Opinion Magazine
Number of visits: 9449313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લગ્ન અને ધર્મ

અશોક વિદ્વાંસ, અશોક વિદ્વાંસ|Opinion - Short Stories|12 September 2016

રમણલાલ ઑફિસેથી ઘેર જવા કારમાં ગોઠવાયા અને તરત જ તુકારામે કાર ચાલુ કરી. ઑફિસના પાર્કીંગમાંથી કાર બહાર નીકળી એની સાથેસાથે જ રમણલાલનું મગજ પણ ઑફિસના પ્રશ્નોમાંથી બહાર નીકળ્યું. કાર હવે ઘર તરફ ગતિ કરી રહી હતી. રમણલાલ પોતાનું મગજ કારના સ્ટીયરીંગની જેમ ધારી દિશામાં વાળી શકતા, અને એમની એ કુનેહની એમના મિત્રોમાં કાયમ પ્રશંસા થતી. હજી અડધા કલાક પહેલાં જ સુરભિનો ફોન આવેલો અને એણે મૃદુલાના પ્રશ્નનો ફરીને ઉલ્લેખ કરતાં કહેલું : “આપણે મૃદુલાને આપણો વિચાર, માત્ર વિચાર જ નહીં નિર્ણય, હવે તરત જ જણાવી દેવો જોઇએ.” એ વખતે તો કામમાંથી માથું ઊંચક્યા સિવાય જ, “સારુ, રાત્રે જમતાં જમતાં વાત કરીએ.” એવો ટૂંકો જવાબ આપીને રમણલાલે પોતાના મગજને પાછું ઑફિસના કામમાં પરોવી દીધેલું.  પણ હવે મગજના વહાણનું સુકાન બદલીને રમણલાલે મૃદુલાના વિચારનો તાગ લીધો.

મૃદુલા રમણલાલના હૃદયનો અવિભાજ્ય ભાગ હતી. સુકેશ જેટલો ‘માનો દીકરો’ હતો એટલી જ મૃદુલા પિતાની લાડકી હતી. અન્ય બધી બાબતમાં કેવળ મગજની જ દોરવણી સ્વીકારનાર રમણલાલ, મૃદુલાની વાત આવે ત્યાં લાગણીના દોરે દોરવાઈ જતા. જ્યારે તક મળે ત્યારે સુરભિ એમની આ નબળાઈ પર હસીને કટાક્ષ કરતી : “પોતાને મોટા બુદ્ધિવાદી મનાવો છો પણ આ મૃદુલડીની વાતમાં કેવું મગજને તાળું મારી દો છો!”  અને રમણલાલ મૂંગા હસીને પોતાની હાર સ્વીકારી લેતા. પણ સુરભિની મજાકમાં ઘણું સત્ય હતું. રમણલાલે સમજણપૂર્વક પોતાને "રૅશનાલીસ્ટ" ઘડ્યા હતા. કૉલેજમાં પ્રોફેસર દેસાઈ પાસેથી શીખીને જે એક મહત્ત્વનો પાઠ એમણે જીવનભર અપનાવ્યો હતો એ રૅશનાલીઝમનો હતો. એ કારણથી જ, જ્યારે પિતાનું હૃદય મૃદુલાની હઠ આગળ ઝુકતું ત્યારે એમના મને કરેલી આવી બાંધછોડ એમની બુદ્ધિ ન સ્વીકારતી.  આમ છતાં મૃદુલાના લગ્ન અંગેની વિચારણામાં રમણલાલ દીકરીની વાત સ્વીકારવા તૈયાર ન હતા.  એથી સુરભિ મૃદુલાએ ઊભા કરેલા આ નવા ’તૂત’ બદ્દલ થોડી નિશ્ચિંત હતી.  એને ભરોંસો હતો કે રમણલાલ ’આ’ લગ્નની વાતમાં તો મૃદુલાની માગણીની સામે મક્કમ રહેશે, અને એટલે એ બાબતમાં તો પોતાને જે જોઇએ છે એ જ થશે.

વાત એમ હતી કે બે-અઢી મહિના પહેલાં મૃદુલાએ ધડાકો કર્યો હતો કે પોતે શમીમ સાથે લગ્ન કરવા માગે છે. એ સાંભળીને સુરભિને તો આત્મહત્યા કરવા સુધીનો વિચાર આવી ગયેલો.  એક હિંદુ ઘરની, ભણેલી-ગણેલી, સમજદાર દીકરી આવો વિચાર પણ કેમ કરી શકે, એ જ એની સમજમાં નહોતું આવતું. મૃદુલાનું મન વાળવા એણે ગુસ્સો, ધાક-ધમકી, આજીજી, બધાં શસ્ત્રો વાપરી જોયાં; પણ કોઈ ઉપાય કામ ન’તો આવ્યો. મૃદુલા પોતાની માગણીમાં ગંભીરપણે મક્કમ હતી.  એને ઉતાવળ નહોતી, પણ પોતાનો નિર્ણય બદલવાની એને કોઈ આવશ્યકતા પણ નહોતી દેખાતી. મમ્મી તો ખૂબ ઊહાપોહ કરશે અને આખું ઘર માથે લેશે, એ એણે માની જ લીધું હતું.  અને કઈ દીકરી આવા નાજુક વિષયમાં મમ્મીના વિચાર શું છે, શું હશે, એ નથી જાણતી? એ શરૂઆતના દિવસોમાં તો રમણલાલ પણ પોતાનો ’વિવેકવાદ’ વીસરીને "મારી આ હિંદુ દીકરી એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરશે.” એ વિચારથી ધ્રૂજી ઊઠેલા. ‘ઑફિસના કામમાં મન ન લાગવું.’ એટલે શું એનો જિંદગીમાં પહેલીવાર જ વાર એમને અહેસાસ થયો હતો. રોજ પથારીમાં પડે કે પાંચ મિનીટમાં ઘસઘસાટ ઊંઘી જનારા રમણલાલને શરૂના બે-ત્રણ દિવસ તો બિલકુલ ઊંઘ નહોતી આવી!  એમને પોતાને જ પોતાની આ વર્તણૂકનું આશ્ચર્ય થયું હતું.  પણ પોતે જે અનુભવી રહ્યા હતા એ વસ્તુિસ્થતિ હતી, એ વાતનો ઇન્કાર કરવાનું પણ શક્ય નહોતું. પણ ધીમેધીમે બુદ્ધિએ લાગણી પર કાબૂ મેળવ્યો. એમણે શમીમને મળવા બોલાવ્યો. આમ તો શમીમ અને મૃદુલાનાં બીજા અનેક મિત્રો અને બહેનપણીઓ એમને ત્યાં અવારનવાર આવતાં. સુરભિને લગભગ બધાનો પરિચય હતો, અને રમણલાલ પણ એમાંના કેટલાંકને ઠીકઠીક ઓળખતા હતા.

પણ હવે તેઓ આ વિશિષ્ટ સંદર્ભમાં શમીમને મળ્યા. ઘેર સુરભિની હાજરીમાં એકવાર મળ્યા પછી તેઓ ફરીને શમીમને બહાર રેસ્ટોરાંમાં લંચ માટે બે વાર મળ્યા.  બંને વચ્ચે ઘણાં જુદાજુદા વિષયો પર વાતો થઈ. શમીમના વિનયશીલ અને આત્મવિશ્વાસભર્યા સ્વભાવની એમણે નોંધ લીધી.  જે લૉ કૉલેજમાં એ અને મૃદુલા ભણતાં’તાં ત્યાં શમીમની એક હોંશિયાર અને સફળ વિદ્યાર્થી તરીકે ગણના થતી હતી, એ પણ એમણે સ્વતંત્રરીતે તપાસ કરીને જાણ્યું. અંતે એમની બુદ્ધિએ સ્વીકાર્યું કે એક માત્ર ધર્મ અને જાતિનો ભેદ દૂર રાખીએ તો મૃદુલાની વાત ન માનવા માટે પોતાની પાસે કોઈ સબળ કારણ નથી. એમણે જ્યારે પોતાનું આ મંતવ્ય સુરભિ પાસે રજૂ કર્યું ત્યારે સુરભિએ અક્ષરશઃ માથું કૂટી લીધું. એનો જે એકમાત્ર આધાર હતો તે નામક્કર જતાં સુરભિને તો જાણે પગતળેની જમીન સરકી જતી હોય એમ લાગ્યું. ત્રીશેક વર્ષના લગ્નજીવનમાં પહેલી જ વાર સુરભિને થયું કે પોતે પોતાના પતિને હજી પણ ઓળખતી ન હતી. સુરભિ માટે રડવુંયે  અશક્ય થઈ પડ્યું. એ ટાણે, એક સાચા મિત્રની રૂએ રમણલાલ એને સમજાવવા લાગ્યા કે આ ’હિંદુ-મુસ્લિમ’ ભેદ કેવો કૃત્રિમ ભેદ છે, અને માનવીય મૂલ્યોની તુલનામાં આ ચીજ કેટલી ગૌણ છે.  પરંતુ સુરભિના સનાતની ઉછેરની ઘડણમાં આ બધી ’ડાહી-ડાહી’ વાતોને કશો અર્થ ન હતો.  સુરભિ મનમાં ને મનમાં હીજરાઈ રહી’તી. આજ સુધી પતિને પરમેશ્વર માનનારી સુરભિનાં હૃદયના કોઇક અજાણ્યા ખૂણામાં જાણે એ મૂર્તિને એક નાની તડ પડી!

થોડા દિવસ પહેલાં રમણલાલ સુરભિને પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.  વાતચીતના ઓઘમાં તેમણે સુરભિને પૂછ્યું, “આપણો સુકેશ કોઈ મુસ્લિમ છોકરી સાથે લગ્ન ઠરાવે તો તું એ કબૂલ રાખીશ?”  એક ક્ષણના પણ વિલંબ વીના સુરભિ બોલી ઊઠી : “તમે તે કેવી વાત કરો છો?  આ વાતમાં દીકરાની ને દીકરીની તે વળી સરખામણી થતી હશે?  દીકરો તો ગમે તે કરી શકે.” જુસ્સાભેર આટલું બોલ્યાં પછી, લગભગ એ જ શ્વાસમાં સુરભિએ ઉમેર્યું, “પણ મારો સુકેશ કોઈ દિવસ એવું કરવાનો જ નથી ને!” ગંભીર ચર્ચા વચ્ચે પણ રમણલાલને હસવું આવી ગયું. સુરભિની આ વિચારસરણીનો પોતાના વિચારો સાથે ક્યાં મેળ બેસાડવો એની ગડમથલમાં રમણલાલ મૂંગા થઈ ગયા.

દિવસો વીતતા ગયા એમ રમણલાલને સમજાતું ગયું કે આ મૃદુલાના જીવનનો પ્રશ્ન છે અને એમાં અમુક હદથી વધુ દરમિયાનગીરી કરવાનો પોતાને પણ અધિકાર નથી. પરંતુ ’રૅશનાલીસ્ટ’ બુદ્ધિથી પોતે કરેલો વિચાર – અને એના પરિણામ સ્વરૂપે પોતાનો નિર્ણય – બળજબરીથી સુરભિના ગળે ઉતારવા રમણલાલ બિલકુલ તૈયાર ન હતા. બીજી બાજુ મૃદુલા પણ પોતાના જીવનના આ અગત્યના નિર્ણયમાં મમ્મીને સમજાવટથી સાથે લેવા માગતી હતી અને એ માટે જરૂરી ધીરજ રાખવા તૈયાર હતી.

દિવસો વીતતા હતા અને ઘરમાં બધાના મન ઉદ્વિગ્ન રહેતા હતા. કોઈને જરા સરખી યે સ્વસ્થતા નહોતી. આ સમગ્ર પાર્શ્વભૂમિમાં, આજે રમણલાલ ઑફિસેથી ઘેર આવી રહ્યા હતા.  સુરભિએ થોડા સમય અગાઉ જ ફોન કરીને કરેલી તાકીદે એમના મગજનો કબજો લીધો હતો. તુકારામના ધ્યાનમાં તો ક્યારનું યે આવી ગયેલું કે રોજ પોતા સાથે હસીને વાતો કરનારા સાહેબ આજે સાવ ચૂપચાપ બેઠા છે. એ પણ ચૂપ જ રહ્યો ને ગાડી બંગલાના કંપાઉન્ડમાં લાવી ઊભી રાખી.   ટાઇ અને જૅકેટ કાઢી રમણલાલ ડાઇનીંગ ટેબલ પર આવ્યા ત્યાં સુધી સુરભિના મોંએથી એક પણ અક્ષર નીકળ્યો નહોતો.  રમણલાલે સભાનપણે એ મૌનની નોંધ લીધી અને એનો અર્થ કાઢ્યો કે પોતે આજે ચૂપચાપ જમી લેવાનું છે. સામે સુરભિએ પણ પોતાની થાળી પીરસી, અને બંને ખાસ કશું બોલ્યા વગર જમીને ઊભાં થયાં. આખરે કાંઇક વાતચીત શરૂ કરવાના ઇરાદાથી એમણે પૂછ્યું, “મૃદુલા અને સુકેશે જમી લીધું છે?” પણ આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે સુરભિની આંખમાં આંસુ ડોકાયાં, અને એમણે ઉપરના રૂમમાં બેઠેલી મૃદુલાને બૂમ મારી. જાણે મમ્મીના બોલાવવાની રાહ જ જોતી હોય એમ એકાદ ક્ષણમાં જ મૃદુલા નીચે આવી અને પપ્પાની સામે બેઠી.  ન એ ક્શું બોલી કે ન તો સુરભિ. પણ રમણલાલ એ મૌનનો ભાર અનુભવવા લાગ્યા.  છેવટ એમણે જ આંખના ઇશારે મૃદુલાને જાણે બોલવાનું આહ્વાન કર્યું.  મૃદુલાએ ચૂપ રહીને જ મમ્મી તરફ જોયું.  મમ્મીએ કશું ન બોલતાં માત્ર એક મોટો નિસાસો નાંખ્યો.  છેવટ રમણલાલ જ, જાણે ઉછીનું માગી લાવ્યા હોય એવું, સ્મિત કરી બોલ્યા, “બોલ, દીકરી, શું વાત છે?” નીચે જમીન તરફ નજર રાખી મૃદુલા બોલી, “પપ્પા, શમીમ કહે છે…,  ના, એટલે એનાં અમ્માજાન કહે છે …..,” અને પછી એ વાક્યને ત્યાં જ અડધું છોડી, એ ઉતાવળે આગળ બોલી ગઈ: “પપ્પા હું મુસલમાન થવાની છું.”  ક્ષણ્રભર રમણલાલને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો.  એ મૃદુલા તરફ જોઇ રહ્યા, પણ મૃદુલાની નજર હજુ જમીન પર જ ખોડાયેલી હતી. રમણલાલે સુરભિ ભણી જોયું.  એનાં આંસુ હવે અવિરત વહી રહ્યાં હતાં. બે પળ જવા દઈ, શક્ય હતી એટલી સ્વસ્થતા મેળવી રમણલાલે પૂછ્યું, “કેમ, અચાનક આ વિચાર ક્યાંથી આવ્યો?” કશો જવાબ ન આપતાં મૃદુલાએ ઘડીક પપ્પા તરફ તો ઘડીક જમીન તરફ જોયા કર્યું.

રમણલાલ માટે આ વાત ખૂબ આશ્ચર્યકારક હતી. તે એટલું તો સમજતા જ હતા કે આ ધર્માંતર પાછળ કોઈ તાત્ત્વિક વિચાર ન હતો.  મૃદુલાએ કદી પોતાને જન્મથી પ્રાપ્ત થયેલા હિંદુ ધર્મ પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો ન હતો. ધર્મગ્રંથોનું કદી ચિંતન તો ઠીક, વાચન પણ કર્યું ન હતું.  એના કોઈ તત્ત્વો અંગે બુદ્ધિપૂર્વક દલીલ કરીને કશી વિસંગતી દેખાડી ન હતી. મૃદુલા જેમ સુરભિ જેવી સનાતની નહોતી; તેમ જ એ રમણલાલ જેવી, પ્રચલિત ધર્મમાં ન માનનારી વિવેકવાદી પણ ન હતી. વળી આ બેમાંથી કોઈ વિચારસરણી એને આમ એકાએક ધર્મ-પરિવર્તનની પ્રેરણા આપે એવી કોઈ શક્યતા ન હતી.  રમણલાલ સમજી શક્યા કે મૃદુલાનો આ કોઈ સૈદ્ધાંતિક ભૂમિકા પર વિચાર કરીને લીધેલો નિર્ણય ન હતો, પણ શમીમ, અગર ખાસ તો શમીમનાં અમ્માજાનની દબાણભરી માગણીનું પરિણામ હતું.  આ વાતનું પહેલાં તો એમને દુઃખ થયું. મૃદુલાની સ્પષ્ટ રીતે વિચાર ન કરી શકવાની નબળાઈમાં એમને ક્યાંક પોતાની નિષ્ફળતા ડોકાતી લાગી. સાથે જ, એમને એ પણ ધ્યાનમાં આવ્યું કે સમયની તાત્કાલિક જરૂરિયાત મૃદુલાને સ્પષ્ટ અને સાચી રીતે વિચાર કરતી કરવાની છે. એમણે સુરભિને શાંત થવા સમજાવ્યું અને કહ્યું કે આ પ્રસંગ અસ્વસ્થ થયા સિવાય પરિસ્થિતિ સમજીને એનો યોગ્ય ઉપાય શોધવાનો છે. પછી ઊઠીને પાણીનો ગ્લાસ ભરી લાવીને સુરભિને આપ્યો.  ફરી પોતાની જગ્યાએ બેસતા એમણે મૃદુલાને પૂછ્યું, “આ વિચાર અને નિર્ણય તારો પોતાનો છે?”  મૃદુલાએ જવાબ ન આપતા થોડીક અસહાય નજરે એમની સામે જોયું અને તરત જ નજર ઢાળી દીધી. “બોલ, બેટા, આ નિર્ણય તારો પોતાનો છે?” મૃદુલાએ મોંએથી કશો જવાબ ન આપતા માથું એ રીતે ધૂણાવ્યું કે એનો અર્થ સ્પષ્ટ ’હા’ કે ’ના’ સમજવો અઘરું હતું. 

રમણલાલે કહ્યું, “જો દીકરી, શમીમને તારા એક અચ્છા મિત્ર તરીકે હું ઠીક સમયથી જાણું છું.  મને એ છોકરો સારો લાગે છે. એની સાથે થયેલ થોડી વાતોમાં એ હોંશિયાર અને ઉંમરના પ્રમાણમાં ઠરેલ લાગે છે. એથી, એની સાથે લગ્ન કરવાના તારા પ્રસ્તાવથી સુરભિને જેવું દુઃખ થયું છે ને થાય છે, એવું મને નથી થયું. આપણા દેશમાં હિંદુ અને મુસ્લિમ પ્રજા સાથે સાથે જ રહે છે એટલે જેમજેમ સમાજ પ્રગતિ કરતો જશે તેમતેમ આવા આંતરધર્મીય સંબંધો બંધાશે એ પણ ચોક્કસ છે. તારી લાગણી સમજીને જ તેં પહેલીવાર તારી ઈચ્છા અમને જણાવી પછી મેં શમીમના કુટુંબ વિષે થોડી તપાસ પણ કરી છે. તને ખબર નથી પણ એના એક કાકા અને હું વર્ષો પહેલાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં સાથે હતા. મેં એ પણ જાણ્યું છે કે શમીમનો પરિવાર ખૂબ ધર્મચૂસ્ત છે, એટલે સુધી કે તમારા લગ્નને એના ઘરના લોકો સ્વીકારશે કે કેમ? એ વિષે પણ મને શંકા હતી.  પણ છેલ્લા થોડા સમયથી એવું લાગતું હતું કે તમે એ સંમતિ મેળવી લીધી છે.  એટલે તારી આ ધર્મ બદલવાની વાત ક્યાંથી આવી એ મને સમજાતું નથી.” આવી મૂંઝવનારી સ્થિતિમાં પણ મૃદુલા જોઇ શકી કે પપ્પાએ એના અને શમીમના લગ્ન અંગે કેટલો બધો વિચાર કરી રાખ્યો છે. એને પપ્પા માટે જે માન હતું એ વધ્યું.

રમણલાલ જાણે મૃદુલાના જવાબની રાહ જોતા હોય એમ સ્વસ્થ પણ અબોલ બેસી રહ્યા.  મૃદુલાને ક્ષણભર તો એમ થયું કે દોડી જઈને પપ્પાના ખોળામાં માથું મૂકી રડી લેવું. પણ એ પણ રમણલાલની પુત્રી હતી. લાગણીને બદલે બુદ્ધિથી દોરાવું એને વધુ પસંદ હતું. એ બોલી, “પપ્પા, શમીમ અને હું એકબીજાને ખૂબ ચાહીએ છીએ. અમને ખાતરી છે કે અમે એકબીજાં માટે જ સર્જાયાં છીએ. અમારી હવે પછીની જિંદગી એકબીજાં વગર જીવવાનો અમને કશો અર્થ નથી દેખાતો, અને અમારી સમગ્ર જિંદગીના સુખની સામે મારું હિંદુ હોવું કે મુસ્લિમ હોવું, અમારે બંનેને મન બહુ નજીવી બાબત છે.

“બેટા, હું તારી સાથે સહમત છું કે એકબીજાના પ્રેમમાં પૂર્ણતા જોનારા બે યુવાન હૈયાને કેવળ ધર્મને ખાતર જુદા રાખવા એ બેહુદું છે. એ દ્રષ્ટિએ તો હું તારી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ઈચ્છાનો વિરોધ ન કરી શકું.”  રમણલાલનું વાક્ય પૂરું થયું ને સુરભિના મનમાં ધ્રાસ્કો પડ્યો; તો એ સાંભળીને મૃદુલાને એક નાનું આશાનું કિરણ દેખાયું. થોડી પળ બધા ચૂપ રહ્યાં. પછી થોડી હિંમત કરી મૃદુલા બોલી, “એટલે, એનો અર્થ એમ ને કે તમને મારો નિર્ણય માન્ય છે?”

એવી તંગ પરિસ્થિતિમાં પણ રમણલાલે જરા મલકાઈને કહ્યું, “મેં એમ નથી કહ્યું.” એ સાંભળી સુરભિને કાંઈક આશા બંધાઈ અને મૃદુલાને હાથ આવેલું તણખલું સરકી જતું લાગ્યું.

“તો?” મૃદુલાએ એકાક્ષરી પ્રશ્ન કર્યો.

રમણલાલ બોલ્યા, “હું એ સમજાવું એ પહેલાં તારે મારા મૂળ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ, એમ તને નથી લાગતું?” “શો પ્રશ્ન?” મૃદુલાનું મગજ હજી લાંબા વાક્યો બોલવા તૈયાર નહોતું.  રમણલાલે કહ્યું : “મુસલમાન થવાનો વિચાર અને નિર્ણય તારો પોતાનો છે?” પોતાનો પ્રશ્ન દુહરાવીને પછી રમણલાલે વહાલથી ઉમેર્યું, “બોલ દીકરી. તને ખબર છે કે આ ઘરમાં આપણે કાયમ મુક્ત મને ચર્ચા કરીએ છીએ.” મૃદુલા થોડીક પળ શાંત બેસી રહી. પછી પપ્પાને જવાબ આપતાં પહેલાં એ ઊભી થઈ મમ્મીની એકદમ નજીક જઈને બેઠી અને મમ્મીનો હાથ પોતાના હાથમાં લઈ, મમ્મીની આંખમાં આંખ મીલાવી ધીમે ધીમે બોલવા માંડી.  “ના.  આ નિર્ણય મારો નથી.  શમીમ કહે છે કે એનાં અમ્મી કહે છે કે એ મુસ્લિમ સિવાય અન્ય કોઈ છોકરી સાથે શાદી કરશે તો તેઓ શમીમ કે એની પત્ની સાથે જિંદગીભર નહીં બોલે. શમીમને ડર છે કે હું મુસ્લિમ ધર્મ ન સ્વીકારું તો અમ્મી અમારી શાદી નહીં થવા દે.” “અને તને એમ લાગે છે કે શમીમ એનાં અમ્માજાનની વિરુદ્ધ જઇને તારી સાથે લગ્ન નહીં કરે; ખરુંને?”  “સાવ એવું નથી પપ્પા.  પણ શમીમ કહે છે કે ધર્મની વાતને ખાતર હું જીદ ન કરું અને મુસલમાન થવા તૈયાર થાઉં તો અમ્મી રાજી થાય અને આખી વાત સહેલાઇથી પતી જાય.”

સુરભિનો હાથ હજી પણ મૃદુલાના હાથમાં જ હતો. મૃદુલાએ પકડ સહેજ ઘટ્ટ કરી મમ્મી તરફ જોયું. રમણલાલે જોયું કે મૃદુલા હવે મુક્ત રીતે બોલતી થઈ છે.  એમણે પૂછ્યું, “ દીકરી, એક જરા અઘરો સવાલ પૂછું?” મૃદુલાએ મમ્મીના ચહેરા પર ઠેરવેલી આંખો ઊંચકીને પપ્પા તરફ જોયું અને આંખથી જ "શું?” એમ પૂછ્યું.  રમણલાલ બોલ્યા, “મૃદુલાના પપ્પા શમીમના અમ્મી જેવો જ આગ્રહ ધરે કે એમની દીકરી હિંદુ સિવાય અન્ય કોઈ સાથે લગ્ન નહીં કરે, અને જો શમીમને એમની દીકરી સાથે લગ્ન કરવું હોય તો એણે હિંદુ થવું પડશે; તો?”

મૃદુલા ક્ષણભર પપ્પા તરફ એકીટસે જોઈ રહી.  પપ્પાની આંખમાં એને જે દેખાયું એથી એ જરા અસ્વસ્થ બની.  મમ્મીનો હાથ છોડી દઈ, જરા ટટ્ટાર બની એ બોલી, “પપ્પા, તમે કેવી વાત કરો છો?  હું શમીમની પત્ની તરીકે એમના ઘરમાં જવાની છું.  આ સવાલ એમના ઘરનો છે.”  રમણલાલે સ્વસ્થતાથી એની દલીલ સાંભળી, પછી ધીમા પણ ગંભીર સ્વરમાં બોલ્યા, “દીકરી, તમે બંને લગ્ન કરો એટલે તું જેમ એ ઘરની પુત્રવધૂ બને એમ જ શમીમ પણ આ ઘરનો જમાઈ બને.  અને લગ્ન પછી કાયમ થોડા જ તમે એ ઘરમાં સંયુક્ત કુટુંબ તરીકે રહેવાના છો?  પછી તમારા સ્વતંત્ર ઘરમાં તું ક્યા ધર્મની ઉપાસના કરે છે, એ હકીકત શમીમનાં અમ્મી માટે ગૌણ ન બની જાય?”  જરા ઉચાટથી અને થોડી નિરાશાથી મૃદુલા બોલી, “પપ્પા, તમે કેવી વાત કરો છો? શમીમ પુરુષ છે.  એને ધર્મ બદલવાની શી જરૂર?”

ઘડીભર ચૂપ રહી રમણલાલે મૃદુલાનો ઉચાટ શમી જવા દીધો. પછી બોલ્યા : “જો બેટા, મારી વાત બરાબર ધ્યાનથી સાંભળ. આપણે સ્ત્રી-પુરુષ બંનેનાં સ્વાતંત્ર્યમાં માનીએ છીએ.  હક્ક અને ફરજની વાતમાં આપણે એ બંને વચ્ચે ભેદ ન કરી શકીએ. સમાજની વ્યવસ્થા બંને માટે ન્યાય્ય હોવી જોઈએ.  અત્યારની આપણી ચર્ચા પરથી, કે તારા જન્મથી આજ સુધી હું તને જાણું છું એ પરથી, મને એવું બિલકુલ નથી દેખાયું કે તું તારી ઈચ્છાથી, પૂરી સમજણપૂર્વક, જન્મજાત જે તારો ધર્મ છે એ છોડીને અન્ય ધર્મ સ્વીકારવા તૈયાર થઈ છે. હિંદુ કે ઇસ્લામ, બેમાંથી એકે ધર્મના મૂળ તત્ત્વોની તને જાણ નથી. એ તત્ત્વો ચકાસીને સમજી લેવાની તમારામાંથી કોઈમાં ખેવના નથી.  શમીમને કે એના અમ્માજાનને મન ’ધર્મ એટલે રુઢિનું આંધળું અનુકરણ’, એથી વધુ કશું જ નથી. મારો આગ્રહ છે કે તું આ સમગ્ર વાત પર ગંભીરપણે વિચાર કર્યા પછી જ નિર્ણય કરે.  જે શમીમ આજે પોતાની અમ્મીની હઠથી તને ધર્મ પરિવર્તન કરવા કહે છે, એ આગળ એવા જ આગ્રહથી તને બીજું શું કરવા જબરજસ્તી નહીં કરે, એની શું ખાતરી?”

રમણલાલના ધ્યાનમાં આવ્યું કે પોતાનો અવાજ થોડો જુસ્સાભર્યો થઈ ગયો છે અને મૃદુલા થોડીક ડઘાઈ ગઈ છે. પોતે જે છેલ્લું વાક્ય બોલ્યા – બોલી ગયા – તેનો એમને થોડો ખેદ થયો.  તેઓ ઊભા થઇ મૃદુલા પાસે ગયા અને વહાલથી એની પીઠ પર હાથ મૂકી બોલ્યા, “દીકરી, તને દુ:ખી કરીને હું કે તારી મમ્મી સુખી થઈ શકીએ ખરાં?  કદી નહીં."  પછી જરા દૂર ખસી એમણે આગળ ચલાવ્યું, "પણ એનો અર્થ એવો પણ નહીં કે તારી સમજણ વગરની વાતો કે જીદ અમે નભાવી લઇશું.  જે દિવસે તું અભ્યાસપૂર્વકની દલીલોથી મને સમજાવીશ કે હિંદુધર્મમાં શું ઉણપ છે અને ઇસ્લામ,  ખ્રિસ્તી, કે યહૂદી ધર્મમાં શું ઉચ્ચ તત્ત્વ છે કે જેનાથી આકર્ષાઈને તું એ ધર્મ સ્વીકારવા તૈયાર થઈ છે, તે દિવસે હું જાતે તારા ધર્મપરિવર્તનનો ઉત્સવ સમારંભ કરીશ, અને તને મસ્જિદ, ચર્ચ કે સીનેગૉગના દરવાજા સુધી મૂકવા આવીશ. પણ આવા કોઈના દુરાગ્રહથી, કેવળ લગ્ન કરી શકવા માટેની એક સગવડ તરીકે તું ધર્મ બદલવા નીકળીશ તો હું તારા એવા ધર્મપરિવર્તનનો અને એવા લ્ગ્નનો સખત વિરોધ કરીશ.” 

ચર્ચાએ ગંભીર સ્વરૂપ લીધું છે એ જોઈ રમણલાલ થોડી ક્ષણ ચૂપ રહ્યા.  મૃદુલાને પોતાની વાત પર વિચાર કરવાની તક આપવા માટે પાછા પોતાની જગ્યાએ જઈ બેઠા. મૃદુલાના મોં પરની તંગ રેખાઓ થોડી ઓછી થઈ છે એ જોઈ રમણલાલ આગળ બોલ્યા, “બેટા, છેલ્લા કેટલાક મહિનાથી આપણે આ વાત ચર્ચી છે. હવે એનો નિર્ણય કરવાનો સમય આવ્યો છે. નિરાંતે વિચાર કરીને પછી યોગ્ય નિર્ણય કરજે.”

રમણલાલની વાત પૂરી થઈ ત્યારે સુરભિની આંખમાં આંસુની જગ્યાએ એક નવી ચમક હતી.  થોડા જ દિવસોમાં આ બીજી વખત સુરભિને લાગ્યું કે ત્રીશ વર્ષના સહવાસ પછી પણ એ પોતાના પતિને હજી સમજી શકી નથી. બીજી બાજુ મૃદુલા ઊંડા વિચારમાં ડૂબેલી હતી. રમણલાલ બંને તરફ વારાફરતી જોઈને શાંત બેસી રહ્યા હતા. આખરે મૃદુલાએ શાંતિનો ભંગ કરતાં દલીલ કરી, “પણ પપ્પા, Marriages are made in heaven, એ ઉક્તિ અનુસાર અમારા લગ્નની વચ્ચે આવવું કોઈને માટે પણ ઉચિત છે ખરું?“ રમણલાલને આ નવી દલીલ રમૂજભરી લાગી. પરંતુ ચહેરા પરની એ લાગણી છુપાવીને તેઓ સહજ રીતે બોલ્યા, “મૃદુલા, દીકરી, તને તો ખબર છે કે હું heaven કે hell માં માનતો નથી. એટલે લગ્ન સ્વર્ગમાં ઠરાવવામાં આવે છે કે પૃથ્વી પર એ વિષે તો હું શું કહી શકું?  પણ એક વાતની મને ચોક્કસ ખબર છે કે બધા જ ધર્મ માનવે જ સર્જેલા છે અને એ પણ અહીં પૃથ્વી પર જ.  એટલે એવો માનવસર્જિત ધર્મ લગ્નની આડે આવે એ તો કેમ ચાલે?” ક્ષણભર મૃદુલા સ્તબ્ધ થઈ ગઈ. પછી પપ્પાની વાત પર વિચાર કરવા માંડી. જેમ જેમ એ વધુ વિચારતી ગઈ એમ એમ એને આ આખી પરિસ્થિતિ ખૂબ જુદા જ રૂપે દેખાઈ.

પાંચ-સાત મિનીટ વીતી ગઈ. કોઇ કશું બોલ્યું નહીં. આખરે રમણલાલ જ ફરી બોલ્યા, "બેટા, મારે તને આ વાત સમજાવવાની ભાગ્યે જ જરૂર હોઈ શકે, પણ ધર્મનો આવો વળગાડ તો મારી ઉંમરનાને હોઈ શકે. તમારા જેવાં યુવાન લોકો માટે તો પ્રેમ એ જ એકમાત્ર ધર્મ હોવો જોઈએ.  અને ’એ’ ધર્મ હિંદુ કે મુસ્લિમ એવા ભેદભાવ કદી નથી કરતો.” મૃદુલા હવે પ્રમાણમાં સ્વસ્થ દેખાતી હતી.  હવે એના હાથમાં સુરભિના હાથને બદલે સુરભિએ પોતાના હાથમાં એનો હાથ લીધો હતો. સુરભિ એ સ્પર્ષ દ્વારા પોતાનો સઘળો પ્રેમ દીકરીને આપી રહી હતી.

આખરે મૃદુલાએ બાજુની ટિપૉય પર પડેલો સેલફોન હાથમાં લીધો. સામાન્ય રીતે શમીમને ફોન કરે ત્યારે એ પોતાની રુમમાંથી વાત કરતી. અત્યારે એમ ન કરતાં એણે પપ્પા-મમ્મીની હાજરીમાં જ શમીમનો નંબર જોડ્યો.  સામેથી શમીમના પરિચિત "હેલ્લો ડાર્લિંગ," ના ટહૂકાને બદલે આન્સરીંગ ટેપનો ચીલાચાલુ અવાજ આવ્યો. મશીને બોલવાનું બંધ કર્યું પછી મૃદુલાએ ટૂંકો સંદેશ મૂક્યો. “શમીમ, ડાર્લિંગ આપણા લગ્ન અંગે મારે તારી સાથે વધુ વિગતથી વાત કરવી છે. મને ફોન કરીશ?  હું રાહ જોઈ…. બાય..”.  એક ’ક્લિક’ અવાજ થયો ને મૃદુલાએ ફોન બંધ કર્યો.

ઈસ્ટ વિન્ડસર, ન્યુ જર્સી.

૧લી એપ્રિલ  ૨૦૧૩.

e.mail : ashok@vidwans.com

ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં 12 માર્ચ 2016ના હૅરો  ખાતે લેખકે વાંચેલી વાર્તા.

Loading

12 September 2016 admin
← ધર્મસંસ્થા, સમાજ અને નાગરિકી સ્વતંત્રતા
GN Devy: A Portrait of the Linguist as a Humanist →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved