
આરતી નાયર
છેલ્લાં થોડાં વર્ષથી લંડનમાં રહેતી વખતે સૌથી વધારે બીક મને રંગભેદની નહીં, પણ બીમાર પડવાની અને અહીંની સરકારી આરોગ્ય સેવા(નેશનલ હેલ્થ સર્વિસ-NHS)ના શરણે જવાની હતી. તેની મેં અનેક ડરામણી કથાઓ સાંભળી હતી — મહિનાઓ સુધી લોકોને ફક્ત નિદાન માટે રાહ જોવી પડે, ઇમરજન્સી હોય ત્યારે પણ કલાકો સુધી રાહ જોયે જ છૂટકો. આવી છૂટીછવાઈ વાતો પરથી મેં છેવટનો અભિપ્રાય ભલે ન બાંધ્યો હોય, પણ જાતઅનુભવે તેની સચ્ચાઈ તપાસવાની મારી તૈયારી ન હતી. પણ છેવટે એ દિવસ આવી જ ગયો.
મને કમરનો અસહ્ય દુઃખાવો થયો — ‘આયોડેક્સ મલીએ, કામપે ચલીએ’—પ્રકારનો નહીં, તેનાથી ઘણો વધારે. મારાથી એક મિનિટ પણ બેસાય નહીં ને ઊભા પણ રહી શકાય નહીં. પલંગમાં પડી રહેવા સિવાય છૂટકો નહીં, ને ત્યારે પણ દુઃખે તો ખરું જ. પીઠભેર સુવાય નહીં, એટલે પડખાભેર સૂવું પડે. ડાબા પડખા કરતાં જમણું પડખું વધારે દુઃખે, એટલે સતત ડાબા પડખે સુઈ રહેવાથી તે પણ કળવા લાગ્યું.
હવે NHSની મદદ લીધા વિના છૂટકો ન હતો. એટલે મેં ડોક્ટરની અપોઇન્ટમેન્ટ મેળવવા માટે NHSની વેબસાઇટ ખોલી. ત્યાંથી મને જ્ઞાન મળ્યું કે મારો દુઃખાવો ‘ઇમરજન્સી’ની વ્યાખ્યામાં આવતો ન હતો. તેમણે લખ્યું હતું કે કમરનો દુઃખાવો સામાન્ય બાબત છે અને બે-ત્રણ અઠવાડિયાં આરામ કર્યા પછી તે ન મટે, તો જ ડોક્ટરને બતાવવાનું વિચારવું. તેમની વ્યાખ્યા પ્રમાણે, ઇમરજન્સી’ ત્યારે જ કહેવાય, જ્યારે માણસ શ્વાસ ન લઈ શકે, ઊંઘી ન શકે અથવા શૌચ ન જઈ શકે. મારો દુઃખાવો આકરો તો બહુ હતો, પણ સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે, આ ત્રણે ક્રિયાઓમાં મને કશી તકલીફ ન હતી.
સરકારી સેવા સિવાય ખાનગી તબીબી સેવાઓ ઉપલબ્ધ ખરી, પણ તે અતિશય મોંઘી. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું. આટલી પીડા વચ્ચે એક વાતનું સુખ હતું કે મારી ઓફિસે મને ઘરેથી કામ કરવાની રજા આપી હતી. મારા મેનેજરે પણ મને કહ્યું હતું કે ચિંતા ન કરીશ. એટલે હું ઊભાં ઊભાં વીડિયો કોલ પર વાત કરતી હતી અને સૂતાં સૂતાં કામ કરતી હતી. રોજ સાંજ પડ્યે કમરના દુઃખાવાથી અને ઊભા રહેવાને કારણે પગ દુઃખવાથી હું થાકી જતી હતી.
આ રીતે ચાર દિવસ સુધી ત્રાસ વેઠ્યા પછી મેં ભારતમાં એક મિત્રને ફોન કર્યો. તે કરોડરજ્જુના નિષ્ણાત ડોક્ટર હતા. વીડિયો કોલ પર તેમણે મને જુદી જુદી રીતે પગ વાળવાનું અને બીજી કેટલીક રીતે હલનચલન કરવા કહ્યું. તેમને લાગ્યું કે મારી કરોડરજ્જુનો મણકો ખસી ગયો છે (સ્લિપ્ડ ડિસ્ક). એટલે તેમણે પાંચ દિવસ સુધી સદંતર બેડરેસ્ટની-પથારીવશ રહેવાની સલાહ આપી.
કરોડરજ્જુમાં ઘણા મણકા હોય છે ને તેમાંનો એકાદ ક્યારેક કોઈ આઘાત કે આંચકાથી ખસી શકે છે. ઘણે ભાગે તો તે આરામથી સરખો થઈ જાય છે, પણ એવી રીતે બધું સમુંનમું થતાં દસેક અઠવાડિયાં નીકળી જાય. ડોક્ટરે મને કહ્યું કે મને કરોડરજ્જુ, નિતંબ કે પગમાં ઝણઝણાટી જેવું થાય તો મારે તત્કાળ એમ્બ્યુલન્સ બોલાવવી, પણ મને ઝણઝણાટી થાય છે કે નહીં, તે પણ સમજાતું ન હતું. મને થયું કે મારે એમ.આર.આઇ. કરાવવો જોઈએ. નહીં તો કદાચ મુશ્કેલી વધશે.
ભારતમાં એમ.આર.આઇ. કઢાવવાનું હોટેલમાં જમવા જવા જેટલું સહેલું હોય છે, પણ અહીં તો મારે પહેલાં જનરલ ફિઝિશિયનની અપોઇન્ટમેન્ટ લેવાની. તે કેવી રીતે લેવાય એની મને ખબર નહીં. કારણ કે એવી જરૂર પહેલાં કદી પડી ન હતી. મેં મારી પાડોશમાં રહેતાં, સાઠ આસપાસનાં એક અંગ્રેજ બહેનને મેસેજ કર્યો. તેમણે પ્રેમથી મને NHSના એપ પર ફોર્મ ભરવા અંગેનું માર્ગદર્શન આપ્યું અને સાથે સલાહ પણ આપી કે મારે વિકલ્પોની પણ તપાસ કરવી. તેમની સલાહ સાચી હતી. કારણ કે, મને મળતી સૌથી પહેલી અપોઇન્ટમેન્ટ 14 દિવસ પછીની હતી. તેનો વિકલ્પ એ હતો કે મારે એક ઓસ્ટિઓપેથને મળવું. તે બહેનના પતિ પણ તેમને રહેતા કમરના દુઃખાવા માટે એવું જ કરતા હતા.
તેમની સાથે વાત કર્યા પછી સૌથી પહેલાં મારે ઓસ્ટિઓપેથ એટલે શું, એ ગુગલ કરવું પડ્યું. તેમાંથી જાણવા મળ્યું કે તે ડોક્ટર કે ફિઝિયોથેરપિસ્ટ નથી. તેમને આપણા હાડવૈદ સાથે સરખાવી શકાય, પણ કોલેજમાં ભણેલા અને ડિગ્રીધારી. તેમનું કામ સાંધાને વાળી-મરોડીને સરખા કરવાનું. અમદાવાદમાં હતી ત્યારે મને હાડવૈદનો થોડો અનુભવ હતો. તેમનું પરંપરાગત જ્ઞાન હશે, પણ નિશ્ચિત અભ્યાસ કે અને કોઈ સુઆયોજિત ધારાધોરણ વગરની વ્યવસ્થા પર મને બહુ ભરોસો ન હતો. લંડનમાં સાવ એવું ન હતું અને મને થોડો ખચકાટ પણ હતો. છતાં, મારી પાસે બીજો વિકલ્પ ન હતો.
દરમિયાન, રોજની ચચ્ચાર ગોળી લેવા છતાં મારા દુઃખાવામાં કશો ફરક પડ્યો ન હતો. ભારતના મારા ડોક્ટરે પણ કહ્યું જ હતું કે તેની કશી અસર નહીં થાય. કારણ કે, મારે વધારે ભારે ડોઝની જરૂર હતી. તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળે નહીં, ને ડોક્ટર મને 14 દિવસ પહેલાં મળે તેમ ન હતા. એક રસ્તો હતોઃ મારો પતિ સવારના સાત વાગ્યે ક્લિનિકની બહાર જઈને વોક-ઇન (તત્કાળ) અપોઇન્ટમેન્ટ માટે લાઇનમાં ઊભો રહે. તેને વાંધો ન હતો, પણ મારે ક્લિનિક સુધી પહોંચવું શી રીતે? મારી હાલત જોતાં ટેક્સીમાં બેસવાનું પણ અશક્ય લાગતું હતું. યોગાનુયોગે એ જ દિવસે એક મિત્ર ભારતથી આવવાના હતા. એટલે મેં મારા ડોક્ટરને વિનંતી કરી. તેમણે દવા લખી આપી અને 24 કલાકમાં તો તે દવાઓ મારા સુધી પહોંચી ગઈ.
ડોક્ટરે મને કહ્યું હતું કે દવાની અસર થતાં એકાદ અઠવાડિયું તો થશે. દરમિયાન, કંઈક સારું લાગતાં મેં મારા પાડોશીએ સૂચવેલા ઓસ્ટિઓપેથની અપોઇન્ટમેન્ટ બુક કરી. મને હતું કે વધુમાં વધુ શું થશે? નહીં રુચે તો હું તેમની સલાહ નહીં માનું. કમ સે કમ, એટલું તો થશે કે કોઈ મને રૂબરૂ તપાસશે અને કહેશે કે મને સારું થઈ જશે.
ઓસ્ટિઓપેથ ફ્રેન્ચ હતો. સરસ અને હકારાત્મક માણસ. તેણે અડધા કલાક સુધી મને જાતજાતના સવાલ પૂછ્યા — મારી જિંદગી વિશે, જીવનશૈલી વિશે, ભૂતકાળમાં થયેલા અકસ્માતો વિશે, કમરના દુઃખાવાના જૂના ઇતિહાસ વિશે. મેં તેમને કહ્યું કે પહેલી વાર મને વર્ષ 2016માં સ્નાયુ ખેંચાઈ જવાથી કમરનો દુઃખાવો થયો હતો. તે બહુ આકરો ન હતો, પણ દુઃખાવો ખાસ્સો હતો અને મારે બે અઠવાડિયાં સુધી મારે આરામ કરવો પડ્યો હતો. તે વખતે મારી નવી કંપનીમાં કામના અનિયમિત કલાકો અને તેની જીવનશૈલી પર પડેલી અસર કારણભૂત હતી. ત્યારે મને સમજાયું હતું કે કમરનો દુઃખાવો એ મારા શરીરની તંદુરસ્તીનું થર્મોમીટર છે. હું જ્યારે પણ શારીરિક કે માનસિક તનાવ અનુભવું, ત્યારે કમરનો દુઃખાવો અચૂક થતો અને મને યાદ અપાવતો કે મારે જરા ધીમા પડવાની જરૂર છે.
પણ આ વખતે એવું કોઈ કારણ ન હતું. હું એકદમ તંદુરસ્ત હતીઃ જીવનશૈલી સરસ હતી, રોજ ઘરનું રાંધેલું જમતી હતી, રોજનાં 10 હજારથી વધુ પગલાં ચાલતી હતી. (કસરત કરવા માટે નહીં, પણ લંડનમાં સામાન્ય વ્યવહાર માટે ખાસ્સું ચાલવાનું થતું) અને સાઇકલ પણ ચલાવતી હતી.
ઓસ્ટિઓપેથે મને પગ ઊંચકવાનું ને વાળવાનું ને એવું થોડું હલનચલન કરવાનું કહ્યું. તે જોઈને તેમને પણ સ્લિપ્ડ ડિસ્ક જ લાગી. બીજી કોઈ કસરત તો મારાથી થાય એવી ન હતી. એટલે તેમણે ધીમે ધીમે મારા શરીરની જ નહીં, મનની પણ પ્રવૃત્તિ વધે એવાં કેટલાંક સૂચન કર્યાં. મને પણ લાગ્યું કે તેમની વાત બરાબર છે. કારણ કે, અઠવાડિયું પથારીમાં પડ્યા રહેવાની નકારાત્મક અસરોનો અનુભવ મને થવા લાગ્યો હતો.
પછી તેમણે મારી દવાઓ વિશે પૂછ્યું. મેં ભારતથી આવેલી દવાઓની વાત કરતાં, તે આંચકો ખાઈ ગયા. કારણ કે, તે બહુ ભારે ડોઝ હતા અને કદાચ તે બંધાણ થઈ જાય એવી પણ દવા હતી. જો કે, મેં તેમની સલાહ અવગણી અને ભારતના ડોક્ટર પર ભરોસો મૂકવાનું ચાલુ રાખ્યું. કારણ કે, તે વખતે મારે સૌથી વધારે જરૂર હકારાત્મકતાની – આશાની હતી અને દવાઓને લીધે દુઃખાવો થોડો કાબૂમાં રહે તો હું સારી થઈ જઈશ, એવી આશા બંધાતી હતી.
શરીરની પીડા ભયંકર હતી, પણ એકલા પડી જવાનું એનાથી વધારે ખરાબ લાગતું હતું. મારો પ્રેમાળ પતિ અને સાસુ મારી બહુ કાળજી રાખતાં હતાં — ઘરનું ધ્યાન રાખવા ઉપરાંત મારી સાથે બોર્ડ ગેમ્સ રમતાં અને સરસ જમવાનું બનાવતાં હતાં. છતાં, હું હજુ વધારે માણસોના સંપર્ક માટે ઝંખતી હતી. માણસને માણસ વગર ન ચાલે — ને ભારતીયોને તો ખાસ.
અહીંના મિત્રો મેસેજ કરીને મારાં ખબરઅંતર પૂછતાં, ઝડપથી સાજી થાઉં એવી શુભેચ્છા આપતા અને કંઈ જરૂર હોય તો જણાવવાનું કહેતાં. મારે કશાની ‘જરૂર’ ન હતી. મારો પતિ સરસ રીતે બધું સંભાળતો હતો. સારી વાત એ હતી કે એ અરસામાં મારાં પ્રેમાળ સાસુ પણ ભારતથી આવ્યાં હતાં. તે પણ ઘણાં મદદરૂપ થતાં હતાં. છતાં, મારે આ બે ઉપરાંત વધારે માણસોની હાજરી જોઈતી હતી. દિવસો સુધી – અઠવાડિયાં સુધી હું રાહ જોતી રહી. છેવટે મેં સ્વીકારી લીધું કે મને મળવા કોઈ આવવાનું નથી. કદાચ અહીંની સંસ્કૃતિમાં એવો રિવાજ જ નથી.
લંડનમાં અઢી વર્ષના નિવાસ દરમિયાન પહેલી વાર મને સવાલ થવા લાગ્યો કે હું અહીં શા માટે આવી છું? ભારતમાં તો બીમારી ઉત્સવ જેવી બની રહેતી — આનંદની રીતે નહીં, પણ સહિયારાપણાની રીતે. લોકો ખબર જોવા આવે, વાતો કરે અને બીમાર માણસને સારું લગાડવા પ્રયાસ કરે. સારું ફક્ત આરામ કરવાથી નથી થતું. તમારી આસપાસના લોકો પણ તમારી બીમારી વિશે જવાબદારી અનુભવે છે. કબૂલ કે તેમાં અતિરેક થઈ જાય છે. છતાં, ઠંડી એકલતાં કરતાં અતિરેક સારો.
ઘણાં અઠવાડિયાં સુધી હું મને મળવા નહીં આવેલાં મિત્રો વિશે વિચારતી હતી. હું સતત જાતને યાદ અપાવતી કે અહી એવી પ્રથા જ નથી. સૌ પોતપોતાનામાં અટવાયેલાં છે. તે માને છે કે લોકોને તેમની રીતે જીવવા દેવામાં ભલમનસાઈ છે. કોઈના જીવનમાં દખલ નહીં કરવાની. તે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ શકે એવું કશું નહીં કરવાનું. પરંતુ મને લાગ્યું કે માણસને મોકળાશ પૂરતી નથી. તેને પ્રેમ અને કાળજી પણ જોઈએ છે. કોઈને પોતાની જરૂર છે એવો અહેસાસ પણ તેના માટે જરૂરી છે.
એક મહિના પછી મને થયું કે ગમે તેટલો ખતરો હોય, છતાં અખતરો કરી જોવો. એટલે, મેં એક મિત્રને સામે ચાલીને કહ્યું કે તે આવશે તો મને બહુ ગમશે. તેણે ઉમળકાથી કહ્યું કે તે બીજા દિવસે સવારે ચોક્કસ આવશે. તે દિવસે શનિવાર હતો. મિત્ર આવવાની હતી, એટલે પીડા હોવા છતાં, હું રોમાંચિત હતી. મેં ધીમે ધીમે, કાળજીપૂર્વક રૂમ સાફ કર્યો. મારો પતિ અને સાસુ પણ ખુશ હતાં. મારા પતિએ તો કહ્યું પણ ખરું કે તારી મિત્ર આવે છે, તો હું કંઈક બેક કરી દઉં. મેં હસીને ના પાડી અને કહ્યું કે તે મારી ખબર જોવા આવે છે. એટલે આપણે કશી ધમાલ કરવાની જરૂર નથી.
આપણે ભારતીયો ઉત્તરથી દક્ષિણ સુધી ગમે તેટલી જુદી જુદી ભાષાઓ બોલીએ ને આપણી જીવનશૈલી ગમે તેટલી અલગ હોય, પણ એક બાબતમાં સામાન્ય રીતે આપણે સરખાં છીએઃ યજમાન તરીકે આપણે અતિશય ઉત્સાહી અને ગજા ઉપરવટ જતાં હોઈએ છીએ. સ્લિપ્ડ ડિસ્ક હોવા છતાં મેં મારો પલંગ સરખો કર્યો, વાળ ધોયા, બાથરૂમ સાફ કરી અને દર્દને થોડી વાર માટે બાજુ પર રાખીને, મિત્રને મળવાથી કેવી મઝા આવશે તે વિચારવા લાગી.
સવારના સાડા દસ થયા, પણ મિત્ર દેખાઈ નહીં. મેં તેને મેસેજ કર્યો કે તું જમીશ? ખાસ્સા વખત પછી તેનો જવાબ આવ્યો કે તે તરવા જઈ રહી છે ને તેને આવતાં મોડું થશે. જમવા વિશેના મારા સવાલનો કોઈ જવાબ નહીં. સાડા બારે તેનો ફરી મેસેજ આવ્યો કે તે ડ્રિન્ક્સ માટે જઈ રહી છે ને હવે આવી શકશે કે નહીં, તે નક્કી નથી. છેવટે તે ન જ આવી ને એ બદલ કોઈ પ્રકારનો વસવસો કે દિલગીરી પણ વ્યક્ત ન કર્યાં. મને સમજાયું કે તેના માટે આ બાબતનું કશું મહત્ત્વ કે પ્રાથમિકતા જ ન હતી.
માણસના મનમાં અમુક લાગણી ઉગતી જ ન હોય, તો તે તમારા પ્રત્યે કેવી રીતે દર્શાવે? માણસને જે મળ્યું જ ન હોય, તે તમને શી રીતે આપે? તેમના માટે જે કોઈ મોટી વાત નથી, તે બાબત માટે તે દિલગીરી અનુભવે, એવી અપેક્ષા ઠીક કહેવાય? આવી અપેક્ષા રખાય?
તે વખતે મને અણધારી રીતે ભારતની ખોટ વધુ ને વધુ સાલી. લોકોની ખોટ, હૂંફની ખોટ, પણ એ બધા કરતાં વધારે, નાની બાબતોમાં લોકોની લાગણી-પ્રેમ-ઉદારતા-સહજતાથી એકબીજાનું ધ્યાન રાખવાની વૃત્તિ.
હું બીમાર હતી ત્યાં સુધી તેની પીડા રહી. મને યાદ આવ્યું કે પાંચેક વર્ષ પહેલાં, નવપરણિત દંપતી તરીકે અમે મુંબઈ ફ્લેટમાં રહેતાં હતાં ત્યારે સાઠ વટાવી ચૂકેલાં અમારાં કેટલાંક પાડોશીઓ કેટલો પ્રેમ રાખતાં હતાં. તેમને ખબર પડી કે અમને કોવિડ થયો છે, ત્યારે તો તે માતાપિતા જેવું વાત્સલ્ય દાખવતાં હતાં. રોજ અમારી ખબર પૂછવા ફોન કરે અને અમારા બારણે ભોજન ને ક્યારેક તો ડેઝર્ટ પણ મુકી જાય.
એવાં હૂંફ અને પ્રેમની ઝંખના સાથે મેં ભારતમાં મારા મિત્રોને ફોન કર્યા. મારી સ્થિતિ અને લંડનની આરોગ્ય (અ)વ્યવસ્થા વિશે જાણીને તથા હું કેટલી એકલતા અનુભવું એ જાણીને તે સ્તબ્ધ થઈ ગયા. તેમની લાગણીથી મને એ વાતે હાશ થઈ કે એ લોકો મને હજુ ભૂલ્યા ન હતા. હજુ મારી લાગણી જાણનારા લોકો હતા. પરદેશમાં રહેતા ભારતીય મિત્રો સાથે મેં વાત કરી, ત્યારે તેમણે પણ મારી વાતને અવગણવાને બદલે, તેમાં સંમતિ પુરાવી. એ બધા આવી એકલતા વેઠી ચૂક્યા હતા. તેમના અનુભવ વિશે જાણ્યા પછી મને સાંત્વના મળી-કેથાર્સિસનો (દુઃખ હળવું થયાનો) અનુભવ થયો.
આ દેશમાં લોકો નમ્ર છે, પણ ઔપચારિકતાના ભાગરૂપે. તે શબ્દો દ્વારા જે વ્યક્ત કરે છે, તે મનથી માનતા હોય એવું જરૂરી નથી. ઘણી વાર તેમનામાં હૂંફ જોવા મળતી નથી. તમે જમ્યા કે નહીં, તમને સારું છે કે નહીં, તેનું ધ્યાન કોઈ રાખતું નથી. તમે ન કહો ત્યાં સુધી કોઈ મદદ કરવા આવી પડતું નથી અને કેટલીક વાર એવું હોય છે કે તમને મદદ માગવાનું મન ન થાય. મને સમજાયું કે હું આ દેશ પાસેથી એવી ચીજની અપેક્ષા રાખતી હતી, જે તે આપી શકે તેમ નથી. તે વાતથી મને પીડા થતી હતી.
મને લાગતું હતું કે મારા લોકોને નોતરું દીધા વિના તે લોકો પાસેથી લાગણી મળતી હતી. અહીં મારે તે પેદા કરવી પડતી હતી. હું નાની હતી ત્યારથી કોઈ કારણસર એવું માનતી હતી કે બીમારી એ સજા છે અને આ સૃષ્ટિ કે મારું શરીર મને સજા આપી રહ્યું છે. લંડનમાં મારી લગભગ અઢી મહિનાની બીમારી અત્યાર સુધીની સૌથી લાંબી હતી અને આવું મારી સાથે કરવા બદલ, એક રીતે, હું મારા શરીર સાથે પણ નારાજ હતી.
પછી મેં રોજ એક વાર અને ક્યારેક તો એક દિવસમાં બે વાર ધ્યાન શરૂ કર્યું. ક્યારેક તે અઘરું પડતું હતું. છતાં, એક ક્રમ ગોઠવાયો તેનાથી થોડું સારું લાગ્યું. પછી મને સમજાયું કે હું ખોટી હતી. મારું શરીર મને સજા આપતું ન હતું. હકીકતમાં, મારું શરીર દિવસરાત જાતે સાજું થવા કોશિશ કરી રહ્યું હતું. તે મારી સામે નહીં, મારી સાથે હતું. હવે મારે તેની સાથે રહેવાનું હતું. મને સમજાયું કે ભારતમાં જે પાડોશીઓ-સ્નેહીઓ મને હૂંફ અને કાળજી આપી રહ્યાં હતાં, તે મારે મારા શરીરને આપવાની હતી.
આ બીમારીનો સૌથી મોટો ફાયદો એ થયો કે હું નાની નાની જીતની નોંધ લેતી થઈઃ પહેલી વાર બેસીને જમી, પહેલી વાર દસ મિનિટ સુધી ચાલી, પહેલી વાર ઓફિસે ગઈ … આ બધું થયું ત્યારે મનમાં આનંદની સાથે કૃતજ્ઞતાની પણ લાગણી થઈ હતી. જોઈએ, તે કેટલી ટકે છે.
અત્યારે હું ધીમે ધીમે આગળ વધી રહી છું. વિક-એન્ડ ભરચક નથી કરતી, ખચકાટ વિના ના પાડી શકું છું, આગોતરા આયોજન વિના આનંદ લઈ શકું છું, પહેલાંની ગતિ સાથે મેળ બેસાડવા કોશિશ કરતી નથી. તેનાથી વધારે સારો વિકલ્પ લઉં છું.
આ પ્રક્રિયાએ મને નવો દૃષ્ટિકોણ આપ્યો છે. મારા સાચા મિત્રો કોણ, તે જાણવા મળ્યું છે. મારે શાની અપેક્ષા રાખવાની અને શાની અપેક્ષા નહીં રાખવાની, તે સમજાયું છે. હું આ દુનિયાના તમામ અર્થમાં હૂંફાળા ભાગની છું, તેનું મને ગૌરવ છે. મને ખબર છે કે મારાં મૂળિયાં ક્યાં છે ને હું ક્યાં પાછી ફરીશ. સાથોસાથ, આ બીમારીની એ વાતે પણ આભારી છું કે તેણે મારી અંદર મારું ઘર શોધતાં મને શીખવ્યું છે.
e.mail : rtnair91@gmail.com
[પ્રગટ : “સાર્થક જલસો – 23”, ઑક્ટોબર 2025; પૃ. 108 – 111]
![]()

