વિશેષ
નાગરિકો સત્તાધિશોની ચેતનાને જગાડે
વિશ્વવિજેતાના દર્પે ખદબદ અલેકઝાંડરે ગર્વિષ્ઠ વિવેકથી પૂછ્યું કે તમારી શું સેવા કરી શકું. જવાબમાં ફિલસૂફ ડાયોજીનસે તબિયતથી કહ્યુંઃ રાજા, આઘો હટ – ને તડકો આવવા દે.

પ્રકાશ ન. શાહ
1975ની 25મી જૂન વિશે 26મીના અંક માટે લખી રહ્યો છું, બરાબર પચાસ વરસના અંતરે, ત્યારે થઈ આવતું પહેલું સ્મરણ સ્વાતંત્ર્યસૈનિક શબ્દસેવી ઉમાશંકર જોશીની એ કવિપૃચ્છાનું છે કે ‘કાલે હતો તે તડકો ક્યાં છે?’ આ લખું છું ત્યારે ગ્રીક ફિલસૂફ ડાયોજીનસનું સ્મરણ થાય છે. વિશ્વવિજેતાના દર્પે ખદબદ અલેકઝાંડરે ગર્વિષ્ઠ વિવેકથી પૂછ્યું કે, તમારી શું સેવા કરી શકું. આપણા ફિલસૂફે તબિયતથી કીધુંઃ ‘રાજા, આઘો હટ – ને તડકો આપવા દે.’
પચાસ વરસને અંતરે સરકાર ગાજાવાજા સાથે શોર મચાવી રહી છે ત્યારે એને કોણ કહેશે કે, તડકો આવવા દે? ઇંદિરાઈ તો એક રીતે નસીબવંતી હતી કે એને લમણે જમણા છેડેથી જયપ્રકાશ લખાયા હતા. શું સરસ કહ્યું‘તું ત્યારે ધર્મવીર ભારતીએ કે, એક બહત્તર સાલકા બુઢા સચ બોલતે નિકલ પડા હૈ. આજે તો, ભાઈ, સાદો હિસાબ ચાલે છે કે ચોક્કસ મુદ્દે જબાનબંધના ધોરણે કટોકટીના પ્રતિકારનો મહિમા કરો અને વાણીસ્વાતંત્ર્યનું ગૌરવગાન કરો.
ભાઈ, પ્રજાસત્તાક સ્વરાજમાં કટોકટીની કાલરાત્રિ વિશે આટલે વરસે વાત કરીએ ત્યારે તે લાદનાર નેતૃત્વ ને પરિબળોની ટીકા તો ચોક્કસ જ કરીએ. પણ તે નેતૃત્વને એક પ્રજા તરીકે આપણે પરાસ્ત કરી શક્યા એ ઇતિહાસન્યાય પછીના દાયકાઓમાં આપણે દોષદુરસ્તી કેટલી કીધી ન કીધી એની તપાસ કરીએ. પછી, જેમને સુવાંગ સત્તા આવી મળી તેમણે કેવો વ્યવહાર દાખવ્યો ન દાખવ્યો એને અંગે ય તપાસ કરીએ. સત્તાધીશોને આ અવસર લાયક આત્મખોજનો ખયાલ સ્વમેળે ન આવતો હોય તો નાગરિકોએ નાનાવિધ ઉપાયે તેમની ચેતનાને સંકોરવામાં સહાયરૂપ થવું એ ધર્મ બની રહે છે.
સરકારી જાહેરાત ને સરકારી સંસાધનોની રાહે જે ચાલે છે. એમાંથી ઊલટાની ‘કાઁગ્રેસમુક્ત ભારત અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.’ની ધંધાદારી રાજનીતિની બૂ ઉઠે છે. ભાઈ, આ પ્રશ્ન ક્યારેક કાઁગ્રેસ સત્તા પર હતી અને જનસંઘ સહિત બાકીના સામી પાટલીએ હતા એટલો સીધોસાદો નથી. હર પલટાતી રાજવટ સબબ જાગ્રત જનમત એ જનતંત્ર માત્રની સ્થાયી પ્રકૃતિ ને પ્રવૃત્તિ હોવી ઘટે છે. મામલો હર જમાને સત્તા વિ. જનતાનો છે.
કટોકટી જાહેર થઈ ત્યારે બુઝુર્ગ રાજપુરુષ કે. સંથનમે બાંધી મુદ્દતનાં અનશન કીધાં હતાં. પોતે બંધારણ સભાના સભ્ય હતા અને વિભાજનની વિભીષિકા વચ્ચે આવી આકરી જોગવાઈની જરૂરત જેમ બીજા ઘણાને તેમ તેમને પણ અનુભવાઈ હતી. આ જોગવાઈનો આમ ગેરઉપયોગ થઈ શકે તે ત્યારે કેમ સૂઝ્યું નહોતું એ ખયાલે એમણે અનશનનો રાહ લીધો હતો.
ખેર. કટોકટીરાજ ગયું પણ ખરું અને એના કરવૈયાઓને 1977ની ચૂંટણીમાં શિકસ્ત પણ મળી. બંધારણ સાથે ઇંદિરા ગાંધીએ જે કંઈ તોડમરોડ કરી હતી તેને નવી સંસદે બંધારણીય સુધારા સાથે સમીનમી પણ કીધી. ટૂંકજીવી જનતા શાસન પછી કાઁગ્રેસના પુનઃ પ્રવેશ અને સત્તા પરની નાનીમોટી આવનજાવન વચ્ચે માનવઅધિકાર પંચથી માંડીને માહિતી અધિકાર, શિક્ષણ અધિકાર આદિની પ્રતિષ્ઠા શક્ય પણ બની. પણ ઉત્તરોત્તર કથળતું કાયદાનું શાસન અને માહિતી અધિકારનું સંકોચન કે પછી નવા જુલમી કાયદા તરેહનું વલણ, આ બધાને કેવી રીતે ઘટાવશું ? સરકાર અને કોર્પોરેટ સંધાનની આબાદ જુગલબંધી દેશમાં સ્વતંત્ર અવાજનાં સ્થાનકો વગર સેન્સરશિપે સંકોચાતાં જાય છે. અલબત્ત, સત્તા કદાચ એમ માનીને ચાલે છે કે જનતા કને આંખકાન હોવાં જરૂરી નથી. થોડાં વરસ પર અડવાણીએ કહ્યું હતું કે, સંભારવા જોગ છે કે કટોકટી બાબતે બંધારણીય સુધારાથી અમે (મોરારજી પ્રધાનમંડળે) દુરસ્તી કરી છે એ સાચું, પણ તેથી કટોકટી પ્રકારના અનુભવો બીજી રીતે નહીં થાય તેમ હું કહી શકતો નથી.
એથી 25મી જૂનની ખરી ઉજવણી ભૂતકાળની બેધડક ટીકા કરવા હાલના હુકમરાનો પોતાના અમલ બાબતે કરે તેમાં છે – નહીં કે ‘હત્યા દિવસ’ના ઝનૂનમાં.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 જૂન 2025