Opinion Magazine
Number of visits: 9463081
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ળ’ કોઈનો નહીં — નહીં; ‘ળ’ કવિતાનો

કમલ વોરા|Opinion - Literature|21 August 2019

બારાખડી ભણતું બાળક ક કમળનો કે ક કલમનો, ખ ખલનો કે ખ ખડિયાનો, ગ ગણપતિનો કે ગ ગધેડાનો એમ શીખે છે, પણ ળ અને ણ એ બે વર્ણો પાસે એ અટકી જાય છે. એને કહેવામાં આવે છે, ળ અને ણ કોઈના નહીં. ળ કોઈનો નહીં સ્મૃતિમાં દૃઢપણે જડાઈ જાય છે. ળ કોઈનો નહીં — ની શીખ બાળમાનસને ગોઠતી નથી, એનાથી સ્વીકારાતી નથી એટલે તે ચિત્તમાં ઘૂંટાતી રહી એને જંપવા નથી દેતી.

પ્રસ્તાવનામાં જ કહેવાયું છે કે બાળપણમાં પિતરાઈ ભાઈઓ કવિને ળળળળળ કહીને ચૂપ કરી દેતા ત્યારે તે ળની એમને દયા આવતી અને સાથોસાથ તેની તાકાતનો પણ પરચો થતો. જે નિર્દોષ પણ દમનકારી બાળચેષ્ટા હતી તે આગળ જતાં તેમને અવળા ખપમાં આવી. અંદર અને બહારથી આવતા અને ચૂપ કરવા મથતા તમામ અવાજોનો, તમામ પરિબળોનો પ્રતિકાર કરવા એ જ ળ વહારે આવ્યો! આમ ળળળ … એ પ્રતિકારનો શબ્દ છે, ચૂપ ન થવાની હઠનો શબ્દ છે. એ આક્રોશભર્યો ઓછો અને વિનયપૂર્વકનો હઠાગ્રહ ઝાઝો છે. પ્રતિષ્ઠા પંડ્યા અંદર અને બહારથી આવતા તમામ અવાજો પ્રત્યે સભાન છે અને પ્રતિકાર માટે સ્પષ્ટ છે. એમનાં કાવ્યોએ તમામ વિશેષણમાં ઘણું બધું સમાવ્યું છે. ચૂપ કરી દેવા પ્રવૃત્ત માત્ર બાહ્ય — સામયિક કે સામાજિક કારણો જ જો હોત તો એમના પ્રતિકારનો શબ્દ પ્રતિબદ્ધતાને વ્યક્ત કરનારો શબ્દ બન્યો હોત, ઝુંબેશનો સ્વર બન્યો હોત. એમ બન્યું હોત તો ભાવક તરીકે આપણને મર્યાદિત રસ જ પડ્યો હોત, કદાચ કવિને પણ. પ્રતિષ્ઠા પંડ્યાનાં કાવ્યોમાંથી પસાર થતાં લાગે છે, અનુભવાય છે કે એમને ચૂપ કરવા મથતાં, ચૂપ કરતાં જતાં અંતરબાહ્ય તમામ પરિબળો અને કારણોથી એ સભાન અને પૂરતાં સભાન છે. જેમ બાહ્ય કારણો અનેક છે તેમ જ આંતર કારણો — સંસ્કારનાં, ઉછેરનાં, સ્ત્રી હોવાનાં, રોજિંદાપણાનાં, સહજીવનનાં, ભયનાં, આકાંક્ષાઓનાં, અપેક્ષાઓનાં, હતાશાનાં, કંટાળાનાં એમ અનેક છે અને તે સઘળાં કવિના શબ્દને ચૂપ કરવા ઉત્સુક છે, ઉદ્યમી છે અને ત્યારે કવિને એ તમામને ળળળ … કહેવું છે, એમણે કહ્યું છે. એમને ઉત્તેજિત અને આનંદિત કરી મૂકતી આ એમની નાનકડી જીત છે; કોઈને ય હરાવ્યા વિનાની. આ કવિતા ચળવળની ન હોઈ, મુક્તપણે વિહરે છે અને ભાવકને પણ સહૃદયતાપૂર્વક નિમંત્રે છે! એમની કવિતામાં આપણને રસ પડે છે, આપણો રસ જળવાઈ રહે છે.

કાવ્યપ્રક્રિયા માટેની આ ઉલ્લેખી તે સ્પષ્ટતા અને સભાનતા સંગ્રહના પહેલા કાવ્યથી જ દેખાય છે. આ કાવ્ય જાણે ળળળ …નું ઉચિત પ્રવેશક છે. નિષ્ફિકર અને નિર્ભયપણે કવિ કહે છે, કહોને કે પડકાર ફેંકે છે : મારી પાંખો કાપો, પગમાં બેડીઓ નાખો, મારી કેડીઓ ઉજાડો; હું તો સરાણિયા પાસે લાલપીળી ચકમક ઉડાડતી, જિંદગીના પથ્થર પર બંને બાજુ રૂપેરી કોર ચમકાવતી, જીભને બેધારી કરી રહું છું! કાવ્યના શબ્દો આમ છે :

ળળળળળ … …


એકમાત્ર જીભના બળ પર


હું લડતી રહું


પંખ છોને કાપ મારી


નાખ પગમાં બેડીઓ


ચાહે તો જા, તું ઉજાડ


સારી કેડીઓ.


… …


મારી બેધારી જિહ્વાની અસર


તેં હજી જાણી નથી. (સરાણિયો, પૃ. ૧૭)

પણ કવિના આક્રોશને અંકુશમાં રાખતો કાવ્યવિવેક આ બેધારી તલવારને કાગળ પર ફેરવી લોહીલુહાણ કરવા તત્પર છે! આ કાવ્યની પહેલી પંક્તિમાં જીભને વધુ ધારદાર બનાવવા હેતુપૂર્વક પાંચપાંચ ળ છે! સરાણિયો થઈને શબ્દની ધાર કાઢતા રહેવું તે જ તો કવિકર્મ છે, કવિતાની સાર્થકતા છે. આ ભાવ લે કાવ્યમાં પણ પડઘાય છે. હાથ-પગ કપાઈ ગયા પછીનું કાવ્યનાયિકાનું ધડ છૂટી પડી ગયેલી ગરોળીની પૂંછડીની જેમ છૂરાના ઘામાં છટપટતું હોય ત્યારે કવિને ખુમારીપૂર્વક કહેવું છે :

હવે હું ઊડું છું


મુક્ત ગગનમાં


એમની નજર કરતાં ય


બહોળો વિસ્તાર છે


મારી પાંખનો


તેં મને દોડતાં રોકી


લે, હું હવે આકાશમાં ઊડું છું! (લે…!, પૃ. ૨૫)

અહીં લે-નો ખુમારીભર્યો રણકો સાંભળવો ગમે છે.

પ્રતિકારનો શબ્દ અગ્નિદાહ (પૃ. ૨૧) કાવ્યમાં જુદું જ રૂપ લઈને આવે છે. સ્ત્રીવિશેષના અનુભવો નિરૂપતાં કાવ્યો વચ્ચે પિતાના અવસાનને વર્ણવતું આ કાવ્ય ભાવક માટે ચોંકાવનારું છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પિતાના મૃત શરીરને અપાતા અગ્નિદાહનું અહીં નિર્મમ વર્ણન છે જે ભાવકને પણ દઝાડે છે. મૃત શરીરને દાહ આપતો માણસ જ જાણે જીવંત વ્યક્તિને દાહ આપતો અજાણ્યો જલ્લાદ બની જાય છે. પિતાને દેવાયેલો અગ્નિદાહ સાથોસાથ પુત્રી પણ અનુભવે છે. વેદના અનુભવ્યા વિના એક શરીર ભસ્મ થઈ જાય છે, બીજું ભસ્મ થયા વિના પારાવાર દાહકતા અનુભવે છે.

પણ પપ્પાના શરીરની જેમ


શરીર ભસ્મ થતું જ નથી! (અગ્નિદાહ, પૃ. ૨૪)

આ સંગ્રહનાં કાવ્યોને એમણે ક, ખ, ગ … એમ છ વિભાગોમાં હેતુપૂર્વક અને સમજણપૂર્વક ગોઠવ્યાં છે. દરેક વિભાગ એક વિશિષ્ટ વિષય કે ભાવને કેન્દ્રિત કરે છે. ક વિભાગનાં કાવ્યોમાં કિશોરી મટીને, કલ્પનાના સ્વૈરવિહારો ભંગ થયા પછીના રોજિંદા જીવનની જવાબદારીઓ વેંઢારતી સ્ત્રીની વ્યથા-કથની છે. વાસ્તવિકતાને સહન અને સામનો કરતી નાયિકાનો વલવલાટ છે. સંવેદનાને કહેવાતી કે કૃતક સંસ્કારિતાથી કવિ વેગળી રાખી શક્યાં છે એ કારણે એમની અભિવ્યક્તિમાં નિર્ભીકતા અને સાહસ આપણને વારંવાર નજરે ચડે છે.

ગીધડાંને ક્યાં પડી છે


મડદું ભૂખ્યું છે કે તરસ્યું છે (મિજબાની, પૃ. ૪૧)

ગૃહિણી થયા બાદ ઘરસંસારને કારણે જીવનમાં આવતી યાંત્રિકતા ને તેને લીધે થતી ગૂંગળામણને આ વિભાગનાં ઘણાં કાવ્યો યથાતથ પણ તારસ્વરે નિરૂપે છે. ખેલ (પૃ. ૨૭), પ્રેમિકા (પૃ. ૩૫), કવિતા કર … (પૃ. ૩૯)ને આ દૃષ્ટિકોણથી જોઈ શકાશે. જો કે વારતા (પૃ. ૧૧) અને પાનખર (પૃ. ૨૦) જેવાં કાવ્યો અનપેક્ષિત આશ્ચર્યો આપવામાં નિષ્ફળ નીવડે છે.

ખ વિભાગનાં કાવ્યોમાં એ જ રોજિંદા ગૃહિણીજીવનની વેદનાઓ હવે વધુ કાવ્યાત્મક અભિવ્યક્તિ તરફ ગતિ કરે છે. હવે લક્ષ અનુભૂતિ પરથી અભિવ્યક્તિ પર ખસે છે. કાવ્યો રૂપકોનો આધાર લઈને વધુ પરિપક્વ બને છે જેમાં કવિ તરીકે એમનો થઈ રહેલો વિકાસ નોંધી શકાય છે. મોટા ભાગે ઘરના કે પોતાની ગૃહસ્થીના પરિવેશને અગાઉનાં કાવ્યોમાં ખપમાં લેતી કવિનજર હવે ઘરની બહાર, આંગણામાં, વૃક્ષો, સવાર આદિ સામગ્રી તરફ વળે છે. ભીતરી ઊથલપાથલને બાહ્ય પ્રકૃતિ સાથે અનુબંધિત કરવાનો પ્રયાસ શરૂ થાય છે. એમ કરવાને લીધે એમની અનુભૂતિની ત્રિજ્યા પણ વિસ્તરે છે.

તારા શરીરના


તામ્રવર્ણ વળાંકોમાં


ઊડે છે અલપઝલપ


સોનેરી પતંગિયાં (સવાર, પૃ. ૫૧)

અલબત્ત, આ વિભાગનાં કાવ્યોનો વિષય તો — ભોંકાયેલી પેન્સિલની અણીએ હથેળીમાં કોરેલી કણીમાં લાવાની જેમ ધસમસ વહી આવતો પ્રેમ ભડકે બળે છે, નાયિકાને બાળે છે— તે જ રહે છે. (સંદર્ભ : ઘાવ, પૃ. ૬૫) આ બધાં કાવ્યોમાં પીંજરામાં પુરાયેલા પંખીની એકલતાની વેદના નથી પરંતુ ઊડવા, ઊડી જવા મથતા પણ ઊડી ન શકતા પંખીનો તલસાટ છે. અહીં નિરાશા કરતાં નિરુપાયતાની માત્રા વિશેષ હોય એવું લાગે છે. આ પ્રકારનાં કાવ્યોમાં મુખર થઈ જવાનું ભયસ્થાન હોય છે અને સભાનતા દ્વારા એનાથી બચવાનું હોય છે. ઝાંઝર (પૃ. ૬૬) કાવ્યમાં યાદોની યાદીથી લગભગ બોલકી થઈ ગયેલી કવિતા છેલ્લે વેરાઈ ગયેલી ઘૂઘરીઓને સમેટીને ઝાંઝર પહેરાવવાની વાતે ઊગરી જાય છે. જો કે વ્યંગ (પૃ. ૬૯) કે મહેલ (પૃ. ૭૧) સામાન્ય કાવ્યો થવામાંથી બચી શકતાં નથી.

ગ વિભાગમાં નાયિકા માત્ર કોઈ પરિણીતા નથી, સપનાં રોળાયેલી કૌટુંબિક સ્ત્રી નથી, પણ સ્ત્રી છે અથવા ખરેખર તો એક વ્યક્તિ છે. વ્યક્તિને સુખ-દુઃખ છે, આકાંક્ષાઓ-હતાશા છે, એકલતા-વિફળતા છે અને એટલે ખાલીપો (પૃ. ૧૦૦) જેવું, તરત જ ગમી જાય એવું કાવ્ય મળે છે. ખાલીપો એક બહેનપણી કે કોઈ વહાલસોયું અથવા તો કોઈ અજાણ્યું, અણગમતું જન હોય એમ પાત્રરૂપે આવે છે. કોઈ અન્ય વ્યક્તિ હોય એમ વર્ણવાયેલો ખાલીપો, સરવે કાને કવિતા સાંભળતાં પ્રતીતિ કરાવે છે આ તો અળગો, આઘો રાખવા ધારેલો પોતાનો જ અવિભાજ્ય અંશ છે!

ત્યાં તો દૂધવાળાની દરવાજે


ઘંટડી પર ઘંટડી


ને ઝબકી, મૂકતો પોક


બાઝે સજ્જડ મને વળી પાછો


કોઈના ગયા પછીનો 


આ સાવ એકલો ખાલીપો. (ખાલીપો, પૃ. ૮૨)

વાંચતાં વાંચતાં ચૂંટીને ગજવે મૂકી દેવા જેવું આ કાવ્ય છે. એ જ પ્રમાણે દિવસ(પૃ. ૧૦૪)માં કોઈ પ્રેમી હોય એવું સજીવારોપણ છે. આવી કાવ્ય-પ્રયુક્તિઓને લીધે વાચકનો રસ જળવાઈ રહે છે.

ઘ વિભાગમાં બાળપણની સ્મૃતિઓ અને ખોવાઈ ગયેલી સૃષ્ટિનાં કાવ્યો છે. બાળપણની સ્વપ્નનગરીનાં અનેક પાત્રોમાં માનું પાત્ર વારંવાર ભરાઈને આવે છે. કાવ્યનાયિકાનો મા સાથેનો સંબંધ, એ સમય માટેનો હિજરાટ આર્તસ્વરે પોકાર કરે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે અન્ય કાવ્યોની જેમ અહીં પણ માને એક દીકરી, એક સ્ત્રીના દૃષ્ટિકોણથી જોવામાં આવી છે અને એટલે વિગતો કોઈ દીકરી જ ત્વરિત નોંધી શકે એ રીતે નિરૂપાઈ છે. (જુઓ, કાવ્ય સ્મૃતિકિરણ, પૃ. ૧૩૦) કે —

શણગારતી ઘર-વરંડો-ગોખલો એકેક


એ ટગમગતા અજવાળાંએ


ના અજવાળતી


ધૂંધળી આંખો


આંખ મહીં ઊંડાશા


અંધારિયા નિર્જન ઓરડા (દિવાળી, પૃ. ૯૯)

હૉસ્પિટલમાં (પૃ. ૧૩૩) કે મા મરી ગઈ (પૃ. ૧૩૮) કાવ્યો હૃદયદ્રાવક છે. કાવ્ય પછી કાવ્યમાં મા-દીકરીના સંબંધ અને વિરહનું વર્ણન કરુણને ઘૂંટી ઘૂંટી કાવ્યાત્મકતા સિદ્ધ કરવા પ્રેરાય છે, કરે છે. મા મરે પછી પપ્પા સાવ બીકણ ફોશી થઈ જાય (મા મરે પછી, પૃ. ૧૪૬) તે નિરીક્ષણ જીરવવું કપરું બને એમ છે.

ળ વિભાગમાં પ્રતિષ્ઠા પંડ્યાનો કવિઅવાજ સ્પષ્ટ અને પોતીકી રીતે, અનોખો અને અલાયદો થઈને ભરે છે અને મારા મતે આ ળ વિભાગ સંગ્રહનાં ઉત્તમ કાવ્યોને સમાવે છે. અનેક પૌરાણિક પાત્રોને લઈ અહીં કાવ્યો રચાયાં છે; પણ આ કાવ્યોમાં જે તે પાત્રના જીવનનું પુનઃકથન નથી કે નથી એ પાત્રોને નિમિત્ત બનાવીને પોતાની સંવેદનાને વહન કરાવવાનું કોઈ પ્રયોજન. અહીં તો એ પાત્રની સંવેદનાનો તાણો લઈને એમાં પોતાની સંવેદનાનો વાણો વણીને ભાત રચવામાં આવી છે જે ભાવકને તોષ કરાવતો કાવ્યાનુભવ આપી રહે છે. આ કાવ્યોમાં સ્ત્રી-પુરુષનાં જાતીય સંવેદનો અને આવેગોના અંકનમાં છોછ રાખ્યા વિના આરંભથી જ જે સાહસિકતા વારંવાર દેખાતી હતી તેનો વધુ હિંમતભેર ઉપયોગ થયો છે. આ કાવ્યયુક્તિ એમને આપોઆપ એક મુક્ત અવકાશ રચી આપે છે જેનો તેઓ ભારે સૂઝથી વિનિયોગ કરે છે.

દ્રૌપદી કાવ્ય દ્રૌપદીનું છે એટલું જ અર્જુનનું કાવ્ય પણ છે!

એ પૂછતો દ્રૌપદીને


કે એનો કયો સમય સૌથી વધુ ગમે છે


પાંચ ભાઈઓમાંથી એને સૌથી વધુ કયો ગમે છે?
 (દ્રૌપદી, પૃ. ૧૧૭)

અર્જુનના પ્રશ્નમાં રજૂ થતા સંવેદનમાં કવિએ ખાસ્સું સાહસ દેખાડ્યું છે અને એમ કરીને એને હાડ-માંસનો માણસ બનાવ્યો છે. આ મનુષ્યસહજ પ્રશ્નમાં છતી થતી કવિની મનુષ્યનિસબત, પાત્રનો સ્થળકાળનો સંબંધ બદલી નાખે છે. દ્રૌપદી માટે એને પ્રાપ્ત પરિસ્થિતિ કે સ્ત્રી તરીકેની નિયતિથી ઊગરવાનો કદાચ એક જ ઉપાય છે કે તે બંનેથી લિપ્ત થયા વગર એ રાસની કલ્પનામાં રમમાણ રહી કૃષ્ણ સાથે અનુસંધાન કરી લે.

ગોળ


ગોળ


ગોળ


ગોળ


ફરે છે દ્રૌપદી


ને મનમાં તો


કૃષ્ણને સ્મરે છે! (દ્રૌપદી, પૃ. ૧૧૭)

આગવી અને અનોખી રીતે, દેખીતા પૌરાણિક કાવ્યવિષયને ગ્રહણ કરવાની રીતિ આ ગુચ્છનાં કાવ્યોથી આ સંગ્રહનો એક મહત્ત્વનો ખંડ રચાય છે અને પ્રતિષ્ઠા પંડ્યા આપણાં અભિનંદનનાં હકદાર બને છે. આ અને આ પ્રકારનાં કાવ્યોમાં સ્ત્રીના વિશિષ્ટ દૃષ્ટિકોણથી નિર્ભીકપણે આલેખાયેલાં જાતીય સંવેદનો આજે લખાતી ગુજરાતી કવિતામાં પણ કવિનો તાજો અને જુદો અવાજ સંભળાવે છે. અને જો ઝીણી નજરે જોઈએ તો આ કાવ્યો કોઈ પણ લાચાર છતાં ઉન્નત મસ્તક સ્ત્રીનાં જુદી જુદી રીતે થતાં શારીરિક શોષણનાં કાવ્યો છે.

સત્યની અનુભૂતિ જો શરીર સોંસરી છે


તો શરીર શું અસત્ય છે? (અહલ્યા, પૃ. ૧૧૯)

દ્રૌપદી હો કે અહલ્યા કે ગૌતમી કે ગાંધારી આ તમામ પાત્રોને ખરેખર તો કવિએ પડકાર અને પ્રતિકારનો શબ્દ ળળળ … જીભવગો કરી આપ્યો છે. સાંભળવો છે આવો એક વધુ ળળળ … અવાજ?

પણ મારા મનમાં વિસ્તરતી ક્ષિતિજોને


નાનો પડવા લાગ્યો તારો ઘડો


ને એક દિવસ હું ચાલી નીકળી


તોડીને ઘડો


તરછોડીને જળાશયો


મૂકી વહેતી બાંધેલી નદીઓ


ભૂલીને મનુની હોડી


હું ચાલી નીકળી


બની એક વિશાળકાય માછલી (મત્સ્યાવતાર, પૃ. ૧૨૬)

ભાષાની હિંસકતા, તીવ્રતા અને વિચારોની સ્પષ્ટતા દ્વારા અવતારવિષયક જુદાં જુદાં કાવ્યોમાં કવિએ એ સૂરને ઘૂંટી ઘૂંટીને આ સંગ્રહની ઉત્તમ પ્રાપ્તિ બનાવી છે! મેં અગાઉ નોંધ્યો તે મુદ્દો કે આ તમામ પૌરાણિક પાત્રોને કવિતાએ જીવતા, સંવેદનશીલ મનુષ્યો બનાવ્યા છે અને તેનું અનુમોદન સંગ્રહની છેલ્લી કવિતામાં મળી રહે છે.

પણ આંખ સામે આંખ


કદી માંડશો


તો છલકાઈ ઊઠશે


એની દાબીને રાખેલી લાગણીઓ


સાવ દુન્યવી, આર્ત, ગભરુ, વિહ્વળ


ને તમે જોશો


નવવધૂની જેમ એ સૌને સંકોરી ઊભેલી


એક સાવ એકલી નારી. (એક દુર્ગા એક નારી, પૃ. ૧૩૪)

પૌરાણિક પાત્રોને આ કાવ્યોમાં દેહધારી મનુષ્યો બનાવી પ્રતિષ્ઠા પંડ્યા સરાણિયા પાસે ધાર કઢાવેલી બેધારી છરીથી અડે છે. લોહીલુહાણ થવું અપેક્ષિત છે, અનિવાર્ય છે, પણ ફળસ્વરૂપ એક સંતર્પક કાવ્યાનુભવ મળે છે.

કૃતક અને પોચટ લાગણીવેડામાં લપેટાઈને કાવ્યપ્રવૃત્તિમાં રચ્યા રહેતા ઘણા નવલખિયા મિત્રો માટે આ કાવ્યસંગ્રહ એક ઉદાહરણ છે. એવા વાતાવરણમાં પોતાના જુદા અવાજ માટે કોઈ કવિ મથે ત્યારે આ કપરા સમયમાં કવિતાનું હવે શું થશે એ પ્રશ્ને થતી અવારનવાર મૂંઝવણ માટે આપણને નિશ્ચિત જ હૈયાધારણ મળે છે કે ઊગરી જવાની હજુ શક્યતા છે!

સહૃદય ભાવક તરીકે આપણે કહેવા ઇચ્છીએ છીએ, કહી શકીએ છીએ કે ળ કોઈનો નહીં— નહીં; ળ કવિતાનો!

પણ ળ ને કવિતાનો કરી લીધા પછી શું? દરેક કવિતાયાત્રા પૂરી થયા પછી ફરી એકડે એકથી જ કવિતા શરૂ કરવાની હોય છે. સાચો કવિ દરેક કવિતા વખતે પહેલી વાર કવિતા લખતો હોય એવું અનુભવે છે. એને જો લાગે કે એણે કવિતા તો લખી લીધી, તો પછી કવિતા લખવાનો કોઈ અર્થ નથી રહેતો. અને એટલે ળ પછી ફરી ક જ ઘૂંટવાનો હોય, ઘૂંટવો જોઈએ! અને એમ ફરી આરંભાતા એક નવા, એક જુદા ક વિભાગમાં સાત નગરકાવ્યો દ્વારા કવિતાનો નવો અને જુદો આયામ પ્રસ્તુત થાય છે. આ ક સાથે અનુસંધાન જાળવીને પ્રતિષ્ઠા પંડ્યા ફરી કવિતાના ળ સુધી પહોંચે એવી શુભેચ્છા રાખી, ગુજરાતી કવિતામાં ળળળ … નું હરખભેર સ્વાગત કરું છું.

[પ્રતિષ્ઠા પંડ્યાના “ળળળ …” નામક કાવ્યસંગ્રહનો ઉપોદ્દઘાત; પૃ. 05 થી14]

“ળળળ …” : કાવ્યસંગ્રહ : કવયિત્રી – પ્રતિષ્ઠા પંડ્યા : પહેલી આવૃત્તિ, જૂન 2019 : પ્રકાશક – નવજીવન મુદ્રણાલય, અમદાવાદ – 380 014 : ISBN : 978-81-7229-920-0 :પાન – 144 : કિંમત રૂ. 200/-

•••••

કવિની પ્રસ્તાવના :−

ક ખ ગથી ળ સુધી

ક કમળનો ક

ખ ખલનો ખ

ગ ગણપતિનો ગ

ઘ ઘરનો ઘ

એમ બધું લયબદ્ધ ચાલતું હોય ત્યાં ટીખળ કરતો હોય એમ વચમાં ‘ળ’ આવે ને બારાખડીની એકધારી ભાત થોડી હાલી જાય, વીખરાઈ જાય. તંત થોડો તૂટે; કારણ, ‘ળ’ કોઈનો થઈને ના રહે. ‘ળ’થી કોઈ નવી શરૂઆત ન થાય. ‘ળ’થી બારાખડીમાં માત્ર સહેજ અમસ્તો ખળભળાટ થાય. પોતાના જ કરેલા ખળભળાટથી થોડો વિસ્મિત, થોડો ક્ષોભિત, થોડો ભયભીત, થોડો પુલકિત, નહીં સાવ ટટ્ટાર ને નહીં સાવ કોકડું વાળેલું શરીર લઈ એ બારાખડીના એક ખૂણામાં બેસી જાય. ‘ળ’ની મને ખૂબ દયા આવતી, પરંતુ એક વાર પિતરાઈ ભાઈઓએ મારી કોઈ વાત સાંભળવી નહોતી ને મને “ળળળળળળ …” કરીને ચૂપ કરી દીધી હતી ત્યારે મને ‘ળ’ની શક્તિનો ખરો પરચો થયેલો. જાણે કહેતો’તો : “આપણાથી શબ્દ શરૂ ના થયા તો શું, આપણે એકલા ભલભલાના ગુમાનને ચૂર કરી શકીએ છીએ!” આજે વર્ષો પછી મારી અંદર અને બહારથી આવતા મને ચૂપ કરવા મથતા તમામ અવાજો સામે મારું પોતાનું “ળળળ …” મૂકું છું.

— પ્રતિષ્ઠા પંડ્યા

(પૃ. 05)

………………………

− અને, એક કાવ્ય :

સહાય સૌજન્ય : કમલ વોરા, કિરણ કાપુરે તેમ જ સોહમ પટેલ

Loading

21 August 2019 admin
← On Raksha bandhan
દેશનાં લોકતંત્ર માટે ખતરો તો છે, પણ વિકલ્પ ક્યાં છે ? →

Search by

Opinion

  • સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !
  • વાંચનનો વ્યાયામ : પુસ્તકો વાંચતા લોકો બે વર્ષ લાંબુ જીવે છે!
  • લદ્દાખની લડતઃ શાસન સામે સ્વાયત્તતા, ગૌરવ અને રાજકારણનો જંગ
  • ગાંધી અને રાષ્ટૃીય સ્વયંસેવક સંઘનો મેળ બેસે તેમ નથી !
  • ચલ મન મુંબઈ નગરી—308 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved