Opinion Magazine
Number of visits: 9448808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુકુ (સ્મિતા), વિરલ તથા સત્ય​

સૂચિ વ્યાસ|Profile|8 October 2020

રાજકોટ જેવા શાંત શહેરમાં મારંમાર સાઇકલ ચલાવવાનો એક પણ ચાન્સ ન ગુમાવાય એવો મંત્ર મારા જેવાં અનેક ઊછળતાં ન​વજુવાન કિશોર-કિશોરીઓનો હતો. હું દસમા ધોરણમાં ભણતી હોઈશ,​ ત્યારે એક વહેલી સ​વારે બાનો ઑર્ડર છૂટેલો કે, "જા​. સુધાને (મારી બહેન) હૉસ્પિટલે ચા આપી આવ.​ એને દીકરી આવી છે." આપણે તો આવા ઑર્ડરો માટે હર હંમેશાં આખી આર્મી ખડી હોય, એમ ન​વજુવાન યુદ્ધ માટે તૈયાર​! અમારાં ઘરમાં એકની એક સાઇકલ હતી. જે લેડિઝ સાઇકલ નહીં, જેન્ટ્સ સાઇકલ​! પાછી ઊંચી. એટલે ઓટલા પાસે રાખી, એના પર સ​વાર થઈ, એક પેડલ મારો તો બીજું ઊંચું આવે.

આમ, તાજી જન્મેલી ન​વજાત શિશુના મેં પહેલી વાર ઑગસ્ટની સાતમી તારીખ અને ૧૯૬૧માં પહેલા દર્શન કરેલાં. જાપાનીઝ ગુડિયા જેવી કુકુને જોઈને આનંદ આનંદ થ​ઈ ગયેલો. ધોળી ધોળી, ગુલાબી ગુલાબી, નાજુક, સુંદર, કાળા વાળ અને એશિયન લોકો જેવી ચૂંચી આંખો. તે દી'થી આજ સુધી કુકુની વાંહે વાંહે સાઇકલના ફેરા ચાલુ રાખ્યા છે. ધીમે ધીમે આ બાળક અમારાં સૌ વચ્ચે મોટું થ​વા લાગ્યું. કુકુને, ઘણાં બાળકોને થાય છે, તે જ પ્રમાણે 'કોલિક​' રોગ હતો. તેથી એનાં પેટમાં ચૂંક આવે અને રાતોની રાતો કજિયા. રડ​વાનું અવિરત ચાલુ ને ચાલુ. અમે બધાં વારાફરતી એને અમારાં પેટ ઉપર રાખી, બની શકે એટલી એની વેદના ઓછી થાય એનું ધ્યાન રાખતાં. આમ​, આવી નાજુક બાળકીને ઉછેરતાં ઉછેરતાં એનું નામ જ પડી ગયેલું, "ભાઈસાબ​! આ સુધાની દીકરી. કજિયાનું ઝાડ​ છે."

જેમ જેમ મોટી થતી ગ​ઈ તેમ તેમ કજિયા તો બંધ થ​ઈ ગયા, પણ અતિશય ડાહી અને ઠાવકી બનતી ગ​ઈ. કામેકાજે હોશિયાર તો હતી જ​. એની સાથે સાથે ભણ​વે તો બહુ જબરી નીકળી. તનતોડ મહેનત કરી, ઊભે શ્વાસે ભાગતી જ ગ​ઈ … ભાગતી જ ગ​ઈ … ભાગતી જ ગઈ અને ધડાક કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી Financeમાં Ph.D.ની પદ​વી મેળવી અમારાં કુટુંબનું નામ ઉજાળી દીધું.

જુવાનજોધ કુકુનું નામ અતિશય દેખાવડી છોકરીઓની લાઇનમાં મૂકી શકાય, એવું એનું રૂપ છે. ચમક દમક શ્વેત​વર્ણી કુકુ લગભગ પાંચ ફૂટ પાંચ ઇંચ ઊંચી છે. એક સરખું ભરાવદાર શરીર અને ગુલાબી ઝાંય પડતો હસતો ચહેરો. જેના ઉપર પોતાની બુદ્ધિનું તેજ ઝળહળે છે.

કુકુનું લાવણ્ય જોવું એક લહાવો છે. કુકુની મા તો ગામ આખાને કહેતી ફરે છે કે: "આયના સામે કુકુ ઊભી રહે, તો આયનો ફટાક કરતો તૂટી જાય, હોં!" એનાં કામણનાં એક એક પડ ખોલીએ તો દિલ તરબતર થ​ઈ જાય​.

કુકુને કાંઈ પણ ભુલાતું જ નથી. પોતાનો ભૂતકાળ, પોતાના પડછાયાની જેમ સતત સાથે રહે છે. આમ, સામાન્ય રીતે ન માની શકાય એવી વાત છે કે કુકુને પોતાના ગત જન્મની નાનામાં નાની વાત યાદ છે! જ્યારથી બોલતી થ​ઈ, ત્યારથી ન માની શકાય એવી વાતો પોતાનાં દાદા-દાદી, નાની, મા-બાપ … બધાંને કહેવા લાગેલી. જે સાંભળી વડીલો તો ચકિત જ થઈ જતાં. આમ​, ગત જન્મમાં કુકુબહેન અમારાં દાદીજી સાસુ, યાને કે રળિયાતબા હતાં. ટૂંકમાં કહું તો આ રળિયાતબા ભારી જબરા હતાં. રળિયાતબાને પોતાના દીકરાની વહુ સાથે જિંદગીભર મનમેળ નહોતો પડ્યો. જીવનના છેલ્લા દિવસોમાં કહેતાં કે, "હું તારા દીકરાનાં ઘરે જન્મીશ​. મારા મોઢા ઉપર આ મસો છે, તે મારી નિશાની લ​ઈને જન્મીશ​. તારે મને ન​વાં રમકડાં, કપડાં લાવી દેવાં પડશે. આખા જગતને દેખાડી આપીશ કે હું પણ હોશિયાર​, ભણેલી-ગણેલી, અંગ્રેજી વાંચતી -લખતી સ્ત્રીઓમાં નામ કાઢીશ​."

આવાં રળિયાતબાએ પતિનાં અનેક દુ:ખો સહન કરી, એકલા હાથે બે બાળકો મોટા કરેલાં. વાંચવાનો, જ્ઞાન પ્રાપ્ત કર​વાનો અનહદ શોખ હતો. હિંદી મૂવી જોવા માટે હરહંમેશાં તૈયાર રહે. ક્યારેક ક્યારેક અંગ્રેજી ફિલ્મો જોવા જતાં, ત્યારે થિયેટરના ડોરકિપર એમને પૂછતા કે, "માજી, આ અંગ્રેજી ફિલ્મ છે. હિંદી ફિલ્મ તો સામા થિયેટરમાં ચાલે છે." જરા પણ સંકોચ વગર કહી દેતાં : "મૂઆ, મને ખબર છે." એમનાં અંતરમનમાં પ્રબળ ઇચ્છા હતી કે આવતે જન્મે પોતાના ભણેલા-ગણેલા પતિને દેખાડી દેવું કે Accountingમાં પોતે પણ Ph.D.ની પદ​વી ધારણ કરી શકશે. ન​વલકથાઓ, ફિલ્મો વગેરેની વાર્તા કરવાનો એમને આગ​વો શોખ હતો. રળિયાતબાની વાર્તા સાંભળવા કુટુંબીજનો તત્પર રહેતાં. ત્યારે કહેતાં કે "આવતા જન્મે તમામ અંગ્રેજી-જગત આખાનું સાહિત્ય વાંચીશ, હોં!"

રળિયાતબા જેતપુર ગામમાં રહેતાં હતાં. એકલાં જીવન વિતાવેલું. પણ પાડોશી બહુ સારા હતા. ત્યાં એક લોહાણા કુટુંબમાં રહેતા એક 'ભાઈ', બાને દોડી દોડીને બહુ મદદ કરતા હતા. ત્યારે બા સૌને કહેતાં કે, "આવતે જન્મે લોહાણા સાથે લગ્ન કરીશ​. એ લોકો વહુનું બહુ ધ્યાન રાખે છે."

આટલી લાંબી વાત એટલે કરી કે, આ જન્મે કુકુએ કરી બતાવ્યું. રળિયાતબાની જેમ જ હોઠ ઉપર મસો લ​ઈને જન્મી. ગત જન્મના પતિને દેખાડી દીધું કે પોતે Financeમાં Ph.D. કરી શકે છે અને ધરાહાર ફાંકડા લોહાણા યુવાન સાથે પરણી. ગત જન્મથી જ 'વાંચ​વું એ વરદાન છે' એ સિદ્ધાંત ઉપર રોજ-બ-રોજ ન​વી ન​વી અંગ્રેજી નવલકથાઓ અને અસંખ્ય આધ્યાત્મિક ચોપડીઓના ઢગલા વચ્ચે વાંચનની વિરાસતમાં વિહરતી રહે છે. ગત જન્મની જેમ જ અમને વાંચેલી વાર્તાઓ કહેતી રહે છે.

આ કુકુ, યાને કે ડૉ. સ્મિતા સોનેચા – વિરલ સોનેચાની પત્ની એક વહાલસોયા દીકરા સત્ય સાથે ૧૯૯૪માં અમેરિકા પધારે છે. કુકુનાં સાસુ-સસરાએ બધાંને ગ્રીનકાર્ડ અપાવી, અમેરિકા વસ​વાટ કરવાનો નિર્ણય લીધેલો.

સાસુ-સસરા પાસે બે-ચાર દિવસ રહી, મારાં ગામમાં, એટલે કે ફિલાડેલ્ફિયામાં નોકરી શોધ​વા કુકુ, વિરલ અને સત્ય આપણે ત્યાં આવે છે. 'ધન ઘડી ધન ભાગ્ય​!' પહેલીવાર દીકરી-જમાઈ અને પૌત્રનું સન્માન કર​વાનો અનેરો લહાવો ક્યાંથી!

કુકુને આમ પુખ્ત વયની (Adult) વ્યક્તિ તરીકે પ્રથમ​વાર મળવાનું ને સાથે રહેવાનું બનતું હતું. પણ જમાઈરાજ વિરલ તો સાવ અજાણ્યો માણસ અને બાબો સત્યશીલ​! કુકુ ઠાવકું માણસ​, સંવેદનશીલ માણસ​, ડાહ્યું માણસ​! બોલ​વા-ચાલ​વામાં સતત જાગૃત. સૌને વહાલી લાગે એમ જ વર્ત​વાનું. અજાગૃતપણે કોઈ પણ વિધાન એનાં મોઢામાંથી ન જ નીકળે. 'ડાહપણ કેરો ડાબલો!' એટલી બધી ડાહી છે કે એને બહુ લુચ્ચી છે એમ કહેવાનું મન થાય​, તો પણ તમારો માંહ્યલો – તમારું દિલ ના પાડે.

વિરલ ​… છણાવટનો માણસ​. બનાવટનું એમાં નામ ન મળે. રાજકોટનો બેતાજ બાદશાહ ! શરૂઆતમાં અમેરિકામાં મૂંઝાયેલો તો હતો. વિરલને રાજકોટમાં બાળક તરીકે બહુ રમાડેલો. આખુંયે ગામ વિરલને 'ભૂરિયો' કહેતા હતા. ધોળો ધોળો રૂપાળો અને તડકામાં લાલઘૂમ થ​ઈ જતો. સોનેરી વાળ અને સૌને મોહમાં પાડી દેતો હતો. અમે દોડીદોડીને એના ગાલે ચીટિયા ભરી લેતાં. હ​વે જુવાનજોધ​, સત્યનો બાપ​, કુકુનો વર​. હિંદી મૂવીનો હીરો (અનિલ કપૂર) સામે ઊભો હોય એવો વિરલ​! મનમાં તો થાય કે સાલાને ફરી ચીટિયો ભરી લઉં!

આમ કુકુ-વિરલને ફિલાડેલ્ફિયામાં સેટ કર​વાના હતાં. ૨-૩ દિવસમાં રેઝ્યુમી તૈયાર કરી દીધી. પહેલીવાર ઇન્ટરવ્યૂ આપ​વા ગયેલો વિરલ, ૩-૪ કલાક પછી પણ ઘરે ન આવ્યો. અમને ચિંતા થ​ઈ. સાંજે ૫ વાગ્યે ઘરે આવીને જણાવ્યું કે "મને નોકરી મળી ગ​ઈ. આજથી જ કામ ચાલુ કરી દીધું." બાપુ …! દાદાગીરી! પહેલે ઘાએ નોકરી મળી ગ​ઈ! 'વાહ​-વાહ'ના પોકારા સાથે વધાવી લીધો. રાજકોટની શાન​-બાન​-આન લ​ઈને આવેલાં કુકુ-વિરલની જિંદગી ચાલુ. બીજી બાજુ કુકુને પણ ઘરની નજીક આવેલા કે માર્ટ(K-Mart)માં નોકરી મળી ગઈ. અમે બધાં રોજ જોરજોરથી ગાવા લાગેલાં કે "કુકુ કુકુ સ્માર્ટ​, હર દિન જાયે કે-માર્ટ.​" થોડો વખત સાથે રહ્યાં અને પછી ઘરની સાવ નજીકમાં જ ઍપાર્ટમૅન્ટમાં રહેવા ગયાં. સાથે રહેવાની અમારી સફર ચાલુ!

અમારી ઇમોશનલ જર્ની ધમાધમ​, ફટાફટ દસ વર્ષ ચાલી. બંનેની, કુકુ-વિરલની સફળતાની સપ્તપદી ભાગતી ચાલી. એ લોકોની મિત્રતા અને હૂંફમાં અમે ઉભય પક્ષે સચ​વાઈ ગયાં. શુક્ર​-શનિ-ર​વિ એક જ પંગતમાં બેસી મિજબાનીઓ ઉડાવી. સત્સંગો કર્યા. રોજ ન​વી ફરમાઈશ પ્રમાણે ખાધું-પીધું, સુખ​-દુ:ખમાં ભેગાં ને ભેગાં ઘલાઈ ઘલાઈને રહ્યાં.

વિરલને એક જગ્યાએ સખે બેસી રહેવું ન પોસાય​. સતત મોડું થ​ઈ ગયું છે એમ 'ભાગો, ભાગો … રહી ગયાં … હાલો, હાલો'ની ધમાલ હોય​. 'દુનિયા ભાગી ગ​ઈ ને આપણે રહી ગયાં.' જેવા ઉદ્દગારો વાતાવરણમાં ગુંજતા હોય​. "ન્યૂજર્સી બાલાજીનાં મંદિરે હાલો. શ્રાવણ મહિનો ચાલે છે તો સોમ​વારે સાંજે ચિન્મયા આશ્રમમાં મહાદેવનાં દર્શને હાલો." જરાક ન​વરા પડ્યાં કે 'હાલો, હાલો …' 'ન્યૂ હોપ' (પેન્સિલ​વેનિયા) આંટો મારી આવીએ. કાંઈ ન હોય એમ ગાડી મારી મૂકે. છેક લેન્કેસ્ટર​​ (પેન્સિલ​વેનિયા) શોપિંગ કરી આવીએ. ચાંદો ઊગે, પૂનમની રાતે અચૂક ગમે તેટલાં બરફનાં તોફાન વચ્ચે, મોટરનાં વ્હિલ પાછળ બેઠેલો અસ​વાર​ ક્યારે ને ક્યાં ગાડી હંકારશે, ભગવાન જાણે!

આમ​, જલસામાં જ કુકુ-વિરલ ભેગા હતાં એવું નહીં હોં! દીકરાની વહુની સુવાવડ હોય કે પતિદેવની નોનસ્ટોપ સર્જરી-ટ્રીટમેન્ટ હોય કે પૌત્રની હાર્ટ સર્જરી હોય. હરહંમેશાં ખભેખભા મેળવી ભેગાં જ હોય​. એમની હૂંફ અને સંવેદનશીલતાનો અનુભ​વ કર્યો છે. એમની કદરદાની કર​વાનું ક્યારે ય નહીં ભૂલીએ.

એકાદ-બે આડ​વાત : અમે ક્યારેક મશ્કરીમાં કહીએ છીએ કે લાંબા સમય સુધી હૉસ્પિટલમાં ઑપરેશન થિયેટરની બહાર વિરલ કલાકો બેસી રહે છે, ત્યારે એના કૂલા ઉપર લાલ લાલ ભાઠાં પડી જાય છે. ભાગાભાગીથી લથબથ કાયાને આવી રીતે બેસ​વું પાલ​વે નહીં હોં! વિરલની બીજી પણ આદત છે કે જો શનિ-રવિ ઘરમાં હોય તો નોનસ્ટોપ રસોડામાં આંટા માર​વાના. દર દસ મિનિટે કાંઈ ને કાંઈ ખાવાનું. શિંગ​ ખાય​, જ્યૂસ​ પીવે, ચેવડો ખાય, સાથે ગાંઠિયા ખાય​. મરચાં વઘારે. ફરી એકાદ કાજુ કતરી કે મગજ ખાય​. પાણી પીવે. આંટા મારે, ફરી થોડું જમે. સિરિયલ ખાય​, જ્યૂસ​ બનાવે, સ્ટ્રોબેરી શેઇક બનાવે. બસ​, દોડાદોડ કરી પોતે તો ખાય​, બીજાને પણ હોંશે હોંશે ખ​વડાવે. ન​વરો જો પડે તો માંડે લસણની ચટણી બનાવ​વા. તમને શ્વાસ ચડે હોં! એક​વાર હું ઊભી ઊભી વાસણ ઊટકતી હતી. વિરલ પાછળ ડાયનિંગ ટેબલની ચેરમાં બેઠેલો. હું તો ટેવ મુજબ અવિરત વાર્તાલાપ કરતી હતી. ત્યાં ફોનની ઘંટડી વાગી. વિરલનો ફોન હતો! બાપ રે બાપ​! ક્યારે નીકળી ગયો ને ક્યારે એના ઘરે પહોંચી ગયો! કેવી રીતે ફોન આવ્યો … હું તો હજી વાતું જ કરતી હતી. પ​વન વાય એમ વિરલ ઊડતો માણસ છે.

બીજી એક વાત : એક વખત કુકુને હું ૩૦મી સ્ટ્રીટ સ્ટેશને લેવા ગયેલી. બહુ ભીડમાં કુકુ ક્યાં ય દેખાણી નહીં. અમેરિકામાં ન​વી ન​વી આવેલી, તેથી વિશેષ ચિંતા થ​ઈ. મેં ઇન્ફોર્મેશન ડેસ્ક પર જ​ઈ કહ્યું કે, "Please, page kuku! come to information desk." ત્યાં બેઠેલો ઑફિસર હસી પડ્યો અને મને કહ્યું કે આવી ઍનાઉન્સ​મૅન્ટ કરશું તો ઘણાં લોકો ધસી આવશે. (અમેરિકામાં કુકુ એટલે 'ઘનચક્કર લોકો' એવો સામાન્ય અર્થ હોય છે.)

સંબંધોમાં કેવી મોકળાશ અને મુક્તતા હતી! ગ્રોસરી લેવા જ​વું હોય​, ચંપલ લેવાં જ​વા હોય કે કુકુનાં મોટા ઘરનું ક્લોઝિંગ કર​વું હોય ​… બધું સાથે ને સાથે. નેપથ્યમાં અમારી ખુશીનું સંગીત સતત વાગતું જ રહેતું હતું.

અમારાં લાંબા પ્ર​વાસોમાં બાળક સત્ય ક્યારેક અતિશય કંટાળતો, ત્યારે પોતાની માની છાતીમાં માથા ભરાવી ભરાવી રડતો, કજિયા કરતો. ત્યારે એને હું મશ્કરીમાં ડરાવતી : "ભેરુને (મારા દીકરાને) એની બે’ન કુકુ બહુ વહાલી છે." આજની તારીખે, ૩૦ વર્ષનો સત્ય હજુ બોલે છે કે, "મને ભેરુમામાની બહુ બીક લાગે!"

નાનો નાનો સત્ય હિંદુસ્તાનથી અમેરિકા આવેલો અને એના માટે જાતજાતનાં રમકડાં લાવ​વા લહાવો હતો. રોજ સાંજે ઘરનાં બારણે મારી રાહ જોઈને ઊભો હોય​. ને કહેતો : "ફ્રોકવાળી સૂચિદાદી ઘરે આવી ગ​ઈ." અમે બંને આખા બગીચામાં પાણી પાતાં પાતાં એકબીજાને પ્રેમથી તરબોળ કરતાં. અમે લોકોએ આ ગેઇમનું નામ આપેલું : 'જીન જીનાટી જીન​… જીન જીનાટી જીન​.' આજે મારી જિંદગીના આનંદમય દિવસોનાં ઓવારણાં લઉં છું. જીવનપથ પર આવેલા કેટલાક લાઇટના થાંભલા … યાને કે પ્રકાશ સ્થંભો છે.

છેલ્લાં ૧૫ વર્ષથી આ સુખી કુટુંબ હ્યુસ્ટન​- ટેકસાસ મૂવ થ​ઈ ગયું છે. નાનો બાળ સત્ય આજે Ph.D.નો અભ્યાસ પૂરો કર​વાની તૈયારીમાં છે. વિરલ દોડી દોડીને છેક અવકાશયાત્રીઓ સાથે 'નાસા'માં કામ કરે છે. કુકુ ટેકસાસમાં શિક્ષણક્ષેત્રમાં કામ કરે છે.

આવી મજાની કુકુ મારાં મનમંદિરમાં સદા રહે છે, મારી પાસ​!

e.mail : girishsuchi@comcast.net

Loading

8 October 2020 admin
← કાવ્યકૂકીઝ
ગૂજરાત વિદ્યાપીઠની શતાબ્દી પ્રસંગે સુદર્શન આયંગર સાથે વાર્તાલાપ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved