ચંડોળાની ગરીબ મુસ્લિમ વસ્તીના ઘરો પર બુલડોઝર ચલાવી સત્તાધીશો અને પોલીસ અધિકારી જાણે પી.ઓ.કે પર કબજો મળવ્યો હોય, એવા રૂઆબ સાથે વીડિયો બનાવી રહ્યા છે. ‘એક એક ઈંચ જમીન ખાલી કરાશે’-ના એલાનો થાય છે. અમદાવાદ પોલિસ ઓફિસર જીપમાંથી ઉતરતા હોય, વસ્તીમાં અદાથી ફરતા હોય, તેવા વીડિયો પોલિસ ખાતાના હેન્ડલ પરથી પોસ્ટ થાય. બેશરમીની પણ કોઈ હદ હોય!
પહેલા સેંકડો પુરુષોને, હા, માત્ર પુરુષોને, ડીટેઈન કરવામાં આવ્યા, સરઘસ આકારે શહેર મધ્યમાંથી લઈ જવાયા, બધા બાંગ્લાદેશી છે તેવી છડેચોક વાતો કરવામાં આવી. પહલગામ બાદ આમે ય collective consciousnessને ઠારવાની હતી તો આ મોકો કેવો, ગરીબ અને મુસ્લિમ, પણ પછી ખબર પડી કે મોટાભાગે ભારતના જુદા જુદા રાજ્યના મજૂરો છે. જે ચાલીસ-પચાસ વર્ષથી આ શહેરમાં મજૂરી કરે છે. કેટલાક લોકો પુરાવા આપી છુટ્યા પણ ખરા. શહેરના વિકાસમાં એમનો પણ ફાળો છે પણ કોઈ કારણે બે પાંદડે ન થયા, ન ઘર બનાવી શક્યા, ન ભાડે લઈ શક્યા. શહેરના લેન્ડ માફિયાઓને આશરે એમને રહેવું પડ્યું. જીવન ચાલતું રહ્યું.
આ વસ્તી પર બુલડોઝર ફેરવતાં પહેલાં એમને બદનામ તો કરવી જ પડે, demonise અને dehumaniseની પ્રકિયામાં માહેર લોકો આ બધાને ‘અસામાજિક તત્ત્વો’, ‘ગુનાખોરો’ અને આગળ વધી ‘દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતા સમુદાય’ તરીકે જાહેર કરી દીધા. એ તો એમને માટે જરૂરી હતું કારણ કે અમાનવીય કાર્યવાહી ત્યારે જ ન્યાયી ઠેરવી શકાય! લોકોને પણ લાગે કે, “અરે એમ હતું, તો તો આ બુલડોઝર બરાબર જ છે.” ગરીબ મુસ્લિમ હોય એટલે પુરાવાની ક્યાં જરૂર છે!?
Collective punishmentની એક સિસ્ટેમેટિક યોજના થઈ હશે. સુપ્રીમની ગાઈડલાઈન પ્રમાણે સમય ન અપાયો. ઝડપથી પતાવી દો. કોર્ટમાં સ્ટે ન મળે, પરશુરામ જયંતીની રજા, ‘વેકેશન પછી આવજો’ કોર્ટનો જવાબ. કદાચ કોર્ટની પણ મજબૂરી. ચૂસ્ત પ્લાન.
એ ઘર વગરના છે, જમીનનો ટુકડો પણ નથી આ કાળજાળ ગરમીમાં કદાચ થોડા લોકો કોઈના સહારે કે આશરે પડ્યા રહેશે, કેટલાક કાયમી વ્યવસ્થા પણ કરે, કેટલાક સરકારી રેનબસેરામાં લઈ જવાશે, તો કેટલાક ફૂટપાથને ટેકે હશે, પણ મોટાભાગનાને ફરી ક્યાંક ખાનગી કે સરકારી જમીન પર દબાણ કરવું પડશે, ફરી કોઈ મોટો ‘લાલા બિહારી’ શોધવો પડશે.
મુસ્લિમ કે સેક્યુલર સમાજસેવી સંસ્થાઓની પણ એક મર્યાદા છે, ઓછા resources અને hostile સરકાર, વિરોધપક્ષની બંધ પીપૂડી અને ઉપરથી પહલગામ ઘટનાને બહાને સોસિયલ અને ઈલેકટ્રોનિક મીડિયાએ પેદા કરેલ મુસ્લિમ વિરોધી માહોલ!
કેટલા મોરચે લડે!?
સૌજન્ય : ઈલ્યાસભાઈ મન્સૂરીની ફેઇસબૂક દીવાલેથી સાદર