
રમેશ ઓઝા
હું રાજકારણ સમજતો થયો, ત્યારથી એક વાત સાંભળવા મળે છે કે ઇન્ડિયા ઈઝ અ સોફ્ટ સ્ટેટ અને તેણે આકરું વલણ અપનાવતા શીખવું જોઈએ. સરદાર પટેલથી લઈને અરુણ શૌરી સુધી આ વાત કંઈ કેટલા ય જમણેરી કાઁગ્રેસીઓ, હિન્દુત્વવાદીઓ, લશ્કરી રણનીતિકારો અને વિચારકો કહી ગયા છે અને કહેવામાં આવે છે. જ્યારે પણ ભારત પર ત્રાસવાદી હુમલો થાય ત્યારે આ વાત ખાસ કહેવામાં આવે છે. ભારતનાં ચીન અંગેના વલણ વિષે અરુણ શૌરીએ ‘સેલ્ફ-ડિસેપ્શન- ઇન્ડિયાઝ ચાઈના પોલિસીઝ, પ્રેમાઈસીઝ, લેસન્સ’ એવું એક પુસ્તક લખ્યું છે, જેના કવર પર ડૉ મનમોહન સિંહ ઝૂકીને ચીનના વડા હુ જિન્તાઓનું સ્વાગત કરતા જોવા મળે છે અને સામે ચીનના નેતા હુ ટટ્ટાર ઊભા છે. શૌરીએ પોતે જ કહ્યું છે કે તેમણે એ તસ્વીર જાણીબૂજીને ભારતની નબળાઈ બતાવવા ઉપયોગ કરી છે. એમાં વિનય નજરે નથી પડતો, નબળાઈ અને લઘુતાગ્રંથિ નજરે પડે છે. ભારત ક્યાં સુધી આવું વલણ અપનાવશે? ક્યારે પોતાની તાકાત સમજતું થશે? ક્યારે આંખમાં આંખ પરોવીને ટટ્ટાર ઊભા રહેતા શીખશે? ક્યારે ભારતના દુ:શ્મનોને તેમની જગ્યા બતાવશે? લાડ કરનારાઓને ક્યારે લાડ લડાવતું બંધ થશે? વગરે વગેરે.
આમ દેશને આઝાદી મળી ત્યારથી કહેવામાં આવી રહ્યું છે, પણ મારી જાણ મુજબ કોઈએ કહ્યું નથી કે ભારતે કયો માર્ગ અપનાવવો જોઈએ. આકરું વલણ અપનાવીને શું કરવું જોઈએ? ચીન સાથે શું કરવું જોઈએ? પાકિસ્તાન સાથે શું કરવું જોઈએ? અમેરિકા સાથે શું કરવું જોઈએ? આંતરિક સમસ્યાગ્રસ્ત અન્ય પાડોશી દેશો સાથે શું કરવું જોઈએ? આધુનિક મૂલ્યવ્યવસ્થા અને તેના પર આધારિત રાજ્યનો અસ્વીકાર કરનારા કેટલાક મુસ્લિમ અને અન્ય દેશો સાથે શું કરવું જોઈએ? સામ્યવાદ અને મૂડીવાદી દેશો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું જોઈએ એમ કંઈ કેટલા ય સવાલો હતા જેના વિષે શું કરવું તેનો ઈલાજ તેમણે બતાવ્યો નથી. કોઈએ બતાવ્યો હોય અને તમે જાણતા હો તો મારું ધ્યાન ખેંચવામાં આવે. તરુણોની ફરજિયાત લશ્કરી ભરતી અને તાલીમ, ત્રણ-ચાર ગણું લશ્કરી બજેટ, નાગરિક અધિકાર કરતાં ફરજને વધારે મહત્ત્વ આપવામાં આવે અને મર્યાદિત લોકતંત્ર જેવાં કેટલાંક વાહિયાત સૂચનો કરવામાં આવતાં હતાં પણ એ બધા નાના લોકોના સૂચનો હતાં. સરદાર પટેલથી લઈને શૌરી જેવા, જેમના શબ્દનું વજન હોય એવા કોઈએ કોઈ નક્કર સૂચન કર્યું હોય એવું મારી જાણમાં નથી.
દરેક પ્રજાને ખુમારીનું આકર્ષણ હોય છે, પણ ખુમારી આકાશમાંથી આવતી નથી, એ રળવી પડે છે. હિન્દુત્વવાદીઓને જેટલું ખુમારીનું આકર્ષણ છે એટલું ભાગ્યે જ ભારતમાં બીજા કોઈને હશે. તેઓ ઇતિહાસમાં ખુમારી શોધે છે અને વર્તમાનમાં અને ભવિષ્યમાં ખુમારી બતાવવા માગે છે. ગાંધીજીની અહિંસા સામે તેમને એટલા માટે વાંધો છે કે તેમાં તેમને ખુમારીનો અભાવ નજરે પડે છે. તેઓ દિવસરાત ખુમારીની આરાધના કરે છે. સો વરસથી આપણે આ જોતા આવ્યા છીએ. તેઓ આજે ૧૧ વરસથી સત્તામાં છે, પણ ખુમારી? ચીને લડાખમાં ભારતની ભૂમિ પર કબજો કર્યો છે એ છોડાવી તો શકતા નથી, ચીનનું નામ લઈને નિંદા પણ કરી શકતા નથી. આવું જ અમેરિકા અંગે. ટ્રમ્પ કંઈ પણ બોલે અને આપણે પ્રતિક્રિયા પણ ન આપીએ? પાકિસ્તાન સામેનું ઓપરેશન સિંદુર ચાર દિવસમાં આટોપી લેવું પડ્યું. આવું જ બંગલાદેશ, નેપાળ અને શ્રીલંકાની બાબતમાં. હિંદુ રાષ્ટ્રવાદીઓએ તાલેબાની નેતાનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરવું પડે એ કેવી મજબૂરી! ક્યાં છે ખુમારી? ઘરઆંગણે નિર્બળ લઘુમતી કોમ પર જુલમ કરવો એ વિકૃતિ છે, ખુમારી નથી. આજકાલ વૈશ્વિક રાજકારણ એટલું પ્રવાહી છે કે લગભગ દર મહીને ખુમારી બતાવવાનો અવસર મળતો રહે છે, પણ હિંદુ રાષ્ટ્રવાદીઓ ખુમારી બતાવી શકતા નથી.
ખુમારી રળવી પડે છે, એ વાતો કરવાથી નથી આવતી. ઇતિહાસમાં રાચવાથી અને પોતાને અનુકૂળ તોડમરોડ કરવાથી તો બિલકુલ ન આવે. ઊલટું નમાલાપણામાં વધારો થાય. મૂછ મરડવાથી જો બહાદૂરી આવતી હોત તો આ જગતમાં કોઈ કાયર હોત જ નહીં. તાકાત રળવી પડે છે અને એ રળવાનો માર્ગ છે, પુરુષાર્થ. માત્ર પુરુષાર્થ. બીજા વિશ્વયુદ્ધ પછી ચાર દેશોએ કેવળ પુરુષાર્થ દ્વારા તાકાત રળી છે. એ છે; જર્મની, ઇઝરાયેલ, જપાન અને ચીન. દક્ષિણ કોરિયા અને સિંગાપુરનાં નામ પણ કોઈ ઉમેરે. ૧૯૯૦ની સાલ સુધી ભારત પણ ચીનની લગોલગ હતું, પણ અયોધ્યા રામજન્મભૂમિ આંદોલન પછી હિન્દુરાષ્ટ્રવાદે ભારતીય રાષ્ટ્રવાદની જગ્યા લેવા માંડી અને ભારત પાછું ઠેલાતું ગયું. ભારત એક તક ગુમાવી દીધેલો દેશ છે અને હિંદુ રાષ્ટ્રવાદીઓને કારણે ભારતે તક ગુમાવી દીધી છે. આજે સ્થિતિ એવી બની છે કે જિંદગીભર ખુમારીનો જાપ કરનારાઓ ખુમારી બતાવી શકતા નથી.
ભારતમાં સંસદભવન પર થયેલા ત્રાસવાદી હુમલા પછી લોકસભામાં થયેલી એ ચર્ચાની મને યાદ આવે છે જેમાં ભારતીય જનતા પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને યાદ અપાવી હતી કે અમારી પાસે આઇ.આઇ.ટી. છે, ઈસરો છે, આઈ.એ.એમ. છે, ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ છે, બી.એ.આર.સી. છે, તમારી પાસે શું છે? સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને યાદ અપાવી હતી કે તાકાત અને પ્રતિષ્ઠાનાં આ સ્રોત છે, મદરસા અને ઇસ્લામનું ગૌરવગાન નહીં. ભારતનું ગૌરવગાન કરવામાં તેઓ એ ભૂલી ગયાં હતાં કે તેઓ નેહરુનું ગૌરવગાન કરી રહ્યાં છે.
ભારત સોફ્ટ સ્ટેટ છે એ તેની નબળાઈ નથી. ભારતની વિવિધતાઓનો આંતરિક પ્રજાકીય વિભાજન દ્વારા રાજકીય દુરુપયોગ કરવામાં આવે છે એ તેની મર્યાદા છે. આંતરિક ઉદારતા અને વિકાસલક્ષી પુરુષાર્થ જ તાકાત અને સાચી રણકેદાર ખુમારી રળી આપશે.
નવા વરસમાં આટલો સંકલ્પ કરીએ તો!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઑક્ટોબર 2025
![]()

