
નેહા શાહ
સ્વતંત્ર ભારતના સૌથી કાળા પ્રકરણ એવી કટોકટીની ઘોષણાને પચાસ વર્ષ થયાં. કહેવાય છે કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. એટલે કટોકટી દરમ્યાન શું થયું અને એની માઠી અસર કેટલી ઊંડી અને લાંબા ગાળાની હતી એ યાદ રાખવું જરૂરી છે જેથી એનું પુનરાવર્તન ટાળવાના પ્રયત્ન કરતા રહીએ. કટોકટીએ સાબિત કરી આપ્યું કે દેશનું બંધારણ કેટલું પણ મજબૂત બનાવો તો પણ જ્યારે દેશનું શાસન સરમુખત્યાર માનસિકતાના હાથમાં હોય ત્યારે લોકશાહી સંસ્થાઓ નબળી પડી શકે છે અને વ્યક્તિ સ્વતંત્રતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર હુમલો થઇ શકે છે. ૨૫ જૂન ૧૯૭૫થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધીના ૨૧ મહિના લાંબા આ સમય ગાળા દરમ્યાન ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી, નાગરિક સ્વતંત્રતા પર અંકુશ મુકવામાં આવ્યા, ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પુરવામાં આવ્યા અને અખબારોની સ્વતંત્રતા પર નિયંત્રણ મુકવામાં આવ્યા. આ તો બધી ખૂબ જાણીતી વાત છે. એ સિવાય ઐતિહાસિક રીતે કટોકટી માટેનો પાયો બાંધનારા અને કટોકટીની પરિણામરૂપ જે આર્થિક પ્રવાહો ઊભા થયા એ ખૂબ રસપ્રદ છે. આ સમય દરમ્યાન જ દેશની આર્થિક નીતિનો ઝોક સમાજવાદ તરફથી મુક્ત બજાર ફંટાયો.
૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં અને ૧૯૭૦ના પૂર્વાર્ધમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે એવી ઘણી ઘટના બની જેની ભારતના અર્થતંત્ર પર ઘેરી અસર હતી. ૧૯૬૭માં ચૂંટણી જીત્યા પછી ઇન્દિરા ગાંધી સરકારે સમાજવાદી વિચારધારાને અનુરૂપ પગલાં લીધાં. બેંકો, જીવન વીમા નિગમ, તેમ જ કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ થયું. ઈજારાશાહી પર નિયંત્રણ કરતો કાયદો આવ્યો. ત્યાર બાદ ૧૯૭૧માં સરકારે ‘ગરીબી હટાઓ’ કાર્યક્રમ શરૂ કર્યો જેની સરકારી ખર્ચ પર અસર હતી. એ જ વર્ષે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું જેમાં બાંગલાદેશ છૂટું પડ્યું. યુદ્ધ સમયે સરકારી બજેટમાં ખાધનું પ્રમાણ ઊંચું ગયું તેમ જ યુદ્ધમાં ભારતે ભજવેલી ભૂમિકાને કારણે અમેરિકાથી આવતી સહાય બંધ થઇ, જેણે આર્થિક સંસાધનો પર દબાણ ઊભું કર્યું. ત્યારબાદ ૧૯૭૩માં વૈશ્વિક ‘ઓઈલ શોક’ તરીકે ઓળખાતી કટોકટી આવી જેને કારણે પેટ્રોલ આયાત કરવાનો ખર્ચ છ મહિનામાં લગભગ ૩૦૦ ટકા વધી ગયો. પરિણામે ભારતમાં પણ ફુગાવામાં ગગનચુંબી વધારો થયો. રોજ બ રોજની વસ્તુઓની કિંમતો વધતા સરકાર સામેનો વિરોધ જલદ થયો. ૧૯૭૩ના વર્ષથી જ સરકારી ખર્ચમાં કાપની શરૂઆત થઇ ગઈ. નાણાંનીતિ પણ કડક બનાવાઈ જેથી ફુગાવો કાબૂમાં આવે. ‘ગરીબી હટાઓ’ પરથી ધ્યાન ‘ઉત્પાદન વધારવા’ પર ગયું. લોક આંદોલન સામે કડક હાથે કામ લેવામાં આવ્યું. ઇન્દિરા ગાંધી સામે ચૂંટણીમાં ગેરરીતિ કરવાના આરોપ તો હતા જ પણ સાથે આર્થિક ભીંસ વધતા લોકપ્રિયતા પણ તળિયે પહોંચી હતી. એમાં જ કટોકટીનાં મંડાણ થઇ ગયાં હતાં, અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાએ એની ચાપ દાબી આપી.
કટોકટીના સમય દરમ્યાન વીસ મુદ્દાના કાર્યક્રમ જાહેર થયો જેમાં ખાનગી ક્ષેત્રને ઔદ્યોગિક ઉત્પાદનમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. દેશના મોટા વ્યાપારીઓ દ્વારા આ નીતિનું સ્વાગત પણ થયું. – કટોકટીનો સમય હતો એટલે શક્ય છે કે ભયે પણ ભૂમિકા ભજવી હોય, પણ નીતિઓનો બદલાયેલો ઝોક હવે મુક્ત બજાર તરફી હતો જે ૧૯૮૦માં જ્યારે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં જ્યારે ફરીથી સરકાર બની ત્યારે સ્પષ્ટ રીતે દેખાયો. એમાં કદાચ આર્થિક ગણતરી ઉપરાંત દેશના બોલકા ઉદ્યોગપતિઓને નારાજ નહિ કરવાની રાજકીય ગણતરી પણ હતી. ૧૯૭૯-૮૦નો સમય પણ વૈશ્વિક અર્થતંત્ર માટે નાજુક જ હતો. ૧૯૭૯માં બીજા ઓઈલ શોકને કારણે પેટ્રોલના ભાવ આસમાને હતા, જેને પરિણામે ભારતના અર્થતંત્રને ફુગાવા અને બેલેન્સ ઓફ પેમેન્ટ સાથે ઝૂઝવાનું હતું. ઇન્દિરા ગાંધીએ આઈ.એમ.એફ. પાસે મદદ લીધી અને ત્યારથી વિશ્વના બજારો માટે ભારતના દરવાજા ખુલવાની શરૂઆત થઇ ગઈ. આ નીતિ વ્યાપારી વર્ગે વધાવી લીધી. ધીમે ધીમે સરકારી નીતિનાં કેન્દ્રમાં ગરીબ સુધી પહોંચવાને બદલે ઉત્પાદન વધારવાના પગલાં આવી ગયાં. આજ નીતિઓને રાજીવ ગાંધી અને ત્યારબાદ નરસિંહ રાવે આગળ વધારી.
કટોકટીની આર્થિક અસર જોઈએ તો ૧૯૭૫-૭૬ના એક વર્ષના ટૂંકા ગાળા દરમ્યાન રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આશ્ચર્યજનક રીતે ઊંચો હતો. ખેતીમાં ૧૫ ટકા, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં ૨૧ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૬ ટકા તેમ જ નિકાસમાં ૨૧.૪ ટકા જેટલો ઊંચો વૃદ્ધિ દર જોવા મળ્યો ! ઉત્પાદન વધવાથી ફુગાવાનો દર પણ નાટકીય રીતે ઘટીને ૧.૧ ટકા સુધી ઘટી ગયો! અર્થતંત્રમાં ટૂંકા ગાળામાં દેખાયેલા આ સુધારાને કારણે સરમુખત્યારશાહીમાં દેશના આર્થિક વિકાસનો ઉપાય શોધનારા પણ હતા ! દેશના વિકાસને નક્કી કરવા માટે માત્ર જી.ડી.પી.નાં સૂચકાંક પર આધાર રાખવું કેટલું ભ્રામક હોઈ શકે, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ. માત્ર દોઢ વર્ષના ગાળા પછી ભાવ ફટાફટ વધવા લાગ્યા, વાસ્તવિક વેતન દર ઘટ્યો, અને સામાન્ય માણસની જિંદગી તો દોહ્યલી જ રહી. આ દૃષ્ટિએ જોઈએ તો કટોકટીનો સમય ગાળો માત્ર રાજકીય રીતે જ નહીં, પણ આર્થિક દૃષ્ટિએ પણ ખૂબ જટિલ હતો.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
 

