Opinion Magazine
Number of visits: 9446518
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ

દીપક મહેતા|Opinion - Literature|30 July 2021

‘કચ્છ માંડવીનાં ઠકર ગોવિંદજી વી. ધરમશીના તરફનું રૂ. ૧૦૦નુ ઇનામ

મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટક રૂપે નિબંધ કે જે વાંચવાથી રમુજની સાથે શિખામણ મળે. એવો ગુજરાતી ભાષામાં બુદ્ધિપ્રકાશ જેવડાં પૃષ્ટ ૫૦નો, આજથી પાંચ મહીનાની મુદતમાં રચીને અમારી તરફ મોકલશે તેમાં સૌથી સરસ નિબંધ હશે તેને ઉપલું એક સો રૂપૈયાનું ઇનામ આપવામાં આવશે. તા. ૧ જુલાઈ સન ૧૮૬૯ M.H. Scott ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં સેક્રેટરી, અમદાવાદ’

બુદ્ધિપ્રકાશના જુલાઈ ૧૮૬૯નાં અંકમાં છપાયેલી જાહેરાત

આ પ્રમાણેની જાહેર ખબર બુદ્ધિપ્રકાશના જુલાઈ ૧૮૬૯ના અંકમાં અને બીજાં સામયિકોમાં પણ છપાઈ હતી. (ઉપર, તથા હવે પછી બધે, અવતરણ ચિહ્નોમાં જોડણી મૂળ પ્રમાણે.)

એટલે કે, નાટકનો વિષય અગાઉથી નક્કી હતો, નાટક હાસ્યરસનું હોવું જોઈએ એ નક્કી હતું, તેની લંબાઈ નક્કી હતી, અને લખવા માટેની સમયમર્યાદા પણ નક્કી હતી. આ ચોકઠામાં રહીને જ નાટક લખવાનું હતું. સોસાયટી જ્યારે પણ આવી હરીફાઈઓ યોજતી ત્યારે લખનારાઓએ કૃતિ પર પોતાનું નામ નહિ, પણ કોઈ કહેવત કે દોહરો લખવાનો રહેતો અને અલગ બંધ કવરમાં એ કહેવત કે દોહરાવાળી કૃતિના લેખકનું નામ લખવાનું રહેતું. આની પાછળનો હેતુ નિષ્પક્ષ રીતે નિર્ણય થઈ શકે એ જોવાનો હશે. ડિસેમ્બર ૧૮૬૯ના અંકમાંથી જાણવા મળે છે કે એ વરસના નવેમ્બરની ૨૦મી સુધીમાં આ હરીફાઈ માટે માત્ર એક જ કૃતિ આવી હતી, જેની સાથેની કહેવત હતી ‘ભુંગળાવિનાની ભવાઈ.’ જાન્યુઆરી ૧૮૭૦ના અંકમાંથી જાણવા મળે છે કે ત્યાં સુધીમાં આ એક જ કૃતિ આવી હતી અને તેથી હરીફાઈની મુદત ત્રણ મહિના વધારી દેવાઈ હતી. ફેબ્રુઆરી ૧૮૭૦ના અંકમાં બીજી બે કૃતિઓ મળી હોવાનું જણાવાયું છે અને મે ૧૮૭૦ના અંકમાં બીજાં બે નાટકો મળ્યાં હોવાનું જણાવાયું છે. ઉપરાંત લખ્યું છે કે ‘પાંચે નાટકો કમીટીને તપાસવા આપ્યાં છે.’

હરીફાઈનું પરિણામ છેક ડિસેમ્બર ૧૮૭૦ના અંકમાં જાહેર થયું છે : ‘મિથ્યાભિમાન નાટક પાંચ લખાઈ આવ્યાં હતાં તેમાંથી સોસાયટીની કમીટીના સર્વે મેમ્બરોએ તથા ઇનામ આપનાર કછ માંડવીના ઠકર ગોવિંદજી ધર્મશીએ તપાસ કરીને ‘ભુંગળાવિનાની ભવાઈ’ એ કહેવતની નિશાની વાળું નાટક પસંદ કર્યું. માટે તેના રચનાર ક. દલપતરામ ડાહ્યાભાઈને તે ઇનામના રૂ૧૦૦) અંકે એક સો આપવામાં આવ્યા છે.’

પણ હરીફાઈ વિશેની વાત અહીં પૂરી નથી થતી. ઇનામ માટે ૧૦૦ રૂપિયા આપનાર ઠકર ગોવિંદજી ધરમશીનો મિથ્યાભિમાન નાટક વિષેનો પત્ર જાન્યુઆરી ૧૮૭૧ના અંકમાં છપાયો છે. તેમાં ‘ભૂંગળાવિનાની ભવાઈ’ નાટક વિષે લખ્યું છે : ‘તેનાં જુજ પાનાં વાંચતાં જ મને એમ જણાયું કે આ કોઈ વિદ્વાનનું લખાણ છે. અને જેમ જેમ આગળ વાંચતો ગયો તેમ તેમ મારાં વિચારોને મજબૂતી મળતી ગઈ. તેમાં જ્યારે પાને ૪૪મે જરાવસ્થા વિષે દ્વયર્થી છપય વાંચ્યો ત્યારે નિશ્ચય થયો કે આ રચના કોઈ તેજસ્વી કવિના મગજમાંથી ચમકી નીકળી છે.’ પરિણામ જાહેર થયા પછી તેમને નાટકના કર્તાનું નામ જાણવા મળેલું, ત્યાં સુધી નહિ. આગળ લખે છે : ‘એ નાટકનો પ્રથમ છપાવ્યાનો હક મેં આગળ લખ્યો છે તેમ તેના રચનારને જ આપશો. અને રૂ૧૦૦) તેને હકદારીથી ઇનામ આપી બીજા રૂ૫૦)ની હુંડી મેં આ સાથે બીડી છે તેમાં લખ્યા રૂપીઆ કવીશ્વર દલપતરામને શાલના કરીને આપશો.’

આ પત્રમાં લખ્યા પ્રમાણે મિથ્યાભિમાન નાટકની પહેલી આવૃત્તિ કવીશ્વરે પોતાને ખર્ચે છપાવી હતી. ૧૮૭૧ના મે અંકમાં આ નાટકની એક નકલ સોસાયટીને મળી હોવાનું જણાવ્યું છે એટલે ૧૮૭૧ના માર્ચ કે એપ્રિલમાં આ નાટક છપાયું હોય. જૂન ૧૮૭૧ના અંકમાં જણાવ્યું છે કે આ પુસ્તક બહાર પડ્યું તે પછીના એક મહિનામાં આશરે ૨૦૦ નકલ વેચાઈ ગઈ હતી ને ૫૦૦ નકલ સરકાર વતી જે.બી. પીલ સાહેબે ખરીદી હતી. ૧૮૭૧ના વરસનો સોસાયટીનો વાર્ષિક અહેવાલ જૂન ૧૮૭૨ના અંકમાં પ્રગટ થયેલો. તેમાં લખ્યું છે : ‘મિથ્યાભિમાન નાટકની પહેલી આવૃત્તિ છપાવાનો હક દલપતરામને મળ્યાથી તેમણે ૧૦૦૦ નકલો છપાવી, તે થોડા મહીનામાં ખપી ગઈ તેથી તે પણ લોકોને પ્રિય લાગ્યું હોય એમ જણાય છે. તેની બીજી આવૃત્તિ સોસાઈટીની તરફથી અનુકૂળતા પડતાં છપાશે, અને તે ઉપર હમેશાં સોસાઈટીનો હક છે.’ આ મિટિંગ ૧૮૭૨ના મે મહિનાની છઠ્ઠી તારીખે મળેલી, એટલે લગભગ એક વરસમાં નાટકની ૧૦૦૦ નકલ ખપી ગઈ હોવી જોઈએ. અને છતાં કોણ જાણે કેમ મિથ્યાભિમાનની બીજી આવૃત્તિ સોસાયટીએ છેક ૧૮૭૭માં પ્રગટ કરી હતી. હાલના સંજોગોમાં થઈ શકે એટલી મહેનત કરવા છતાં આ નાટકની પહેલી આવૃત્તિની નકલ આ લખનારને જોવા મળી નથી, પણ બીજી આવૃત્તિ(૧૮૭૭)ની, આઠમી આવૃત્તિ(૧૯૧૪)ની, અને ૧૦મી(૧૯૩૫)ની નકલ મળી છે. આ ત્રણે આવૃત્તિમાં દલપતરામની પ્રસ્તાવના છે તે પહેલી આવૃત્તિમાં પણ હશે એમ માની શકાય.

બુદ્ધિપ્રકાશના ફેબ્રુઆરી ૧૮૬૩ના અંકમાં પ્રગટ થયેલી વાર્તા અભિમાની રતુંધો

આમ, મિથ્યાભિમાન નાટક ૧૮૬૯ના જુલાઈની પહેલી તારીખ અને એ જ વરસના નવેમ્બરની ૨૦મી તારીખની વચમાં લખાયું છે. પણ હકીકતમાં આ નાટકનાં મૂળ ઘણાં વધારે ઊંડાં છે. બુદ્ધિપ્રકાશના ફેબ્રુઆરી ૧૮૬૩ના અંકનાં પાનાં ૩૬-૪૦ પર ‘અભિમાની રતુંધો’ નામની વાર્તા છપાઈ છે. એ જમાનાના રિવાજ પ્રમાણે સાથે લેખકનું નામ છાપ્યું નથી. વળી તંત્રી તરીકે બુધ્ધિપ્રકાશના દરેક અંકમાં ઘણાં લખાણ દલપતરામ જ લખતા, એટલે પણ ઘણીખરી ગદ્યકૃતિઓમાં તેમનું નામ છપાતું નહિ. (મધ્યકાલીન પરંપરાને અનુસરીને પદ્ય કૃતિઓના અંતે કવીશ્વર પોતાના નામની છાપ મૂકતા, એટલે તેમની પદ્ય કૃતિઓ તારવવાનું સહેલું છે, જ્યારે ગદ્ય કૃતિઓ તારવવાનું એટલું સહેલું નથી.) પણ આ કથા વાંચતાં ખાતરી થાય છે કે એ દલપતરામે જ લખી છે. દલપતરામે કથા માટે ગદ્ય કથન (નેરેશન), સંવાદો, અને પદ્યનું મિશ્રણ કરીને એક ઢાંચો ઊભો કર્યો હતો જેના તરફ આપણું પૂરતું ધ્યાન ગયું નથી. આ કથામાં પણ એ જ ઢાંચો જોવા મળે છે. આનો અર્થ એ થયો કે મિથ્યાભિમાન લખાયું ભલે ૧૮૭૦માં, તેનું કથાવસ્તુ કંઈ નહિ તો ૧૮૬૩થી તો કવીશ્વર પાસે હતું જ.

શિલાછાપ પદ્ધતિથી છપાયેલાં લગભગ પાંચ પાનાં તો અહીં મૂકવાનું શક્ય નથી, પણ એ વાર્તાના આરંભનાં થોડાં વાક્યો જોઈએ : ‘એક પુરુષ એવો હતો કે, દિવસે દેખી શકતો હતો; પણ સૂરજ આથમ્યા પછી ચંદ્રને કે દિવાને અજવાળે પણ લગારે દેખી શકતો ન હતો. તો પણ પોતાની એટલી ખામી લોકોમાં જાહેર થવા દેતો નહીં. અને રાતે દેખવાની શક્તિ પોતામાં ન છતાં, હું રાતે દેખું છુ એવું જુઠું અભિમાન રાખતો હતો.’  લોકકથાઓમાં ઘણી વાર પાત્રોને નામ નથી આપ્યાં હોતાં, અહીં પણ નથી આપ્યાં. શરૂઆતનું લગભગ એક પાનું ગદ્યકથનનું છે, પછી રતુંધો અને તેની સાસુ વચ્ચેના સંવાદો જ છેવટ સુધી છે. તેમાંના કેટલાક મિથ્યાભિમાનમાં થોડા ફેરફાર સાથે જોવા મળે છે. વચમાં એક દોહરો મૂક્યો છે અને અંતે કથાનો ઉપદેશાત્મક સાર તારવ્યો છે : ‘આપણામાં જે ગુણ ન હોય, ને ઠાલી પતરાજી રાખીએ તો રતુંધા અભિમાનીની પઠે ફજેતિ થાય.’

પણ આ ‘અભિમાની રતુંધો’ની કથાનાં મૂળ ઘણાં વધારે ઊંડાં છે. સમીપે સામયિકના ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૩ના અંકમાં શિરીષ પંચાલે ‘રતાંધળા જમાઈની કથા’ નામે કન્નડ લોક્વાર્તાનો અનુવાદ રજૂ કર્યો છે. એ.કે. રામાનુજમ સંપાદિત/અનુવાદિત Folk Tales from India: a Selection of Oral Tales From Twenty-two Languagesમાંની એક કથાનો તે અનુવાદ છે. આ કથાનું માળખું અને મિથ્યાભિમાનનું કથામાળખું ઘણે અંશે મળતું આવે છે. પણ વાત અહીં અટકતી નથી. કન્નડ ઉપરાંત સિંહલ અને અસમિયા ભાષામાં પણ આ લોકકથા જોવા મળે છે. Village Folk Tales of Ceylon(Shri Lanka)માં ૨૩૦મી વાર્તા તરીકે આવી જ વાર્તા Henry Parker દ્વારા રજૂ થઈ છે. તો પૂર્વ ભારતની અસમિયા ભાષામાં પણ આવી વાર્તા પ્રચલિત છે જે Lakshminatha Bejabaruwa દ્વારા Tales from A Grandfather from Assamમાં જોવા મળે છે. એટલું જ નહિ વણજારા જાતિમાં પણ આ કથા પ્રચલિત છે, જે ડી.બી. નાયકે તેમના પુસ્તક ‘બંજારા-લંબાણી સંસ્કૃતિ ઔર લોક કલાએં’ પુસ્તકમાં સંઘરી છે. આમ, શ્રીલંકા, દક્ષિણ અને ઉત્તર ભારતમાં તેમ જ વિચરતી જાતિમાં આ કથા જોવા મળે છે એટલે એટલું તો ચોક્કસ કે તેનાં મૂળ ઘણાં ઊંડાં છે.

પણ દલપતરામ સિંહલ, કન્નડ કે અસમિયા ભાષા કે વણજારાના સાહિત્ય વિષે જાણતા નહોતા તો પછી આ કથા તેમના સુધી પહોંચી કઈ રીતે? એક શક્યતા એ છે કે વ્રજ/હિન્દીમાં પણ તે પ્રચલિત હોય (જો કે આ લખનારને જોવા મળી નથી) અને દલપતરામે તે વાંચી/સાંભળી હોય. બીજી શક્યતા એ પણ છે કે ૧૮૬૨-૧૮૬૩ના અરસામાં એલેક્ઝાન્ડર ફાર્બસ પાસેથી આ કથા દલપતરામને મળી હોય. ભારતના હસ્તલિખિત અને મૌખિક સાહિત્યની પરંપરાથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે આ વાર્તા તેમના ધ્યાનમાં આવી હોય અને તેમણે દલપતરામને કહી સંભળાવી હોય અને તે ૧૮૬૩માં દલપતરામે કથા રૂપે પ્રગટ કર્યા પછી ૧૮૭૦માં પોતાની કલ્પનાના ઘણા રંગો પૂરીને તેને આધારે મિથ્યાભિમાન નાટક લખ્યું હોય. અલબત્ત, આ કેવળ અનુમાન છે.  અને હા, મિથ્યાભિમાન સર્વથા મૌલિક નાટક ન હોય તો ય તેથી તેની ગુણવત્તામાં જરા ય ફેરફાર થતો નથી. કાલિદાસ કે શેકસપિયર જેવાનાં ઘણાં નાટકો સર્વથા મૌલિક નથી, અને છતાં તે સર્વકાલીન ઉત્તમ નાટક બની શક્યાં છે. આપણા નાટ્યશાસ્ત્રમાં પણ ‘ખ્યાત’ વસ્તુ ધરાવતાં નાટકોનો સમાદર થયો જ છે.

અંગ્રેજીનું જ્ઞાન ન હોવાને કારણે દલપતરામ પશ્ચિમનાં નાટકોથી પરિચિત નહોતા. ૧૮૫૩થી મુંબઈમાં જે ગુજરાતી રંગભૂમિ શરૂ થઈ તેનો પણ સીધો પરિચય નહોતો. ફાર્બસના આમંત્રણથી ૧૮૬૩ના એપ્રિલમાં દલપતરામ મુંબઈ ગયા ત્યારે પારસીઓની નાટક મંડળીએ ભજવેલું શેકસપિયરનું ઓથેલો નાટક જોવા ગયા હતા. તેમાં ગીતો, પશ્ચિમી વાદ્યો વગેરે પણ હતાં. દલપતરામ આ નાટક અંગે લખે છે : 'એ નાટકમાં પારશીઓએ હદ વાળી હતી. એવા નાટક ગુજરાતી લોકો ક્યારે કરવા શીખશે?’ (‘મુંબઈ વિષે’, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ ૧૮૬૩. આ  લેખ ગ્રંથસ્થ થયો નથી.) મિથ્યાભિમાન લખતી વખતે પણ દલપતરામ મુંબઈની રંગભૂમિને યાદ કરે છે : ‘રંગભૂમિ વ્યવસ્થા’ મથાળાથી ભજવણી અંગે સૂચનાઓ આપી છે તેનું પહેલું જ વાક્ય છે : ‘મુંબાઈ જેવા શેહેરમાં નાટકનો ખેલ કરવાની નાટકશાળા હોય, તેમાં તો સર્વે પ્રકારની સગવડ હોય છે, પણ જ્યાં નાટકશાળા ન હોય ત્યાં આ નીચે લખ્યા પ્રમાણે રંગભૂમિની ગોઠવણ કરવી.’

અંગ્રેજી નાટકો કે મુંબઈની રંગભૂમિનો પરિચય ભલે ન હોય, દલપતરામ ભવાઈની પરંપરાથી પૂરેપૂરા વાકેફ છે. અગાઉ ફાર્બસ પાસેથી સાંભળેલી કથાનું રૂપાંતર કરીને ‘લક્ષ્મી નાટક’ રચ્યું ત્યારે પણ પાત્રો-પ્રસંગો વગેરેનું સ્વદેશીકરણ તો તેમણે કર્યું જ, પણ એ નાટક માટે માળખું પણ ભવાઈનું અપનાવ્યું. અમદાવાદથી બદલી થતાં ૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે ફાર્બસ સુરત પહોંચ્યા ત્યારે દલપતરામ તેમની અંગત નોકરીમાં હતા એટલે તેઓ પણ સુરત ગયા. ત્યાં તેમણે ફાર્બસ પાસેથી ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ નાટકનું કથાવસ્તુ સાંભળીને લક્ષ્મી નાટક લખ્યું જે ૧૮૫૧માં પ્રગટ થયું. એ વખતે પણ કવિ તરીકેની દલપતરામની પ્રતિષ્ઠા જામવા લાગી હતી. છતાં એક છેવટના ગીતને બાદ કરતાં આખા નાટકમાં ક્યાં ય તેમણે પદ્યનો ઉપયોગ કર્યો જ નથી. જ્યારે મિથ્યાભિમાનમાં અક્ષરમેળ અને માત્રામેળ છંદો સાથે સમૂહ ગાનનો પણ ઉપયોગ કર્યો છે. ભવાઈની પરંપરાને અનુસરીને લક્ષ્મી નાટકનું વિભાજન સાત ‘સ્વાંગ’માં કર્યું છે. જ્યારે મિથ્યાભિમાનનું પણ કાઠું ભવાઈનું હોવા છતાં તેનું વિભાજન તેમણે સંસ્કૃત નાટકની પરંપરાને અનુસરીને આઠ અંક અને પ્રવેશોમાં કર્યું છે. જો કે કેટલેક સ્થળે અંક સંખ્યા ન આપતાં જે-તે પ્રવેશને નામ આપ્યાં છે. જેમ કે, ‘રઘનાથ અને સોમનાથ જીવરામભટ્ટને ખોળે છે’, ‘ભોજન પ્રસંગ’ વગેરે.

લક્ષ્મી નાટકની સરખામણીમાં મિથ્યાભિમાનમાં દલપતરામ નાટકની ભજવણી અંગે સારી જાણકારી બતાવે છે. ‘રંગભૂમિ વ્યવસ્થા’ શીર્ષક હેઠળ સ્ટેજ, પડદા, એકટરો, એમની લાયકાત, તેમના પોશાક, સ્ટેજ પરની પ્રોપર્ટી, વગેરે અંગે વિગતવાર સૂચના આપે છે. તેમાં લખે છે : ‘કાળો કાંબળો, પુંછડું, કાગળનું બનાવેલું પાડીનું મોં, શીગડાં સુધાં.’ સૂત્રધારની કામગીરી અંગે પણ વિગતે લખ્યું છે.

મિથ્યાભિમાન પ્રગટ થયું તે પછી લગભગ ૨૭ વરસ સુધી દલપતરામ હયાત હતા અને વધતેઓછે અંશે સાહિત્ય ક્ષેત્રે સક્રીય હતા. ગુજરાતમાં જ નહિ, મુંબઈમાં પણ પાંચમાં પૂછાતા હતા. થોડી કાપકૂપ સાથે આ નાટક ભજવી શકાય તેવું છે જ. દલપતરામની હયાતીમાં મુંબઈ ઉપરાંત ગુજરાત ને કાઠિયાવાડમાં નાટક મંડળીઓ કામ કરતી થઈ ગઈ હતી. અને છતાં દલપતરામની હયાતીમાં તો નહિ જ, પણ તે પછી ય ઘણા દાયકા સુધી મિથ્યાભિમાન ભજવાયું હોય એવું જાણવા મળતું નથી. એમ કેમ? એક કારણ એ હોવાનો સંભવ છે કે ધંધાદારી રંગભૂમિની બધી જરૂરિયાતો અને અપેક્ષા સચવાય એવું આ નાટક નથી એમ નાટક મંડળીઓને લાગ્યું હોય. બીજું, આ નાટક મંડળીઓ જે નાટકો ભજવતી તેનો એક ઢાંચો રૂઢ થયો હતો. ભવાઈ શૈલીનું આ નાટક નાનાંમોટાં શહેરોમાંના પ્રેક્ષકોનાં રસરુચિ સાથે બંધબેસતું થાય એવું નથી એમ પણ લાગ્યું હોય. નહિતર, કવિ નર્મદનાં નાટકો ભજવાય અને લોકપ્રિય થાય, ત્યારે દલપતરામ જેવા જનમનરંજનમાં કુશળ કવિ ઠેર ઠેર કાવ્ય પઠન કરે અને લોકો (પારસીઓ સુધ્ધાં) તેને વધાવી લે, છતાં તેમનું આ નાટક ન ભજવાય એવું બને નહિ.

બુદ્ધિપ્રકાશના માર્ચ ૧૮૬૨ના અંકમાં છપાયેલ નાટ્યાત્મક કૃતિ યશપાલ અને યમરાજનું છેલ્લું પાનું જેમાં પદ્યને અંતે દલપતરામનાં નામની છાપ છે.

બુદ્ધિપ્રકાશના માર્ચ ૧૮૬૨ના અંકનાં પાનાં ૪૯-૬૧ ઉપર છપાયેલ નાટ્યાત્મક કૃતિ ‘યશપાલ અને યમરાજ’ આજ સુધી ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવી છે. શિલાછાપ પદ્ધતિથી છપાયેલાં ૧૩ પાનાંની આ કૃતિમાં નથી અંક કે પ્રવેશ વિભાજન. એ અર્થમાં એને ‘એકાંકી’ કહી શકાય. કથાવસ્તુ પહેલી નજરે પૌરાણિક લાગે તેવું છે. શરૂઆતમાં લગભગ એક પાનામાં ગદ્યકથન (નેરેશન) દ્વારા ભૂમિકા બાંધી છે. વંશપાળ નામના વાણિયા અને તેની પત્ની ભોળીનો સાતેક વરસનો દીકરો લાંબી માંદગી પછી મરી જાય છે. એ દંપતી પારાવાર શોકમાં ડૂબી જાય છે અને રોજ રાતે સ્મશાનમાં જઈ હૈયાફાટ રુદન કરે છે. ત્યારે પહેલાં વરુણદેવ તેમને મૃત્યુની અનિવાર્યતા સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને અહીંથી કૃતિ સંવાદાત્મક બને છે. વરુણ પછી ખુદ યમરાજને દંપતી મળે છે. પરમેશ્વર જેમ કહે તેમ હું તો કરું છું એમ કહી યમરાજ પણ વંશપાળ અને ભોળીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભોળી તો દીકરા ઉપરાંત સાસુ-સસરા અને બીજાં ચાલીસ જેટલાં કુટુંબીજનોના મૃત્યુ અંગે પણ ફરિયાદ કરે છે અને યમરાજને શાપ આપવાની ધમકી આપે છે. એટલે યમરાજ પરમેશ્વર પાસે જઈને કહે છે : ‘ગરીબ માણસોના નીસાસા લેવાની ઈનકમટાકસ અને લાઈસનસબીલ ઉઘરાવા જેવી નોકરી મારે કરવી નથી.’ (યાદ રાખવું ઘટે કે હિન્દુસ્તાનમાં બ્રિટિશ સરકારે ૨૪ જુલાઈ ૧૮૬૦ના દિવસથી પહેલી વાર ઇન્કમ ટેક્સ લાગૂ કર્યો હતો, જેનો લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલે વાચક/પ્રેક્ષક માટે એ સમસામયિક ઘટના હતી.) પરમેશ્વરનો જવાબ પણ નમૂનેદાર છે : ‘તમારે નોકરી છોડવી હશે તો આજથી એક મહિના પછી એ ખાતું કાઢી નાખીને તમને પેનસન આપશું. પણ હાલ મહિના સુધી એ કામ તમારે બરાબર કાયદા પ્રમાણે ચલાવવું.’ અને પછી ઉમેરે છે : ‘જાઓ, એ વાણિયાના તમામ માણસો જેવાં લાવ્યા હો, તેવાં તેને ઘેર પહોચાડો.’ અગાઉ મૃત્યુ પામેલાં ચાલીસ કુટુંબીઓ બીજે દિવસે સવારે સજીવન થઈને દંપતીના ઘરે આવી પહોંચે છે. પણ જુદી જુદી વય, વૃત્તિ, જરૂરિયાતો, માંદગી, ધરાવતા એ ચાલીસ જણાને સંભાળતાં દંપતીને નાકે દમ આવી જાય છે, એટલું જ નહિ બંને વચ્ચે છૂટા પડવાની નોબત આવે છે. બંને વરુણદેવ, યમરાજ અને પછી પરમેશ્વરને વિનંતી કરે છે કે આ ચાલીસ કુટુંબીઓને પાછાં લઈ લો. થોડી આનાકાની પછી પરમેશ્વર તેમની અરજ સ્વીકારે છે, યમરાજ નોકરીનું રાજીનામું પાછું ખેંચી લે છે. અંતે દોહરામાં કૃતિનો સાર તારવતાં કવીશ્વર કહે છે:

‘જે જે કીધું જગદિશે, જન સુખ સારૂ જાણ;
અણસમજ્યો અકળાઈને, ઉરમાં રોષ ન આણ.
સવળ વિચારી સમજિયે, તે પ્રભુકૃત્ય તમામ;
રાજી રહિયે રાત દિન, દિલમાં દલપતરામ.

આ નાનકડી નાટ્યાત્મક કૃતિ વાંચ્યા પછી કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. એક : અંક-પ્રવેશ વગરનું એકાંકી જેવું સ્વરૂપ તેને આપણા એકાંકીનું પ્રોટોટાઈપ ઠરાવી શકે કે નહિ? બે : વ્યવહારુ સત્ય સમજાવવા માટે આભાસી પૌરાણિક વાતાવરણ ઊભું કરવાનું દલપતરામને એ જમાનામાં સૂઝે એ નોંધપાત્ર નથી? મૃત્યુની અનિવાર્યતા સમજાવવા માટે મિથિકલ વાતાવરણ ઊભું કરવાનું કેમ સૂઝ્યું હશે? એ વાતાવરણમાં નોકરી, રાજીનામું, ઇન્કમ ટેક્સ, લાઈસન્સ બિલ વગેરે સમસામયિક બાબતોને ગોઠવીને પ્રેક્ષક/વાચકના વર્તમાન સાથે સેતુ બાંધવાનું પણ તેમનો જમાનો જોતાં ધ્યાનપાત્ર ન ગણાય? (જો કે ભવાઈમાં આ પ્રકારનું ઈમ્ર્પોવાઈઝેશન થતું ખરું.) આ નાનકડી કૃતિ દલપતરામની સર્જક તરીકેની કોઠાસૂઝભરી સજ્જતાનો પરિચય આપી રહે તેવી છે.

આ ‘યશપાલ અને યમરાજ’ તથા અગાઉ જેનો ઉલ્લેખ કર્યો છે તે કથા ‘અભિમાની રતુંધો’ બંને કૃતિઓ આજ સુધી ગ્રંથસ્થ થઈ નથી. સારે નસીબે બુદ્ધિપ્રકાશની લગભગ સળંગ ફાઈલો હજી સુધી સચવાઈ છે. એટલે તેના ૧૯મી સદીના અંકો ઝીણી ચાળણીથી ચાળીને આજ સુધી દલપતરામની જે ગદ્ય કૃતિઓ ગ્રંથસ્થ થઈ નથી તેને ગ્રંથસ્થ કરી લેવામાં હવે આપણે વાર ન લગાડવી જોઈએ.

ખાસ નોંધ: અહીં મૂકેલાં ત્રણ ચિત્રો લેખ સાથે છપાયાં નથી. અહીં ઉમેર્યાં છે.

xxx xxx xxx

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kala Nagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જુલાઈ 2021

Loading

30 July 2021 admin
← હળહળતાં જૂઠાણાં બોલતા વડા પ્રધાનને નૈતિકતા જેવું છે કે નહીં ?
જેજુરી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved