી તે અંગેનો કાનૂન પસાર ન થતાં, કાનૂની વિવાદ થયો. ત્યાંની ઉચ્ચ અદાલતે છેક 2012થી આ કાનૂન પસાર કરવા સંસદને વખતોવખત સમયમર્યાદા લંબાવી આપી હતી. ન્યાયતંત્રના આદેશો, સ્ત્રી સંગઠનો તેમ જ માનવ અધિકારોના સમર્થકોની ચળવળ છતાં સંસદ અસંવેદનશીલ રહી. તેથી મુખ્ય ન્યાયમૂર્તિ ડેવિડ માર્ગા સંસદ વિસર્જનનો આદેશ જારી કરવાની તૈયારીમાં જ હતા, ત્યાં કોવિડ મહામારી વચ્ચે આવી પડી. એટર્ની જનરલે આવી મહામારીના માહોલમાં સંસદ વિસર્જન આદેશ ન કરવા રજૂઆત કરી.
સંસદ વિસર્જનનો હુકમ કરવા માટે ઘણી હિંમતની જરૂર રહે. મુખ્ય ન્યાયમૂર્તિએ તે એમ કહીને પ્રગટ કરી કે અમારા આદેશો છતાં સંસદે તેનો અમલ કરવા કોઈ પગલાં લીધાં નથી. તેમણે હુકમમાં લખ્યું કે અમે જાણીએ છીએ કે સંસદ વિસર્જનથી આર્થિક સહિત અનેક મુસીબતો આવશે. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે પીડા વિના પ્રાપ્તિ નથી. કેન્યાની મહિલાઓ માટે આ ભવ્ય વિજય હતો. તમામ સંગઠનો વતી મેરિલીન કામરૂએ પ્રતિભાવ પ્રગટ કરતાં કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ આ આદેશનો અમલ કરે છે કે ભંગ કરે છે તે જોવાનું રહ્યું, પરંતુ સ્ત્રી કર્મશીલોની મહેનતના પરિણામે આપણને આ વિજય પ્રાપ્ત થયો છે.
મુખ્ય ન્યાયમૂર્તિએ સંસદ વિસર્જન હુકમમાં નોંધ્યું છે કે સંસદીય લોકશાહીમાં સાંસદો તેમના મતદારોને જવાબદાર છે. કાયદાના શાસનથી શાસિત થતા દેશમાં દરેક વ્યક્તિ પોતાના કૃત્ય અને કાર્યલોપ (Omission) બદલ જવાબદાર છે. મુખ્ય ન્યાયમૂર્તિના આ શબ્દો સાંસદોના ઉત્તરદાયિત્વ સંબંધમાં સૌએ યાદ રાખવા જેવા છે. ભારતમાં આપણે ન્યાયતંત્ર પાસેથી વિશાખા કેસ જેવા નિર્ણયની આશા રાખીએ.
(માહિતી સ્રોત : ઉપેન્દ્ર બક્ષીનો લેખ, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ઑક્ટોબર ૭, ૨૦૨૦)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 15-16