Opinion Magazine
Number of visits: 9449491
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિ-ચિત્રકાર જયંત પરમાર : એક માત્ર ઉર્દૂ દલિત કવિ !

નટુભાઈ પરમાર|Opinion - Literature|8 October 2022

Put out my eyes 

and I can see you still, 

Slam my ears too 

and I can hear you yet.

જર્મન – ફ્રેન્ચ ભાષાના વિશ્વપ્રસિદ્ધ કવિ રિલ્કે(રેઈનર મારિઆ રિ૯કે, ૧૮૯૪-૧૯૨૫)ની આ એટલી જ વિખ્યાત કવિતા, આંખો લઈ લેવાશે તોયે (ઈશ્વરને) જોઈ શકવાની અને કાન દાબી દેવાશે તોયે (ઈશ્વરનો અવાજ) સાંભળી શકવાની વાત કરે છે.

આ કવિતાની સાથે જ હવે આ એક કવિતા જુઓ કે જ્યાં ઈશ્વર ખુદ સામે ચાલીને દર્શન દેવાને ઉપસ્થિત થયા છે તોયે છતી આંખે પણ કવિ એને જોઈ શકતો નથી ! કેમ?

God, I did not recognise you, 

You came out wearing light !

Every particles glimmers : 

You passed through my desolate heart? 

You filled it with seven colours, 

The page of my heart so colourless ?

કવિ કહે છે : હે ઈશ્વર ! (તમે આવ્યા પણ ….) તમે એટલો બધો પ્રકાશ ઓઢીને આવ્યા કે મારી આંખો અંજાઈ જવાથી) હું તમને ઓળખી ન શક્યો ! પણ હા, એ તમે જ છો ને જેણે મારા વિરાન હૃદયમાંથી પસાર થઈને મારા અણુએ અણુમાં ઝગમગાટ રેલાવી દીધો છે? એ તમે જ છો ને જેણે મારા રંગવિહીન હૃદયને સાત-સાત રંગોથી ભરી દીધું છે?

એક વિશ્વકક્ષાના કવિની કવિતાની લગોલગ ઊભી રહી શકે એવી કવિતા કવિતાઓનો એક સર્જક – કવિ આપણી ગુર્જર ધરા પર શ્વસે છે અને વસે છે, એમ જો હું કહીશ, તો તમે પૂછશો : ખરેખર ?!

‘આ સમયમાં આપણી વચ્ચે આ કવિ જેવા અન્ય કોઈ કવિ નથી. કવિતા દ્વારા અનેકો રંગ વિખેરતા આ કવિની કવિતામાં જો તમે પ્રવેશ કરશો તો તમને એનો સુગંધી ચેપ (Infection) લાગી શકે છે ! વળી આ ઈન્ફેશનનો કોઈ ઈલાજ પણ નથી ! એની કવિતામાં એક નશો છે. એક વાર વાંચ્યા પછી તમારા ચિતતંત્રમાં એ વસેલી રહેલી છે. આ કવિની વિન્સેટવાન ગોઘ પરની કવિતા મેં પહેલીવાર વાંચી તે જ મારે માટે છેલ્લીવારની પણ બની રહી છે. ફરી મને એવી કવિતા સાંભળવા નથી મળી. પૂર્ણ પ્રામાણિકતા અને અદ્દભુત – અનોખા રૂપકો-કલ્પકો સાથે રજૂ થતી એની કવિતા ક્ષિતિજની પેલે પાર વિસ્તરતી કવિતા છે.”

આ શબ્દો કોઈ પરિચયના જેઓ મોહતાજ નથી એવા પ્રસિદ્ધ કવિ, ગીતકાર, લેખક, પટકથાલેખક અને ફિલ્મ દિગ્દર્શક સંપૂર્ણસિંહ કાલરા ઉર્ફ ગુલઝારે, જન્મ ગુજરાતી કવિના એક કાવ્યસંગ્રહનું લોકાર્પણ કરતા કહ્યા છે, એમ જો હું કહીશ તો તમે આશ્ચર્યથી જરૂર પૂછશો એમ ?!

‘આમ તો એક સમીક્ષક તરીકેની મારી ઓળખ છે છતાં મને એમ સ્વીકારવામાં લેશમાત્ર સંકોચ નથી. કે, અમુક અંશે વ્યક્તિલક્ષી કે પક્ષપાતી બન્યા વિના આલોચનાત્મક પ્રશંસા થઈ શકતી નથી અને પ્રશંસા કરવાનું કામ સહેલું પણ નથી હોતું. ગાલિબ માટે કહેવાય છે કે, हम सुख़नफ़हम हैं गालिब के तरफदार नहीं । (અમે ગાલિબના શુભેચ્છક છીએ, તરફદાર નહીં – યાને ગાલિબને પારખવાની ક્ષમતા અમારામાં ય છે !) કિન્તુ આ કવિની વાત નોખી છે. હું તો એટલું જ કહીશ કે બીજા અનેક કવિઓ કરતાં આ કવિ કંઈક અલગ છે. અત્યંત વિનમ્ર અને એકાંતપ્રિય આ કવિની કવિતાઓમાંથી હું બહુ જ નિરાંતે પસાર થયો છું અને તેણે મને અત્યંત પ્રભાવિત કર્યો છે.”

હજુ હમણાં જ (૧૫ જૂન ૨૦૨૨એ) ૯૧માં વર્ષે આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકેલા, ભારતીય સાહિત્ય અકાદમી પૂર્વ અધ્યક્ષ અને સાહિત્ય અકાદમી પુરસ્કાર પુરસ્કૃત, ગાલિબ એવોર્ડથી સન્માનિત, ઉર્દૂ – અંગ્રેજીના ખ્યાતિપ્રાપ્ત લેખક – સમીક્ષક પદ્મભૂષણ ગોપીચંદ નારંગે આપણા આ ગુજ્જુ કવિના વધુ એક કાવ્યસંગ્રહનું આમુખ લખતાં આમ કહ્યું છે, એમ જો હું કહીશ તો તમે બોલી ઊઠશો : વાહ ?!

તમને એ પણ કહી જ દઉં જે ભારતના જાણીતા અંગ્રેજી કવિ અને પોતાની અંગ્રેજી ભાષાની કવિતાઓ માટેનો સૌ પ્રથમ એવો ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારા જયંત મહાપાત્રા (૯૪) એ, આપણી આ ગુજરાતવાસી શખ્સિયત માટે કહ્યું છે. મહાપાત્રાના શબ્દો છે : “It is true that the man inside me / was really a beast” (એ સત્ય છે કે મારામાં વસતો માણસ ખરેખર તો એક જાનવર હતો) – આમ હિંમતપૂર્વક કહેતા કવિની કવિતામાં વિચારોની સ્પષ્ટતા તમને થથરાવી દેવાની તાકાત રાખે છે. આ કવિની કવિતામાંથી પસાર થવું મારા માટે એક અલૌકિક સાહિત્યિક અનુભવથી પણ કંઈક વિશેષ છે. ભાવનાત્મક અનુભૂતિની ગહનતા- વિશેષતા સાથેની એમની કવિકલ્પના મુક્ત અને નિરંકુશ છે ને છતાં એક અર્થમાં તે સાવ સીધી-સરળ પણ છે. એમની કવિતા અંતરમનથી ને હૃદયના ઊંડાણેથી આવતી કવિતા છે. આ કવિને સૌ કોઈ સાંભળી શકે તેમ મોટેથી વાંચવો જોઈએ.’

આટલું ઉખાણાની જેમ પૂછ્યા પછી આપ સૌ વાચકોની સાથે રહીને હું પણ એ જ કહીશ કે આપને આ કવિ વિશેની વાતો બહુ વાંચવા – સાંભળવામાં એટલે નથી આવતી કારણ કે ગુજરાતના વિપુલ ને થોકબંધ સાહિત્યમાં કે તેના અનુવાદિત સાહિત્યમાં ય કશે ય-ક્યાં ય આ કવિ આપણને વાંચવા નથી મળ્યા કે આ કવિ વિશે લેવાયેલા આટઆટલા ઓવારણાની ખાસ કોઈ ભાળ આપણને મળતી નથી.

ગુજરાતી સાહિત્યમાં બંગાળી, મરાઠી, હિન્દીથી માંડી દેશની વિભિન્ન ભાષાઓનું સર્જન ગુજરાતીમાં પણ અનુવાદિત થઈને અવતર્યું છે ને તોયે ત્યાં ય ક્યાં ય આપણા આ પ્રભાવી કવિના કે એમના સર્જનના સગડ બહુ મળતા નથી, એ કોનું દુર્ભાગ્ય ? કોની કરામત?

નટુભાઈ પરમાર (સફેદ જરસીમાં) સાથે જયંત પરમાર (લાઈન્ડ શર્ટમાં)

જયંત પરમાર નામ છે એમનું જેમના વિશે આપણે અહીં વાત કરી રહ્યા છીએ.

જયંત પરમાર (૬૭) રાણીપ – અમદાવાદમાં વસતા એક નિવૃત્ત ગુજરાતી બેન્ક ઓફિસર છે, એવી એમની સામાન્ય ઓળખની સાથે એમની વિશિષ્ટ ઓળખ એ છે કે, તેઓ આ દેશના એક લબ્ધપ્રતિષ્ઠ ઉર્દૂ કવિ, ચિત્રકાર અને અનોખા સુલેખનકાર (Calligrapher) પણ છે, જેમની નામના દેશના સીમાડાઓની પેલે પાર વિસ્તરેલી છે. સામાજિક વિષમતાઓના ભોગ બનનારા અસંખ્ય પૈકીના એક અને તેના સાક્ષી એવા જયંત પરમાર સામાજિક અન્યાય – અત્યાચાર સામે પ્રતિરોધ નોંધાવતી એમની બળકટ ઉર્દૂ રચનાઓને કારણે, આ દેશના પ્રથમ ઉર્દૂ દલિત કવિ પણ કહેવાયા છે.

રાષ્ટ્રીય સ્તરે તો ખરા જ, પાડોશી પાકિસ્તાન સહિતના વિદેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા રહેલા સાહિત્ય સંમેલનો કવિ સંમેલનો અને ઉર્દૂ કવિતા સાહિત્યના મળતા મેળાવડાઓમાં આપણા ગુજરાતના આ ઉર્દૂ કવિ માનભર્યું સ્થાન મેળવતા રહ્યા છે.

જયંતભાઈએ સાહિત્ય અકાદમીના ઉર્દૂ સલાહકાર બોર્ડના સદસ્યરૂપે (૨૦૧૪ થી ૨૦૧૭), ભારતીય જનપીઠ ફોર મૂર્તિદેવી એવોર્ડ સમિતિના સદસ્યરૂપે (૨૦૧૪થી ૨૦૧૭), Council of Jury of Sambalpur Universityના સદસ્યરૂપે પ્રશસ્ય સેવાઓ આપી છે. ભારતીય સાહિત્યકારોના સાહિત્યિક પ્રદાનની નોંધ લેતા અધિકૃત પુસ્તક Indian Literatureમાં પણ (અંક ૨૫૨માં) જયંત પરમારના કવિકર્મની વિશેષ નોંધ વાંચવા મળે છે. ભારતની વિવિધ યુનિવર્સિટીઓ ઉપક્રમે યોજાતા Poetry Festivals અને Poetry Recitationsમાં તેમની કવિતા બહુમાન પામતી રહી છે.

એમના સર્જન સબબ ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ (૨૦૦૮), કુમાર પાશી એવોર્ડ (૨૦૦૧), ભાષાભારતી સન્માન (૨૦૦૬), ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી એવોર્ડ (૨૦૦૧, ૨૦૦૬, ૨૦૦૮), દલિત સાહિત્ય અકાદમી એવોર્ડ (૨૦૦૨) અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવનગૌરવ પુરસ્કાર(૨૦૨૦)થી નવાજાયેલા જયંત પરમારની રચનાઓ (કવિતાઓ) હિન્દી, અંગ્રેજી, પંજાબી, આસામી, તેલુગુ, બાંગ્લા, કાશ્મીરી, તમિલ, કન્નડ, મલયાલમ, નેપાળી, મરાઠી જેવી દેશની અનેક ભાષાઓ ઉપરાંત વિદેશની સ્લોવેનિયન, સ્પેનિશ જેવી ભાષાઓમાં પણ અનુવાદિત થઈ છે.

…. ને ગુજરાતીમાં ?

ચાર કે પાંચ ને સર્વત્ર લગભગ એ જ અને તે પણ મહદઅંશે દલિત સામયિકો ને દલિત સાહિત્યના વિવેચનગ્રંથોમાં ફરતી રહેતી એમની જૂજ ઉર્દૂ દલિત કવિતાઓના ગુજરાતી અનુવાદ (મહદ્દઅંશે સાહિત્યમર્મજ્ઞ અને જાણીતા મનોચિકિત્સક ડૉ. જી.કે. વણકરે કરેલા અનુવાદો સિવાય, આપણે અને આપણું ગુજરાતી સાહિત્યજગત આ ઉત્તમ કવિની કવિતાઓથી – એમની અનોખી ચિત્રકલાથી હજુ સુધી અજાણ રહ્યા છીએ.

આ કોની ઉદાસીનતા? કોને દોષ દઈશું? જયંતભાઈની ‘પરમાર’ અટક પ્રતિના કે ભાષા ‘ઉર્દૂ પ્રતિના ગુજરાતી સાહિત્યના So-called elitistsના વ્યાપક અણગમાને ?

*

‘ઔર(૧૯૯૯), ‘પેન્સિલ ઔર દૂસરી નઝમેં’ (૨૦૦૬) ‘માનિન્દ’ (૨૦૦૭) ‘અંતરાલ’ (૨૦૧૦), ‘નઝમ યાની’ (૨૦૧૩), ‘જ્યોકોમેત્તિ કે સપને’ (૨૦૧૬), ‘મુકતા ઔર દૂસરી નઝમેં’ જેવા સાત પ્રકાશિત અને વધુ બે પ્રકાશ્ય એવા કાવ્યસંગ્રહો તમામ જયંતભાઈએ ઉર્દૂ ભાષામાં લખ્યા છે, તે પણ તેમની માતૃભાષા ઉર્દૂ નહિ ને ગુજરાતી હોવા છતાં ! તેમની આ અપ્રતિમ સિદ્ધિ છે.

શિવ કિસન બિસ્સા મૂળ નામ પણ ઉર્દૂ સાહિત્યમાં ‘શીન કાફ નિઝામ’ના તખલ્લુસ નામે જાણીતા પ્રસિદ્ધ ઉર્દૂ કવિ, સમીક્ષક, ‘દિવાન-એ-ગાલિબ’ – ‘દિવાન-એ-મીર’ના સંપાદક, ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભાષાભારતી સન્માન, બેગમ અખ્તર ગઝલ એવોર્ડ અને રાજસ્થાન ઉર્દૂ એકેડમી એવોર્ડથી વિભૂષિત એવા ઉર્દૂ સાહિત્યના આ અધિકૃત પ્રવકતાના મતે જેમની માતૃભાષા ઉર્દૂ નથી તો પણ જેમણે ઉર્દૂ ભાષાની બેનમૂન સેવા કરી છે એવા રાજેન્દ્રસિંહ બેદી અને ગુલઝાર પછી એક યશસ્વી નામ ઉર્દૂ પર ઝીણી નજર ધરાવતા જયંત પરમારનું છે. ઉર્દૂ ભાષા માટે આ તેમનો પ્રેમ છે. જયંતની કવિતાને સરસરી – અછડતી નજરે તમે વાંચી ન શકો.

ઉર્દૂ અકાદમીના ખૂશરો એવોર્ડથી અને ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સમૂહ માધ્યમો વિભાગના અધ્યક્ષ, અખબાર ‘ધ હિન્દુ’ના કોલમનિસ્ટ અને ઉર્દૂ ભાષાસાહિત્યના પ્રખર અભ્યાસુ – વિવેચક શાફેય કિદવાઈ, એક સમયે ઉર્દૂ ભાષાની પહેલી જહોજલાલીનો અને ભારત પાકિસ્તાનના વિભાજન પછી એની મોળી અને ધીમી પડેલી ગતિનો, તેને મળેલા પ્રગતિશીલ, આધુનિક અને અનુઆધુનિકના ત્રણ મુકામનો, ઉર્દૂ પર મુન્શી પ્રેમચંદકાલિન પ્રોગ્રેસીવ રાઈટર્સ એસોસીએશન તેમ જ માર્કસવાદી વિચારસરણીના પડેલા ઘેરા પ્રભાવોનો અને એ સૌથી ઉપર તેના પર ‘માનવવાદ’ની પડેલી ઊંડી અસરનો સિલસિલાવાર આલેખ રજૂ કરીને, ઉર્દૂ કવિતામાં જ્યારે વ્યક્તિલક્ષી-વ્યક્તિવાદી કવિતાઓ ભૂલાઈ જવાની અણી પર હતી અને સામાજિક નિસબત સાથેની કવિતાની આતુરતાથી રાહ જોવાતી હતી ત્યારે જ પોતાની દલિત કવિતાઓ લઈને આવેલા જયંત પરમારના આગમનને ઉર્દૂ સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ ઘટના રૂપે આવકારે છે. કિદવાઈના મતે ઉર્દૂ ભાષામાં દલિત કવિતાને લઈ આવનાર જયંત પરમાર પ્રથમ છે.

ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગાલીબ પુરસ્કાર, ગુજરાત ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત ઉર્દૂ ભાષાના જાણીતા સર્જક અને વિવેચક વિદ્વાન વારિસ અલ્વી, ગુજરાતના આદિલ મનસુરી અને મહંમદ અલ્વી પછી જયંત પરમારને એક માત્ર ઉર્દૂ સર્જક તરીકે ઓળખાવી, તેમની આ સિદ્ધિને અનન્ય, અનોખી ને અદ્વિતિય ગણાવે છે. અલ્વીના મતે જયંત પરમારની ઉર્દૂ કવિતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી છે અને મોટા ભાગના નામી ઉર્દૂ સમીક્ષકોએ તેમની કવિતાઓ વિશે લખ્યું છે.

જયંત પરમારની ચુનંદી ઉર્દૂ કવિતાઓના (ઉર્દૂ ભાષાના વિદ્વાન બૈદાર બખ્ત કરેલા) અંગ્રેજી અનુવાદના પુસ્તક ‘Selected Poems of Jayant Parmar’ના આમુખમાં ગોપીચંદ નારંગ પણ લખે છે કે, ઉર્દૂ એ એક લઘુમતિ સમાજની સાંસ્કૃતિક ભાષા છે ત્યારે આવી લઘુમતિઓ પૈકીની એક લઘુમતિની (અનુસૂચિત જાતિ ! દલિત સમાજની) વેદનાને પોતાની ઉર્દૂ કવિતાઓ દ્વારા જયંત પરમાર વાચી આપી રહ્યા છે.

ઉડિયા કવિતાનું જાણીતું નામ અને જયંત પરમારની ઉર્દૂ કવિતાના અભ્યાસી રચિતા સ્વેનને તો એનું જ આશ્ચર્ય છે કે ગાલિબ અને ગુલઝારની ગઝલોથી તો આપણે સૌ વાકેફ છીએ કિન્તુ અહીં તો એક ગુજરાતી ઉર્દૂ ગઝલો લખી રહ્યો છે અને સૌનું ધ્યાન પણ ખેંચી રહ્યો છે!

ઉર્દૂ એટલે ભારતની માન્ય શાસકીય ભાષા પૈકીની એક. અરબી-ફારસી-તુર્કી ભાષાથી પ્રભાવિત ઉર્દૂ આજે પણ જમ્મુ-કાશ્મીર પ્રદેશની શાસકીય ભાષા છે. દિલ્હી, તેલંગાણા, બિહાર, ઉત્તરપ્રદેશમાં આજે પણ તે બોલાય છે. ઉર્દૂ કોઇ કાળે હિન્દી, હિન્દવી, હિન્દુસ્તાનીથી પણ ઓળખાતી હતી. મુસ્લિમ શાસન સમયે ન્યાયતંત્રમાં ઉર્દૂનું પ્રભુત્વ હતું. હિન્દી-ઉર્દૂના વિવાદમાં નુકશાન ઉર્દૂને થયું.

આમ જુઓ તો, ગુજરાતમાં ઉર્દૂ કવિતાનાં મૂળ ઊંડા હોવા છતાં અને તેનો પાયો એક કાળે મજબૂત હોવા છતાં, આજે ગુજરાતમાં ઉર્દૂમાં કવિતાઓ લખનારા આંગળીના વેઢે ગણી શકાય તેટલા પણ નથી. આ સ્થિતિમાં સ્વાભાવિકપણે જ જયંત પરમાર ઉર્દૂ કવિતા માટે એક નવી આશા લઈને આવ્યા છે, એમ કહી શકાય. (આશ્ચર્યજનક છે કે આપણે ત્યાં ઉર્દૂ લિપિનો એક અક્ષર ન ઓળખી શકનારા – ન લખી શકનારા, આખેઆખો ઉર્દૂ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે છે ને પુરસ્કારો મેળવી આવે છે !)

ઉર્દૂ ભાષામાં વિધિવત શિક્ષણ લીધું ન હોવા છતાં એક વાણિજ્યના સ્નાતકે કેવી રીતે આ સિદ્ધિ હાંસલ કરી છે, તેની વાત તેમના જ મુખેથી જ સાંભળવા જેવી છે.

જયંત કહે છે : ‘અમદાવાદના કોટ વિસ્તારમાં મુસ્લિમ બહુલ વિસ્તારમાં મારો જન્મ અને ઉછેર થયો. માતા અભણ અને પિતા મિલમાં કામ કરતા મજૂર. ૧૪ વર્ષની ઉંમરે જ મને સમજાઈ ગયું કે મારે ય કામ કરીને જાતે ઊભા થવું પડશે. એકલા આગળ વધવું પડશે. પતંગ ઉડાવવાની ઉંમરે મારા સમાજના છોકરા ચાની કીટલી પર મજૂરી કરતા ત્યારે હું છાણ-માટીની બનેલી ઘરની દિવાલો પર કોલસાથી ચિત્રો દોરતો હતો. મેં બ્રશ હાથમાં લીધું અને પોટ્રેટ – મિનિયેચર બનાવીને વેચતો. એક ફોટોફ્રેમ બનાવવાવાળાને ત્યાં નોકરી કરી તો ત્યાં મારા માટે પીવાનાં પાણીનું માટલું અલગ રખાયું. ખૂબ દુઃખી થયો. ત્યારે લત્તે-લત્તે, ચાલીએ-ચાલીએ ફરતા મુસ્લિમ ફકીરો મીર તકી મીરની સૂફીવાણી ગાતા તે સાંભળીને પ્રેરિત થયો. ઉર્દૂનું આકર્ષણ મને ક્યારે થયું તે ચોક્કસ કહી શકતો નથી પણ ત્યારે જ નક્કી કરેલું કે ક્યારેક કંઈ પણ લખીશ ઉર્દૂમાં જ લખીશ. ત્યારે કબાડીની દુકાનેથી અમુક પુસ્તકો મફતમાં મળતાં. ત્યાંથી જ મને ‘ઉર્દૂ લિપિ શિક્ષિકા’ મળી. ઉર્દૂ અક્ષરો વાંચીને તેને ઉકેલવા મથતો રહ્યો. તે વાંચીને ઉર્દૂન ખુદ શીખ્યો અથવા એમ કહું કે આજે પણ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું ઉર્દૂ લખવા લાગ્યો. એ સાચું લખું છું કે ખોટું એની તો મને પણ ખબર નહોતી. તો પણ મારી પહેલી કવિતા ઉર્દૂમાં લખી અને એક ઉર્દૂ સામયિકમાં મોકલી તો મારા આશ્ચર્ય વચ્ચે તે પ્રસિદ્ધ થઈ અને મને તેના ઘણા પ્રતિભાવો પણ મળ્યા. આને તમે મારા ઉર્દૂ ભાષા પ્રતિના પ્રયાણ તરીકે ઓળખી શકો.”

*

જયંત પરમારના કાવ્યસંગ્રહો ન માત્ર તેમાંની કવિતાની દૃષ્ટિએ, તેની સજાવટ – મુખપૃષ્ઠની દૃષ્ટિએ પણ આકર્ષક ને અનોખા રહ્યા છે, કારણ એક નીવડેલા ચિત્રકાર તરીકે તે તમામનાં મુખપૃષ્ઠ તેમણે ખુદ સજાવેલા છે. એટલું જ નહિ એમના તમામ કાવ્યસંગ્રહોમાં એમની ચિત્રકલા અને વિશેષ કરીને કેલીગ્રાફી આર્ટ ઠેર-ઠેર મહેંકતાં ફૂલોની જેમ વેરાયેલી છે, જે એમના કોઈ પણ કાવ્યસંગ્રહને દર્શનીય અને મનોહર બનાવે છે.

ઉર્દૂ ભાષાના પાકિસ્તાનના વિદ્વાન શબ્યુર રહમાન ફારુકી, જેને પાને-પાને કવિતા અને તેને સંબંધિત ચિત્રો સાથે ને સાથે વહી રહ્યા છે, તેવા જયંત પરમારના ઉર્દૂ કાવ્યસંગ્રહ “પેન્સિલ ઔર દૂસરી નઝમે’ને કવિતા અને ચિત્રકલા બેઉની પરાકાષ્ઠાને સાધતા – ભાગ્યે જ પ્રાપ્ત થઈ શકે તેવા મહત્વપૂર્ણ સંગ્રહ તરીકે ઓળખાવીને, એ કાવ્યસંગ્રહથી – ઉર્દૂ કવિતા એક નવો વળાંક લઈ રહી હોવાનું પણ નોંધે છે.

જયંત પરમારના આવા જ વધુ ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘ઔર’ માટે ઉર્દૂ વિદ્વાન શમીમ હનફીનો મત છે કે, જયંત રંગોમાં વિચારે છે ને શબ્દોનો બ્રશ(પીંછી)ની જેમ ઉપયોગ કરે છે !

જયંતભાઈએ પોતાના જ નહિ, અનેક સાથી મિત્ર કવિઓના કાવ્યસંગ્રહોનાં મુખપૃષ્ઠ પણ પ્રેમથી સજાવી આપેલા છે. કવિની સાથે ચિત્રકાર પણ હોવું, એક અનોખો સંયોગ છે.

જયંતભાઈ કહે છે, જેમ જેમ હું કવિતાઓ વાંચતો ગયો, એના રંગો મારા કેનવાસ પર રેલાતા ગયા! કવિતાને મળું એ પહેલા હું ચિત્રકલાને મળ્યો છું ! કવિતાથી ય પહેલા હું ચિત્રકલાને શરણે ગયો છું. મને કલમ મળે તે પહેલાં કોલસો હાથ લાગ્યો હતો. કલમથી કંઈ લખું એ પહેલાં, કોલસાથી દિવાલો ચિતરવાનું મને આવડી ગયેલું ! આ શોખ એવો તો મારા મનમસ્તિક પર છવાઈ ગયેલો કે, કવિતા લખતો થયો ત્યારે એક સામયિકે મને કવિવર ટાગોર પર કવિતા લખી મોકલવા કહ્યું તો, કવિતા મોકલું તે પહેલાં એ સામયિકને ટાગોરનું મેં દોરેલું ચિત્ર (સ્કેચ) મોકલી આપેલું ! (જે એ સામયિકના મુખપૃષ્ઠ પર છપાયેલું.)

ગાલિબ, ગુલઝાર સમા અનેક કવિઓ, મન્ટો, ગોપીચંદ નારંગ સમા ઉર્દૂ ભાષાના અનેક સર્જકો – સમીક્ષકો, એમ.એફ. હુસેન, અમૃતા શેરગીલ સમાં અનેક ભારતીય ચિત્રકારો અને વાન ગોઘ, સાલ્વાડોર ડાલી સમાં અનેક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારો સહિત અનેક મશહૂર કવિઓ-લેખકોને પોતાની ચિત્રકલાના માધ્યમથી જયંત પરમારે અનોખી રીતે સંભાર્યાં છે – અમર કર્યાં છે.

જયંત પરમારના કોઈપણ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈએ તો તેમની કવિતા પ્રભાવિત કરે તે પહેલા એમાં રહેલી એમની ચિત્રકલા કેલીગ્રાફી આર્ટ તમને મોહિત કરી શકે છે.

જયંતભાઈનું માનવું છે કે કવિતા કે ચિત્રકલા ભલે અભિવ્યક્તિની દૃષ્ટિએ અલગ હોય કિન્તુ તેનો આત્મા એક જ છે. માનવીય લાગણીઓ ભલે કલાના ગમે તે સ્વરૂપે રજૂ થતી હોય, તેને કોઈ એક ચોક્કસ ખાનામાં ખતવી ન શકાય. વાસ્તવમાં એક કલા જ બીજી કલાનું કારણ બનતી હોય છે. સ્વરૂપ, કલ્પન જેવા સાધનો જે કવિતાને ઘડે છે, તે જ ચિત્રકલાને પણ પૂરક અને સહાયરૂપ થાય છે. કવિતા જો એક ચિત્ર છે તો ચિત્ર એ મૂંગી કવિતા છે.

મસ્જિદોના મિનારા પર અત્યંત કલાત્મક રીતે કોતરાયેલી કુરાનની આયાતો વાંચતા નહોતી આવડતી. કે સમજાતી નહોતી ત્યારે મને તો એ ચિત્રકલા જ જણાતી. ચલચિત્રોમાં ઉર્દૂમાં આવતા અક્ષરોમાં પણ મને તો ચિત્ર જ દેખાતું. હું કહી શકું કે આ ચિત્રોને વાંચ્યા વિના જ મેં સાંભળ્યા છે, એમ કહેતા જયંતભાઈ ખરેખર તો એમની કવિતાઓ દ્વારા એક આકૃતિ એક ચિત્ર સર્જે છે અને એમનું ચિત્ર એક કવિતાની આભા સર્જે છે.

ચિત્ર હોય કે કવિતા એની થીમ – એનો વિચાર હું જીવાતાં જીવનમાંથી જ મેળવું છું, એમ કહેતા આ કવિ ચિત્રકારને કાળા રંગ પ્રતિ વિશેષ અનુરાગ અને અનોખી પ્રીતિ છે. એ માટેના એમના પોતાનાં કારણો અને એમની પોતાની વિચારસરણી પણ છે. એમના બહુરંગી ચિત્રોની સરખામણીમાં કાળી પેન્સિલથી કે કાળી સાહીના ખડિયામાં કિન્તો ડુબાડીને કાળા રંગમાં કરાયેલી કેલીગ્રાફી પ્રમાણમાં દેશમાં અને દેશના સીમાડાઓની બહાર વધુ પ્રસિદ્ધિ પામી છે. પેન્સિલ, ખડિયો ને કલમ પરની એમની એકથી અધિક રચનાઓ પણ એમના કાવ્યસંગ્રહોમાં મળી આવે છે. એમની કવિતામાં આવતાં કાળા પંખી, કાળી પાંખો, કાળું ઘાસ, કાળા ઘોડા જેવા ઉલ્લેખો અને ‘કાળી શાહીના ગર્ભમાંથી નિકળતો શબ્દ’ જેવી કાવ્યપંક્તિઓ ઉદાસીન મૂડ કે યાતનાભરી સ્થિતિને તાદૃશ્ય કરતા હોય છે.

એમની આ એક કવિતા જ જુઓ ને :

जब भी हाथ में लेता हुँ में अपना कलम, 

तब इसमें से निकली हैं काली चीखें, 

क़लम की स्याही में शायद 

बसती होंगी काले लोगों की रूहें।

ન માત્ર કેલીગ્રાફી (કલા) કરતી વેળાએ, કિન્તુ દલિત કવિતા લખતી વેળાએ – કવિતામાં પ્રતિરોધની ભાવાભિવ્યક્તિમાં જાણે કે કાળો રંગ જ એમને માફક આવે છે.

ચિત્રકાર હોવાને નાતે દુનિયાભરના નામી ચિત્રકારોની અને એમની ચિત્રકલાની પાકી ખબર રાખતા જયંતભાઈને “મોનાલીસા’ ફેઈમ ચિત્રકાર લિયોનાર્દો દ વિન્સીએ દુનિયાભરના ચિત્રકારોને આપેલા સંદેશની પણ અલબત્ત ખબર છે જ. વિન્સીએ કહ્યું છે : ‘Painting is poetry, that is seen rather than felt and poetry is painting that is felt rather than seen.’

*

Poet-painter જયંત પરમારની કલા-કવિતાયાત્રાની આટલી પૂર્વભૂમિકા પછી, એમની વિવિધરંગી કવિતા (ગઝલ-નઝમ) અને વિશેષ કરીને એમની દલિત રચનાઓની પણ એક ઝલક મેળવીએ.

ગુલઝારે જેમને ઉર્દૂ કવિતામાં નવા અંદાજના પ્રણેતાથી ઓળખાવ્યા છે, ગોપીચંદ નારંગે જેમને King of imagemaking અને કવિતાના પ્રચલિત ધોરણોથી ઉફરા ચાલતા ઉર્દૂ કવિ તરીકે નવાજ્યા છે, શાફેય કિદવાઈએ જેમને તાકતવર વક્રોક્તિના અને આગવી અભિવ્યક્તિના સ્વામી- Gifted Poet કહ્યા છે, રૂચિતા સ્વૈને જેમને આ સમયના કવિ માન્યા છે અને વારિસ અલ્વીએ જેમને એકવિધતાથી દૂર એવા અનોખા ને વિવિધરંગી ઉર્દૂ કવિ તરીકે સરાહ્યા છે એવા જયંત પરમારની કવિતા, ગઝલો, નઝમોમાંથી પસાર થઈ તેના હાર્દને પામવાનું કામ મારે માટે એ કારણે પડકારજનક અને મુશ્કેલ બની રહ્યું કે, જયંતભાઈના તમામ કાવ્યસંગ્રહો ઉર્દૂમાં અને ઉર્દૂ લિપિમાં છપાયેલા છે અને તેના ગુજરાતી અનુવાદો તો નહિવત છે જ, હિન્દી દેવનાગરીમાં પરિવર્તિત થયેલી પ્રકાશિત થયેલી કવિતાઓ પણ શોધીએ તોયે ઓછી મળે છે. હા. અંગ્રેજીમાં અનુવાદિત થયેલી એમની કવિતાઓ વિપુલ માત્રામાં અને જોઈએ એટલી છે ! અતઃ મારે મેં પસંદ, ચયન કરેલી અંગ્રેજી અનુવાદિત કવિતાઓ, ખુદ જયંતભાઈ પાસે બેસી – ન સમજાય ત્યાં સુધી એમના કવિસૂરને સમજીને અને કેટલેક અંશે જયંતભાઈના FB Page, Blogs જેવા સોશિયલ મીડિયામાંથી એકઠી કરવી પડી છે.

જયંત પરમાર ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણેયને આવરીને જીવાતા જીવનની સંવેદનાઓને એમના નકશીદાર કવિકર્મ દ્વારા ધારદાર અને હૈયાસોંસરવા ઉતરી જાય તેવા શબ્દોમાં કવિતાને ઢાળે છે. તેમની આસપાસ ઘટી રહેલી ઘટનાઓને એક દાર્શનિકના અંદાજથી તેઓ નિહાળે છે, જેને તેઓ અશિષ્ટ કે અરુચિકર ન બની રહે તેવા વ્યંગાર્થોથી અને વક્રદૃષ્ટિથી રજૂ કરે છે. જયંતભાઈ એમની કવિતા પૂર્ણ કાવ્યનિષ્ઠા સાથે, સંયમિત પણ સારગર્ભિત શબ્દોમાં કલાત્મકતા સાથે રજૂ કરતા જોવા મળે છે. સમકાલીન સમયની સમસ્યાઓ પરની તેમની કાવ્યમય અભિવ્યક્તિ પેન્સિલની અણી જેવી તીક્ષણ હોય છે. પોતે જે સ્થિતિને જોઈને આઘાત પામ્યા છે, ઉદાસ બન્યા છે તેને એક આગવા અંદાજમાં ગઝલ નઝમમાં રજૂ કરવામાં જયંત પરમારનો જોટો જડે તેમ નથી. કાવ્યમાં અવનવા-આગવા-અભિનવ પ્રયોગો દ્વારા વાચક-ભાવકના મન-હૃદય પર ઊંડી અસર જન્માવતાં કાવ્યોમાં જયંતભાઈ ન માત્ર વર્તમાન સમયની ઘટનાઓ / પ્રસંગોને લાવે છે, આપણી સંસ્કૃતિ, આપણા પુરાણો, તેના દેવો-દેવીઓને એક નવા જ દૃષ્ટિકોણથી જુએ છે અને આપણી પ્રચલિત અને રૂઢ થઈ ગયેલી પરંપરાઓ માન્યતાઓ પરત્વે નવેસરથી વિચારવાની ફરજ પાડે છે. જયંત પરમારની કવિતામાં રહસ્યો છે, ગૂઢતા છે, જેને એક પછી એક પડળવાર-પરતવાર તમારે ખોલવી પડે. એ બહુરંગી છે છતાં એ માનવકેન્દ્રી છે. આસપાસ-ચોપાસ બનતી ઘટનાઓ – સાંપ્રત સ્થિતિથી વાચક ભાવકનું વાકેફ હોવું, એ પણ એમની કવિતાને સમજવા માટેની પૂર્વશરત છે ! ભાષાને સટીક અને સંયમિતરૂપે પ્રયોજતા આ કવિના કલ્પનો – ઉપમાઓ અગાઉન જોયાં કે ન સાંભળ્યા હોય તેવા Never Before પણ લાગી શકે છે.

मैं हूं और ये दूर तक घूप का रस्ता साथ, 

कंधे पर साया कोई रख देता है हाथ ।

जाडे की रुत है नई तन पर नीली शाल,

तेरे साथ अच्छी लगी, सर्दी अब के साल ।

बिस्तर पे लेटे लेटे मेरी आंख लग गई, 

ये कौन मेरे कमरे की बत्ती बुझा गया?

પ્રેમ અને વિરહના ભાવને ઉત્કટતાથી રજૂ કરતી આ અને આવી એમની અન્ય રચનાઓને ચર્ચામાં લેવાનો અહીં મારો આશય નથી, ઉપક્રમ નથી.

परिंदा जब भी कोई चीखता है, 

खामोशी का समंदर तूटता है।

फंसी हुई थी डोर पंख में, 

एक चिडिया का हाल बुरा था।

फुदक फुदक कर एक चिडिया, 

मेरे छोटे से कमरे में आती है, 

अपने साथ जरा सा आसमान भी लाती है, 

मेरे लिए नज्मों का कुछ सामान भी लाती है !

પંખીના ચિત્કારથી – એની ચીખથી દ્રવી ઉઠતા, હચમચી ઉઠતા ને કવિતા માટેની સામગ્રી પણ તેની જ પાસેથી મેળવતા, એક અત્યંત સંવેદનશીલ કવિની સર્જનાત્મક ઉન્મેષ સર્જતી કવિતાઓ નઝમો / ગઝલો પારાવાર છે. એમાંની કેટલીક ચુનંદી રચનાઓ પર પ્રકાશ પાથરવાનો મારો ઈરાદો છે.

A poem, in other words is;

Making a picture of the wind

On the canvas of the yellow grass, 

Walking on the trail of the silence.

……………..

A poem is a jumping net, 

On which one can jump and skip 

Through the whole universe

કવિતા શું છે? કવિતા છે પીળાં ઘાસના કેનવાસ પર હવાનું ચિત્ર બનાવવાની ક્રિયા. કવિતા છે એક જમ્પીંગ નેટ પર કુદતા રહી બ્રહ્માંડને આંબવાની ક્રિયા.

When I enter my home

I bring with me

Round, triangular and square pieces of the sky.

આકાશના ગોળ, ત્રિકોણ અને ચોરસ ટુકડાઓ ઘરમાં લઈ આવવાની ક્ષમતા છે તમારામાં? તો તમે કવિ છો !

During the night of madness,

When I wait for your arrival 

My life looks like 

A girl walking 

On a weak rope

without holding an umbrella.

નીરવ રાત્રિએ કવિ હાથમાં કલમ લઈને કવિતા પધારે એની રાહ જોઈ રહ્યા છે ! ને કવિની મનોસ્થિતિ કેવી છે? એક તંગ પણ નબળી દોર પર બેલેન્સિગ / સમતુલા જાળવતી, છત્રી હાથમાં લીધા વિના ચાલી રહેલી એક છોકરી જેવી !

Cold winds

Have not yet played 

A melody on the santoor. 

The mountains

Have not yet

Washed their hands with water. 

The tree has yet not bloom 

Over the dense shade 

The desert – watch has yet to grow 

On the face of the sun 

The poem needs me.

પેચીદો પ્રશ્ન છે : કવિ કવિતા પાસે જાય છે કે કવિતા કવિ પાસે ?! પણ હા. એ કવિતા પણ કવિ પાસે ત્યાં સુધી નહિ આવે ત્યાં સુધી મંદમંદ વહેતો ઠંડો પવન કોઈ એક સંતૂર(વાઘ)ને છેડતો નથી ! પર્વતો પાણીથી હાથ ધોઈને સ્વચ્છ થઈને આવતા નથી ! જંગલના કાળા અંધારા ચીરીને વૃક્ષો ખીલતાં નથી !

The moon is yet to shine 

In my veins 

There is still a drop of blood left 

In the mashkiza of my eyes. 

The poem needs me.

… ને કવિનો આત્મવિશ્વાસ, કવિતામાં રહેલી તેમની શ્રદ્ધા તો જુઓ. એ કહે છે મારી નસનસમાં ચંદ્રના પ્રકાશનું રેલાવું હજી બાકી છે તો પણ મારી આંખોની તળાવડીમાં જયાં સુધી લોહીનું એક ટીપું બાકી છે, કવિતાને મારી જરૂર છે. તે જરૂર આવશે મારી પાસે.

You showed the way

To my shadow,

Lost in the darkness of the jungle, 

Like a falling star,

Like a yellow tiny bird, 

Black and disappointed.

કહેવાય છે મુશ્કેલ સમયમાં પડછાયો પણ સાથ નથી આપતો પણ ઓ કવિતા ! તેં જ કાળાડિબાંગ જંગલમાં ખરી પડીને ખોવાઈ ગયેલા તારાના કે તેમાં ભૂલા પડીને અટવાઈ ગયેલા પીળા નાનકડા પંખીના કાળા અને નિરાશ પડછાયા જેવા મને રસ્તો બતાવ્યો છે.

કવિ કવિતાની જો ચાહના કરે છે તો કવિતા તો કવિની પડખે જ છે!

You put a comforting hand

On my back in scary nights. 

You encouraged me 

On every bend in the pathway of my life. 

You grew flowers of smile

In the desert of my wrinkles. 

You adorned my dry lips 

With new melodies.

You did not let me die.

મારા ખભે સાંત્વનાનો હાથ રાખીને, જીવનના કપરા રસ્તે મને પ્રોત્સાહિત કરતા રહીને, મારા નિસ્તેજ ચહેરા પર સ્મિતનાં ફૂલો ઉગાડીને અને મારા સૂકા હોઠો પર કોઈ મધુર સંગીતની ધૂન રેલાવીને, હે કવિતા ! તેં મને મરવા નથી દીધો.

કવિતાનું કવિ પરનું આ ઋણ છે.

શું કોઈ ચીજ-વસ્તુની જેમ કવિતા પણ ખોવાઈ જઈ શકે છે? હા. આ કવિની કવિતા પણ ખોવાઈ ગઈ છે ! એમની અત્યંત પ્રશંસા પામેલ કવિતાઓ પૈકીની આ એક છે :

I’ve been looking for it 

In the drawers of my desk

On the table, 

In the cupboard,

On the bookshelf, 

In the mad pages

Of old and new books 

In worn out pockets 

Of my coarse – cloth shirt,

In the camel – leather briefcase

Where have I kept the Poem ?

Then I ask Neruda, Amachai and Rilke,

I kept it somewhere just now.

Searching for the poem

I come across the pen and ink-pot 

And the virgin paper, 

But the poem 

Is absent from the notebook of my heart.

કવિ કહે છે : મારી કવિતા હમણાં જ અહીં ક્યાંક હતી. ટેબલના ખાનામાં, પુસ્તકોના કબાટમાં, બ્રિફકેસમાં, મારા પાકિટમાં, પેન્ટના ખિસ્સામાં બધે મેં તેને શોધી. એ ન મળી તો મેં (સાશ્વત કવિઓ) પાબ્લો નેરૂદા, અમીચાઈ અને રિલ્કેને પણ પૂછી જોયું. કવિતા શોધવાના મારા પ્રયાસમાં મારી પેન, સ્યાહીનો ખડિયોને કોરો કાગળ તો મને મળ્યા પણ કવિતા જ મારા અંતરની કે હૃદયની નોટબુકમાં ગેરહાજર છે.

જ્યાં સુધી અંદરથી એક ધક્કો નથી લાગતો – એક આત્મસ્ફૂરણાનું ઝરણું નથી વહેતું, કવિ એની કવિતા સર્જી શકતો નથી. અહીં ખરેખર તો કવિ પાસેથી કાવ્યરચનાની એ ક્ષણ ખોવાઈ ગઈ છે.

આ કવિતા વાંચીને ગુલઝારે લખ્યું છે કે, મારી પણ કવિતા ખોવાઈ ગઈ ત્યારે મેં જયંત પરમારને પૂછેલું !

જોઈ શકાય છે કે રિલ્કે-નેરૂદા જેવા મહાન કવિઓને કવિ એમની કવિતામાં સગર્વ લઈ આવ્યા છે. કવિઓ જ કેમ? મશહૂર ચિત્રકારો, મહાન સંગીતજ્ઞો, સર્જકો, સમીક્ષકો પણ એમની કવિતામાં માનભર્યું સ્થાન પામ્યા છે. કવિની આ પ્રકારની કવિતાઓના સાહિત્ય સમીક્ષકોએ પણ મ્હોંફાટ વખાણ કર્યા છે.

है पहाड़ के सर पे तुर्की टोपी गालिब की, 

बादलों में चरती हैं भेडें अबु तालिब की।

કે પછી … 

कबीर ने

झीनी-झीनी बीनी चदरिया

रंगी धागों से करघे पर 

रेज़ा रेज़ा होने लगी हैं 

इक इक धागा बिखर रहा हैं 

फिर उस को सीने की घड़ी आ पहुंची है।

જેવી અનેક રચનાઓ તમને મંત્રમુગ્ધ કરે છે.

સાચા કવિઓ / ચિત્રકારો / કલાકારો હંમેશાં તેમનાથી ચઢિયાતા સમકાલીનો અને પૂર્વસૂરિઓને પોતાના આરાધ્ય માની તેમાંથી પ્રેરિત થતા હોય છે. જયંતભાઈની કવિતાની પણ એ વિશેષતા છે કે આવી ખ્યાતિપ્રાપ્ત શખ્સિયતોને તેઓ બહુ જ આદરભાવે – આત્મિયભાવે પોતાની કવિતામાં લઈ આવે છે.

એક સર્જક / કલાકાર જ્યારે બીજા સર્જક / કલાકાર વિશે હૃદયના ભાવોથી લખે ત્યારે એ નિતાંત આવશ્યક હોય છે કે, જેના વિશે તેણે કલમ ઉપાડી છે તેના વિશે તેના પ્રદાન વિશે એ પૂર્ણતયા વાકેફ હોવો જ જોઈએ. તો જ તે અધિકારપૂર્વક લખી શકે.

જયંત પરમારની કવિતામાં જગવિખ્યાત ચિત્રકારો Vincet Van Gogh, Salvador Dali, Leonardo da Vinci, Alberto Giacommeti, Frieda Kahlo, Edouward Manet, Paul Cezanne, Paul Gaugin, એમ.એફ. હુસેન, અમૃતા શેરગીલ, રામકુમાર, જગદીશ સ્વામીનાથન, પીરાજી સાગરા તથા વિશ્વના અને દેશના મહાન કવિઓ Sylvia Plath, Octavio Paz, Anna Akhmatova Korenko, Czeslaw Milosz, Leopold Snghor, Boris Pasternak, Arthar Rimband અને કબીર, ટાગોર, ગાલિબ, મીર તકી મીર, અમીર ખુશરો, નિઝામુદ્દીન ઓલિયા, નિદા ફાજલી, શહરયાર, સાહિર લુધિયાનવી, કૈફી, કુમાર પાશી, ગુલઝાર, બલરાજ કોમલ, સના ઉલ્લા ખાન ડાર મિરાજી, ગુજરાતના ઉર્દૂ કવિઓ વલી ગુજરાતી, વારિસ અલ્વી, આદિલ મનસૂરી સહિત ભારતીય સંગીતક્ષેત્રની પ્રતાપી પ્રતિભાઓ ઉસ્તાદ ફૈયાઝખાન, ઉસ્તાદ શકૂરખાન, કિશોરી આમોનકર, રસૂલનબાઈ સહિત અગણિત વ્યક્તિવિશેષોને તેમની અનેકાનેક વ્યક્તિકેન્દ્રી ગઝલો / નઝમો / કવિતાઓ યાદ કરે છે. આ પ્રતિભાઓ માટેનો આવો ઉલ્લેખ એમના માટેનો જયંત પરમારનો આદરભાવ છે – સ્નેહભાવ છે અને એમનામાંથી પ્રેરિત થતા રહેવાનો પણ એક અંતરભાવ છે-દૃઢ સંકલ્પ છે.

I have seen Paz 

At the tomb of Amir Khusrau

In the pale shades of evening, 

Under the dome of words and notes,

Between mendicant Nizamuddin Aulia And Amir Khusrau,

Sleeping under the arches of poems :

I have seen Paz.

જાણીતી વાત છે કે Octovio Paz ભારતમાં મેક્સિકો દેશના રાજદૂત રહી ચૂક્યા છે. ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યનો પણ તેમને અભ્યાસ હતો. ખુશરો અને નિઝામુદ્દીન ઓલિયાના એ સ્મારકો જયાં પાઝ ફર્યા હતા, ત્યાં ત્યાં તેમને જોયાની અનુભૂતિ કરે છે કવિ જયંત પરમાર.

ગઝલકારોની પ્રેરણામૂર્તિ કવિ ગાલિબ પર કવિની ૭થી વધુ રચનાઓ જોવા મળે છે.

Whenever I read you 

Every word

Opens up a sky for me

Every line of your verse

Casts a shadow of the universe

Spreading far and wide.

જ્યારે જ્યારે તમારા શબ્દને હું વાંચું છું. મારી સમક્ષ એક આખું આકાશ ખૂલી જાય છે અને તમારી કવિતા મને એક વિશાળ બ્રહ્માંડના દર્શન કરાવે છે.

I have been imprisoned 

In a rock of granite

I am restless 

To break the stone

And come out

To go to Gali Qasim Jaan 

And recite verses of my new ghazal.

દિલ્હીના કાસીમ જાન ગલી ખાતેના આખરી નિવાસસ્થાનમાં આરસના પથ્થરો વચ્ચે પોઢેલા ગાલિબને જોઈને કવિને નવી એક ગઝલ લખવાની પ્રેરણા મળે છે !

I have hidden all your letters 

In a brass vase :

Every word is a matchstick !

ગાલિબનો એક એક શબ્દ દિવાસળીની સળી જેવો સ્ફોટક છે, કવિએ એને સુંદર પાત્રમાં સાચવ્યો છે!

For hours and hours

I have the music of God 

In your poetry and melodies.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ‘રવીન્દ્રકવિતા’ અને ‘રવીન્દ્ર સંગીત’માં કવિને ઈશ્વરના સંગીતનો અહેસાસ થાય છે.

Your Poems

Touch the leaf of my heart

Opening the doors of the universe.

ઉર્દૂકવિ શહરયારની કવિતા પણ કવિના હૃદયના અણુએ અણુને સ્પર્શીને સમષ્ટિના નવા નવા દરવાજા ખોલી આપે છે.

Casting a net of words

In the black waters

Of the ink-pot,

I sit on its mad bank

For hours, 

Immersed in my thoughts

The shore of black waters lies awake

With me all night, 

And suddenly

A few stars are caught.

Once in a while

From the cluster of stars

I find the pearl of a poem.

પોતાનો ‘નઝમ યાની’ કાવ્યસંગ્રહ જેમને અર્પણ થયો છે અને પોતાના વધુ એક કાવ્યસંગ્રહની પ્રસ્તાવના જેમણે લખી છે તે ખ્યાતિપ્રાપ્ત કવિ ગુલઝારના કવિકર્મને પ્રમાણતી આ કવિતામાં જયંતભાઈની એ અનુભૂતિ છે કે, સ્યાહી રૂપી કાળાં પાણીમાં શબ્દોની જાળ ફેલાવી તો એમાં થોડાક તારાઓ સપડાઈ ગયા છે, તેમને ફંફોસતા જે મોતી મળી આવ્યા છે તે જ તો છે ગુલઝારની કવિતા !

How will I sleep in my grave ?

Your memories will haunt me.

The bird of poetry on your eye-glasses

Will live its imprints on the sand.

‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’ / ઉમ્રભર ફરી આ ધૂળ મળે ન મળે’ના ગાનાર ઉર્દૂ કવિ આદિલ મનસૂરીની વિદાય કવિને પણ ક્ષુબ્ધ કરી ગઈ છે. એમની યાદ એમને સતાવી રહી છે. “આદિલ’ ભલે આ દુનિયામાં ન રહ્યા, એમની કવિતાના નિશાન અમીટ છે.

હવે જોઈએ કવિ સહ ચિત્રકાર એવા જયંતભાઈની રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ એવા ચિત્રકારોની કલાને વંદન કરતી કવિતાઓ વિશે.

ધૂની ચિત્રકાર તરીકે જગવિખ્યાત અને નિરાશાની કોઈ ક્ષણે આત્મહત્યા કરી વિદાય લેનાર ડચ ચિત્રકાર Vincet Van Gogh પર પણ જયંતભાઈની ૬થી વધુ રચનાઓ છે, તે પૈકીની આ બે :

Your story

Is not just the story

Of the eye, 

The brush 

Or the palette. 

It is also the sad tale 

Of a lonely heart.

ચિત્રકાર વાન ગોઘ ! તમારી કથા એટલે બ્રશ, ચિત્ર, રંગદાની ને તમારી આંખો એટલું જ નહિ, એ તો એક ઉદાસ – એકાંકી હૃદયની કથા પણ છે.

Above the yellow cornfields

The black crows fly,

Like death. 

After sometime, 

They hold Van Gogh

In their wings 

And take him 

Towards the grave of the yellow sky.

વાન ગોઘનાં ચિત્રોમાં આવતા મકાઈના પીળા ખેતરો ને ઉપર ઉડતા કાળા કાગડાઓને કવિ મૃત્યુના સંકેત રૂપે જુએ છે અને અનુભવે છે કે એ જ કાગડાઓ એમની પાંખોમાં ઉંચકીને આ ચિત્રકારને અનંત આકાશ તરફ – મૃત્યુ તરફ લઈ જઈ રહ્યા છે.

ભારતીય ચિત્રકાર એમ.એફ. હુસેનથી કોણ અજાણ હશે? એમના ચિત્રોમાં ઘોડા એમને પ્રિય રહ્યા છે. હુસેનના ચિત્રોનો વિરોધ થયો અને એમણે દેશ છોડવો પડ્યો તોયે કલાના કહેવાતા પ્રેમીઓ તો ચૂપ જ રહ્યા! એ તો એ હુસેનના ઘોડાઓ’ પણ ન હણહણ્યા કે ન તેમણે કોઈ હલચલ દર્શાવી. આ કવિતા જુઓ :

You have painted

Black and red horses

On your canvas,

But don’t you know 

That horses drawn

With cooked lines

On a canvas

Never neigh ?

સરુનાં વૃક્ષ સમા ઊંચા, સફેદ બરફની પરતો જેવી દાઢીવાળા આ ચિત્રકારે એમના સંઘર્ષના દિવસો ફૂટપાથ પર પણ વિતાવ્યા હતા અને કવિ એમની કવિતામાં પણ યાદ કરે છે :

A tall figure

Like a cypress tree.

A white beard,

Like a layer of snow.

You spent your evenings

On the footpaths of Bombay.

ભારતીય કલાક્ષેત્રના મોખરાનાં મહિલા ચિત્રકાર અમૃતા શેરગીલના ચિત્રો પરની આ કવિતા જુઓ

Amrita

Like Cezanne

You do not dilute your colours like water

But you do borrow 

The yellow sadness 

from the paintings of Gaugin

Like the sadness of the

melodies of Rasoolanbai.

બનારસ ઘરાનાની શાસ્ત્રીયસંગીત ગાયિકા રસુલનબાઈની વેદનાભરી ઠુમરીનો લય ઘોળીને સર્જાયેલાં અમૃતા શેરગીલના ચિત્રો, ફ્રેંચ ચિત્રકારો Cezanne અને Gauginનાં ચિત્રોથી કેવા અલગ છે, એમ ચીંધી બતાવવું આ ચિત્રકારોની કલાને પચાવ્યા વિના – પ્રમાણ્યા વિના કોઈ કવિ માટે સંભવ નથી.

તો આપણા ગુજરાતી ચિત્રકાર પીરાજી સાગરાના કેનવાસ પર બે રંગોનું મળવું કવિને ધરતી અને આકાશના મિલન જેવું, બે અજાણ્યા એકમેકને આલિંગન આપતા હોય તેમ ભાસે છે! જુઓ આ કવિતા :

When two colours meet on the canvas,

It seems if two strangers are embracing each other.

ચિત્રોમાં બેહદ રસ-રૂચિ ધરાવતા કવિ આર્ટગેલેરીમાં મશહૂર ચિત્રકારોનાં ચિત્રોના પ્રદર્શનને જોવાને ગયા છે ને ત્યાં તેમનો અનુભવ શું છે ?!

I am looking at the art gallery

Seeing me gazing

At the paintings for hours,

Someone looks at me

As if I am a painting,

As if I am a statue !

આર્ટગેલેરીમાં ગોઠવાયેલાં ચિત્રોમાંથી કોઈક, કવિ પોતે જાણે એક ચિત્ર હોય, એક પ્રતિમા – Statue હોય એમ જોઈ રહ્યું હોવાનું અનુભવે છે !

અને હવે … આ દેશના એક માત્ર ‘ઉર્દૂ દલિત કવિ’ જયંત પરમારની દલિત કવિતાઓ પર આવીએ.

જયંત પરમારની ચુનંદી ઉર્દૂ કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ કરનારા ઉર્દૂ ભાષાના (અંગ્રેજીમાં) ખ્યાતિપ્રાપ્ત અનુવાદક બેદાર બખ્તના મતે, આપણી પ્રગતિશીલ કવિતા જે દેશના સર્વહાર, શ્રમિક અને કૃષિકાર વર્ગની યાતના-વેદનાને વાચા આપતી હોવાનો દાવો કરતી રહી છે, તે તો આજની દલિત સાહિત્ય ધારા સાથે એના કદમ મિલાવવામાં સાવ જ નિષ્ફળ ગઈ છે. એમાં ય ઉર્દૂ સાહિત્યમાં તો આ ધારા ક્યારે ય જોવા જ નથી મળી. આજે પણ ઉર્દૂ સાહિત્યમાં એવો કોઈ સર્જક નથી, જે દલિતવિમર્શને નજરમાં રાખીને સર્જન કરતો હોય, સિવાય એક માત્ર જયંત પરમાર.

‘કવિતા દ્વારા હું મારી જાતને શોધું છું. મારી કવિતા મારી વેદના અને પીડાને રજૂ કરે છે અને હું ઈચ્છું કે તેનો અહેસાસ વાંચનારને પણ થાય.’ એમ કહેતા જયંતભાઈએ એક પ્રસિદ્ધ ગુજરાતી દલિત સામયિકમાં આપેલી કેફિયતમાં લખ્યું છે : ‘મેં જાતિવાદની કારમી પીડાને વેઠી છે ને તેમાંથી મારી કવિતા જન્મી છે. કવિતા દ્વારા હું મારા અસ્તિત્વને શોધી રહ્યો છું. સત્યથી જોજનો દૂર એવા સ્વપ્નપ્રદેશમાં ઉઠતા આવેગો એ મારી કવિતા નથી. એ તમામ મહાકાવ્યો જે માણસના અસ્તિત્વને નકારે છે, દરિયામાં ફેંકી દેવા જોઈએ. માનવમાત્રને સ્વમાનભર્યું જીવન આપી, તેને સંઘર્ષમાંથી બહાર લાવે – તેને નવો રાહ ચીંધે એ જ સાચી કવિતા.’

શું છે દલિત કવિતા, એક દલિત કવિ માટે ?

કવિ પાસે એનો ઉત્તર છે. તે કહે છે : હે દલિત કવિતા, મારી ઘણી કવિતાઓમાં તું છે. એ કવિતાની દરેક પંક્તિ એક સાંકળ છે. હું જાતિવાદથી અલગ ઓળખાયેલો) એક આજીવન કેદ ભોગવી રહ્યો છું. પણ તારા માટે હું એ બધી જ પીડાઓ વેઠી લઈશ, હે મારી દલિત કવિતા !! જુઓ આ રચના :

There were many poems

That I wrote

With you as the central theme

Every line of this poems

Is a chain for me.

I am serving a life – sentence

Behind the bars.

I will bear all afflictions

For you, my Dalit poetry.

સૌને સમાન ન્યાયનો બંધારણદત્ત અધિકાર હોવા છતાં, અન્યાય સામે જ્યારે કવિ અવાજ ઉઠાવે છે ત્યારે કવિ જાણે કવિતા રૂપે ખુલ્લું ધારદાર ખંજર લઈને ફરતા આતંકવાદી હોય એમ સમાજ અને શાસન એની સાથે વર્તે છે. આ અભિવ્યક્તિ જુઓ :

They are afraid

That my poetry is sharp-pointed daggers.

જ્યારે જ્યારે ન્યાય માંગ્યો, શું મળ્યું દલિતોને? રહેવાને ઘર માંગ્યું તો જીવતા દફનાવી દેવાયા, જમીનનો એક ટૂકડો માંગ્યો તો માથે વજનદાર પથ્થર ચઢાવી દેવાયો, રોટલીનો એક ટૂકડો માંગ્યો તો જીભ પર ભડભડતો અંગારો મૂકી દેવાયો, પુસ્તક (જ્ઞાન) માંગ્યું તો કાનમાં ધગધગતું સીસું રેડી દેવાયું, માથું ઉંચક્યું તો સાંકળો બાંધીને બંદી બનાવી દેવાયો, વિદ્રોહનો ઝંડો ઉપાડ્યો તો હાથોને જ કાપી નંખાયા … પણ ના. વહેલું આ લોહી વ્યર્થ નહીં જાય, કપાયેલા હાથોમાંથી તો હજારો હાથો ઊગી નિકળશે અને તે જ એક દિવસ આ યાતનાઓનો અંત આણશે. જુઓ કવિનો આ નિર્ધાર :

But one day, 

My blood will irrigate

This barren land,

To grow a thousand hands :

My hands,

Those of others

To end the night of tyranny.

જાતિગત વેદનાઓને સહતો રહેલો દલિત હવે એક એવા લોહિયાળ સૂર્યને ઝંખે છે, જેને કૃષ્ણના સુદર્શન ચક્રની જેમ પોતાની આંગળી પર ધારણ કરી તે એવા આતતાયીઓ પર પ્રહાર કરવા ચાહે છે, જેમણે ફૂલ જેવી દીકરીને પીંખી નાખી છે, માતાને નગ્ન કરી ગામમાં ફેરવી છે અને પિતાને જીવતા ભૂંજી માર્યા છે. પ્રતિરોધની આ ભડભડતી આગ ઠરવાની નથી. કવિતામાં વેદનાની આ તીવ્રતા જુઓ :

I will spin it on my forefinger

And throw it on them

Like the discus of Krishna …. 

My fire will not extinguish. 

Give me the blood – coloured sun, 

O, the morning winds 

Stay by my soul.

એક દલિત કવિના આખરી વસિયતનામામાં શું હોય છે? કલમની નીબ પર આગનો દરિયો, એક કાળો સૂરજ, લોહીથી ખરડાયેલ કાગળ અને એના પૂર્વજોએ વેઠેલા દારૂણ દુઃખોના રક્તિમ ઇતિહાસને સતત યાદ અપાવતી એક ટમટમતી ફાનસ બસ … કિન્તુ કવિ હવે એના અસ્તિત્વ-સ્વાભિમાન માટે જાગ્યો છે ને તેને ગર્વ છે કે તે એક “દલિત કવિ’ છે. જુઓ આ કવિતા :

A Dalit Poet 

Leaves a few thing behind : 

A paper dripping with blood, 

A black sun 

Over the head of the night 

A river of blood 

On the tip of his pen 

A lantern of his ancestors.

………

But now, 

He is looking for his existence. 

He is looking for himself. 

He is proud to call himself 

A Dalit poet.

જૂતાં તો સૌ કોઈ પહેરે અને ચાહે ત્યાં એ પહેરીને હરીફરી શકે, પણ જૂતાં પહેરતા એક દલિતને શું અનુભવ થયો ? એ તો પર્વતો ચડી આવ્યો, શહેરોને જંગલોમાં ફરી આવ્યો, સાત સમંદર પાર જઈ આવ્યો, જૂતાં પહેરીને એ UNO અને પાર્લામેન્ટમાં તેમ જ ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદમાં પણ જઈ આવ્યો. કિન્તુ જ્યારે તે જૂતાં પહેરીને મંદિરે ગયો ત્યારે તેની ખુદની જાત જાણે એક જૂનું હોય એમ એને મંદિરના ઓટલેથી બહાર ફેંકી દેવાયો. જુઓ સળગતી આ વેદના :

My shoes take me 

To Parliament, 

To the UNO,

My shoes take me 

To Churches, Mosques 

And Gurudwaras. 

But when these very shoes 

Take me to a Hindu Temple, 

I am thrown out 

Just like my shoes.

ગામ બદલો, શહેર બદલો, વેશ બદલો, નામ બદલો પણ જન્મોજન્મથી થોપી દેવાયેલી જાતિ(Caste)ને બદલવી દુષ્કર છે. જુઓ :

Even after changing my name, my town, 

I could not save myself my caste, 

Which has been inscribed on my brow 

Birth after birth.

પોતે ભણ્યા વિના, લોહી-પસીનો સીંચીને, એકએક ઈંટ ગોઠવીને જેમણે શાળા બનાવી તે વડવાઓના સંતાનોને તો શાળામાં પ્રવેશવા જ નથી દેવાયા, પ્રવેશ અગર મળ્યો જો છે તો શાળાની બહાર તડકે કંતાનના ટૂકડા પર તેમને બેસાડાયા છે … કવિ કૃદ્ધ છે – નિરાશ છે, શાળાની લાલલાલ ઈંટોમાં એના અને એના પૂર્વજોના લોહીનો લાલરંગ પણ ભળ્યો છે. જુઓ :

I was made to sit outside 

Under the blazing sun. 

Treated like an animal 

I kept boiling within myself 

Every flower of my dream withered 

I was very angry 

At my caste, at coarse hands.

Every brick of the school 

Bears the fragrance of my blood.

આજે તો લખવા કાગળ છે, કલમ છે કિન્તુ પૃથ્વી પર લખવાની શરૂઆત થઈ ત્યારે આપણા વડવાઓ – ઋષિમુનિઓ પાંદડાઓ પર, ઝાડની છાલ પર, થડિયા પર, ભોજપત્ર પર પથ્થરો પર અને મૃતપશુના ચામડા પર લખતા હતા.

દલિતો પર થતા જાતિવાદી અત્યાચારોથી ચીરાઈ જતી પીઠને – એ સબાકાના ઘા ને પણ માણસની ચામડી પરના લખાણ તરીકે ઓળખાવી, એક આખો યુગ ચામડેથી ચામડે સુધી આવી અટકી ગયો હોવાનું કવિ માને છે. આ પીઠ પરનાં લખાણોને ઉકેલવાની આંખ હજી સુધી તો સમાજ પાસે નથી, એમ કવિને કહેવું છે. જુઓ કવિતા :

In olden times 

People used to write 

On leafs,

On the barks of trees,

On the breast of trees, 

On faces of stone, 

On the hides of animals 

On coper plates. 

The four Veds 

Were also written 

On the bark of a tree 

But the black deeds 

Of tyranny 

Were written 

On my body 

Its the same today.

વંચિતો – શોષિતોના ઉદ્ધારક અને દલિત કવિ માત્રના પ્રેરણામૂર્તિ મહામાનવ ભારતરત્ન ડૉ. આંબેડકર પર જયંતભાઈની એકથી વધુ રચનાઓ જોવા મળે છે. આંબેડકર રૂપી સૂર્યથી જ્ઞાનનો પ્રકાશ પામેલ કવિ હવે ચૂપ રહેવાનો નથી, યાચના માટે હાથ લંબાવવાનો નથી, તે તો હવે વિદ્રોહનાં ગીતો ગાવાનો છે. ભણતા ત્યારે બાળ ભીમરાવ આંબેડકરને એની ફાટેલી થેલી (દફતર) સહિત નિશાળની બહાર બેસાડ્યો, બસ ત્યારથી જ એના હૃદયમાં જાતિવાદી અપમાન સામેની આગ ભડભડ સળગતી હતી. આવી એક કવિતાનો આ એક અંશ :

Who was he? 

What did he do ?

The half-burnt satchel told me : 

He was a poet, a rebel, 

With a fire 

In the stove of his heart.

કવિ જે શહેરમાં વસે છે – ને જે શહેર તેમને પ્રિય છે, તે અમદાવાદમાં વરવા હુલ્લડોમાં દલિત નવલોહિયાની સાથે અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા. આઘાતનું માર્યું લોહીલુહાણ થઈ અમદાવાદ શહેર પણ જાણે મરી ગયું. કવિ તેની લાશ ખભે નાખવાની તૈયારીમાં છે. આ જુઓ :

Just wait 

Let me shoulder its weight 

This is the 

Corpse of my city.

આ કવિની કવિતાઓમાં અમદાવાદ શહેર પર, એકથી વધુ કવિતાઓ છે, તે સાથે મુંબઈ, કલકત્તા, જેસલમેર અને પ્રવાસલાયક અનેક સ્થળો પરની એકથી વધુ કવિતાઓ કવિ આપે છે. આ બધા સ્થળવિશેષની તેની પૂરી ઐતિહાસિકતા, ભૌગોલિકતા, લાક્ષણિકતા, વિશેષતા સાથે કવિ એમના અનોખા અંદાજથી કવિતામાં આપણને સફર કરાવે છે.

જેસલમેરના અફાટ રણને એક કેનવાસ તરીકે જોઈ, ત્યાં જઈ કોઈ ચિત્રકાર તે રેત પર ચિત્રો દોરતો હોવાની અને આ રણ તેના બાહુ ફેલાવી આખેઆખા સૂર્યને ઝીલી રહ્યું હોવાની કલ્પના રજૂ કરે છે.

પોતાની માતા વિશે તેમ જ પોતાનો જેની સાથે અભિન્ન નાતો છે એ પેન્સિલ-કાગળ-કલમ-કલરબ્રશ વિશે અને આ સૌ પાસેથી કામ લેતી આંગળીઓ પરની કવિતાઓ પણ બેનમૂન છે.

હાથની આંગળીઓ વાંકી વળીને પવિત્ર મસ્જિદ જેવા કોરા કાગળ પર કોઈ સર્જનાત્મક કામ કરે છે ત્યારે તેમાં નમાઝ’ની કલ્પના, આ પૂર્વે આપણે જોઈ નથી – સાંભળી પણ નથી !

My fingers 

Offer the five-time

Namaz

In the virgin Mosque 

Of the paper !

ઉર્દૂ ભાષામાં એમના અનોખા અને વિવિધરંગી કાવ્યો – ચિત્રો સાથે સમગ્ર ભારતીય સાહિત્યનું ગૌરવ બનેલા જયંત પરમાર, એક ગુજરાતી છે એનું આપણને સૌને ગૌરવ છે – અભિમાન છે.

જયંત પરમારની આ પંક્તિઓ સાથે, આપણે પણ અહીં જ વિરામ લઈએ.

Some poems are such 

It does not take long 

For their foot-prints to be obliterated

Then there are those good poems 

They inscribe their Signature

On the waves of breeze

કેટલીક કવિતાઓ યાદગાર નહિ પણ ભૂલાઈ જાય તેવી હોય છે, જ્યારે કેટલીક ચિરંજીવી કવિતાઓ હવા પરના હસ્તાક્ષર સમી હોય છે.

જયંત પરમાર, આપની કવિતાઓ પણ હવા પરના હસ્તાક્ષર સમી બની રહો, એવી આપને શુભકામનાઓ !

સંદર્ભ: 

(૧)       Selected Poems : Jayant Parmar 

(૨)       જયંત પરમાર પરના વિદ્વાન ઉર્દૂ સર્જકો – સમીક્ષકોના લખાણો – વક્તવ્યો. 

(૩)       જયંત પરમાર સાથેની મુલાકાત. 

(૪)       ભારતીય સાહિત્ય મેં દલિત એવં સ્ત્રી – લેખન. 

(૫)       Indian Literature (Issue-205) 

(૬)       Social Sites of/ on Jayant Parmar 

(૭)       જયંત પરમારના કાવ્યસંગ્રહોના લોકાર્પણનું વિડિયો રેકોર્ડિંગ.

“છાંયડો’ ૧૬૮/૨, સૂર્યનારાયણ સોસાયટી, સેક્ટર-૨૫, ગાંધીનગર-૩૮૨ ૦૨૪ 
Email : natubhaip56@gmail.com

Loading

9 October 2022 Vipool Kalyani
← નોબેલપ્રાઇઝવિનર ઍની ઍર્નો વિશે એક નૉંધ
ચલ મન મુંબઈ નગરી—165 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved