વળી ‘આફતને અવસરમાં બદલવી’-વાળી જે વાત છે, એની ત્રિરાશી કોઇ રીતે આ રોગચાળામાં સાચી મંડાઇ જાય તેવો પ્રયાસ પણ થયો. પણ દાખલાની રકમ જ ખોટી હોય તો સાચો જવાબ ક્યાંથી આવવાનો?
સત્તા પર આવ્યાને નરેન્દ્ર મોદીને સાડા છ વર્ષ થયા છે. આટલાં વર્ષોના શાસનમાં હાલમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન મોદી માટેનો સૌથી મોટો પડકાર છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ‘સત્તા મળવાથી પરિવર્તન રાતોરાત થઇ શકે છે’નો ભ્રમ ખોટો સાબિત થઇ રહ્યો છે. બહુમત મળવાથી મતભેદો દૂર નથી થતા, સત્તા હોવાથી લોકો બધું જ સ્વીકારી લે એમ નથી હોતું. નરેન્દ્ર મોદી પાસે શું વિકલ્પ છે? અચાનક જ પસાર કરી દેવાયેલા કૃષિ કાયદાને મામલે દેશમાં વિરોધનો વંટોળ ચાલ્યો છે તેમાં એક તબક્કે રોગચાળાની બીકને કારણે કંઇક અટકશે તેવી અપેક્ષા સરકારને હોય તે સ્વાભાવિક છે પણ એવું કંઇ થયું નહીં. વિરોધનો વંટોળિયો વધારે જોરથી ફુંકાઇ રહ્યો છે. ખેડૂતો સાથેની વાટાઘાટો કોઇ નિષ્કર્ષ પર નથી પહોંચી રહી. આ આખા ય આંદોલનની સરખામણી એન્ટી સી.એ.એ. સાથે ન થવી જોઇએ, એનું સીધું કારણ છે કે સી.એ.એ.ના મુદ્દામાં ભા.જ.પા.નો ભાવતો અને ફાવતો વિષય હતો, ધ્રુવીકરણ, જરૂર પડ્યે ત્યાં કોમવાદ. શીખોને તમે મુસલમાનોમાં ફેરવીને કોઇ બીજો ખેલ ન કરી શકો. છતાં ય ખાલિસ્તાની જમીનનો મુદ્દો ઉછાળવાનો પ્રયાસ થયો, જે ઠાલો અને નિષ્ફળ રહ્યો. સી.એ.એ.ની વિરુદ્ધમાં જે ચળવળ ચાલી તેમાં ડાબેરીઓ અને બૌદ્ધિક જૂથ હતા, જેમને હાંસિયામાં ધકેલી દેવા આસાન હતું, સરકારે તેમની સાથે વાત માંડવાનો પ્રસાય પણ નહોતો કર્યો પણ ખેડૂતોને એમ ટાળી શકાય તેમ નથી. આ તરફ જે પણ આર્થિક બદલાવના પ્રયાસો કેન્દ્ર સરકારે કર્યા છે તેને એક પણ અર્થશાસ્ત્રીએ વખાણ્યા નથી, અર્થતંત્રનો સ્તંભ પોલો થઇ રહ્યો છે તેવા જ અવાજો ઊઠે છે. વળી ‘આફતને અવસરમાં બદલવી’ વાળી જે વાત છે એની ત્રિરાશી કોઇ રીતે આ રોગચાળામાં સાચી મંડાઇ જાય તેવો પ્રયાસ પણ થયો. પણ દાખલાની રકમ જ ખોટી હોય તો સાચો જવાબ ક્યાંથી આવવાનો? ફટાફટ નિર્ણયો લેવાથી કંઇક સારું પરિવર્તન થશે એ ધારણા ખોટી પડી રહી છે. કૃષિ કાયદો અને પછી લેબર લૉઝમાં પણ કંઇ વળ્યું નહીં. હવે આ પરિસ્થિતિમાં મોદીએ શું એ કરવું જોઇએ જે મનમોહન સિંઘે લોકપાલ બિલ ટાણે અણ્ણા હઝારે કર્યુ હતું? તેઓ અણ્ણા સામે ઝૂક્યા, તેમના મુદ્દાને ચર્ચવા સંસદમાં સત્ર યોજ્યું, જે કબૂલવા જેવું લાગ્યું એ કબૂલીને નૈતિકતા અને રાજકીય ભથ્થું હોમી દીધા. યુ.પી.એ.-2નો ગઢ પડી જવા પાછળ અણ્ણા હઝારે એક માત્ર કારણ નહોતા, પણ ગાલાવેલા કૉન્ગ્રેસીઓ પણ આ સરકારને નડી ગયા. આ તો અણ્ણા અને લોકપાલ બિલની વાત થઇ.
હવે જે માર્ગારેટ થેચરે કર્યું હતું તે આનાથી તદ્દન વિરુદ્ધ હતું. થોડા વખત પહેલા નેટફ્લિક્સ પર ‘ધી ક્રાઉન’ સિરીઝનો ચોથો ભાગ આવ્યો, તેમા લેડી ડાયનાની વાત તો છે, પણ આયર્ન લેડી કહેવાયેલી અને બ્રિટનની પહેલી મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરની કથા પણ તેમાં આલેખાયેલી છે. શું મોદી સરાકારને માર્ગારેટ થેચરની માફક કોઇની ય પરવા કર્યા વગર જે બદલાવ લાદ્યા છે તે તો ચલાવવા જ પડશે – એવું કરવાનું માફક આવશે? જો તે એમ કરશે તો એ આપણા લોકશાહી દેશમાં કેટલાને ગળે ઊતરશે?
ખેડૂતોની વાત કરીએ તો પંજાબ અને હરિયાણાના કેટલાક ખેડૂત જૂથો રાજકીય પક્ષને રંગે રંગાયેલા હોવા છતાં પણ સપ્ટેમ્બરની આસાપાસ તેમણે રાજકારણને પોતાના આંદોલનમાં ઘુસતા રોક્યું છે. પરંતુ જ્યારે રાષ્ટ્ર વ્યાપી બંધની વાત આવી ત્યારે તે બિલકુલ બિન-રાજકારણી બંધ હશે, તેવું ગળું તાણી તાણીને કહેવાયું હોવા છતાં ય કૉન્ગ્રેસે બંધમાં ઝંપલાવ્યું. જ્યાં જ્યાં ભા.જ.પા.ની સરકાર હતી તે રાજ્યોમાં કૉન્ગ્રેસીઓ સક્રીય રહ્યા, રાહુલ ગાંધી પણ ખેડૂતોને મળવા ગયા અને તેમાં તેમની ઠેકડી પણ ઊડી. મૂળ વાત એમ કે રાષ્ટ્ર વ્યાપી બંધ રાજકારણના રંગે રંગાયા વિના ન રહી શક્યો.
વળી જોવાનું એ છે કે જે કૉન્ગ્રેસ આ ફ્રી-માર્કેટના સુધારાઓનો વિરોધ કરવામાં ખેડૂતોનો સાથ આપી રહ્યા છે અથવા તો તેમની પડખે હોવાનો ડોળ કરી રહ્યા છે, એ જ કૉન્ગ્રેસે એક સમયે આ જ પરિવર્તનો કરવાનો પ્રયાસ કર્યો હતો. 2004માં યુ.પી.એ.ની સરકારે રાજ્યોને મોડેલ APMC એક્ટ 2003ના અમલીકરણ માટે દબાણ કર્યું હતું, આ નિયમો 2007માં બદલાયા હતા અને 2013માં કૃષિ ઉત્પાદનોના આંતર રાજ્ય વેપાર અને વાણિજ્ય બિલ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. ન્યાય મંત્રાલયે આ બિલ તૈયાર પણ કર્યું હતું પણ કોઇ કારણોસર વાત આગળ વધી જ નહીં. 2019માં પણ કૉન્ગ્રેસના મેનિફેસ્ટોમાં આ સુધારાની વાત હતી.
ભા.જ.પા. અને કૉન્ગ્રેસની લીડરશીપમાં એક મૂળભૂત તફાવત એ છે કે ભા.જ.પા.ના લીડર્સ આપણને ગમે કે ન ગમે એ આપબળે જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચ્યા છે. અત્યારની કૉન્ગ્રેસમાં મહાત્મા ગાંધી કે નહેરુની વિચારશીલતાની છાંટ પણ નથી. એક જ કુટુંબમાં એ શતરંજ રમાયા કરે છે જે શતરંજ ન રહીને સાપ સીડીનો ખેલ બની જાય છે. ભા.જ.પા.માં પરિવારવાદ અગ્રિમતા નથી અને જે જોઇએ છે તે મેળવવા તેઓ યેનકેન પ્રકારેણ સતત કામ કરતા રહે છે. કૉન્ગ્રેસના અત્યારના નેતાઓને બધું બગાસું ખાતા મ્હોમાં પડેલાં પતાસાંની જેમ મળ્યું છે, રાહુલ ગાંધી પક્ષના કપરા સમયે ક્યારેક દેશમાં તો ક્યારેક વિદેશ ભણી પ્રવાસ કરતા જોવા મળે છે. ભા.જ.પા.માં જીત મળે ત્યારે ફરી ગ્રાઉન્ડ વર્ક શરૂ થાય છે, એ પણ ત્યાં જ્યાં પક્ષ સહેજ નબળો હોવાની જાણ હોય પણ કૉન્ગ્રેસમાં કોઇને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવવું. સોનિયા ગાંધીની તબિયત અને ઉંમર સાથ આપે તેમ નથી, એમાં અહેમદ પટેલના જવાથી પક્ષની હાલત થોભવા આવેલા ભમરડા જેવી થઇ ગઇ છે. એ સાવ ધૂળમાં રગદોળાઇ ન જાય એ પહેલાં પરિવારે પોતાની ‘ગાદી’ ખાલી કરી દઇ, રાજકારણને પૂરેપૂરું ધર્મના કાર્ડને શરણે જતાં અટકાવવું જોઇએ.
બાય ધી વેઃ
સમસ્યાઓ પેંડોરાઝ બૉક્સમાંથી બહાર આવેલા જીવ જંતુઓની માફક ઉભરાઇ રહી છે. બન્ને પક્ષની સમસ્યાને પાર પાડવાની પદ્ધતિઓ અલગ છે. ક્યાંક શાહમૃગ વૃત્તિ છે તો ક્યાંક ‘તમ તમારે તલવાર ચલાવો, જોઇએ શું થાય છે’ પ્રકારનું વલણ છે. ભા.જ.પા.ની સફળતામાં કૉન્ગ્રેસે મૂકેલી ઢીલ બહુ મોટું કારણ છે. હજી ત્રણ વર્ષ છે કે આ વારસાગત ખેલ આ પક્ષમાં અટકે અને તો જ કદાચ લોકશાહીનો અર્ક અને અર્થ બંન્ને કોઇ રીતે સચવાશે, બાકી સરમુખત્યારશાહી કેટલી લોહિયાળ કે કેટલી અરાજકતા ફેલાવી શકે છે તેનાથી આપણે અજાણ નથી. ફરી યાદ કરાવું કે ખેડૂત બિલની વાત મૂળ તો કૉન્ગ્રેસે જ શરૂ કરી હતી પણ અમલ નહોતો થઇ શક્યો.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ડિસેમ્બર 2020