મારા ઘરની પાસે ખીજડાનું એક ઘણું મોટું ઝાડ છે. તેના થડનો ઘેરાવ અગિયાર ફૂટ – રિપીટ અગિયાર ફૂટ – જેટલો છે. તેની ઊંચાઈ બે માળના મકાન કરતાં વધુ છે. તેણે ટાઉટે વાવાઝોડાને મચક આપી ન હતી.
સૅટેલાઇટ વિસ્તારમાં આવેલી મારી પારસકુંજ સોસાયટી(વિભાગ 3)ના નાકે ઊભેલા આ ખીજડાને હું 43 વર્ષથી દરરોજ જોઉં છું. સવારે પૂર્વ દિશામાં સૂરજ પહેલાં મને શમીવૃક્ષના દર્શન થાય છે. અને પછી આખો દિવસ થતાં જ રહે છે.

હવે બે-ત્રણ જ દિવસમાં એવું બનવાનું છે કે આ વૃક્ષદેવનાં દર્શન થતાં બંધ થઈ જશે. શમીવૃક્ષને આખું નષ્ટ કરી દેવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે ત્યાં નવો રસ્તો બનવાનો છે.
એ રસ્તો સૅટેલાઇટ રોડ પરના ઝાંસીના પૂતળાની પાસેના ખૂણા પરથી યોગાશ્રમ સોસાયટી તરફ બની રહ્યો છે. પહેલાં અહીં નેળિયું હતું, વર્ષોથી વધુ ને વધુ બિસ્માર થતો રોડ હતો. એની બાજુની મોટી ખુલ્લી જમીનમાં ગયાં ચારેક વર્ષથી બાર-બાર માળની રહેણાંક ઇમારતો બની, તેમાં તો વળી રોડ સાવ તૂટી ગયો.
હવે પચાસેક ફૂટનો મોટો પાકો રસ્તો થવાનો છે. ઝાંસી તરફના છેડેથી ઝાડ કાપવાની શરૂઆત ગઈ કાલથી થઈ ચૂકી છે. ત્યાં હતાં તે, ઘણું કરીને કણજીનાં ત્રણેક ઠીક ઘટાદાર ઝાડનો સોથ વાળી નાખવામાં આવ્યો છે. એકનું થડ જાડું હતું એટલે મશીનની જરૂર પડી. હવે બીજાં સાતેક નાનાં-મોટાં ઝાડ કપાશે જેમાં કણજી અને સપ્તપર્ણી પણ છે.
આ બધાં ઝાડ નીચે દિવસના સમય મુજબ રિક્ષાઓ અને શાકની લારીઓ ઊભી રહેતી. સ્લીપર-ચપ્પલ, રૂમાલ-માસ્ક, પ્લાસ્ટિકની વસ્તુઓ વેચનાર લારીઓ લઈને ઊભા રહેતા. એ બધાં ઝાડ પછી હરોળમાં ખીજડાનો વારો આવશે.
આ ખીજડાની નીચે લાંબા સમય માટે હું બહુ ઓછી વાર ઊભો રહ્યો હોઈશ, એને અડ્યો તો ભાગ્યે જ હોઈશ. મારી સુખાળવી જિંદગીને આ વડીલનું બરછટપણું કે પાંદડાં સાથેનાં કાંટા શેના ફાવે ? પણ ખીજડા સાથે મારે નજરથી નમન કરવાનો નાતો છે.
હું એને અનેકવાર જોઉં છું કારણ કે મારા ઘરના બે ઉપલા માળની સીડી ઊતરતાં એ સામે જ દેખાય છે, ઉપલા માળની ગૅલરીમાંના વૉશબેસિન પાસેથી પણ દેખાય છે, મારા ઘરનાં બે ધાબાં પરથી પણ દેખાય છે. મને એ ખીજડો વારંવાર દેખાય છે કારણ કે હું દિવસમાં ઓછામાં ઓછી પાંચ વખત વૉશબેસિન પાસે જઉં છું અને દસ વખત સીડી ઊતરીને નીચેના માળે જઉં છું. સવારે ઊઠીને ઉપલા માળના પૅસેજમાંથી બેસિન ચાલુ એટલે પૂર્વ દિશામાં એ શમીરાજ ઊભા જ હોય !
આ ખીજડાની બાજુમાં ઠાકોરવાસ છે. તેમાંના સનાભાઈની સાયકલની દુકાન વર્ષોથી ખીજડાના છાંયડે ચાલી. આ બારમાસી ઝાડનો ત્યાં રહેતા બધાને મોટો આશરો છે.
મને પાંચેક વર્ષ પહેલાં સુધી મારા દૃષ્ટિક્ષેપના અવિભાજ્ય હિસ્સા સમા આ વૃક્ષની ઓળખ ન હતી, એના નામની ખબર ન હતી. કોઈ વ્યક્તિ, કે કોઈ છોડ કે ફૂલ, કે આકાશમાંના તારા આપણને એમના વિશેની કોઈ માહિતી વિના ગમતાં હોય એવું મારે વર્ષો લગી આ વૃક્ષ વિશે હતું. પછી એના ફોટા જાણકારોને મોબાઇલમાં મોકલીને માહિતી મેળવી. એમાંથી ખબર પડી કે આ ખીજડો છે. વળી એમ પણ માહિતી મળી કે તે ખીજડાની એક પ્રજાતિ છે.
ખીજડાનું નામ મહાભારતની વારતા પરથી જાણું. પાંડવો વનવાસ પછી અજ્ઞાતવાસ ગયાં તે પહેલાં તેમનાં શસ્ત્રો શમીવૃક્ષની ડાળીઓ પર લટકાવીને ગયાં હતાં.
પરિવાર પાસેથી મળતાં રહેલાં સમૃદ્ધ સંસ્કારકોશમાં એ પણ હતું કે દશેરાને દિવસે શમીવૃક્ષની પૂજા કરવામાં આવે છે અને મહારાષ્ટૃમાં ગણેશચતુર્થીની પૂજામાં ગણપતિને ચઢવવામાં આવતાં 21 ઝાડનાં પાંદડાની યાદીમાં શમી છે. આ વર્ષે ગણપતિની પૂજા બોપલમાં મારા ભાઈને ત્યાં હતી. તેના માટે સૅટેલાઇટનાં આ શમી વૃક્ષનાં ચાર પાંદડા લઈને ગયો હતો. લેતી વખતે ખીજડાના કાંટા વાગ્યા હતા. હવે ખીજડા માટે કંઈ થઈ ના શક્યું નહીં એટલે વાગતા રહેશે.
 નંદિતા કૃષ્ણા અને એમ. અમિર્તલિંગમે લખેલું ખૂબ અભ્યાસપૂર્ણ પુસ્તક Sacred Plants of India (Penguin 2014) ખીજડાના વૃક્ષનો ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદ, તૈત્તિરિય બ્રાહ્મણ, મત્સ્યપુરાણ, સ્કંદપુરાણ અને ગરુડપુરાણમાં ક્યાં અને કેવી રીતે છે તેની આધારપૂર્ણ વિગતો આપે  છે.
નંદિતા કૃષ્ણા અને એમ. અમિર્તલિંગમે લખેલું ખૂબ અભ્યાસપૂર્ણ પુસ્તક Sacred Plants of India (Penguin 2014) ખીજડાના વૃક્ષનો ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદ, તૈત્તિરિય બ્રાહ્મણ, મત્સ્યપુરાણ, સ્કંદપુરાણ અને ગરુડપુરાણમાં ક્યાં અને કેવી રીતે છે તેની આધારપૂર્ણ વિગતો આપે  છે. 
આ પુસ્તકમાં ખીજડાને લગતા એક ઐતિહાસિક બનાવનો ઉલ્લેખ પણ છે. મારવાડના રાજાએ અભયસિંહે 1730માં જોધપુરથી પંદરેક કિલોમીટર પર આવેલાં ખેજરલી ગામમાં ખીજડાના ઝાડ કાપવા માણસો મોકલ્યા. ખીજડાનું ઝાડ રાજસ્થાનના ગરમ, રેતાળ પ્રદેશમાં વધુ મહત્ત્વનું ગણાય. એટલે પર્યાવરણના રક્ષણ માટે વિખ્યાત બિશ્નોઈ સમુદાયના અમૃતાદેવી બિશ્નોઈ, એમની દીકરીઓ અને એમના સાથીદારોએ ઝાડને બાથ ભીડી રાખીને બચાવ્યાં.
 વિકિપીડિયામાં અને ‘સફર મુંબઈચ્યા વૃક્ષતીર્થાંચી’ નામના મરાઠી પુસ્તકમાં આ બનાવનું  વર્ઝન એમ કહે છે કે ઝાડને બચાવવા માટે અમૃતાદેવી અને તેમની દીકરીઓ સહિત બિશ્નોઈ કોમના 363 માણસો શહીદ થઈ ગયા. શહીદોનું સ્મારક અને અમૃતાદેવીનું મંદિર ખેજરલીમાં છે. ઉત્તરાખંડમાં 1973માં વૃક્ષો બચાવવા માટે ચાલેલાં ચિપકો આંદોલનની પુરોગામી ચળવળ તરીકે પણ ખેજરલી હત્યાકાંડ અને શહાદતનો ઉલ્લેખ થતો હોય છે.
વિકિપીડિયામાં અને ‘સફર મુંબઈચ્યા વૃક્ષતીર્થાંચી’ નામના મરાઠી પુસ્તકમાં આ બનાવનું  વર્ઝન એમ કહે છે કે ઝાડને બચાવવા માટે અમૃતાદેવી અને તેમની દીકરીઓ સહિત બિશ્નોઈ કોમના 363 માણસો શહીદ થઈ ગયા. શહીદોનું સ્મારક અને અમૃતાદેવીનું મંદિર ખેજરલીમાં છે. ઉત્તરાખંડમાં 1973માં વૃક્ષો બચાવવા માટે ચાલેલાં ચિપકો આંદોલનની પુરોગામી ચળવળ તરીકે પણ ખેજરલી હત્યાકાંડ અને શહાદતનો ઉલ્લેખ થતો હોય છે.
રાજાએ ખીજડા એટલા માટે કપાવ્યા કે તેને મહેલ બનાવવાનો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ખીજડો (અને બીજાં ઝાડ) એટલા માટે કાપી રહી છે કે તેને રોડ બનાવવો છે. રાજાની સામે પડવા માટે અમૃતાદેવી અને તેમનાં સાથીઓ હતાં. કૉર્પોરેશનની સામે પડવા માટે આ લખનાર સહિત કોઈ નથી.
હમણાંના દિવસોમાં નારણપુરા, ગોતા, મોઢેરા, ગાંધીનગર, રાજપીપળા, વાપી-વલસાડ, સુરેન્દ્રનગર, બાવળા … અનેક જગ્યાએ રહેતાં, ત્યાં જતાં-આવતાં લોકો પાસેથી ઠેકઠેકાણે મોટાં મોટાં, વર્ષો જૂનાં ઝાડ સરકાર કાપી રહી છે એવા સમાચાર મળતાં જ રહે છે.
કોરોનામાં લોકો ઑક્સિજન નહીં મળવાને કારણે મૃત્યુ પામ્યા હતા અને વૃક્ષો ઑક્સિજન આપે છે, એ હકીકત સંભવત: જાણનારી સરકારોમાં સદ્દબુદ્ધિ આવે એ જ એકમાત્ર આશા !
13 ફેબ્રુઆરી 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર
 

