
મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
સુરતના જય ખોલિયાએ સુરેશ જોશીની ‘મૃણાલ’ કવિતા પર શોર્ટ ફિલ્મ કરેલી, ત્યારે એમનો કલાત્મક અભિગમ પરખાયેલો. એ હવે ‘કવિ કાન્ત’ પર 85 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ લઈને આવ્યા છે ને કહેવું જોઈએ કે ડોક્યુમેન્ટરી કલાત્મક પણ બને એ માટેના અનાયાસ પ્રયત્નો એમણે કર્યા છે. આ ફિલ્મ કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલ કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગૌરવભેર ઊભી રહી શકે ને પુરસ્કૃત થઈ શકે તે કક્ષાની છે.
ઘણાં પ્રાથમિક સ્કૂલમાં કાવ્ય ભણ્યા હશે – ‘હિંદમાતાને સંબોધન’.
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન : વિશ્વાસી પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
કવિ કાન્તે 1922માં ગુલામીના કાળમાં દેશભક્તિની વાત કરી છે. આજે કોમ, કોમ વચ્ચેનું વૈમનસ્ય વધે એ માટેના સભાન પ્રયત્નો થાય છે, ત્યારે કાન્તે બધી કોમને સાથે મૂકીને રાષ્ટ્રભક્તિ ગાઈ છે. એ કાવ્ય છેલ્લે આવે છે ને તે સહેતુક પણ છે. ફિલ્મ જેમને અર્પણ કરાઈ છે તે દાદા ડો. જયંતકુમાર એમ. ભટ્ટ અને મા મનોરમા જે. ભટ્ટ અને જેમનું સ્મરણ કરાયું છે એ સૌને, આ કૃતિ અંજલિ અને રાષ્ટ્રભક્તિનો સંકેત સમાંતરે આપે છે. દર્શના ભુતા-શુક્લ દ્વારા એ ગવાયું પણ છે બહુ ભાવવાહી રીતે …
18 જૂન, 2023ને રોજ કાન્તની મૃત્યુ શતાબ્દી નિમિત્તે પૂર્વાલાપ ફાઉન્ડેશન દ્વારા એક દિવસનો પરિસંવાદ ગુજરાત વિશ્વકોશ, અમદાવાદ ખાતે યોજાયો. તેમાં કાન્તનો સમગ્ર પરિવાર પણ ઉપસ્થિત હતો. કાર્યક્રમને અંતે કાન્તના પ્રપૌત્ર મુકુલ પંડયાએ કાન્તના જીવન-કવનને લગતી દસ્તાવેજી ફિલ્મ નિર્માણનું કામ જય ખોલિયાને સોંપ્યું ને 40 મિનિટની બનાવવા ધારેલી ફિલ્મ સંશોધન, સામગ્રી અને પુરાવાને લીધે 85 મિનિટની થઈ.
‘કેટલાંક જન્મથી ગ્લાનિનાં બાળકો હોય છે..’થી કમલ જોશીના અવાજમાં ફિલ્મનો પ્રારંભ થાય છે, ત્યારે સ્ક્રીન પર જળથી સીંચાયેલી ધરતી, ચંદ્રનો આભાસ આપતી ઉપર સરકતી જાય છે ને પછી કિનારા તરફ આવતાં આવતાં આકાશી જળ સાથે નામ ઉપસે છે – Kavi Kant’s Purvalaap Foundation presents – 16 જૂન, 2023ને રોજ મૃત્યુ શતાબ્દી ગઈ, એ સંદર્ભે ગુજરાતી કવિ, લેખક, અનુવાદક મણિશંકર રત્નજી ભટ્ટ ’કાન્ત’ની પરિચયાત્મક પંક્તિ સંગીત સાથે પ્રગટે છે. નાટ્યકાર કમલ જોશીના અવાજમાં કાન્તનું જીવન ઊઘડતું આવે છે. એ કોમેન્ટરી નથી, મનપ્રવેશ છે. કાન્ત ‘સાગર અને શશી’થી ઓળખાય છે. એનું નિમિત્ત ગોપનાથનો દરિયો છે. એમાં થયેલ પૂર્ણચંદ્ર દર્શનનો કાન્તે મહિમા ગાયો છે ને સાગરની ભરતી સાથે ભીતરે ઊઠતી ભાવભરતીની અનુભૂતિ, કાવ્યને વિશિષ્ટ અને અવિસ્મરણીય બનાવે છે. ફિલ્મમાં સાગરી જળ ઓસરતાં બતાવીને પૂર્ણચંદ્રને એવી રીતે ઝીલ્યો કે ‘સાગર અને શશી’માંથી ‘અને’ લોપ પામે ને એમ સાગરશશીની સહોપસ્થિતિ પછી એ ચંદ્ર પર નામ અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ્યું – Kavi Kant / કવિ કાન્ત. શંકરાભરણ રાગમાં જ્યારે 37 માત્રાના ઝૂલણાનો પ્રલંબ લય ગવાય છે, ત્યારે શબ્દ અને સૂરનું સંયોજન અનુભવાય છે. ‘સાગર અને શશી’ વિશિષ્ટ દૃશ્યો વચ્ચે, આશિત દેસાઈનાં સંગીત નિર્દેશનમાં આલાપ દેસાઈ અને વૃંદના સ્વર માધુર્ય સાથે ગવાયું પણ ખરું.
કાન્તનો જન્મ લાઠીથી 5 માઈલ દૂરનાં ચાવંડ ગામમાં, 20 નવેમ્બર, 1867માં. સ્ક્રીન પર ગામનું નૈસર્ગિક વાતાવરણ, ચામુંડાનું મંદિર પ્રગટ થાય એ સાથે જ પિતા રત્નજી ભટ્ટ અને માતા મોતીબાની તથા પોતે ચાર ભાઈઓમાં સૌથી નાના હોવાની વિગતો કૌટુંબિક રેખાંકનો સાથે અપાય છે. ગામના જ વિજય ડેર, ખંડેર થઈ ગયેલ કાન્તનાં ઘરનો-શેરીનો ખ્યાલ આપે છે. એ પછી સ્ક્રીન પર મૂળ સમેત એક છોડ આવી પડતો દેખાય છે ને શબ્દો સંભળાય છે, ‘અગિયાર વર્ષનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયું.’ છોડનાં પ્રતીક દ્વારા કાન્તનાં સંતાનો, બંને પત્નીનાં મૃત્યુ પણ અસરકારક રીતે સૂચવાયાં છે.
એક દૃશ્ય વૃક્ષો, ટેકરીઓ ને ખળખળ વહેતાં જળનું આવે છે ને એક લાઇન દેખાય છે – કાન્તે પહેલું કાવ્ય 14 વર્ષની ઉંમરે આમ લખેલું – ખળખળ કરતું જળશિશુ રમતું … દૃશ્યમાં જળ પણ રમતું જતું દેખાય છે. કાન્તે મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ મહેશ્વર પાસેથી છંદનું જ્ઞાન લીધેલું. એને કારણે કાવ્યોમાં જુદા જુદા છંદોનો વિનિયોગ કરવાનું કાન્તને સરળ હતું. રાજકોટ કાઠિયાવાડ હાઇસ્કૂલમાં ત્રણ મિત્રોની વિગતો સ્ક્રીન પર ફોટા સાથે અપાય છે – કાન્તથી આગળના વર્ષમાં પ્રભાશંકર પટ્ટણી હતા, તો પાછળના વર્ષમાં હતા – બળવંતરાય ઠાકોર અને મોહનદાસ ગાંધી. 1888માં કાન્તે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. કાન્તની પહેલી પત્ની નર્મદા, પણ ઘરનાં તેને નદી કહીને બોલાવતાં. સ્ક્રીન પર ઊપસેલી લગ્નની વેદીનાં રેખાચિત્રમાં વરકન્યા પરણે છે. ‘મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય….’નું પઠન વિનોદ જોશીના અવાજમાં શરૂ થાય છે. જો કે, ‘નદી’ પણ રહેતી નથી, વહી જાય છે. ફિલ્મમાં કાન્તનાં ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’, ‘ચક્રવાકમિથુન’, ‘મૃગતૃષ્ણા’ જેવાં બારેક કાવ્યોનું પઠન વિનોદ જોશીએ કર્યું છે ને છંદોબદ્ધ રચનાનો પાઠ પ્રભાવક રીતે કેમ થાય એનો એમણે નમૂનો પૂરો પાડ્યો છે. સંસ્કૃત સાહિત્ય કરતાં કાન્ત પાશ્ચાત્ય સાહિત્યથી વધુ પ્રભાવિત હતા. તેમનું સર્જનાત્મક કાર્ય પંડિતયુગના (1885-1930) ગાળામાં થયું. ખંડકાવ્ય પ્રકાર તેમની દેન છે. ખંડકાવ્યની ખૂબી એ છે કે તે પૌરાણિક શાપિત પાત્રની વેદનાને સ્પર્શે છે, પણ લક્ષ્ય આધુનિક સંવેદનાને કરે છે. કાન્ત પાસેથી એવાં ખંડકાવ્યો મળ્યાં છે કે તેની આગળ જઈ શકે એવી કૃતિની પ્રતીક્ષા રહે છે.
1885-1888 કાન્તનો કોલેજ કાળ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં વીત્યો. તેમના વિષયો હતા લૉજિક અને મોરલ ફિલોસોફી. સ્ક્રીન પર કોલેજની ભવ્ય ઇમારત, વિદ્યાર્થીઓનું લિસ્ટ, કોલેજનો પેસેજ વગેરે આકર્ષક રીતે સિતારવાદનની પડછે કેમેરામાં ઝીલાયું છે, એ સાથે જ અભ્યાસમાં આવેલી ઉત્તમ કૃતિઓનાં પૃષ્ઠો પણ દર્શાવાયાં છે. અહીં વિશ્વસાહિત્યનું આચમન-અધ્યયન થયું. 1888માં બી. એ. સેકંડ કલાસમાં પૂરું કર્યું. એ પછી સુરત, વડોદરા, ભાવનગર જેવાં ટાવરી નગરોમાં શિક્ષક, શિક્ષણાધિકારી જેવા હોદ્દાઓ પર નોકરી કરી. ‘વસંત વિજય’નું પૃષ્ઠ દેખાય છે ને દર્શક સાંભળે છે કે એ કાવ્ય ગુજરાતીમાં વિશિષ્ટ થશે. (ઘણો સંભવ છે કે એ કાવ્ય સુરતમાં લખાયું હોય) કાન્તને પોતાને શ્રદ્ધા હતી કે તેમનું નામ ગુજરાતી સાહિત્યમાંથી સરળતાથી નહીં ભૂંસાય ને આ ડોક્યુમેન્ટરીનું નિર્માણ એનો દૃશ્ય-શ્રાવ્ય પુરાવો છે. કાન્તની ઈશ્વર, પ્રેમ, ધર્મ, ધર્મ પરિવર્તન અંગેની ફિલસૂફી પ્રગટ થતી રહે છે. 1992માં બીજી પત્ની ઘરમાં આવે છે. તેનું નામ પણ નર્મદા જ છે, પણ ઓળખાય છે ‘નાની’ તરીકે. તે ‘કાન્ત’ના કાવ્યોમાં રસ લે છે ને ‘ઓરિજિનલ’ લાગે તેવાં મંતવ્યો પણ આપે છે.
દીકરા પ્રાણલાલને કફની બીમારી છે. તે કેટલી ગંભીર છે તે દર્શાવવા કાળી, કોરી, કાંટાળી ઝાડી દર્શાવી છે. જાણે ગળામાં ઘસરકાતી હોય ! વળી એક છોડ, મૂળમાંથી ઊખડીને આવી પડે છે. પ્રાણલાલ ગુજરી જાય છે. 1898થી 1900નો ગાળો કાન્તના ધર્મપરિવર્તનનો છે. ભારે વિરોધ પછી લોકલાજે મૂળ સંસ્કારોમાં પાછા ફરવા છતાં ખ્રિસ્તી ધર્મમાંની તેમની આસ્થા ખૂટતી નથી. એ સાથે સંતાનો-પત્નીનાં મૃત્યુ, ઘોર ઉપેક્ષા – એ બધું 56 વર્ષની જિંદગીમાં કેટલુંક ટકવા દે? 16 જૂન, 1923ને રોજ રાવલપિંડીથી લાહોર જતા હતા, ત્યારે તાવ અને અશક્તિથી શ્વાસ પણ લઈ શકાતો ન હતો. (એમનો દેહ સેકન્ડ ક્લાસ કંપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો) ટ્રેનમાંથી પસાર થતાં દૃશ્યો દેખાય છે, પણ એને જોનાર હવે કૈં જુએ એવું નથી. વક્રતા એ છે કે એમનો કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ મૃત્યુને દિવસે જ, 16 જૂને, અમદાવાદથી પ્રગટ થાય છે. કેટલાં ય દૃશ્યોમાં કમલ જોશીના અવાજમાંથી ઊઠતી ટીસ કરુણને વધુ ઘેરો બનાવે છે. ક્ષીણ થતી જતી બીજની ચંદ્ર કળા સાથે ફિલ્મ અંત તરફ વળે છે.
આ ફિલ્મનું પરમ આશ્ચર્ય એ છે કે હિરેન ચૌધરી અને જય ખોલિયાએ પ્રોફેશનલ કેમેરાથી શૂટ કરી હોય એવી સજ્જતાથી, પૂરી ફિલ્મ મોબાઇલમાં શૂટ કરી છે. જયની ખંતીલી ઝીણવટ અને સંશોધનાત્મક-અભ્યાસુ દૃષ્ટિ, ઉત્તમ પરિણામ તરફી રહી તેથી ફિલ્મ ચીલાચાલુ ડોક્યુમેન્ટરી અને નીરસ જીવનવૃત્તાંત બનવામાંથી ઊગરી ગઈ. એ મુંબઈ, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ વિન્ટેજ વેટરનમાં 6 જુલાઈએ કાપડિયા હેલ્થ ક્લબમાં દર્શાવાશે.
આ ડોક્યુમેન્ટરી માટે પત્રો, અમૃત ગંગર, કુમારપાળ દેસાઈ, સતીશ વ્યાસ, પીયૂષ પારાશર્ય, મીનળ પટેલ જેવાનાં વક્તવ્યો – મુલાકાતો, કાવ્યપાઠ, સંગીત, પ્રકૃતિ દૃશ્યો, સૂર્ય-ચંદ્રની ટેલિસ્કોપિક લીલાઓ….નું સંયોજન એવી સજીવ રીતે થયું છે કે તેને ડોક્યુમેન્ટરી ન રહેવા દેતાં કલાત્મક ફિલ્મનો સ્પર્શ આપે.
જય ખોલિયાએ કલાત્મક ડોક્યુમેન્ટરીઓ કરવી હોય એટલી કરે, પણ એ કલાત્મક ફીચર ફિલ્મ અંગે પણ વિચારે. તેમનું એ પ્રકારનું કાઠું છે, તે એટલે પણ કે અત્યારે ફિલ્મોનો લીલો અને કલાત્મકનો સૂકો દુકાળ ચાલે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જુલાઈ 2025