કોરોનાકાળમાં લાંબા અરસા પછી મળેલા સંસદના સત્રમાં ખેતીને લગતા ત્રણ વિવાદાસ્પદ ખરડા લોકસભામાં અને તેમાંના બે ખરડા રાજ્યસભામાં પસાર થઈ ગયા. લોકસભામાં તો એન.ડી.એ.ની બહુમતી છે, એટલે વાંધો ન આવ્યો. પણ રાજ્યસભામાં વિપક્ષોના વિરોધ અને ધાંધલધમાલ વચ્ચે ઉપાધ્યક્ષે ધ્વનિમત લઈને બે ખરડાને આગળ ધકેલી દીધા. એ બંને ખરડાનાં નામ છેઃ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કૉમર્સ (પ્રમોશન એન્ડ ફેસીલિટેશન) બિલ,૨૦૨૦ અને ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઑફ પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલ, ૨૦૨૦. ત્રીજો ખરડો હજુ રાજ્યસભામાં પસાર થવાનો બાકી છે. તેનું નામ છેઃ ફાર્મ સર્વિસીઝ બિલ એન્ડ એસેન્શિયલ કૉમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ (અમેન્ડમેન્ટ).
ખેતીવિષયક ત્રણે ખરડાના વિરોધમાં શાસક પક્ષ એન.ડી.એ.ના ઘટક પક્ષ શિરોમણી અકાલી દળે એન.ડી.એ.થી છેડો ફાડી નાખ્યો છે. કેન્દ્ર સરકારમાં રહેલાં તેનાં મંત્રી હરસિમરત કૌર બાદલે ફૂડ પ્રોસેસિંગ ખાતાનાં મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાને બંને ગૃહોમાંથી ખેતીવિષયક બે ખરડા પસાર થઈ જવાની ઘટનાને ભારતીય ખેતીના ઇતિહાસની ‘વૉટરશેડ મોમેન્ટ’ ગણાવી, જ્યારે રાજ્યસભામાં જે રીતે ધાંધલ વચ્ચે ખરડા પસાર થયા તેને ‘લોકશાહીની હત્યા’ ગણાવી.
ખેતી સાથે સંકળાયેલી સમસ્યાઓ ભારતના રાજકારણમાં સૌથી વધુ ગવાયેલી ને છતાં એટલી જ વણઉકલી રહી છે. નવા પસાર થયેલા ખરડાની પાછળ સરકારે જાહેર કરેલો આશય તો ઉમદા છેઃ ખેડૂતો સરકારી માર્કેટ યાર્ડને બદલે મુક્ત બજારમાં વધુ સારી કિંમતે ખેતઉત્પાદનો વેચીને વધુ વળતર મેળવી શકે. ઉપરાંત મોટી કંપનીઓ, નિકાસકર્તાઓ અને વેપારીઓ સાથે પણ માલના વેચાણ અને ખેતીને લગતી સુવિધાઓ માટે જોડાઈ શકે. કઠોળ અને દાળને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી દૂર કરીને ખેડૂત મનમરજી પ્રમાણે તેના સોદા કરી શકે એવી પણ એક જોગવાઈ છે.
કોઈ પણ ક્ષેત્રમાંથી સરકારી અંકુશો હટે, એટલે સૈદ્ધાંતિક રીતે એવું જ લાગે કે હવે મેદાન મોકળું થશે અને બધાને બે પાંદડે થવાની તક મળશે. મુદ્દે, સરકારીકરણ એટલું રેઢિયાળ હોય છે કે તેની સરખામણીમાં ખાનગીકરણ કાર્યક્ષમતા, સમૃદ્ધિ અને તથાકથિત મુક્ત બજારના ફાયદાનો પર્યાય લાગે. પરંતુ હવે એવા ભોળાભટાક આશાવાદી થવું પાલવે એમ નથી. કેમ કે, મોકળું મુકાયેલું મેદાન છેવટે બળૂકી ખાનગી કંપનીઓ માટે અમર્યાદ નફો લણવાનો મોકો બની રહે અને જેમના નામે મહાન સુધારા કરાયા હોય તેમની દશા ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવી થાય — તેવા અનુભવોની નવાઈ રહી નથી. વડાપ્રધાને ટ્વિટર પર આશ્વાસન આપ્યા છતાં ખેડૂતોને લાગે છે કે સરકાર ટેકાના ભાવ આપવામાંથી પણ ખસી જશે. આમ, કાગળ પર ગુલાબી ચિત્ર હોવા છતાં અત્યાર લગીનો ઇતિહાસ વિશ્વાસને બદલે શંકા જ પ્રેરે એવો વધુ રહ્યો છે.
e.mail : uakothari@gmail,com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 01