સ્ત્રી એટલે બોલકું પ્રાણી, વાતોડિયું જણ, વાતવાતમાં પલપલિયાં પાડીને કે ખી … ખી … હસીને મનનાં દુઃખ – સુખને સપાટામાં બહાર કાઢી નાંખનારું માણસ; બીલાડીના પેટમાં ખીર ના ટકે ને બૈરાંના પેટમાં વાત ના ટકે … આવું બધું આપણે વારસામાં શીખતાં, માનતાં, વર્તતાં આવ્યાં છીએ. લાગે તે કહી દેવું ને ટાણું કટાણું ના જોવું એ સ્ત્રીસ્વભાવ છે – એવું પણ જગવિખ્યાત સત્ય છે; છતાં સ્ત્રીના અવાજનું કેટલું ઉપજે છે એ તો આ સમાજ જ જાણે!
એક રીતે જોઈએ તો સર્જન ને ઉત્પાદનની પ્રક્રિયામાં સ્ત્રી સમુદાયનો મોટો ફાળો રહ્યો છે. શ્રમ અને આર્થિક પ્રવૃત્તિ સાથે પણ સ્ત્રીને સાંકળ્યા વગર છૂટકો નથી રહ્યો. અડધી દુનિયા રોકીને ને અડધું આકાશ સાહીને ઊભેલી સ્ત્રીની વાતના વજૂદને, આમ છતાં આ સમાજે ક્યાં વિસાતમાં ગણ્યું છે?!
બીજી તરફ જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ અને શ્રમ સાથે સંકળાયેલી સ્ત્રીઓ, જેને ‘એસ્થેટીકલ’ કહેવાય એવું સર્જનપ્રદાન કરતી જ રહી છે. જગતભરના લોકસાહિત્યની જનેતા સ્ત્રી છે. જન્મ પહેલાંથી માંડીને, મરણ પછી પણ ગવાતાં ગીતો, હાલરડાં, મરસિયા, ખાંપણા, રાજિયા, જોડકણાં, ફટાણાંની સર્જક છે સ્ત્રીઓ, અસંખ્ય ગરબા, રાસ, રાસડા, ગરબીઓ, ભજનો, પદોની સર્જક છે સ્ત્રીઓ. લોકસાહિત્ય, લોકસંગીત, લોકકળાઓના સર્જનમાં સ્ત્રીનો ‘સિંહણ–ફાળો’ કેવી રીતે નજરઅંદાજ કરી શકાય? … પણ એ સઘળા સાહિત્યની આ સર્જકો અનામી છે, નામહીન છે, ચહેરાવિહીન છે. લોકસાહિત્યની આ સર્જક બહેનો ‘ટોળું’ છે, ‘બૈરાં’ છે.
એ મધ્યકાળ હોય – ભક્તિયુગ હોય – સામંતીયુગ હોય – સામ્રાજ્યવાદી યુગ હોય … કે પછી આજની મૂડીવાદી – બજારચાલિત કહેવાતી લોકશાહીનો યુગ હોય … જે તે કાળનાં પરમ્પરાવાદી અને પિતૃપ્રધાન મૂલ્યોએ સ્ત્રીને વ્યક્ત તો થવા દીધી છે પણ એની અભિવ્યક્તિ ઉપર મહોર નથી મારી, ગણતરીમાં નથી લીધી, દુય્યમ દરજ્જો (સેકન્ડરી સ્ટેટસ) જ આપ્યું છે. આજની તારીખમાં પણ શાળા–મહાશાળાઓમાં પણ લોકસાહિત્યને સાંસ્કૃતિક દસ્તાવેજ તરીકે નહીં પણ સામુદાયિક અભિવ્યક્તિ તરીકે જ શીખવાડાય છે ને એમાંની સામગ્રીને માત્ર ‘ભાવાભિવ્યક્તિ’ના રૂપે જ જોવાય છે. આ બધું ‘રોણું’ ને ‘ગાણું’ સાચા માપદંડોથી મૂલવવા બેસીએ તો આપણી કહેવાતી મહાન સંસ્કૃતિના પડ પડમાં પડેલાં અન્યાય અને શોષણ સાવ જ ઉઘાડા પડી જાય! યાદ આવે છે ને પેલું લોકગીત … વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ !..
વ્યક્તિગત સાહિત્યસર્જન(શિષ્ટ સાહિત્ય)ની વાત કરીએ ત્યારે આપણી સ્ત્રી–સર્જકો સામે ‘સામાજિક સેન્સરશીપ’નો હાઉ સતત ખડો થતો રહે છે એની વાત કરવી જરૂરી છે. સામાજિક સેન્સરશીપનું એક વરવું રૂપ છે ‘સેલ્ફ સેન્સરશીપ’, ‘હું આવું લખીશ તો મારા ઘરની આબરુ તો નહીં જાય ને?’ ‘સ્ત્રી થઈને અમુક ભાવ – લાગણી – વૃત્તિઓની વાત ન કરાય!’ ‘સ્ત્રી તો સુરુચી ને સુનીતિની રખેવાળ કહેવાય’. આવા વિચારોથી લગભગ દરેક લેખિકાની કલમ ઉપર બેડીઓ જકડાઈ જતી હોય છે. ખાસ કરીને વ્યક્તિગત ઈચ્છાઓ – અસંતોષ – જાતીયભાવોનું નિરુપણ કરવામાં આ ખચકાટ બહુ મોટો અવરોધ બની રહે છે. આજે એકવીસમી સદીમાં પણ આપણા સમાજમાંથી વડીલશાહી, પુરુષપ્રધાન, પુરાતન મૂલ્યોની જડતા નથી ઓસરી; ત્યારે એ પણ ન ભુલવું જોઈએ કે સ્ત્રી પોતે પણ આ જ મૂલ્યોની પેદાશ છે. જાણ્યેઅજાણે આ મૂલ્યો–વલણોની સામે થવા કરતાં એમાં જ સલામતી માની લેવાની શાહમૃગવૃત્તિ એક સ્વાભાવિક બાબત છે. એની સામે અવાજ ઉઠાવનારની કાં તો અવગણના થાય છે, કાં તો તિરસ્કાર! વ્યક્તિગત અને સામુદાયિક અન્યાય, અત્યાચાર અને શોષણ વિશે સ્ત્રીસર્જક જો સાચુકલી વાત કરે, ખુદવફાઈથી કરે તો તો માત્ર કુટુંબવ્યવસ્થા જ નહીં; આ આખી ખોખલી, શોષણમૂલક સમાજવ્યવસ્થા પણ હચમચી ઊઠે! આ ‘મારગ’ તો કપરો છે ને એટલે જ એના પર ચાલનારાં ઓછાં છે ને જે ચાલે છે એમની હામને ભાંગી નાખવાના પ્રયાસો પણ અનેકગણા થાય છે. કમલા દાસ કે આશાપુર્ણાદેવી, મહાશ્વેતાદેવી કે નાદની ગોદનીમૅર, માયા એન્જેલો કે સીલ્વિયા પ્લાથ બની રહેવું કંઈ સહેલું નથી! કદાચ આવા જોખમ ઉઠાવવાનું આપણી સુઘડ, ઠાવકી, ઠરેલ ગુજરાતી લેખિકાબહેનો ભાગ્યે જ પસન્દ કરે છે… “મીરાં યાજ્ઞિકની ડાયરી” પછી નામ લખી શકાય એવું વ્યક્તિગત ભાવાનુંભવોનું બીજું પુસ્તક ક્યાં છે આપણી પાસે?!…
આવી હિમ્મત કરનારી લેખિકાઓને ‘સાહિત્યકાર’ કે ‘સર્જક’ જ ન ગણવી ને સાહિત્યજગતમાંથી એમનો કાંકરો જ કાઢી નાખવો … એ બીજા પ્રકારની સેન્સરશીપ છે … જેને ‘સાહિત્યિક સેન્સરશીપ’ કહીશું. એના મૂળમાં પણ પેલા પુરાતન – વડીલશાહી – પુરુષપ્રધાન મૂલ્યો જ છે. સાહિત્યજગત આ મૂલ્યોની છડેચોક લ્હાણ કરી રહ્યું છે. એની સામે મુક્કી વિંઝનારું કોઈ ‘સાત પગલાં આકાશમાં’ કે ‘સળગતી હવાઓ’ કે ‘બત્રીસ પૂતળીની વેદના’ લઈને આવે છે ત્યારે “આને તે વળી સાહિત્ય કહેવાય?” – એમ કહીને આઘું મેલવાની વાત કંઈ હવે નવી નથી રહી! આ તો ‘નારીવાદી’ છે, આ તો ‘ઉગ્રવાદી’ છે, એમની રચનામાં ‘સૌન્દર્ય’ ક્યાં છે? – એવા પ્રહારો સાહિત્યના રજવાડાના મહારથીઓ છાશવારે કરતા રહ્યા છે. પોતાનું આસન ડોલી ઊઠે, જૈસે–થે પરિસ્થિતિ હાલવા લાગે એવું સર્જન લઈને કોઈ સ્ત્રી આવે ત્યારે એને બિનસાહિત્યિક ઠરાવી દેવું એ હાથવગું હથિયાર છે. પેલી લેખિકા એનાથી ઘવાય મરણતોલ થાય ને લખતી જ બંધ થઈ જાય એવું પણ બને છે. કાં તો પછી ‘એ લોકો’ની ભાષા બોલતી થઈ જાય, ‘એ લોકો’ને રાજી રાખતી થઈ જાય ને ચંદ્રકો – ઍવોર્ડો સ્વીકારતી થઈ જાય – પદવીઓ સંભાળતી થઈ જાય એવું પણ બને! જે તમારી સામે વિદ્રોહ ઉઠાવે એને કાં તો મારી નાખો, કાં તો ખરીદી લો… બસ, આ જ સહેલો રસ્તો છે કોઈક સર્જકને ખતમ કરી નાખવાનો.
અલબત્ત, આ ‘કારહો’ કંઈ સ્ત્રીસર્જકો સામે જ અજમાવાય છે એવું નથી. આપણા સમાજમાં જેને જેને પછાત રાખવામાં આવ્યા છે, બોલવા દેવામાં નથી આવ્યા, વિરોધ કરવા દેવામાં નથી આવ્યા … એવા તમામ સમુદાયોની આ સ્થિતિ છે. સમાજનાં અને સાહિત્યનાં સ્થાપિતહિતોએ સીધી યા આડકતરી રીતે આવા જોખમ ખેડનારાઓની અભિવ્યક્તિને રુંધી જ છે. આ દૃષ્ટિએ જોતાં પ્રશ્ન ઊઠે છે કે તસલીમા નસરિન, દીપા મહેતા, કમલા દાસ, સુમા જોસન જેવાં વિદ્રોહી સર્જકો જન્મ–જાતે ‘સ્ત્રી’ છે તેથી જ તેમના ઉપર તવાઈ આવી હશે કે પછી એમની સાચુકલી – દૃઢ, ન્યાયપરક અને પ્રગત્તિશીલ વિચારસરણીને કારણે? જો કે એટલું ચોક્કસ કે આ વિકૃત સમાજને ‘સ્ત્રી’ સામે કાદવ ઉછાળવાનો જે પાશવી આનન્દ આવે છે તે અનોખો (!) હોય છે… છતાં સર્જકોના અભિવ્યક્તિ –સ્વાતન્ત્ર્યના મુદે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરવો બહુ જરૂરી છે કે સમાજનાં સ્થાપિત, જડસુ, પુરાતનપંથીઓ અને સત્તાખોરોને કાંકરી ક્યાં ખૂંચે છે?!
સાથે સાથે સર્જકબહેનો સાથે પણ સંવાદ છેડવા – છંછેડવા જેવો છે કે સૌને રાજી રાખવાની આપણી જુગજૂની ટેવ, સર્જન જેવું ગંભીર કાર્ય હાથ પર લીધા પછી પણ કેમ નથી છૂટતી? આપણી વૈયક્તિક ગુંગળામણોમાંથી બહાર ડોકિયું કરીને, બીજા આવા જ રુંધાયેલા અને પીડિત સમુદાયો પ્રત્યે સંવેદનશીલ બનીને, એમની સાથે મળીને ‘સાચાં સર્જક’ બનવાનું શરૂ કરીએ, તો પેલાં બંધન – બેડીની તે શી વિસાત છે, ભલા?! આ જ સમય છે, આ જ વખત છે જ્યારે સાહિત્ય – સમૂહ માધ્યમો – શિક્ષણ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના તમામ ક્ષેત્રો ઉપર ફાસીવાદી મૂલ્યો – વલણો અને અમલનો સકંજો મજબૂત બનવા માંડ્યો હોય ત્યારે… સમાજનાં સૌથી વધુ સંવેદનશીલ – કલ્પનાશીલ અને સક્ષમ સર્જકોએ આગળ આવીને, એક બનીને, પોતપોતાની રીતે વિદ્રોહ અને પરિવર્તનના અક્ષર આલેખવાનો.
લેખક–સમ્પર્ક : સરુપ ધ્રુવ, 4, લલીતકુંજ સોસાયટી, વીંગ. 1, સ્વસ્તીક ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-380 009
ઈ-મેલ : saroop_dhruv@yahoo.co.in
રમેશ સવાણી સમ્પાદિત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તિકા (સમ્પાદક–પ્રકાશક : ‘માનવવિકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
અક્ષરાંકન : ગોવિન્દ મારુ
ઈ–મેલ : govindmaru@gmail.com