Opinion Magazine
Number of visits: 9446714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિસાનોના હમદર્દ, ક્રાંતિદૂત : મહાત્મા જોતીરાવ ફૂલે

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|24 August 2019

બહુરત્ના વસુંધરા ભારતભૂમિની કૂખેથી અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતી, ગુરુ નાનક, સંત કબીર, નારાયણ ગુરુ, પેરિયાર રામા સ્વામી, ડૉ. આંબેડકર જેવા અનેક નામી અનામી મહાન સમાજ સુધારકોએ ભારતીય પ્રજામાં ક્રાંતિની જ્યોત જગાવવા પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. વિશેષ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રએ સમાજ સુધારણાની દિશામાં સમગ્ર ભારતવર્ષનું માર્ગદર્શન કર્યું છે. મહારાષ્ટ્રમાં સામાજિક અને શૈક્ષણિક આંદોલનોનો પાયો જોતીરાવ ફૂલેએ નાંખ્યો. જે સમયમાં કોઈ વિચારી પણ ન શકે તેવા સમયમાં તેમણે ક્રાંતિદૂત બનીને ભગીરથ કાર્ય કર્યું. કોઈ સામાન્ય માણસ જે કામ બે જન્મોમાં પણ ન કરી શકે, તેવું સમાજ સુધારણાનું મહાન કાર્ય મહાત્મા ફૂલેએ એક જ જન્મમાં કરી બતાવ્યું .સમાજની પરંપરિત માન્યતાઓના માળખામાં ક્રાંતિની ચિનગારી મુકનાર જોતીરાવે સમાજના નિમ્ન સ્તરના દીન દલિત, પીડિત, દબાયેલા, કચડાયેલા, હરિજન, ગિરિજન, ઉપેક્ષિત, બહિષ્કૃત વર્ગના લોકો, સ્ત્રી અને ખેડૂત વર્ગનાં લોકો માટે પોતાની જાત ઘસી નાખી.

કાર્લ માર્ક્સના સમકાલીન મહાત્મા ફૂલેએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી આંદોલનો ચલાવવાની સાથે સાથે ગરીબ ખેડૂતો અને ખેતમજૂરોના સર્વાંગી ઉદ્ધાર માટે સમર્પિત ભાવે કાર્ય કર્યું. એક સમયે દેશમાં બ્રહ્મોસમાજ અને આર્યસમાજના ધાર્મિક આંદોલનો ચાલતા પણ … તે માત્ર અસ્પૃશ્યતા નિવારણ અને ધાર્મિક સુધાર માટે જ પ્રયત્નશીલ હતા. જયારે ખરો પ્રશ્ન તો દલિતો – કિસાનોની આર્થિક, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ સુધારવાનો હતો. જ્યાં સુધી આ પ્રજા તમામ ક્ષેત્રોમાં ઉન્નત ન થાય, ત્યાં સુધી તે કદી પણ સ્વમાનપૂર્વક જીવી શકશે નહિ.' વર્ણ વ્યવસ્થાથી જે સમાજ રચાયો તેની ભૂંડી અસર આજીવિકાના ક્ષેત્ર ઉપર પડે છે.ઉપરની જ્ઞાતિઓને આજીવિકાની જેટલી તકો સરળતાથી મળે છે. તેટલી ઊતરતી જ્ઞાતિઓને કઠિનાઈથી પણ મળતી નથી. (પૃ. ૨૮૭ અધો..) 'ભારતમાં મોક્ષ અપાવનારા લાખો મોક્ષના ઠેકેદારો ફરે છે પણ રોજી રોટી અપાવનારા ક્યાં જોવા મળે છે ? ગરીબ પ્રજા માટે મૂળ પ્રશ્ન રોજી રોટીનો છે, મોક્ષનો નહિ.' (પૃ. ૨૮૮ અધો..)

મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સાચું ભારત તો ગામડામાં વસે છે. 'આજે પણ ભારતના ગામડાં સ્થાયી પ્રકૃતિના છે. રાજનીતિક પરિવર્તન થાય તો પણ ગામડાંની આર્થિક સંરચનામાં કોઈ પ્રકારનો બદલાવ નજરે પડતો નથી. ગામડાંના સાધારણ લોકો ખેતીવાડી જેવા એક જ પ્રકારનાં કામમાં પ્રવૃત છે.' (પૃ. ૫ ભા.સ. સુનીલ ગોયલ) વાસ્તવમાં ખેડૂત ભારતીય સમાજનું મહત્ત્વપૂર્ણ અંગ છે. તેમની મહેનતથી પેદા થતી ઉપજથી જ સમાજનો વ્યવહાર ચાલે છે, પરંતુ તેના નસીબમાં તો લખાયેલી છે કાયમી દરિદ્રતા ! હિંદુ સમાજ વ્યવસ્થાએ પણ ખેડૂતને નિમ્ન ગણ્યો છે. ભદ્ર વર્ગના લોકો આજે પણ અન્નદાતા ખેડૂતને શૂદ્ર સમજે છે, એનું અપમાન કરે છે એટલું જ નહિ એનું આર્થિક શોષણ પણ કરે છે. કિસાનના થતા આર્થિક શોષણથી જ સમાજમાં વિષમતા પેદા થાય છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો માટે જેવી ક્રાંતિ થવી જોઈતી હતી તેવી કૃષિ ક્રાંતિ (Agrarian Revolution) ભારતમાં ક્યારે ય ન થઈ ! વિશ્વ વિખ્યાત ઈતિહાસવેત્તા ટોયન્બી  Challenge and Response(પડકાર અને પ્રત્યુત્તર)માં કહે છે કે -' જે સમાજ એની સામે થયેલા પડકારનો પ્રત્યુત્તર વાળે છે, તે સમાજને જ સંસ્કૃતિ પ્રાપ્ત થઈ છે … પડકારને ઝીલતા નથી, તેને આધીન થાય છે તે ધીમે ધીમે પોતાના પગ નીચેની ભૂમિ ગુમાવતા જાય છે.' (પૃ. ૧૬ પ્રસ્તા. મા.ભ.) ભારતનો ખેડૂત અજ્ઞાન અને નિરક્ષરતાને કારણે શોષણના ખપ્પરમાં હોમાઈને પોતાની સંસ્કૃતિ ગુમાવતો જાય છે. કિસાનોની આ પરિસ્થિતિ  જોતીરાવના ધ્યાન પર આવી.' જયારે કોઈ વ્યક્તિ સમષ્ટિની વેદના, પીડા, અન્યાય અને હડધૂતતાની સમગ્ર અનુભૂતિ સ્વયં પોતાનામાં કરતી થાય છે, ત્યારે તે વ્યક્તિ તમામ દૂષણો સામે માથું ઊંચકવાની શક્તિ પ્રાપ્ત કરે છે. અથવા એવી શક્તિને પ્રગટાવવાની ભૂમિકા પ્રાપ્ત કરે છે.’ (પૃ. ૨૯૩ અધો..)

ખેડૂતોના હમદર્દ મહાત્મા ફૂલેએ દેશના ખેડૂતોની દયનીય અને દારુણ દશા જોઈ અને એના માટે જવાબદાર કારણોની તપાસ કરી. એમના મતે ખેડૂતોની દુર્દશાનું કારણ – 'अशिक्षा ही किसान की सामाजिक, आर्थिक एवं पारिवारिक दुर्दशा का मूल कारण है ! ( पृ.९ कि.का.को)  નિરક્ષરતાના પરિણામોનું યથાર્થ દર્શન કરાવતાં તેઓ લખે છે કે – 'विध्या बिन मति गई, मति बिन गई नीति, नीति बिन गई गति, गति बिन गया वित्त, वित्त बिन तूट गया शुद्र, अविद्या ने किये ऐसे अनर्थ' (पृ.९ कि.का.को)  તેઓ જાણતા હતા કે ગ્રામીણ અને ખેડૂત સમાજ તેમ જ દેશની પ્રગતિ માટે શિક્ષણ પાયાનો પથ્થર છે. ક્રાંતિકારી વિચારોની ધધકતી મશાલ ગણાતા જોતીરાવે એટલા માટે જ ધર્મના પરંપરિત બંધનો તોડી શુદ્રો અને સ્ત્રીઓ માટે શિક્ષણના દ્વાર ખોલ્યા. Charity begins at home એમ સમજી તેમણે સૌ પ્રથમ પોતાના પત્ની સાવિત્રીબાઈને શિક્ષણ આપી શિક્ષિત કર્યાં. સાવિત્રીબાઈએ પણ પતિ સાથે ખભે ખભો મિલાવી સ્ત્રી શિક્ષણ અને નારી ઉદ્ધાર માટે પર્વતો, ખીણો, ગામેગામ અને ઘરે ઘરે ફરી  સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા માટે લોકોને જાગૃત કરવાનું ક્રાંતિકારી કાર્ય કર્યું .

કાર્લ માર્ક્સ(૧૮૧૮-૧૮૮૩)ના યુરોપમાં યંત્રયુગ હતો, માર્ક્સ યુરોપના મજૂરવર્ગને સત્તાધરી બનવા લલકારી રહ્યા હતા, ત્યારે જોતીરાવ ફૂલે(૧૮૨૭-૧૮૯૦)નું ભારત મંત્રયુગમાં હતું. મહાત્મા ફૂલે ભારતના અજ્ઞાન અને અંધકારમાં અટવાતા શૂદ્રો,અતિશૂદ્રો અને સ્ત્રીઓને જ્ઞાનના પ્રકાશ તરફ દોરી રહ્યા હતા. માટે કાર્લ માર્ક્સ મહાત્મા હતા તો ફૂલે મહાત્માઓના મહાત્મા હતા. જોતીરાવ વ્યક્તિ નહિ શક્તિ હતા. આજે સાંપ્રત સમયમાં કદાચ જોતીરાવ ફૂલેની આવશ્યકતા વધુ છે. કારણ કે આઝાદી પછીના ઔદ્યોગિકીકરણ અને આજના ઉદારીકરણ અને વૈશ્વીકરણના સમયમાં ભારતમાં ગરીબ વધુ ગરીબ અને ધનિક વધુ ધનિક બન્યો છે. શિક્ષણ ધનિકોનો ઈજારો બની ગયું છે. સમાજ આજે બહુજન સમાજ અને બહુધન સમાજમાં વિભાજીત થઈ ગયો છે ત્યારે લાગે છે કે સમાનતા અને સ્વતંત્રતાના હિમાયતી મહાત્મા ફૂલે આજે પણ એટલા જ પ્રસ્તુત છે.

મહાત્મા ફૂલે ભારતના એવા પ્રથમ સમાજ સુધારક છે કે જેઓ ખેડૂતોના પક્ષે ઊભા રહ્યા અને એમની પરિસ્થિતિ સુધરે એ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું, ખેડૂતોના આત્મસ્થાપન માટે એમનામાં આત્મ વિશ્વાસ જગાવ્યો − 'ભાઈઓ આપણે નકામા નથી, કઠણ ખડક પર ફણગો ઊગાડી શકવાની શક્તિ ધરાવતા ખેડૂતો છીએ.’ (પૃ. મા.મા.) કિસાન પ્રત્યેની હમદર્દી એમને પૈતૃક સંસ્કાર રૂપે મળી છે. ખેડૂતો પર થતા અમાનુષી અત્યાચાર અને લગાન વસૂલીની જુલ્મી પદ્ધતિથી વ્યથિત થઈને જોતીરાવના પરદાદાએ સરકારી પટવારીની હત્યા કરી નાખી હતી. જયારે પિતા ગોવિંદરાવ આજીવિકા માટે માળીનું અને સાથે ખેતીનું કામ પણ કરતા. આથી કિસાનોની સમસ્યાનો સ્વાનુભવ એમને બાલ્યાવસ્થાથી હતો.

જોતીરાવના જન્મ સમયે મહારાષ્ટ્રમાં પેશવાઓનું શાસન હતું 'આ સમય નૈતિક જડતા, સાંસ્કૃતિક ભ્રષ્ટતા અને ધાર્મિક નિષ્ઠુરતાનો હતો.' (પૃ.૧૧ મ.જો.ફૂ. મનુભાઈ મક.) પેશવા બાજીરાવ બીજાના સમયમાં ગરીબ ખેડૂતો ગુલામ કરતાં બદતર જીવન જીવતા, જમીનદારો અને નાણાં ધીરનાર વર્ગ જમીન કે ઘરેણાં ઉપર ધીરેલા નાણા માટે તેમને ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં ફસાવી જીવનભરની ગુલામીમાં જોતરી દેતા.' (પૃ.૧૦-૧૧ મ.જો.ફૂ. મ.મક.) પેશવાઓના અત્યાચારી શાસનમાં ભૂમિનો સ્વામી ખેડૂત હોવા છતાં, એની ઉપજનો મોટો ભાગ લગાન રૂપે રાજકોશમાં આપી દેવો પડતો. શત્રુઓના આક્રમણો રોકવામાંથી નવરા ન પડતા પેશવાઓ કૃષિ સુધાર કે કૃષિ વિકાસ વિશે કશું પણ વિચારતા નહિ. રાજ્યની આવક લડાઈથી થતી ધનપ્રાપ્તિ ,લૂંટફાટ અને ગરીબ ખેડૂતોના શોષણથી જ થતી. ભારે કર વસૂલાત માટે ખેડૂતો – ખેત મજૂરો પર ભયંકર અત્યાચાર કરવામાં આવતો. બાજીરાવના દત્તક ભાઈ અમૃતરાવ અને બીજા અધિકારીઓ ખંડણી ઉઘરાવતા. ખેડૂત જો ખંડણી ન આપી શકે તો અમૃતરાવ તેમનાં બાળકોનાં શરીર પર ઉકળતું તેલ રેડતો અને ખેડૂતોને મોટા ગરમ તવા પર ઊભા રાખતો. કેટલાકને તો ઊંધાં લટકાવી નાકમાં મરચાંનો ધુમાડો છોડવામાં આવતો. ખેડૂત મહાજનના વ્યાજે લીધેલા નાણાં પાછા આપવા સમર્થ ન હોય તો તેમના દીકરા -દીકરીઓને 'બંધુવા મજદૂર ' (ગુલામ) બનાવી દેવામાં આવતા, અને આખું જીવન તેમને ગુલામીમાં જ પસાર કરવું પડતું .

ગરીબ ખેડૂત અને શૂદ્ર સમાજની આવી દયનીય દશા જોઈ વ્યથિત થયેલા જોતીરાવ નવ સર્જન માટે તૈયાર થાય છે. આ અત્યાચારી વ્યવસ્થાને તોડવા તેઓ 'સુન્દરમ્‌'ની જેમ ઘણ ઉઠાવે છે.                                

'ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા
ઘણુંક ઘણું તોડવું તું ફટકાર ઘા ઓ ભુજા'

જોતીરાવ ફૂલેએ પરંપરિત સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા. અને ગરીબ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે ક્રાંતિકારી આંદોલનો ચલાવ્યા.

કિસાનોના હમદર્દ જોતીરાવે એમની સમસ્યાઓનું યથાર્થ દર્શન કરી એના નિવારણ માટે સચોટ ઉપાય બતાવ્યા. ઈ.સ. ૧૮૮૩માં આ માટે તેમણે મરાઠીમાં  'शेतक याचा असूड' નામના ગ્રંથની રચના કરી. જેનો હિન્દી અનુવાદ શ્રી વેદકુમાર વેદાલન્કાર 'किसान का कोड़ा' શીર્ષકથી કરે છે. કોડા શબ્દનો અર્થ થાય છે ચાબુક કે કોરડો. બળદ બરાબર કામ ન કરે ત્યારે ખેડૂત એની પીઠ પર ચાબુક ફટકારે છે. જેનાથી બળદ બરાબર કામ કરવા માંડે છે. ગરીબ ખેડૂતોના અજ્ઞાનનો લાભ લઈ લૂંટ ચલાવનાર શોષકો પર જોતીરાવ ફૂલેએ આવો જ કોરડો વીંઝ્યો છે. ભારતીય ખેડૂતની દુર્દશાનું વાસ્તવિક ચિત્રણ કરતો આ ગ્રંથ 'કૃષિ ગાથા' તરીકે ઓળખાય છે. ગ્રંથ વિશેની કેફિયતમાં તેઓ કહે છે કે – 'આ ગ્રંથ મેં અંગ્રેજી, સંસ્કૃત, તથા પ્રાકૃતના ગ્રંથો તેમજ વર્તમાન સમયની શૂદ્રોની દયનીય સ્થિતિને આધારે લખ્યો છે.' આ ગ્રંથના લેખન સમયે જોતીરાવ ફૂલેએ પૂણે, મુંબઈ, થાણે જેવા વિસ્તારના ગામડાંઓના શૂદ્ર સજ્જનોને વાંચી સંભળાવી વિગતો સત્ય હોવાની પુષ્ટિ કરાવી હતી. પ્રમાણભૂત તથ્યના હિમાયતી મહાત્મા ફૂલેએ આ ગ્રંથની એક હસ્તલિખિત પ્રત ગવર્નર સર ફ્રેડરિક હેમિલ્ટનને અને બીજી પ્રત વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડને મોકલાવી હતી.

'કિસાન કા કોડા'ની ભૂમિકામાં તેઓ નોંધે છે કે વર્તમાન સમયમાં ત્રણ પ્રકારના ખેડૂત છે.

(૧) જે માત્ર ખેતી પર નભે છે તે ખેડૂત;

(૨) માળી જે ખેતીની સાથે ફળ ફૂલ ઊગાડે છે તે;

(૩) પશુપાલક જે ખેતી સાથે પશુ પાલન કરે છે.

આ ત્રણેને સમાજ શૂદ્ર જ ગણે છે. જોતીરાવ ફૂલેએ વ્યંગ્યાત્મક શૈલીમાં સમાજના ચારે વર્ણનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. બ્રાહ્મણ, પુરોહિત વર્ગ દ્વારા થતું ગરીબ ખેડૂતો અને શૂદ્રોનું શોષણ, ધાર્મિક અને શૈક્ષણિક પ્રતિબંધો તેમ જ ઔદ્યોગિકીકરણની અસરોથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં ખેડૂતો કેવી દીન, દયનીય હાલતમાં જીવી રહ્યા છે તેનું સચોટ વર્ણન તેમણે અહીં આપ્યું છે.

મહાત્મા ફૂલેનું સાહિત્ય નિજાનંદ માટેનું નહિ પણ હેતુલક્ષી છે .આ ગ્રંથસર્જનના તેમના મુખ્ય ત્રણ ઉદે્‌શ્ય છે. (૧) ખેડૂતોની દયનીય સ્થિતિનાં સાચાં કારણોની તપાસ કરી તેમનામાં જાગૃતિ લાવી સત્ય ઉજાગર કરવું . (૨) શિક્ષિત ખેડૂત યુવાનોને સામાજિક કર્તવ્ય માટે જાગૃત કરવા. (૩) ખેડૂતોના ઉદ્ધાર માટે ખેડૂત સમાજમાં શિક્ષણનો વ્યાપક વિસ્તાર કરવો.

જોતીરાવ ફૂલે કૃષિ વિષયક પોતાના વિચારો રજૂ કરતા કહે છે કે કૃષિ ક્રાંતિ માટે મુખ્ય ત્રણ બાબતો અપેક્ષિત છે.

(૧) જમીનદારી પ્રથાનો અંત.

(૨) ખેડૂતોના શ્રમ અને ઉપજનું યોગ્ય મહેનતાણું, અને

(૩) વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી.

સાથે સાથે ખેડૂતોની દરિદ્રતાના કારણો તરફ પણ અંગુલિ નિર્દેશ કર્યો છે.

(૧) વધતી જતી વસતીનો ખેતી પર પડતો પ્રભાવ.

(૨) ઉચ્ચવર્ણ, મહાજન અને સરકાર દ્વારા થતું ખેડૂતોનું શોષણ.

(૩) કૃષિ ઉત્પાદનની જૂની પુરાણી પરંપરિત પદ્ધતિ. 

ઉપરોક્ત સઘળી બાબતો પ્રત્યે યોગ્ય કરવા સરકારને જોતીરાવે સૂચન કર્યું. એટલું જ નહિ, એના કાર્યાન્વયની પ્રક્રિયા પણ સમજાવી. આકાશી ખેતી પર નભતા ભારતીય ખેડૂતનું ભાગ્ય પ્રકૃતિ પર નિર્ભર રહેતું, આથી ખેડૂતને નિયમિત સિંચાઈ દ્વારા પાણી મળી રહે તેવા પ્રયત્નો તેમણે કર્યા. જળસંગ્રહના ઉપાયો સૂચવતાં ખેતરોમાં થોડે થોડે અંતરે તળાવ, ખેત તલાવડી કે આડબંધ બાંધવાના સૂચન સરકારને કર્યા. પાણીવાળા વિસ્તારોના નકશા બનાવવા, સરકારી સહાય વિના જળ અનુમાનકોની મદદથી કૂવા ખોદનાર શૂદ્ર ખેડૂતોને પુરસ્કાર આપવાની પરંપરા બનાવવા પણ સરકારને સૂચવ્યું. આજે આપણી સરકારો જળસંગ્રહ વિશે વિચારતી થઈ છે. પણ આ બાબતે મહાત્મા ફૂલેએ એક આર્ષદ્રષ્ટાની અદાથી ૧૮૮૩માં સરકાર સમક્ષ આ વિચાર રજૂ કર્યો . − ' हमारी उद्योगी सरकार को चाहिए कि काले गोरे लश्कर के साथ पुलिस विभाग के फालतू सिपाहियों द्वारा जगह जगह पर छोटे बाँध इस तरह से बनाये कि पुरवी वर्षा का पानी सरे खेतमे ज़ज्ब होने के बाद नदी नालेमें मिले ऐसा करने से खेत उपजाऊ हो जाएँगे ' I (पृ. ८ युगपुरुष ) જળસંગ્રહના આ કામ માટે પોલીસ અને સેનાના અનામત જવાનોને લગાડવાથી ખેતી અને સૈનિક બંનેને લાભ થશે. બેકાર જતી માનવ શક્તિનો રચનાત્મક ઉપયોગ કરી શકાય એવો ઉમદા વિચાર તેમણે જ આપ્યો.

ખેડૂતોમાં રહેલો સરકાર પ્રત્યેનો ડર દૂર કરવા એમણે પોતે પહેલ કરી. ખડકવાસલા પાસે સરકારે ડેમ બનાવી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડ્યું, પરંતુ ખેડૂતોને ડર હતો કે પાણી આપી સરકાર એમના ખેતરો લઈ લેશે. આ ઉપરાંત બંધનું પાણી લેવું પાપ હોવાની માન્યતા પણ હતી, આથી ખેડૂતો પાણી લેતાં નહિ. આથી જોતીરાવે પૂણેથી થોડે દૂર માંજરીમાં જમીન ખરીદી અને સારી ખેતી કરી બતાવી. જેનાથી ખેડૂતોનો ડર નીકળી ગયો અને સિંચાઈથી ખેતી કરતા થયા. અન્ય એક ઘટના એમને કૃષકોના હમદર્દ સાબિત કરે છે. પૂણે જિલ્લાના જુન્નર તાલુકાના જમીનદારો અને મહાજનો ખેડૂતો પર ભારે જુલમ ગુજારતા જેનાથી પટેદાર ખેડૂતોની હાલત ખરાબ થઈ હતી. જોતીરાવે તેમની મદદ કરી સંગઠન બનાવ્યું અને અન્યાય દૂર ન થાય ત્યાં સુધી જમીન ખેડવાનો બહિષ્કાર કર્યો. જમીન પડતર રહેતાં આખરે જમીનદારોએ સમાધાન કરવું પડ્યું. જોતીરાવ કહેતા કે – 'જ્યાં સુધી હળ હાંકનાર ખેડૂત જમીનનો માલિક ન બને ત્યાં સુધી ભારત જેવા કૃષિપ્રધાન દેશનો ન તો વિકાસ થશે, ન તો ઉત્પાદન વધશે.’ (પૃ. ૧૦૬ યુગપુરુષ)

કિસાનોના ઉદ્ધાર માટે જોતીરાવે સરકારને કરેલાં કેટલાંક સૂચનો જોઈએ તો …

– જે ગામની ગોચરની જમીન સરકારે પોતાના જંગલ વિભાગમાં સામેલ કરી લીધી છે તે સંબંધિત ગામને પાછી આપવામાં આવે .

– ખેડૂતો માટે સારું બિયારણ, ખેત ઓજાર અને ખેતીનું વૈજ્ઞાનિક જ્ઞાન યુવા ખેડૂતોને આપવામાં આવે.

– ખેડૂતોને દેવામાફી અને ઓછા વ્યાજદરની કૃષિ લોન માટે ભલામણ.

– ઉત્તમ પ્રજાતિના વિદેશી ઘેટાં બકરાં લાવી સંકરણ દ્વારા ઉત્તમ પ્રજાતિ પેદા કરવાથી નાના ખેડૂતોને લાભ થશે તેમ જ પશુઓ માટે દવાખાના શરૂ કરવા.

– વિદેશી કૃષિ વિદ્યાલયો જોવા ખેડૂતોને મોકલવા અને ભારતમાં કૃષિ વિદ્યાલયો સ્થાપવા.

– જંગલી જાનવરોથી ખેતરોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારે ઉઠાવવી, ને સંબંધિત અધિકારી બેદરકારી દાખવે તો તેનો પગાર કાપી ખેડૂતોને નુકસાન ભરપાઈ કરવું.

– ગામમાં પટેલ કે મુખીનું પદ વંશ પરંપરાગત નહિ, પણ મરાઠી છઠ્ઠું ધોરણ ભણેલ દરેક જાતિના કોઈ પણ ખેડૂતપુત્રોને આપવું.

ખેડૂતોના મસીહા જોતીરાવ ફૂલેએ ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ પ્રદર્શનો, કૃષિ હરીફાઈનું આયોજન કરી ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું. 'કૃષિ સુધાર' વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરી પુરસ્કારો દ્વારા કિસાનોનું ઉત્સાહવર્ધન કર્યું. માર્ચ ૧૮૮૮માં મહારાણી વિક્ટોરિયાના પુત્ર ડ્યુક ઓફ કનોટના વિદાય પ્રસંગે મહાત્મા ફૂલેને આમંત્રણ મળ્યું તો તેઓ મેલાં ઘેલાં, ફાટેલાં કપડાં પહેરી ગામડિયા ગરીબ ખેડૂતના વેશમાં ઉપસ્થિત રહ્યા અને અંગ્રેજીમાં જોરદાર ભાષણ કરતાં ડ્યુક ઓફ કનોટને કહ્યું કે – ‘महोदय, मै इस भेसमें इसलिए आया हुं कि आपको पता चले कि हमारे देश के किसान कैसे रहते है i (पृ.११० कि.का.को.)

ડિસેમ્બર ૧૮૮૯માં સર વિલિયમ વેડરબર્નની અધ્યક્ષતામાં મુંબઈમાં મળેલ રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ખેડૂતોની સ્થિતિ સંદર્ભે દેખાવો કર્યા. ઈ.સ. ૧૮૯૦માં શ્રમિક મજદૂરોની સ્થિતિ વિશે બોર્ડને માંગપત્ર આપ્યું જેને કારણે સરકારે ૧૮૯૧માં ફેક્ટરી એક્ટ બનાવ્યો. અને એને કારણે મજૂરોનાં કામના સમયનું નિર્ધારણ થયું તેમ જ તેમની સુરક્ષા માટે કાયદો બન્યો, આ ઉપરાંત મજદૂર આંદોલનનો પાયો નાખવાનું શ્રેય જોતીરાવ ફૂલે, લોખંડે અને સત્યશોધક સમાજને જાય છે. ખેડૂતોના હમદર્દ અને હિમાયતી મહાત્મા ફૂલે મહારાષ્ટ્રના ખેડૂતોની બહુપત્નીત્વ પ્રથા અને નિરક્ષરતા જેવી મર્યાદાઓ તથા મૂર્ખતા પર આકારો વ્યંગ અને કટાક્ષ કરતા અને કુરિવાજો છોડવા હાકલ કરે છે.

દેશના દીન દલિત પીડિતો, ગરીબ ખેડૂતો અને શ્રમિકોને સન્માન અને સમાન અધિકાર પ્રાપ્ત થાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના મૂલ્યોનું સ્થાપન થાય એ માટે આજીવન પ્રયત્નશીલ રહેલા ભારતના બુકર ટી વોશિંગ્ટન ગણાતા મહાત્મા ફૂલે સમાજ સુધારણના ક્રાંતિદૂત તરીકે ભારતીય ઇતિહાસમાં ચિરંજીવી સ્થાનના હકદાર છે.

જેમનો હાથ ક્યારે ય ન બુઝાતી ક્રાંતિની મશાલ હોય એમના વિચારોને આજે કોઈ નકારી શકે એમ નથી. કવિ સાહિલ પરમારના શબ્દોમાં કહીએ તો –         

                          થયો છે શબ્દના રૂપે નવો અવતાર પગલાંનો,
                          નહિ કોઈ રોકી શકે હવે વિસ્તાર પગલાંનો,
                          ભલે ઇન્કારની આબોહવા છે આજે જામેલી,
                          નહિ ચાલે કર્યા વિના સ્વીકાર પગલાં નો    
                       
    

સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ

સંદર્ભ ગ્રંથ

૧. યુગપુરુષ – મહાત્મા જોતીરાવ ફૂલે (હિન્દી અનુવાદ – વેદકુમાર વેદાલંકાર) 

૨.કિસાન કા કોડા – મહાત્મા જોતીરાવ ફૂલે  (હિન્દી અનુવાદ – વેદકુમાર વેદાલંકાર)

૩.ગુલામી –  મહાત્મા જોતીરાવ ફૂલે (હિન્દી અનુવાદ –  વેદકુમાર વેદાલંકાર) 

૪. મહાત્મા જ્યોતિરાવ ફૂલે – ડૉ. મનુભાઈ મકવાણા

૫. અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા – સ્વામી સચ્ચિદાનંદ

૬. ભારતીય સમાજ – સુનીલ ગોયલ (હિન્દી)

૭. માટીનો માનવી – કાલિન્દીચરણ પાણીગ્રહી અનુવાદક – નારાયણ દેસાઈ

૮. માનવીની ભવાઈ – પન્નાલાલ પટેલ (પ્રસ્તાવના – દર્શક)

e.mail : arvindvaghela1967@gmail.com

Loading

24 August 2019 admin
← નોંધપાત્ર નવાં પુસ્તકો : ધીરુભાઈ ઠાકરનું ચરિત્ર, ઍન ફ્રૅન્કની રોજનીશી, કમળાબહેનનાં સંભારણાં, દલિતોના જમીન અધિકાર પરનું સંશોધન, હકારાત્મક સમાચાર કથાઓ ….
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved