Opinion Magazine
Number of visits: 9448692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુન્તકનો પુનરવતાર

વલીભાઈ મુસા|Opinion - Short Stories|1 October 2020

‘ભાયા, જરા જુઓ ને મારાં ચશ્માંની દાંડી ગુલ થઈ છે તે! ઓપરેશન થઈ શકે તો ઠીક, નહિ તો નવી જ ઠપકારી દિયો’, આગંતુક ગ્રાહકે ધીરગંભીર ચહેરે કહ્યું.

ઑપ્ટિશ્યન અને હું ખડખડાટ હસી પડ્યા.

‘કેમ, કેમ ભાયાઓ, મારી સહજ વાતમાં તમને લોકોને એવી તો શી મજા પડી ગઈ કે આમ મોકળા મને હસ્યા!’ આગંતુકે અમારા બંને સામે વારાફરતી ઝીણી આંખે જોઈ લેતાં પૂછ્યું.

ઓપ્ટિશ્યને તો મલકતા મુખે ચશ્માંને તપાસવાનું કામ શરૂ કરી દીધું, પણ વડીલના પ્રશ્નનો જવાબ તો મારે જ આપવો પડ્યો : ‘દાંડી ગુલ, ઓપરેશન અને ઠપકારી દિયો જેવા એક જ વાક્યમાં છૂટી રીતે રમતા મુકાયેલા આપના શબ્દો એરંડિયું પીધેલા જેવું મોઢું ધરાવનારાને પણ હસાવ્યા વિના રહી શકે ખરા!’

‘ઓહ, એમ છે! જુઓ ભઈલા, આ તો મારી સ્ટાઈલ છે. આસાનીથી જીવન જીવવાની આ કળાને મારા જન્મ ટાણે દાયણે ગળથૂથી તરીકે પાઈ હશે કે કેમ એની મને ખબર નથી, પણ હસો અને હસાવો એ મારો જીવનમંત્ર બની રહ્યો છે. વળી મારાં ફોઈએ મારું નામ હસમુખ રાખ્યું તો મારે તેમના ઋણની અદાયગી તો કરવી જ પડે ને!’

ઓપ્ટિશ્યને અમારી વાતચીત વચ્ચે વિક્ષેપ પાડતાં કહ્યું, ‘વડીલ, દાંડીને ઓપરેશન થાય તેમ તો નથી, પણ ચશ્માંને ની (Knee) રીપ્લેસમેન્ટની જેમ નવી જ ફ્રેમ નાખવી પડશે!’

‘વાહ, તમે પણ મારી ભાષામાં જ બોલ્યા! ચાલો, હસમુખા ખુશ હુઆ! હંઅ, તો ભાઈ ફ્રેમ રીપ્લેસ કરી જ દિયો. તમને પણ બેવડો લાભ થવો જોઈએ ને!’

‘બેવડો લાભ? સમજાયું નહિ.’

‘સેલ્સ એન્ડ સર્વિસ જ તો!’

‘હા, હા. પણ વડીલ ચશ્માંના કાચને પણ સ્ક્રેચ પડેલા છે.’

‘તો એ પણ બદલી નાખો.’

‘બંને બદલીએ તો તમારું રહેશે શું?’ ઓપ્ટિશ્યને કટાક્ષ કર્યો.

‘કેમ, ચશ્માંને ટેકવવા નાક અને બેઉ કાન તમે આપવાના છો? ભલા, એ ટેકણિયાં તો મારાં જ રહેશે ને!’

અમે બેઉ વળી પાછા ખડખડાટ હસી પડ્યા અને અમારા હસવામાં ત્રીજો સ્ત્રૈણ અવાજ ભળ્યો. જી હા, એ જ પળે એક કોલેજિયન જેવી લાગતી કન્યા દુકાનમાં પ્રવેશતાં બોલી પડી, ‘આજે જ નાક અને કાનના વિશેષ ઉપયોગો ધ્યાનમાં આવ્યા! આપણને નથી લાગતું કે આપણા શરીરવિજ્ઞાન ભણાવતા સાહેબો આ સમજાવવાનું ચૂકી ગયા હોય!’

‘આવું તો ઘણું અભ્યાસક્રમમાં છે જ નહિ. તેમણે ઉચ્ચાલન ભણાવતાં સાણસી, સૂડી અને ચીપિયાનાં ઉદાહરણો તો શીખવ્યાં; પણ કોઈએ એ શીખવ્યું કે સાણસીના આગળના ભાગે એક પાંખિયું કેમ અર્ધવર્તુળાકાર હોય છે? ચાલ, દીકરી. તમારો ગૃહિણીઓનો બેસોડાનો વિષય છે, તો તું પ્રકાશ પાડશે?’ હસમુખકાકાએ એક કોર્નરનો પ્રશ્ન પૂછીને કન્યાની કોટમાં દડો નાખ્યો.

‘બેસોડા? સમજાયું નહિ!’

‘ક્યાંથી સમજાય? આપણી ગુર્જરગિરાએ ‘પાંચ’ અને ‘પ’ તથા ‘બે’ અને ‘ર’ના આકારો એક જેવા જ રાખ્યા છે તે! અમે ભણતા ત્યારે પરીક્ષાને પાંચ રીક્ષા કહેતા, અમારા વર્ગમાંના રમણને બે મણ કહેતા; તો વળી અમારી શાળાના પટાવાળાને બાવન બત કહીને ચીડવતા!’ કાકાએ ‘પ’પુરાણને ‘ર’રાગે સંભળાવી દીધી.

કન્યા ઘંટડીના મધુર રણકારની જેમ ખડખડાટ હસી પડતાં બોલી ઊઠી, ‘ઓહ, સમજી. તપેલીની બાહ્ય કોર સાણસીના એ ભાગમાં સમાઈ જતાં તેને સમતલ રીતે પકડી શકાય. વડીલ, ખરેખર આપ વીટી (Witty) છો!’

‘ના જી, હું એચ.ટી. છું! મારું નામ હસમુખલાલ ત્રિભોવનદાસ છે!’

‘અરે બાપલિયા, તમે તો હસાવી હસાવીને મારી નાખશો!’ હસવું ખાળતાં બહેના બોલી.

‘આપ્ટે, મેડમની વાત સાચી છે. મારે છોકરાં નાનાં છે અને મને હાલમાં મરવું પોષાય તેમ નથી, તો હું રજા લઉં!’

‘ના, અલ્યા. બેસ, બેસ. આજનો તો આખો દિવસ સુધરી ગયો! તમે લોકોએ મારી દુકાનને ખરે જ હાસ્યક્લબમાં ફેરવી દીધી! ખેર, હવે કામની વાત કરીએ. બોલો વડીલ, નવાં ચશ્માં આપી દઉં?’ ઓપ્ટિશ્યન આપ્ટેએ વિષયાંતર કરતાં કહ્યું.

‘હા, પણ એક શરતે.’

‘બાપલિયા, હવે હસાવશો નહિ અને ગંભીરતાપૂર્વક આપની જે શરત હોય તે કહો.’ ઓપ્ટિશ્યને કહ્યુ.

મિ. હસમુખલાલ કોલેજ કન્યા તરફ ફરતાં બોલ્યા, ‘દીકરી, તારું નામ શું?’

‘સ્મિતા.’

‘OMG! મારી દીકરીનું નામ પણ સ્મિતા છે, સાસરિયે છે. તેની વતી તારે મને ચશ્માંની ફ્રેમ પસંદ કરી આપવી પડશે.’

‘પણ વડીલ, આપની શરત તો કહો.’ આપ્ટેએ શરતની યાદ અપાવી.

‘શરત તો મેં હાલ કહી તે જ, પરંતુ હવે તે શરત નહિ; પણ આગ્રહ જ રહેશે અને તે એ જ કે તમારે સ્મિતા પાસે જ ફ્રેમ પસંદ કરાવવાની રહેશે. વળી આ મારા પુત્રતુલ્ય મિ. કુહાડી તેની પસંદગી ઉપર મહોર મારશે, મારે કંઈ લેવાદેવા નહિ.’

બધાં ખડખડાટ હસી પડ્યાં.

‘કુહાડી! માન્યવર, આપ સાથેના અલ્પ સમયના સહવાસમાં હવે હું પૂરેપૂરો વી.ટી. બની ગયો છું. મિ. કુહાડી એટલે મિ. એક્સ, ખરું કે નહિ! આપને મારા નામની ખબર નહિ એટલે જ તો આપે મને એ ડમી નામ આપ્યું! તો મારું નામ ખરે જ વી.ટી. એટલે કે વિનોદ ત્ર્યંબકલાલ છે.’

‘અરે, અરે! કમ્માલનો હાસ્ય નામધારીઓનો ચતુષ્કોણ રચાઈ ગયો જુઓ ને! મારું નામ પ્રસન્ના આપ્ટે છે.’

‘વાહ! પ્રસન્ના, વિનોદ, સ્મિતા અને હસમુખ; જબરો જોગાનુજોગ થયો કહેવાય!’ સ્મિતાએ સ્મિતમઢ્યા ચહેરે કહ્યું.

‘મિ. આપ્ટે, આ વિનોદ મારા પહેલાં જ તેના કોઈક કામે આવેલો લાગે છે અને આમ તમે તેને સાઈડ કરીને મારા કામને અગ્રીમતા આપો તે અનુચિત કહેવાય. પહેલાં તેનું કામ પતાવી દો, બાકી હું તો નવરો જ છું.’

‘એ મારો મિત્ર છે અને રોજ મફતની ચાની ચુસકી માણવા આવી જાય છે. તમારો જ પહેલો નંબર છે અને પછીનો નંબર આવશે, બહેન સ્મિતાનો.’

એક ટેલિફિલ્મ કંપનીની પટકથા મેળવવાની જાહેરાતથી પ્રેરાઈને હું કોઈ કથાબીજને પામવા ઘરેથી નીકળી પડ્યો હતો. મારી રોજિંદી આદત મુજબ હું મારા મિત્ર આપ્ટેની દુકાને આવી ગયો હતો. મને લાગ્યું કે હસમુખ અંકલ પાસેથી જ મને વાર્તા મળી રહેશે; અને વળી માત્ર વાર્તા જ નહિ, વાર્તાનાયકનું પાત્રાલેખન પણ તેમના વ્યક્તિત્વમાંથી મળી રહેશે. હસમુખ અંકલને હજુ વધુ સમજવા માટે મિત્રાચારી કેળવીને હું તેમની સાથે થોડોક વધુ સમય ગાળવા માગતો હતો. નવીન ચશ્માંની ખરીદી પતી ગયા પછી જેવા હસમુખ અંકલ દુકાન બહાર નીકળ્યા કે તરત જ હું તેમની સાથે જોડાઈ ગયો.

અમે બંને ગપસપ કરતા કરતા બજારમાં ચાલી રહ્યા હતા, ત્યારે હસમુખ અંકલના લગભગ સમવયસ્ક જેવા દેખાતા એક વડીલે તેમની સાથે હસ્તધૂનન કરતાં પૂછ્યું, ‘હસમુખ, એક પાંખે ઊડવાનું હવે ફાવી ગયું છે ને!’

મને સમજતાં વાર ન લાગી કે હસમુખ અંકલ થોડાક સમય પહેલાં જ કાં તો વિધુર થયા હોય અથવા આન્ટીથી લગ્નવિચ્છેદ થયો હોય કે પછી સંજોગોવશાત્ પ્રોષિતપત્નીક થયા હોય અને તેથી જ તો તેમના મિત્રે તે જ મતલબની પૃચ્છા કરી હતી. મને રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ ફિલ્મની યાદ આવી ગઈ. તેમના જીવનમંત્ર ‘હસો અને હસાવો’ પાછળ દિલમાં ધરબાયેલા તેમના કોઈક દર્દનો મને અહેસાસ થવા માડ્યો. હું હસમુખ અંકલના પ્રત્યુત્તરને જાણવા અધીરો બન્યો.

તેમણે હસતાં હસતાં પેલા વડીલને વળતો પ્રશ્ન પૂછ્યો, ‘અલ્યા, હું તને પૂછું છું કે પરણ્યા પહેલાં તારે કેટલી પાંખો હતી?’

‘એક જ, તો વળી!’

‘ભલા માણસ, મારે ય એક પાંખ હતી. પરણ્યો એટલે બે થઈ હતી. બીજી તો ઉછીની હતી, જેને ઈશ્વરે વસૂલી લીધી. હવે મારી મૂળ એક પાંખ તો મારી પાસે છે જ, તો પછી હવે અભાવ શાનો!’

મને સમજાઈ ગયું કે કાકા વિધુર થયા છે.

‘બસ દોસ્ત બસ, મને તારા આવા જ જવાબની અપેક્ષા હતી. ખુશ રહે. મારે ઉતાવળ હોઈ તારી રજા લઉં છું. ફરી કોઈવાર મળીશું.’

હસમુખ અંકલની મુલાકાતમાંથી મને કથાબીજ તો મળી ગયું હતું, પણ તેમની સ્થિતપ્રજ્ઞતા જોતાં મારે તેમના વ્યક્તિત્વને ઊંડાણથી તપાસવું હતું. મેં દરખાસ્ત મૂકતાં કહ્યું, ‘વડીલ, જો આપને અવકાશ હોય, તો આપણે બગીચાના બાંકડે બેસીએ. વળી આપને માફક આવે તો પેલી લારી ઉપરથી આખા શહેરમાં વિખ્યાત એવી બે કુલફી લઈ આવું.’

‘ભાઈ, તું ત્રિકાળજ્ઞાની લાગે છે. હું ય એ કુલફીનો ચાહક છું, પણ દામ હું ચૂકવીશ.’

‘એ નહિ બને. કુલફીની દરખાસ્ત મેં મૂકી છે અને તેથી એ હક મારો બને છે.’

‘ભલે, એમ કર, જા.’

અમે બગીચાના ખૂણાના બાંકડે જઈ બેઠા. કુલફીની લિજ્જત માણતા જતાં અમારી વચ્ચે વાતનો દૌર શરૂ થયો.

‘દીકરા, તું સાહિત્યસર્જક લાગે છે અને મારી સાથેની વાતચીત દ્વારા તું કંઈક મેળવવા માગે છે; કેમ ખરું ને!’

‘સાચી વાત, પણ આપને શી રીતે ખબર પડી?’

‘તું એકલો ત્રિકાળજ્ઞાની હોઈ શકે ખરો! લે, હવે એ વાત પડતી મૂક; અને તારે મને જે પૂછવું હોય તે પૂછ.’

‘મારે કશું ય પૂછવું નથી. આપણે માત્ર વાતો જ કરીએ.’

“તો સાંભળ. વોટ્સએપ ઉપર આજે મારા મિત્રે મોકલેલું એક અવતરણ વાંચવા મળ્યું, જેનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું. તે આ પ્રમાણે હતું : ‘હું કાયમ જીતતો આવ્યો છું, કેમ કે મારી પાસે હથિયાર અનેક છે; જેવાં કે માફી આપવી, જતું કરવું, કાયમ હસતા રહેવું અને જરૂર જણાયે મૌન ધારણ કરવું.’”

‘મજાનું અવતરણ, પણ ‘કાયમ હસતા રહેવું’ એ તો આપની મનભાવન વાત; ખરું કે નહિ?’

‘બેશક, પણ મને વધારે સ્પર્શી ગઈ છે ‘જરૂર જણાયે મૌન ધારણ કરવાની વાત.’

‘હું પણ મૌન સાથે સંમત થાઉં છું. કહેવામાં આવ્યું છે કે મૌન ઘણીવાર એક મોટા પ્રવચનનું કામ કરી જતું હોય છે.’

“ભઈલા, એક વાત કહું તો તું માઠું લગાડીશ નહિ. મને તત્ત્વજ્ઞાનમાં કોઈ રસ નથી. ‘હસો અને હસાવો’ એ જ મારો જીવનમંત્ર છે. તો તું કંઈક હસવા-હસાવવાની વાત કરે તો મને વધારે ગમશે.’

‘એ વાત કરવાનું કામ આપનું, હું તો ભોક્તા જ રહીશ.’

‘તો સાંભળ. હાસ્યની વાત મંડાય નહિ. એ તો કથાકારો, હાસ્ય કલાકારો અને રાજનેતાઓ જ માંડી જાણે. હું તો એવો કોઈ મોકો મળી જાય, તો કોઈક મમરો મૂકી દઉં. હું પ્રોફેશનલ હાસ્યકલાકાર નથી. હું તો આસાન જિંદગી જીવવાવાળો માણસ છું. હું ખુશખુશાલ રહેવામાં અને અન્યોને ખુશખુશાલ રાખવામાં માનું છું.’

‘તો આજે મને એવું કંઈક કહો ને કે જેથી હું ખુશખુશાલ થઈ જાઉં.’

‘જો હું કોઈ ચવાઈ ગયેલા ટુચકાઓ દ્વારા મારું કે બીજાંઓનું મનોરંજન કરવાવાળો માણસ નથી. પ્રસંગોપાત મારાથી વાતોવાતોમાં કંઈક એવું માર્મિક કથન થઈ જતું હોય છે, જે સામેવાળાઓને આનંદ આપતું હોય છે.’

‘હમણાં આપના મિત્ર સાથેની આપની વાતમાંથી મેં જાણ્યું કે આપ વિધુર છો. ગુસ્તાખી માફ, પણ હું પૂછું છું કે આપનાં શ્રીમતીજીના અવસાનના દુ:ખને ભૂલવા માટે આપ હાસ્યનો સહારો તો નથી લઈ રહ્યા ને!’

‘ના, એવું નથી. હું તો મારાં લગ્ન પહેલાંથી જ આવો હતો. ધારી લે કે તારી કાકી સજીવન થાય અને તું તેને પૂછે તો તે એમ જ કહેશે કે, ‘ભઈલા, એ તો પહેલાંથી જ એવા છે!’

‘વડીલ, પેલી સ્મિતાએ આપને સરસ ફ્રેમ પસંદ કરી આપી છે. આપની દીકરી સાસરિયેથી આવે ત્યારે ફ્રેમ વિષેનો તેનો અભિપ્રાય જરૂર મેળવજો. મને ખાત્રી છે કે તે પણ તેની પસંદગીને અનુમોદન આપશે જ.’

અમારી વચ્ચે સ્મિતાની વાત ચાલી રહી હતી, ત્યાં તો કોઈક ટેલિપથીની જેમ એ જ સ્મિતા તેની બે બહેનપણીઓ સાથે અમારી તરફ આવી રહી હતી.

સ્મિતાએ અમારી પાસે આવતાંની સાથે જ ઉલ્લાસભેર મને કહ્યું, ‘મારું કામ પતી ગયા પછી તરત જ આપ બેઉનો પીછો કરતાં મને લાગ્યું કે આપ બેઉ બગીચામાં દાખલ થઈ રહ્યા છો. હું સીધી જ  બજારમાં છૂટી પડેલી મારી આ બહેનપણીઓને અહીં પકડી લાવી છું, મુરબ્બીનાં દર્શન કરાવવા અને તેમની સાથેની વિશેષ ગોષ્ઠિ માણવા! સાચું કહું તો પહેલી જ મુલાકાતે હું હસમુખ અંકલની ફેન થઈ ચૂકી છું. તનાવમુક્ત જીવન જીવવાની જડીબુટ્ટી તેમની પાસે છે, જેનો મને પાકો યકીન છે.’

‘ઓ માય લવલી ડોલ, આમ ને આમ તું મારી પ્રચારક બનીને મને એવો સેલિબ્રીટી બનાવી દઈશ કે મારા માટે જાહેર માર્ગોએ ચાલવું દુષ્કર બની જશે. બાય ધ વે, તારી બહેનપણીઓની ઓળખ તો આપ.’

‘વડીલ, આજનો દિવસ તો જોગસંજોગની પરાકાષ્ઠાનો દિવસ છે. આપણે પેલી મિ. આપ્ટેની દુકાને હાસ્યના પર્યાય જેવાં નામોએ આપણે ચાર જણ ભેગાં થઈ ગયાં હતાં અને આ બેઉને હું પકડી લાવી છું, જેથી આપણે અર્ધો ડઝન થઈશું. તો આ બેઉ છે, સ્માઈલી અને ડિમ્પલ.’

બંનેએ હસમુખ અંકલને વંદન કર્યાં.

‘ઓ માય ઈશ્વરાલ્લાહ, ખરે જ તારી ગતિ ખૂબ ન્યારી છે.’

‘ઈશ્વરાલ્લાહ! વેરી ક્યુટ! નવો શબ્દપ્રયોગ જાણવા મળ્યો.’ સ્માઈલીએ હર્ષભેર કહ્યું.

‘નો નોટ એટ ઓલ અ ન્યુ વર્ડ, ઓલ્ડ સિરપ ઈન એ ન્યુ બોટલ. ગાંધીજીની પ્રિય ધૂનમાંના ઈશ્વર અને અલ્લાહને આપણે આપસમાં ઝઘડવા માટે જુદા પાડ્યા હતા. તેમને સંપસુલેહથી જીવવા માટે મેં ભેગા કર્યા છે, વિશેષ કંઈ નહિ. ખેર, દીકરી તને પૂછું છું કે લોકો તારા નામે તને બોલાવવામાં ઈસ્માઈલી કહીને તને મુસ્લીમ તો નથી બનાવી દેતા! અમે ભણતા ત્યારે અમારો એક સહાધ્યાયી ‘સ્માઈલ’નો ઉચ્ચાર ‘ઈસ્માઈલ’ જ કરતો. છેવટે અમારા સાહેબે કંટાળીને તેને તેની હાલત ઉપર છોડી દીધો હતો.’

‘લોકો મને એમ બોલીને મુસ્લીમ બનાવી નથી દેતા, કેમ કે હું મુસ્લીમ જ છું. મારું નામ સ્માઈલી નુરુદ્દીન શેખ છે.’

’ઓહ, તારા વસ્ત્રપરિધાનથી ખ્યાલ આવે નહિ, પરંતુ તારા વાલીદ નુરુદ્દીનને પગ પછાડીને સેલ્યુટ કરું છું. એમણે તારા નામના ખોટા ઉચ્ચારની આ જ ધારણા બાંધીને તારું નામ સ્માઈલી રાખ્યું હશે!’

આમ કહીને સાચે જ હસમુખ અંકલે ઊભા થઈને મિલિટરી અદાએ પગ પછાડીને સલામ ભરી દીધી. અમે સૌ ખડખડાટ હસી પડ્યાં. આધેડ ઉપરની ઉંમર ધરાવતા આ જુવાન ડોસલાની આ હરકતે બધાંયની આંખમાં હર્ષનાં ઝળહળિયાં લાવી દીધાં. હું તો નખશિખ માસુમ દેખાતા હસમુખ અંકલને ભાવવિભોર બનીને  જોતો જ રહ્યો.

‘દાદા, આ બાપડી ડિમ્પલ ક્યારની ય અદૃશ્ય માઇક્રોફોન આપની સામે ધરીને રાહ જોઈ રહી છે કે તેના વિષે આપના તરફથી કોઈક દાદુ ટિપ્પણી હો જાય!’ હસમુખ અંકલને તેમની દાદુ અદાને સન્માનવા જ કદાચ તેમની જ સ્ટાઈલે સ્મિતાથી પૂછી જવાયું,

‘મારા ધ્યાનમાં છે જ, કેમ કે હું કોઈને ઈગ્નોર નથી કરતો. બેટા, તારા નામકરણની મારી પૂર્વધારણા ખોટી પડે તો તું બેધડક પેલી લારી ઉપરની બે રસીલી કુલફીને ગુસ્સાભેર મારા મોંમાં ધરબી દેજે. તો સાંભળ, તારા પિતા પેલી ફિલ્મ હિરોઈન ડિમ્પલ કાપડિયાના ફેન હોવા જોઈએ અને તેથી જ તારું નામ ડિમ્પલ રાખ્યું હશે!’

‘દાદા, વારી જાઉં તમારી બુદ્ધિમત્તા ઉપર! સાચે જ, મારા અબ્બુ મારા નામ અંગેનો આ જ ખુલાસો લોકોને ગર્વભેર આપે છે.’ ડિમ્પલે સિમ્પલ શબ્દોમાં દાદાને પોતાનું કોમ્પ્લીમેન્ટ આપી દીધું.

‘તેરે અબ્બુ કો મેરા સલામ કહેના ઔર બોલના કિ મૈંને ડિમ્પલકી ‘બોબી’ ફિલ્મ બિના ગિનતી યાદ રખે કઈ બાર દેખી હૈ, પર ફેન તો હું સ્મિતા પાટીલકા હી! વો બેચારી દસ સાલ કી ફિલ્મી કરીઅર કે સાથ સિર્ફ ઇકતીસ સાલ કી ઉમ્રમેં યહ ફાની દુનિયા છોડકે ચલી ગઈ થી. તેરે અબ્બુ કી તરહ મૈંને ભી મેરી બચ્ચીકા નામ સ્મિતા રખા હૈ!’

વચ્ચે સ્મિતા ટપકી પડી અને હસતાં હસતાં બોલી ઊઠી, ‘મુઝે ભી મેરે પપ્પાસે પૂછના પડેગા કિ આપ ભી સ્મિતા પાટીલ કે ફેન થે કિ ક્યા!’

અમે ચારે ય જણાંએ દાદાના હિંદી કથન ઉપર અને સ્મિતાની વાત ઉપર તાળીઓ પાડી. પેલી બહેનોએ દાદાની વાતમાંના કયા કારણને લીધે તાળીઓ પાડી હશે તે તેઓ જાણે; પણ મેં તો તાળી પાડી હતી, દાદાની વિચક્ષણ બુદ્ધિ ઉપર જ તો! ડિમ્પલના એક માત્ર ‘અબ્બુ’ શબ્દ ઉપરથી તેમણે સ્માઈલીની જેમ તેને પણ મુસ્લીમ સમજી લીધી હતી અને તેથી જ તો તેમણે એ લોકોની ભાષામાં જવાબ આપ્યો હતો.

હસમુખ દાદાએ તેમના વોલેટમાંથી પાંચસો રૂપિયાની નોટ મારી સામે ધરતાં કહ્યું, ‘વિનોદ, જા પેલી લારી ઉપરથી આઠ કુલફી લઈ આવ. આ દીકરીઓનું મારા તરફથી સ્વાગત છે.’

સ્મિતા બોલી ઊઠી, ‘આપણે પાંચ જણ છીએ અને વધારાની ત્રણ કુલફી કોના માટે?’

“વધારાની ત્રણ નહિ, પણ માત્ર બે જ. હવે ‘માત્ર બે જ કેમ’ના રહસ્ય અંગે ‘કોઈ બતલાઓ કિ હમ બતલાયેં ક્યા?’” દાદાએ ગ઼ાલિબના એક શેરના મિસરાને ટાંકીને બધાંને પડકાર્યાં.

મેં તો મારા હાથ ઊંચા કરી દેતાં કહી દીધું, ‘મારા દિમાગમાં તો કોઈ ગણિત નથી બેસતું, દાદા’

‘બચ્ચીઓં કો તો છોડ; પર તેરે ઐસે જવાબ કી મુઝે ઉમ્મીદ નહીં થી, બચ્ચુ!’ દાદા ઉવાચ.

‘હમ લડકિયોં કો આપ અન્ડર એસ્ટિમેટ મત કીજિયેગા, જનાબ! દો એક્સ્ટ્રા આપ દોનોં કે લિયે હૈ, ક્યોં કિ આપ દોનોંને ઇક ઇક ખા લી હોગી! આપ ન્યાયપરસ્ત હૈ, ઇસ કા યહ સબૂત હૈ!’ ડિમ્પલે શીઘ્ર પ્રત્યુત્તર આપી દીધો.

‘કોન્ગ્રેટ્સ, ડિમ્પલ. ખરા ટાણે મારી ટ્યુબ લાઈટ ન ઊપડી. લ્યો ત્યારે, તમે લોકો દાદાની બુદ્ધિની સરાણ ઉપર તમારી બુદ્ધિની ધાર તેજ કરો અને હું એટલી વારમાં  ‘ટોટલ ફી’ લઈ આવું છું.’ મેં કહ્યું.

‘ટોટલ ફી, વાહ રે! થોડી જ વારમાં દાદાનો રંગ લાગ્યો ખરો!’ સ્મિતા બોલી ઊઠી.

‘અબે ઓ છોરી, મારો રંગ પોપટિયો છે કે જે કોઈને જલદી લાગી જાય!’

‘ના રે, પણ મારો કહેવાનો મતલબ એ હતો  કે થોડાક જ સહવાસમાં વિનોદે પણ આપના અનુકરણે કુલફી માટે ‘ટોટલ ફી’ શબ્દપ્રયોગ કર્યો.’

થોડી જ વારમાં હું બંને હાથમાં આઠ કુલફી લઈને પાછો ફર્યો. ત્રણેય બહેનોને તેમના બંને હાથમાં એકએક કુલફી પકડાવી દઈને હસમુખ દાદા અને મેં એકએક લઈ લીધી.

થોડાક સમય પહેલાંનાં એકબીજાંથી સાવ અપરિચિત એવાં અમે પાંચેય જણ એકમેક સાથે એવાં તો હળીમળી ગયાં હતાં કે જાણે અમારો ચિરકાલીન ઘરોબો ન હોય! મેં બાકીનાં નાણાં હસમુખ દાદાને પરત કર્યાં, ત્યારે તેમણે બે કુલફીનાં નાણાં મને પાછાં પકડાવતાં કહ્યું, ’હમણાં તું તારા મિત્ર પ્રસન્નાને બે કુલફી આપી આવજે. આપણી આજની મહેફિલથી તે ભલે વંચિત રહ્યો હોય, પણ તેનો હક તેને પહોંચવો જોઈએ.’

દાદાની વ્યવહારકુશળતા, દરિયાવદિલી, શીઘ્ર વક્તૃત્વતા અને હસમુખાપણાએ અમને એવી તો મોહિની લગાડી દીધી હતી કે અમારી તેમનાથી છૂટા પડવાની જરા ય ઇચ્છા થતી ન હતી. આમ છતાં ય છૂટાં પડવું અનિવાર્ય તો હતું જ અને તેથી જ તો પાણીપૂરીવાળા પાસેથી છેલ્લી એક મસાલેદાર કોરી પૂરી બોનસમાં મેળવી લેવાની જેમ મેં દાદા સમક્ષ માગણી મૂકી દીધી કે ‘દાદા, કોઈ આખિરી આઈટમ હો જાય!’.

‘જો દીકરા, મેં પહેલાં જ કહ્યું છે તે મુજબ એવી કોઈ રેડીમેડ આઈટમની અપેક્ષા ન રાખ. આપણે થોડીક વાર સવાલજવાબ કરી લઈએ, જેમાંથી કદાચ કોઈ હળવી વાત કે ટોળટપ્પો નીકળી આવે અને તમે લોકો ખુશ થાઓ.’

‘વડીલ, આપ કેટલું ભણ્યા છો?’ સ્માઈલીએ પૂછ્યું.

’બેટા, સત્તર ધોરણ.’ દાદાએ મરક મરક મલકી પડતાં જવાબ વાળ્યો.

’સત્તર ધોરણ! મતલબ?’

‘એમ.એ.’

‘અરે બાપલિયા, આપે તો હદ કરી નાખી! સત્તર મતલબ બાર વત્તા પાંચ ધોરણ. એમ આઈ રાઈટ?’ સ્મિતા બોલી.

‘ના, અગિયાર વત્તા છ. અમારે જૂની અગિયાર એસ.એસ.સી પછી કોલેજ શિક્ષણ શરૂ થતું.’

‘એમ.એ. કયા વિષય સાથે?’ ડિમ્પલે પૂછ્યું.

‘ગુજરાતી’

‘હું પણ એમ.એ. વિથ ગુજરાતી ભણી રહી છું. બાય ધ વે, આપનો ફેવરિટ ટોપિક?’

‘કુન્તકનો વક્રોક્તિવાદ’

‘હવે અમને સમજાયું કે આપ વાંકાબોલા (Satirical) અને આખાબોલા (Outspoken) કેમ છો?  પુનર્જન્મની અવધારણા મુજબ આપ કદાચ કુન્તકના પુનરવતાર જ લાગો છો!’ ડિમ્પલે આશ્ચર્યભાવે નિખાલસપણે કહ્યું.

‘બીટિયા, જેવું ભણો તેવી અસર જીવનમાં જોવા મળે. બીજું કે તું મને કુન્તકનો પુનરવતાર ગણાવીને એ મહાન વિદ્વાનનું અવમૂલ્યન ન કર. હવે બધાં એક વાત પણ નોંધી લો કે વક્રોક્તિ એટલી જ જોખમી પણ ખરી, હોં કે!’

‘કેવી રીતે?’

‘જો વક્રોક્તિ કરતાં ન આવડે તો સામેની વ્યક્તિ અપમાન સમજી બેસે અને મોટી બબાલ ઊભી થાય!’

‘મુરબ્બી, ડિમ્પલ અને આપ બેઉ વચ્ચે જે વાત થઈ રહી છે, એ અમારા પલ્લે પડતી નથી. વક્રોક્તિને સરળ રીતે સાવ ટૂંકમાં સમજાવો ને!’ સ્માઈલીએ વિનંતી કરી.

‘એ સમજાવવા પહેલાં તારી થોડીક મજાક કરી લઉં! તારે મને મુરબ્બા તરીકે ન સંબોધવો જોઈએ!’

‘બાપ રે, આપ મારા થકી જાતે જ આપનું અપમાન કરાવવા માગો છો!’

‘અરે ભલી, વક્રોક્તિને સમજવાની તારી ઇચ્છા સામે મેં એમ કહીને તેનું ઉદાહરણ આપ્યું છે. વક્રોક્તિ એટલે ટેઢું બોલવું, દાઢમાં બોલવું, કટાક્ષમાં બોલવું!’ દાદાએ ગાગરમાં સાગર ભરી દીધો.

‘એકાદ વધુ ઉદાહરણ આપશો ખરા?’ મેં પૂછ્યું.

‘અંગ્રેજીમાં સફરજનની મહત્તા માટેનું એક વિખ્યાત અવતરણ છે: ‘Have an apple a day, keep the doctor away.’ અર્થાત્ દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરને તમારાથી દૂર રાખો. આ અવતરણમાંની સફરજન ખાવાની શિખામણને ડોક્ટર-પત્નીઓએ અવગણવી જોઈએ!’

‘વાહ, વાહ! મજા પડી ગઈ.’

‘મને પણ તમને બધાંને મળવાની, તમારી સાથે ગુફ્તેગૂ કરવાની મજા પડી ગઈ. લન્ચ ટાઈમ થયો હોઈ હવે આપણે છૂટાં પડીશું?’ દાદાએ સૂચન મૂક્યું.

‘અલબત્ત! પરંતુ મહિનામાં એકાદવાર અહીં ખાતે જ મળવાના નિર્ણય સાથે. બધાં સહમત?’ મેં દરખાસ્ત મૂકી.

બધાંએ એકી અવાજે ‘સહમત’નો પ્રતિઘોષ આપ્યો અને અમે વિખરાયાં.

e.mail : musawilliam@gmail.com

Loading

1 October 2020 admin
← Was Mughal Rule the period of India’s Slavery?
દલિતવાર્તા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved