
અનિલ વ્યાસ
ફરી પાછા બાપા આવ્યા. પપ્પા મૂંઝાઈને ખુરશીમાં બેઠા, પછી થોડું હલ્યા. બાપા સહેજ ભોંઠપથી હસવા જેવું કરી સેટીની ગાદીનો ટેકો લઈ ભોંય પર બેસી ગયા. એમની મોટી માંજરી આંખો આમ તેમ ફેરવતા મને પાણી લાવવા ઈશારો કર્યો. હું ઊભો થઈ બહાર નીકળ્યો ત્યાં સુધી કોઈ કશું બોલ્યું નહોતું. મમ્મી પાણીનો પ્યાલો લઈ બારણાની આડશે ઊભાં હતાં, મને અંદર આવતો અટકાવી બોલ્યાં,
‘લે, લઈ જા, ને પૂછતો આવજે ચા પીશે કે ખાવા બેસશે? ’
મારે બાપાને કશું પૂછ્યું નહોતું એટલે પાણીનો પ્યાલો અંબાવી ઊભો રહ્યો. બાપાએ પગ લાંબો કર્યો. એમના ઓઘરાળા પગ, વધેલા નખ અને પીંડીથી છેક એડી સુધીનું કાળું ધોળી-રાતી ઝાંય વાળું ખરજવું તરવર્યું. હવે એ ના ખંજવાળે તો સારું. એમ મનોમન બબડતાં હું ડગલું પાછળ ખસ્યો. રૂમમાં ગોળાનું પીળું અજવાળું અને પંખો ફરવાનો અવાજ આવતો હતો. ઊંચી ધારે ગળામાં ઉતરતાં પાણીનો ઘટક ઘટક અવાજ પંખાના અવાજમાં ભળી જતો હતો.
‘કેમ આટલું મોડું આવવાનું થયું?’ પપ્પાના અવાજમાં રોષ અને કડવાશનું મિશ્રણ હતું.
બાપાએ પાણીનો પ્યાલો નીચે મૂકી પગ વાળ્યો. ખરજવું ખંજવાળતા બોલ્યા,
‘બપોરની લોકલ લીધી‘તી. આગળ ભારખાનું ખોટકાઈ ગયેલું તે, નડિયાદ ટેશને નાખી રાખ્યા.’
‘હુમ્.’ કહી પપ્પા ટટ્ટાર થયા.
મને યાદ આવ્યું મમ્મીએ ખાવાનું પૂછવાનું કહ્યું હતું. હું કઈ બોલું એ પહેલા પપ્પાએ પૂછી લીધું, ‘ખાધું છે કંઈ કે ભૂખ્યા છો?’
‘ના, કંઈ નહીં. પાણી પીધુંને! હવે સુઈ જઈશું.’ રાત ઉતરતી જતી હતી, ઘર પાછળ લીમડા ઉપર કાગડા બોલવા શરૂ થયા હતા.
‘જા, તારી મમ્મીને કે’ થાળી પીરસે.’ હું અંદર આવ્યો. મમ્મી ‘આમને કાયમ અડધી રાતે જ વેન ઉપડે છે.’ બોલતી, જોર જોરથી પ્રાયમસને પંપ મારતી હતી.
અમારે આવું કાયમનું હતું. વર્ષે બે વર્ષે બાપા આમ આવી પહોંચે. આવે એટલે કશીક ઉપાધી લેતા આવે એ નક્કી. હું આઠમા ધોરણમાં હતો ત્યારે બરાબર પરીક્ષાના બીજા જ દિવસે આવી પહોંચેલા. એમણે પ્રકાશ કોલેજની કેન્ટીનના રસોડાનો કોન્ટ્રાક્ટ લીધેલો, અને છોકરાઓની મેસની ફીના બધા પૈસા …… શરૂઆતમાં તો કહેલું કે એમણે એક ભાઈબંધને તાત્કાલિક સારવાર માટે આપ્યા ને એણે પાછા નથી આપ્યા. અંતે કબૂલેલું કે એ જુગારમાં હારી ગયા હતા. એ વખતે દાદા તિરસ્કારથી બોલેલા,
‘અહીંયા તારો હણીજો મેલી ગયો છે તે છાશવારે હેડ્યું આવે છે? જુગાર રમવા વાળી ના જોઈ હોય તો. ડોઝું ભરીને રસ્તો પકડી લો.’
પછી પપ્પા સામે જોઈને કહે, ‘જો આને એક રૂપિયો ય આપ્યો તો મને મરતો ભાળ, કહી દઉં છું.’
સાંભળી બાપા ઊભા થઈ રસોડામાં દોડ્યા હતા. શાક સમારવાનું ચપ્પુ લઇ ઝભ્ભાની ચાળ ઊંચી કરી, ચપ્પાની અણીથી પેટ દબાવતા બોલ્યા, ’લો તમે શું લેવા મરો …’ હું જ મરું …… લો! પપ્પાએ ઝડપથી આગળ વધી એમનો હવામાં તોળાયેલો હાથ પકડી લીધો. જોરથી બાપાને બેઠક ખંડમાં ધકેલ્યા. બાપા રૂમમાં આવી સેટીના ખૂણે બેસી ખુલ્લા મોંએ મોટા મોટા શ્વાસ લેવા માંડ્યા.
બપોરે બાપા ગયા પછી દાદા મમ્મીને વઢતા હતા. ’એ પોંચી આપણા નીરવના મોસાળમાંથી આયેલી. પિયરનું સોનું આવી રીતે તમે …’ બોલતા એમનો આવાજ સોરાઇ ગયો હતો. પપ્પાએ પાણીનો પ્યાલો લંબાવતા કહ્યું,
’કશો વાંધો નહીં. સોનુ તો આમ લઈ લઈશું. હું તો આમે ય સોના ચાંદીમાં જ કામ કરું છું.’ મને એમનો અવાજ એમને જ બોદો લાગ્યો હોય એમ અનુભવાયું. એમણે મારી સામે સહેજ ધારીને જોયું. મને યાદ આવ્યું, આ ચોમાસામાં અમારા પાછલા રૂમમાં ભેજ આવવાથી દીવાલે પોપડીઓ ઉખડી ગઈ હતી. મમ્મીએ દીવાલે સાવરણી ફેરવી એટલે પ્લાસ્ટરનું દડબું તૂટીને ખર્યું. ખવાયેલી ઈંટો અને ભેજથી દીવાલે ગાબડું પડ્યું હોય એમ દેખાતું હતું. પપ્પાએ થોડો સિમેન્ટ લાવી સાંજે તવેતાને લેલાની જેમ વાપરી પ્લાસ્ટર કર્યું હતું. બે દિવસે પ્લાસ્ટર સુકાયું એટલે ચૂનાનો હાથ મારી બરાબર આમ જ દીવાલ જોઈ રહ્યા હતા.
મમ્મીએ કદી બાપા સામેનો અણગમો દેખાવા દીધો નહિ. એ હરિબાપાને ભાવતો શીરો કે લાપસી બનાવતી. ચીકટી આંગળીઓ ચાટતા એ હરખાતા, ‘જયા, તારી લાપસીથી બધું હેઠ.’ પછી મોટો ઓડકાર ખાઈ, ’મહાદેવ…મહાદેવ’ બોલતા આડા પડખે થતાં. એ વખતે ’હેંડ, લગાર પગ કચરી આલ.’ કહી મને બોલાવતા. હરિબાપાની જોડે જતાં જ સડેલી ડુંગળી અને ધુમ્રપાનની દુર્ગંધ વળગી જતી.
દિવાળી પહેલાં એ આવ્યા ત્યારે પપ્પા એમને ધીમેથી પૂછતા હતા, ’હજી બદલીમાં જાવ છો કે મૂકી દીધું?’
’ના..ના રોજ આંટો મારવાનો જ, એમાં ચૂક ના કરું.’ એ બોલ્યા. ‘હં.’ કહી પપ્પા ચૂપચાપ બહાર ટેલીફોનના તાર પર બેઠેલા કાગડા જોઈ રહ્યા.
બાપા વાડીલાલ હોસ્પિટલ ખાતે દર્દીઓના રસોડામાં બદલી કામદાર તરીકે નોંધાયેલા હતા. કાયમી પટ્ટો મળે એમ નહોતું પણ મહિનામાં આઠ દસ દિવસ બદલી ભરતા. પપ્પા સ્વભાવથી જ શિસ્તબધ્ધ અને કામઢા. એમની વંદે બ્રધર્સ પેઢીની નોકરીથી આવી નિયમિત બે કલાક રેંટિયો કાંતતાં. એક આંટી સૂતર રોજ ઉતારવું એવું નીમ લીધેલું. મેટ્રિક પાસ થઈ એ સર્વોદય આશ્રમ ગુંદીમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાં ચાર વર્ષ નવલભાઇ શાહ અને બાબુભાઈ પટેલની કેળવણીમાં ઘડાયા. એ સમયગાળામાં એમનો પરિચય વનમાળી દાદા સાથે થયો.
વનમાળીદાસ ચોકસીનો મૂળ વ્યવસાય સોના ચાંદીના દાગીના ઘડવાનો પણ એમણે દેવજી ઠક્કર સાથે ભાગીદારીમાં વંદે બ્રધર્સ નામની ધીરધારની પેઢી ખોલી હતી. નવલભાઇ એમના નાનપણના મિત્ર હતા. એટલે એ દર વર્ષે આશ્રમ આવતા. જ્યારે એમની પેઢી માટે કોઈ ભરોસાપાત્ર માણસની જરૂર હતી ત્યારે નવલભાઇને સીધું જ પૂછી લીધું, ‘છે કોઇ તમારા ધ્યાનમાં? નવલભાઈએ પપ્પાને નજીક બોલાવી કહ્યું, આ સન્મુખને લઈ જાઓ.
એ રીતે પપ્પા વનમાળી દેવજીની પેઢીમાં જોડાયા. એ વખતે હું અને મમ્મી મામાને ત્યાં રહેતા હતાં.
પપ્પા પેઢીમાં જોડાયા એ જ વર્ષે બાપા એમની તલાટી કમ મંત્રીની નોકરીનું ભરણું ઉઠાવીને મુંબઈ ઉપડી ગયેલા. પાંચ દિવસ રોકાયા અને ડાન્સર છોકરીઓ ને દારૂ પાછળ બધા રૂપિયા ઉડાડી પાછા આવ્યા. કલેકટરે સરકારી નાણાંની ઉચાપત સબબ એમની ધરપકડ કરવા માટે ઘેર પોલીસ મોકલી ત્યારે એમની હરી-લીલાની ખબર પડી.
દાદાએ તાર કરીને પપ્પાને બોલાવ્યા. અમારા બે ઘર પૈકીનું એક ઘર રાતો રાત વેચી બાપાને છોડાવ્યા. પૈસા જમા કરાવતી વખતે દાદા અને સરોજબાએ કલેકટર અને મામલતદારને રીતસર પગે પડીને બાપાની તલાટીની નોકરી બચાવી હતી.
બાપાને ત્યાં નિમિષાબહેન પછી ત્રણ વરસે જયદેવનો જન્મ થયો. ત્યાં સુધી હરિ બાપા તલાટી તરીકે નોકરી કરતા હતા. અચાનક મગજ મેડ થઈ ગયું કે કશીક ધાપ મારી એની મને આજ સુધી ખબર નથી પડી પણ એમને તલાટીની નોકરીમાંથી પાણીચું મળી ગયું હતું. એમની રુખસદ અટકાવવા પપ્પાએ ઘણી મહેનત કરી હતી પણ પણ દાદા કહે, “આપણો રૂપિયો જ ખોટો. “
બાપાની નોકરી ગયાનું દુ:ખ સહુથી વધારે દાદાને થયું હતું. એમણે પહેલી વાર મને બહાર જવાનું કહ્યા વગર પપ્પાને કહ્યું, ‘ભઈ, આ આ હરિ લાલે જાતને લૂણો લગાડ્યો છે એ હવે તમને ય લાગશે. તમે એના જીવતરની સાંધા-સૂંધી કરો છો પણ દરેક સમારકામથી તડ વધુ ઊંડી થઈ જાય છે એ હું જોઈ શકું છું.’ મમ્મીએ દબાતા અવાજે કહ્યુ હતું, ‘હું કશું બોલતી નથી પણ મને નથી ગમતું. દરેક વખતે …. બાકીના શબ્દો એમના રુંધાયેલા કંઠમા અવરોધાઈ રહ્યા.
પપ્પા તે દિવસોમાં સુનમૂન થઈ ગયેલા. પોતાને મળેલી નિષ્ફળતાનું પ્રાયશ્ચિત કરતા હોય એમ એમણે રેંટિયો કાંતવાનો અને પ્રાર્થનાનો સમય વધારી દીધો હતો. જયદેવે પેઢીએ ફોન કરી જણાવ્યું હતું કે હરિ બાપા કોઈ કાનદાસ બાપુના મઠમાં પડ્યા પાથર્યા રહે છે અને ઘર ચલાવવા સરોજબા ત્રણ ઘેર રસોઈ કરવા જાય છે.
જયદેવ દસમામાં આવ્યો ત્યારે અને હું પ્રિ-સાયન્સમાં, ત્યારે નવલભાઇ શાહના બનેવી બળવંતરાય નારણપુરા વોર્ડમાંથી ચૂંટાયા અને વાડીલાલ હોસ્પિટલની કમિટીમાં હોદ્દેદાર નિમાયા. આ સમાચાર જાણી દાદાએ અચાનક ‘હવે તમે હરિલાલનું ઠેકાણું પાડી આપો ભાઈ’નું રટણ ઉપાડેલું.
પપ્પાએ ‘આ એક પ્રકારનું ભ્રષ્ટ આચરણ જ ગણાય.’ એવી દલીલ કરી.
તો સામે એમણે ‘બેસ છનોમાનો! ભાઈ માટે તારે લૂલી ચલાવવા સિવાય શું કરવાનું છે?’નો ડંકો વગાડ્યો.
ઘરનું વાતાવરણ દર બે ત્રણ દિવસે આ વાતે ડહોળાતું રહેતું. પપ્પાએ એમની વાત ન જ માની એટલે દાદાએ ગુસ્સાભેર એમનો થેલો તૈયાર કર્યો. નીકળતી વખતે, ‘મોટી સિદ્ધાંતની પૂંછડી ના જોઈ હોય તો.’ કહેતાં એમણે ચંપલ પહેરવા માંડ્યા, પપ્પાએ ત્યારે ય એમને રોક્યા નહીં અને મમ્મીને આંખથી દાદાને રોકતા અટકાવી. મને ‘તું અંદર જઈને ભણવા બેસ.’નો હુકમ કર્યો. દાદા બસ સ્ટેન્ડ સુધી નહિ પહોંચ્યા હોય ત્યાં મને હાથમાં થોડા રૂપિયા આપતાં કહ્યું, દોડતો જા, એમને ગાડીમાં બેસાડી આવ.’
દાદાના ગયા પછી એકાદ મહિનામાં મને ખબર પડી કે હરિ બાપાને વાડીલાલ હોસ્પિટલના રસોડામાં નોકરી મળી ગઈ છે.
એક દિવસ સાંજે અચાનક દાદા સરોજબાને લઈને આવ્યા હતા. બંધ બારણા પાછળની ચર્ચા હું ન સાંભળું એટલે પપ્પાએ મને એમની રજા ચિઠ્ઠી આપવા પેઢીએ રવાના કર્યો. જતાં જતાં સરોજબાના રડવાનો અવાજ સાંભળી હું દરવાજા પાસે ઊભો રહ્યો. માંડ એકાદ વાક્ય સાંભળ્યું ન સાંભળ્યું અને પપ્પાએ જોરથી બારણું ખોલી મારી સામે જોયું. ‘તું ગયો નથી હજુ?’
સરોજબા એમના ઘેર પાછા જવા નીકળ્યા એ વખતે મેં મારી બચતની રકમ આપી મમ્મીને નિમિષા માટે ડ્રેસ લાવી આપવા કહ્યું હતું. મમ્મીના મોં પર એક રમતિયાળ મલકાટ હતો. મેં પૂછ્યું, કેમ હસે છે? મારા વાળ ફેંદી નાંખતા; એ ફરી હસીને બોલી, ‘કંઈ નહિ. અમસ્તા.’
સરોજબાએ જતી વખતે વ્હાલથી મારા માથે હાથ ફેરવ્યો. એ વાંકા વળ્યા ત્યારે મારી નજર એમના પેટે અને પાંસળા પર દેખાતા લીલા કાળા બદામી ઝામાં પર પડી. હુ કંઈ પૂછું એ પહેલા એ ઝડપથી પાલવ સરખો કરતાં અવળું ફરી ગયાં. તો ય, ઢીલા અંબોડા નીચે લગાડેલું ડ્રેસિંગ ના સંતાડી શક્યાં.
પ્રિ-મેડીકલની પરીક્ષા નજીક હતી છતાં વાંચવા બેસું ત્યારે મને સરોજબાના સોળ અને ડોક પર લગાડેલી મોટી પટ્ટી દેખાતી હતી. મને બાપા પર તિરસ્કાર આવતો હતો. રાત્રે મોડા સુધી ઊંઘ આવતી નહીં.
ઉમરેઠથી ટપાલમાં આવેલું પોસ્ટકાર્ડ મેં જોયું. ત્રંબકદાદાનો કાગળ હતો. બાપાએ અમારા ઉમરેઠના ઘરનો અડધો હિસ્સો ગીરવે મૂકી પૈસા ખંડી લીધા હતા.
મને થયું; પપ્પાએ હરિબાપાને કરેલી પ્રત્યેક મદદ ભૂલભૂલામણીમાં પ્રવેશવા જેવી હતી જેમાં અંદર દાખલ થાવ પછી બન્ને તરફની દીવાલો એકમેકની નજીક ધસતી આવતી હતી. બાપાની અવિરત ભૂલોથી થાકી ગયા હશે પણ આ વૃષાસુરનો પ્રછન્ન પ્રવેશ ટાળ્યો ટળે એમ ક્યાં હતો?
તાત્કાલિક પ્રોવિડન્ટ ફંડમાંથી લોન લઈ પપ્પા ગીરોખત રદ્દ કરાવી આવ્યા ત્યારે મને એમના પર એક પ્રકારનો છૂપો અણગમો જાગતો હતો. પપ્પાને બાપા ખાસ પસંદ હશે? નહિ જ હોય. છતાં એમને સાચવવાના એમના સુખ માટે પ્રયત્નો કરવા છોડી શકતા નથી. એ નથી સાથે રહેતા નથી અલગ! મને એમનો બાપા સાથેનો આવો અળગો અને અડોઅડ વ્યવહાર સમજાતો ન હતો. હું કદી પપ્પાની જેમ નિરપેક્ષ થઇ શકીશ ખરો?
મારી લાગણી પૂરેપૂરી કચડવા આવ્યા હોય એમ ફરી પાછા બાપા આવ્યા. હું ઓસરીમાં બેઠો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી …’ નવલકથા વાંચતો હતો.
‘કેમ ભાઈ ભણો છો ને બરાબર?’ પૂછતા એમણે ચંપલ ઉતાર્યા. અવાજ સાંભળી દાદા પલંગમાં ઊંચા થયા. બાપાને આવકારવા મમ્મી બહાર આવ્યાં. દાદા ઓસરીમાં આવ્યા ત્યાં સુધીમાં એમણે મારી ખાલી પડેલી આરામ ખુરશીમાં બેસીને બીડી સળગાવી લીધી હતી. ચપટીમાં બીડી નો છેડો દબાવતા એ હસ્યા. અધિકારપૂર્વક બીજો હાથ પેટે ઠપકારતા ‘ખાવું છે’નો મોંઘમ ઈશારો કર્યો.
આવીને પપ્પા બરાબર ગુસ્સે થયા હતા. એ ગુસ્સે થાય તો પણ એમનો અવાજ સ્થિર રહેતો.
‘તમને વિચાર જ આવતો નથી? માંડ માંડ ઉમરેઠવાળું ઘર છોડાવ્યું હતું.’ એ એક ક્ષણ ચૂપ રહી બોલ્યા, ‘હજી એના બે હપ્તા બાકી છે ત્યાં તમે નવો ખેલ પાડ્યો.’
બાપા નીચું જોતાં ભાર દઈને ખરજવું ખણવા લાગ્યા. અચાનક મારી પર નજર પડતા દાદાએ મને બહાર જવા ઈશારો કરે કર્યો.
‘ના એ ભલે બેસે. હવે મોટો થયો, એને જાણવાનો હક છે.’ કહી પપ્પાએ ટેબલના ખાનામાંથી કાગળો લઈ હાથમાં ઝંઝેડતા કહ્યું, ‘મેં તમને ત્રણ પાનાં ભરી પત્ર લખ્યો હતો. પણ તમે? કાર્બનની છાપ વાળા અક્ષરોની શાહી તેમના અંગૂઠે ચોંટી હતી. એ બેઠા, ઊભા થયા. ફરી બેસવા જતાં અટકીને બોલ્યા,
‘કુટુંબ, જવાબદારી, માણસાઈ, સમજણ, પરિપક્વતા …. આ બધા શબ્દો ઠાલા નથી. એનો અર્થ છે. સંસાર સુખ ભોગવો છો તો એને નિભાવતા પણ શીખો’.
બાપા ભૂત વળગ્યું હોય એમ ધ્રુજ્યા. હવામાં હાથ ઉલાળતા. ’હા…હા, હું જ ભૂંડો છું. પાપી છું, મારો છૂટકો થાય તો બધાને શાંતિ. બોલો મરી જાઉં? અબી હાલ જીવ આપી દઉં.’ કહેતા બંને હથેળીઓથી ગળું ભીંસવા લાગ્યા. એ સાચે જ ગળું દબાવતા હશે? એવો વિચાર આવ્યો પણ એમના ફાટેલા ડોળા જોઈ મને ધ્રાસ્કો પડ્યો. દાદા ઊભા થઈ કહે, ’બંધ કર તારાં નાટક. છાશવારે મરવાના ત્રાગાં કર છ તે જા મરી જા.’ સાંભળતા જ એ રસોડામાં દોડ્યા. એમની પાછળ પપ્પા અને હું. લંગડી ચાલે પાછળ આવતા દાદા પડવા જતા રહી ગયા. બાપાએ પ્રાઇમસ હાથમાં લીધો. ઢાંકણું ખોલવા મથ્યા. પપ્પાએ પ્રાઇમસ ઝૂંટવી એમને હડસેલ્યા. બાપા અળબડિયું ખાઈ દીવાલે અથડાઇ લથડતા શરીરે પપ્પા સામે આવ્યા. હું વચ્ચે આવીને ઊભો રહ્યો એટલે બંને ડઘાઈને એકબીજાને તાકી રહ્યા.
‘તમાશો કર્યા સિવાય બેઠક ખંડમાં જઈને બેસો.’ બાપા ન ખસ્યા એટલે પપ્પા કડક અવાજે કહ્યું, ‘જાવ.’
‘હું ઉમરેઠનું ઘર તારે નામે કરી આલીશ, મને આમાંથી છોડાય.’
‘મારે તમને કેટલી વાર છોડાવવાના? કેટલીવાર?’
પપ્પા હજું કશુંક બોલતા હતા. પણ મારી નજર આગળ બીજું કંઈક દેખાતું હતું. કોલેજમાં જવા તૈયાર થતો જયદેવ, બીજાના ઘરોમાં રાંધી રાંધી થાકીને ઘરમાં ફરી રસોઈ બનાવતાં સરોજબા, ચણિયો ને ટોપ પહેરી ઉભેલી નિમિષા ……… પછી પપ્પાએ વર્ણવેલ દૃશ્ય આંખ સામે ઉતરી આવ્યું. સાંજે ચીમનલાલ માસ્તરની હારમોનિયમ પર ફરતી આંગળીઓ, અડોઅડ તકિયાને ટેકે દિલરુબા પર બેઠેલા દાદા, તબલાં પર હરિલાલ ને આંખો મીંચી ભજનની કડીઓ ગણગણતા પપ્પા.
મેં મારે હાર્મોનિયમ શીખવું છે એમ કહ્યું ત્યારે પપ્પાએ ‘એમ! શીખ. જરૂર શીખ. કહેતા આડું જોઈ આંગળી અને અંગૂઠાથી આખો લૂછી હતી.
બાપા ધોતિયાના છેડાથી આંખો લુછતા હતા. એ ક્યારે બેઠા? પહેલાં પપ્પા ઊભા થઈ તેમની નજીક ગયા. એમને બરડે હાથ મૂક્યો.
‘તમે આવું કરશો એ કેમ ચાલશે? ’
બાપાનું શરીર ધ્રુજે ગયું અવાજ સંભળાતો નહોતો પણ તૂટક તૂટક શબ્દો ‘હું એવો નથી … ભૂલ થૈ … જીવ અમળાય એટલે …. મમ્મીએ પાણી ધર્યું. ઘૂંટડો ભરી એમણે પ્યાલો મૂકી, હાથ જોડ્યા. બધા આમતેમ થયા અને વાતો બંધ થઈ ગઈ.
બીજે દિવસે પપ્પા મને લઈને પેઢીએ ગયા ત્યારે વનમાળી શેઠે પપ્પાના હાથમાંથી સોનાની જનોઈ લઈ વજન કાંટા પર મુકતા કહ્યું, ‘વિચારી લો બરાબર. સોનું કાઢી નાખ્યા પછી ફરી નહીં વસાવી શકો.’ પપ્પાએ મારા ખભે હાથ મૂક્યો. ‘આ બરાબર ભણશે તો સોનાથી એ અદકો નિવડશે.’
હું મેડીકલના બીજા વર્ષમાં પાસ થયો એ જોવા દાદા હાજર ન હતા. બેઠક ખંડની દીવાલે મૂકેલી તસવીરમાં આત્મા હોત તો એમની આંખો ગર્વ અને સંતોષથી ચમકી ઉઠત.
એમ.બી.બી.એસ.નું પરિણામ આવ્યા પછી પપ્પા સાથે પેથોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું કે કાર્ડિયોલોજીમાં?ની મૂંઝવણ હતી. પપ્પા કહે, ‘હ્રદય સાવ સરળ અને જટિલ હોય છે, બેટા. જટિલ સમજીએ તો સરળ આપોઆપ સમજાય.’
મેં કહ્યું ‘તમારી ઇચ્છા છે હું કાર્ડિયો લઉં.’
એમણે અમારા વેચાઈ ગયેલા ઉમરેઠના મકાનનો ઉલ્લેખ કર્યો.
મેં કહ્યું, ‘પપ્પા તમે ફી કે હોસ્ટેલના ખર્ચની ચિંતા ના કરશો’. એમણે ઝાંખો થતો જતો ઉજાસ પકડી રાખવો હોય એમ બારી બહાર જોયા કર્યુ. પછી મલકાયા. ‘મને ભરોસો છે તમે બધું સંભાળી લેશો.’ એમણે મારી સામે જોયું હોત તો મને ગમત પણ એમ બોલ્યા પછી એમણે નજર ફેરવી નહોતી. એ બહાર એવી રીતે જોતા હતા કે ઝાંખા થતા દૃશ્યની આરપાર જોતા હોય.
ઘણીવાર રાત્રે હું સૂતો હોઉં ત્યારે પપ્પા આવે. મારો સેટી બહાર લબડતો હાથ હળવેથી પથારીમાં ગોઠવે. મને બરાબર ઓઢાડી એ ઋજુતાથી મારા માથે હાથ મૂકતા. કેટલી ય વાર હું ઘસઘસાટ ઊંઘતો હોઉં એમ બંધ પાંપણની ધારમાંથી બધું જ જોઈ રહેતો.
એ રાત્રે પણ એ આવ્યા. રજાઈ સરખી કરી મારા માથે હાથ ફેરવ્યો થોડી ક્ષણો એમ જ મને જોતા રહ્યા.
એ સવારે એ ઉઠ્યા જ નહિ. ડોક્ટરે મેસીવ હાર્ટએટેકનું નિદાન લખી ડેથ સર્ટિફિકેટ આપવા હાથ લંબાવ્યો ત્યારે હું જાણે અંધકારમાં ઊતરવા લાગ્યો. કોઇએ મને બાવડેથી પકડી ઊભો કર્યો. મને અનુભવાયેલો સૂનકાર બધે વ્યાપી ગયો હતો. આખે રસ્તે સહુ એમની સામે જોતું હતું. સ્મશાનમાં, ભડભડતી આગ વચ્ચે ફાટતા લાકડાના અવાજમાં. છેડેથી ચીરાયેલા, તતડતા અંગારામાં પપ્પા ઓગળતા હતા. વનમાળીદાદાએ મારા ખભે હાથ મૂકી હળવેથી મને મોટી મોટી પોકે રડતા હરિબાપા તરફ ખેંચ્યો. મારાથી અનિચ્છાએ એમનો હાથ ખેસવાઇ ગયો.
⦁
બારણું ખખડ્યું.
બાપાનો અવાજ આવ્યો. અંદર આવીને બાપા સંકોચાઈને ખુરશીમાં બેઠા. ટ્યુબલાઈટના અજવાળામાં તેમના મેલાં લૂગડાં, વધેલી દાઢીના ખૂંપરા અને ખરજવું જોઈ મને ઉબકો આવવા જેવું થયું. ઘર બહાર જોરથી વહેતા પવનમાં લીમડાની ડાળીઓ વીંઝાતી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. મોં ફેરવી બાપા સામે તાકતા મારાથી હવામાં બાચકો ભરવા જેવું થઈ ગયું. મમ્મી આવીને ઉભડક બેઠાં. બાપાએ ધીમેથી કહ્યું, ‘આ વખતે તો એવું થયું છે કે …..’
હું બેસવા ગયોને ખ્યાલ આવ્યો કે સોફાની કિનાર સહેજ દૂર હતી. હડબડાઈ પાછળ ખસ્યો. બાપા પર નજર પડી. મરતું મોઢું જોવે એમ એ પપ્પાના અને દાદાના ફોટા સામે તાકી રહ્યા હતા. એમ જ જોતાં જોતાં એમનો હાથ ખરજવા ઉપર ગયો.
મેં જોયું, મમ્મીનો ચહેરો સાવ લેવાઈ ગયો હોય એવો થઈ ગયો હતો. એના લમણાની એક નસ ઊપસીને ધબકતી હતી.
મેં પપ્પાના ફોટા તરફ જોયું. કાચમાં મારો ચહેરો તરવર્યો, સામી દીવાલે. જાણે એ કહેતા હતા. ‘ના એટલે દૂર નહિ સાવ પાસે.’
* * *
8, Carlyon Close, Wembley, Middlesex- Greater London HA0 1HR
e.mail : anilvyas34@gmail.com