
હેમન્તકુમાર શાહ
કોનો વાંક કાઢવાનો:
(૧) કુલદીપ સેંગરનો પોતાનો અને એની સાથેના આરોપીઓનો?
(૨) એ જે રાજકીય પક્ષના છે એ પક્ષનો? એટલે કે ભા.જ.પ.નો?
(૩) જે સત્તાધારી પક્ષ છે એમાં સત્તા પર બેઠેલાનો? ઉત્તર પ્રદેશમાં સત્તાધારી છે ભગવાધારી યોગી આદિત્યનાથ, એટલે એમની સરકારનો?
(૪) બળાત્કારની પીડિતાના સગાંવહાલાં ભેદી રીતે મોત પામ્યા છતાં કશી ન્યાયપૂર્ણ કાર્યવાહી થઈ નહીં માટે ભા.જ.પ.ની સરકારનો?
(૫) ન્યાયતંત્રનો? એટલે કે ચુકાદો આપનારા ન્યાયાધીશનો?
(૬) કાયદાનો અને કાયદા હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને કાર્યવાહીનો કે જેમના હેઠળ આરોપી છૂટી જાય છે?
(૭) કેસ અંગે તપાસ કરનારા પોલિસનો અને સી.બી.આઈ.નો? આ બંને માણસો છે હોં, ભાવવાચક નામ નથી હોં.
(૮) પોલિસ પર જો રાજકીય દબાણ થયું હોય તો તે દબાણ કરનારાનો?
(૯) કુલદીપ સેંગરના બાહોશ વકીલોનો કે જેમણે તેને બચાવવા માટે દલીલો કરી?
(૧૦) નિર્ભયા કેસમાં હજારોની સંખ્યામાં વિરોધ કરનારા અત્યારે વિરોધ નથી કરતા એમનો?
(૧૧) પીડિતાની મા ઇન્ડિયા ગેટ પર સેંગરના જામીનના વિરોધમાં પીડિતાની સાથે બેસે અને દિલ્હીની પોલિસ તેને અને પીડિતાને પકડીને લઈ જાય એ પોલિસનો?
(૧૨) દિલ્હીની પોલિસ સીધી રીતે અમિત શાહ હેઠળ કામ કરે છે માટે એમનો?
(૧૩) બળાત્કારની ઘટના બની ઉન્નાવમાં. એ છે ઉત્તર પ્રદેશમાં. તેની વસ્તી છે આશરે ૨૫ કરોડ. એ ભારતમાં છે અને ભારતની વસ્તી છે ૧૪૫ કરોડ. આ બધાનો?
કે પછી કોઈનો નહીં!
જુઓ, આ કંઈ માત્ર કુલદીપ નથી, ભારતના કુલદીપ છે, એટલે કે ભારતના કુળનો દીપ છે? એને કંઇ જેલમાં રખાય?
આખા દેશમાં છેલ્લાં ૧૧.૫ વર્ષથી લોકશાહીના કાયદાના શાસનના સિદ્ધાંતનો છેદ ઉડાડનારું જે હિન્દુ રાષ્ટ્રીય વાતાવરણ ઊભું થયું છે એમાં આવા કુલદીપકો અને તેમને બચાવનારા દેશદીપકો ન પાકે તો જ આશ્ચર્ય એવું નથી લાગતું શું?
કોઈ પણ વ્યવસ્થા માણસોએ ઊભી કરેલી હોય છે. એટલે વાંક વ્યવસ્થાનો નહીં કાઢવાનો, એ અન્યાયી વ્યવસ્થાનો લાભ ઉઠાવનારા લોકોનો અને એને નહીં બદલનાર લોકોનો એમાં વાંક હોય છે.
તા.૨૭-૧૨-૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

