એક વખતમાં કરેલું રક્તદાન ત્રણ જિંદગી બચાવી શકે છે અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે; તો પણ મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી, કેમ કે સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. બાય ધ વે, લોહીના એક પ્રકારનું નામ બોમ્બે બ્લડ ગ્રુપ છે …

સોનલ પરીખ
એક સમયે લોસ્ટ એન્ડ ફાઉન્ડ એ બોલિવૂડની પ્રિય ફોર્મ્યુલા હતી. 1977માં એક ફિલ્મ આવી હતી, ‘અમર અકબર એન્થની’. બાળપણમાં વિખૂટા પડેલા ત્રણ ભાઈઓમાં એક હિંદુ, એક મુસ્લિમ, એક ખ્રિસ્તી તરીકે ઉછરે છે. અંધ મા પણ છૂટી પડી ગયેલી છે. એક વાર માને અકસ્માત થાય છે અને એકબીજાને કે માને ન ઓળખતા આ ભાઈઓ, એને એક્સાથે લોહી આપે છે – હા, એક સાથે! હોસ્પિટલમાં ચાર બેડ છે, એકમાં મા સૂતેલી છે; બીજા ત્રણમાં વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર અને ત્રણેનું લોહી એકસાથે મા નિરૂપા રોયને ચડે છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, ‘ખૂન ખૂન હોતા હૈ પાની નહીં …’ દર્શકોને ઈમોશનલ બનાવવામાં સફળ નીવડેલું આ દૃશ્ય હિંદી સિનેમાના ‘મોસ્ટ ઈલ્લોજિકલ’ અર્થાત્ સૌથી વધારે અતાર્કિક દૃશ્યોમાંનું એક ગણાય છે!
ફિલ્મનું દૃશ્ય ભલે અતાર્કિક હોય, પણ રક્તદાન એવી પ્રક્રિયા છે જેના એક છેડે જીવ બચ્યાનો ને બીજા છેડે જીવ બચાવ્યાનો આનંદ હોય છે. ટોટલી વિન-વિન સિચ્યુએશન.
14 જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડૉનેશન ડે – વિશ્વ રક્તદાન દિવસ છે. આ દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે તેમ જ બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે સુરક્ષિત રક્તપ્રવાહ ચાલુ રહે એ હેતુથી ઉજવવામાં આવે છે. 14 જૂન એ.બી.ઓ. બ્લડગ્રુપ સિસ્ટમના શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિન છે. આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું.

કાર્લ લેન્ડસ્ટેઇનર
ઑસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના આ બાયોલૉજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લેન્ડસ્ટેઈનરે સવાસો વર્ષ પહેલા એક મહત્ત્વની શોધ કરી હતી, કે દરેક વ્યક્તિનું લોહી એકસરખું નથી હોતું. એમણે સાબિત કર્યું કે ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ એમ ચાર પ્રકારનાં પૉઝિટિવ અને નેગેટિવ આર.એચ. ફૅક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે. આને એ.બી.ઓ. સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં 99.9 ટકા જેટલી સફળતા મળતી હોવાનું નોંધાયું છે. આ સફળતાને પગલે વધુ ને વધુ લોકો રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે એ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એને માટે બ્લડ-ગ્રુપના શોધકના જન્મદિવસથી વધારે યોગ્ય દિવસ કયો હોઈ શકે?
તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે. આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન ‘એ’ અને ‘બી’ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ આવા ચાર પ્રકારો પડે છે. અને એ ચારે પૉઝિટિવ અને નેગેટિવ એમ બે પ્રકારના હોય છે એટલે કુલ આઠ પ્રકારના બ્લડગ્રુપ હોય છે. લોહીના કણોમાં આર.એચ. ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી પૉઝિટિવ – નેગેટિવ ગ્રુપ જુદાં પડે છે.
લોહીનું મૅચિંગ કઈ રીતે થાય? ‘એ’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ ‘એ’ ગ્રુપ તેમ જ ‘એબી’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે અને ‘એ’ તેમ જ ‘ઓ’ ગ્રુપનું લોહી લઈ શકે. ‘બી’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ ‘બી’ અને ‘એબી’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે અને તે ‘બી’ તેમ જ ‘ઓ’ ગ્રુપનું બ્લડ લઈ શકે. ‘એબી’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું લોહી ‘એબી’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને આપી શકાય અને તે ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ એમ દરેક પ્રકારનું બ્લડ લઈ શકે.
આમ એબી’ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે છે. એથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે અને ‘ઓ’ ગ્રુપની ધરાવનારી વ્યક્તિઓનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે. પણ આ ‘ઓ’ ગ્રૂપનું લોહી પણ બી.બી.જી. (બોમ્બે બ્લડ ગ્રુપ) ધરાવતી વ્યક્તિને ચઢાવી શકાતું નથી.
આ પ્રકારનું લોહી 1952માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બૉમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. તેને ‘એચ.એચ.’ બ્લડગ્રુપ પણ કહે છે. આ સૌથી દુર્લભ બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ હજાર લોકોએ એક વ્યક્તિ બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે. આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો નૉર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે અને દરેક બ્લડ ગ્રુપને લોહી આપી શકે છે, પણ જો તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.
એક વખતમાં કરેલું રક્તદાન એ અન્ય ત્રણ લોકોનો જીવ બચાવી શકે છે, અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે. મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી. અર્થાત્ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ આવકારદાયક પગલું છે. રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે, એ પણ ખૂબ આવકાર્ય છે. મેડિકલ ક્ષેત્રે ખૂબ સંશોધનો થવા છતાં કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.
જે લોકો રક્તદાન કરવા માગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. દાતાને એઈડ્સ કે હિપેટાઈસ જેવી લોહી દ્વારા ફેલાતી બીમારી ન હોવી જોઈએ. ઉપરાંત તે નશીલા પદાર્થનું સેવન કરતો ન હોવો જોઈએ. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે.
વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે છે. આવી હોનારત દરમ્યાન વધુ પડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતું લોહી ન મળવાને કારણે અનેક મૃત્યુ થાય છે. પ્રસૂતિ અને હૃદય-કિડની કે અન્ય મોટાં ઓપરેશનો દરમ્યાન પણ લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે. માનવશરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૫ ટકા લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર ચાળીસ લાખ જેટલું જ. તો પણ બેદરકારી એટલી છે કે બ્લડ-ડોનેશન કૅમ્પ દ્વારા એકઠા કરવામાં આવતા લોહીમાંથી યોગ્ય મૅનેજમેન્ટના અભાવે હજારો યુનિટ લોહી વપરાયા વિનાનું વેસ્ટ જાય છે. આવું જાણીને બ્લડ-ડોનેશન કૅમ્પોવાળાને કહેવાનું મન થાય કે ભાઈ, જરા સંભલ કે – ખૂન ખૂન હોતા હૈ, પાની નહીં …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 જૂન 2025