
ચંદુ મહેરિયા
કથિત અપરાધીને મળતા જામીન ક્રિમિનલ લો સિસ્ટમનું અગત્યનું ઘટક છે. જરૂર પડે ત્યારે અદાલત સમક્ષ હાજર થવાના વચન સાથેની કહેવાતા આરોપી કે પ્રતિવાદીની સશર્ત જેલમુક્તિ એટલે જામીન. જ્યાં સુધી કોઈ આરોપીને અદાલત દોષિત ન ઠેરવે ત્યાં સુધી તે નિર્દોષ છે અને જામીનનો હકદાર છે. ગુનેગારના અધિકારો અને રાજ્યના હિતો વચ્ચે જામીન સંતુલન સાધે છે.
જામીન માટે કાયદામાં કોઈ અલાયદી વ્યવસ્થા નથી. સર્વોચ્ચ અદાલતે એકાધિક વાર જામીનના અલગ કાયદાની હિમાયત કરી છે. પરંતુ હાલ તો તેની અનુપસ્થિતિમાં જામીન આપવા તે ન્યાયાલયના ન્યાયિક વિવેક પર આધારિત છે. આરોપીનો ગુનો કે તેની સામેના આરોપોને ધ્યાનમાં રાખીને તેને શરતોને આધીન હંગામી, કાયમી અને આગોતરા જામીન આપવામાં આવે છે. જામીનની શરતોમાં મુખ્યત્વે સાક્ષીઓ પર દબાણ ઊભું ન કરવું, સાક્ષીઓને ફોડવાના પ્રયાસો ન કરવા અને આરોપીએ તેની સામેના કેસને અસર થાય તેવું કશું ન કરવું તેનો સમાવેશ થાય છે. પરંતુ આજકાલ અદાલતો અજીબોગરીબ, કઠોર અને અનુચિત શરતો જામીન આપતા લાદે છે.
મૂળે હરિયાણાની એક વ્યક્તિ પર છેતરપિંડી સહિતના અપરાધોની તેર પોલીસ ફરિયાદો જુદા જુદા રાજ્યોમાં થઈ હતી. આરોપીને તમામ કેસોમાં જામીન મળ્યા, પરંતુ તે જેલમાંથી બહાર આવી શક્યો નહીં, કારણ કે માત્ર બે જ કેસમાં તે જામીનની શરતો પૂરી કરી શક્યો હતો. બાકીના કેસોમાં જામીનની શરતો પૂરી થાય એવી નહોતી. તમામ કેસોમાં અલગ અલગ જામીનદાર આપવાની સ્થિતિમાં આરોપી નહોતો. વળી કેટલાક રાજ્યોની હાઈકોર્ટોએ તો સ્થાનિક જામીનની માંગણી કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો અદાલતે કહ્યું કે આ તો વ્યક્તિને જામીન ન આપ્યા બરાબર કે એક હાથે આપીને બીજા હાથે લઈ લેવા જેવું છે. જામીનની આવી શરતો કથિત આરોપી માટે અંતહીન જેલની સજા હોય છે. આખરે સર્વોચ્ચ અદાલતે આરોપીની જામીનની શરતો હળવી કરતાં તેનો છૂટકારો શક્ય બન્યો હતો.
ડ્રગ તસ્કરીના કેસમાં પકડાયેલા એક નાઈજીરિયન નાગરિકના જામીન અંગે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ મેપથી તેનું લોકેશન તપાસ અધિકારીને મોકલવા, વિદેશી નાગરિક હોઈ દેશ છોડી ભાગી નહીં જાય તેવું પ્રમાણપત્ર નાઈજીરિયન દૂતાવાસ કે ઉચ્ચાયોગ પાસેથી મેળવી રજૂ કરવાની શરતો મૂકી હતી. આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડુ પરના એક કેસમાં તેઓ જાહેર રેલીઓ કે સભા-સરઘસોમાં ભાગ લઈ નહીં શકે તેવી જામીનની શરતો મૂકી હતી. ઓડિસા હાઈકોર્ટે આરોપીને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની, રાજસ્થાન હાઈકોર્ટે એક લાખ દંડ, એક લાખનાજામીન અને રૂ. પચાસ હજારના બેલ બોન્ડ રજૂ કરવાની શરતો રાખી હતી. સુપ્રીમ કોર્ટને જામીનની શરતો કઠોર અને અનુચિત લાગતાં તેણે હળવી કરી હતી. સાથે જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૨૧ મુજબ જામીનના હકનો જીવવાના અને જીવનની સ્વતંત્રતાના હકમાં સમાવેશ થાય છે. બેલ કન્ડીશન એવી ન હોવી જોઈએ કે જેથી કથિત આરોપીનો છૂટકારો ન થાય. વળી દંડની શરત તો સજા બરાબર છે અને તે અયોગ્ય છે. આરોપી ગુના કરવાની ટેવ ધરાવે છે એવા આરોપથી જામીનનો ઈન્કાર પણ ન થઈ શકે તેમ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે.
ઘણીવાર અદાલતો અસંગત કે કેસ સાથે સીધો સંબંધ ન ધરાવતી જામીન શરતો પણ મૂકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે મોહમ્મદઅલી જૌહર યુનિવર્સિટી, રામપુરને સીલ કરવાની શરતે આજમ ખાનના જામીન મંજૂર કર્યા હતા. આ શરત સર્વથા અયોગ્ય હતી. યૌન ઉત્પીડનના આરોપીની જામીનની શરત મધ્ય પ્રદેશની હાઈકોર્ટે પીડીતા પાસે રાખડી બંધાવવાની મૂકી હતી. બળાત્કારના કેસના કથિત ગુનેગારને ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવાની શરતે જામીન પર જેલમાંથી મુક્ત કર્યો હોવાનું પણ બન્યું છે. જામીનની આ પ્રકારની શરતો અંગે ટિપ્પણી કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, કોર્ટોએ તેના જામીન આદેશોમાં અને શરતોમાં મહિલાઓ અને સમાજમાં તેમની સ્થિતિ બાબતે રૂઢિવાદી કે પિતૃસત્તાત્મક માન્યતાઓ વ્યક્ત કરવાથી બચવું જોઈએ.
અવ્યવહારુ, અસંભવ અને પાળવી મુશ્કેલ એવી જામીનની શરતોથી બચવા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. જામીન બોન્ડ, રોકડ જામીન, સંપત્તિની માલિકી જેવી જામીનની શરતો ગરીબો માટે પાળવી મુશ્કેલ છે અને આ પ્રકારની શરતોથી તેમને છતે જામીને જેલમાં ગોંધાઈ રહેવું પડે છે. આપણી અદાલતો તમામ અપરાધીને પૈસાપાત્ર અને ધનવાન સંબંધી ધરાવતા માને છે તેને લીધે આ પ્રકારની શરતો મૂકે છે. જે આખરે ગુનેગારને કનડે છે. એક સરખા અપરાધમાં એક્ને મોટી રકમ અને બીજાને નાની રકમના જામીન બોન્ડની શરતો જોવા મળી છે. એક્ને કઠોર શરતો અને બીજાને નરમ શરતો, એક પર કઠોર પ્રતિબંધ અને બીજાને કોઈ બંધી જ નહીં એવા ભેદભાવો પણ અદાલતોએ જામીનની શરતોમાં કર્યા છે.
જામીન માટે કેટલીક વિચિત્ર કહી શકાય તેવી શરતો પણ અદાલતો મૂકે છે. એક યુવતીની છેડતીના કેસમાં પકડાયેલા ધોબીનો વ્યવસાય કરતી વ્યક્તિને બિહારની સ્થાનિક અદાલતે છ મહિના સુધી ગામની મહિલાઓનાં કપડાં ધોવાની શરતે જામીન મંજૂર રાખ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે જામીન મંજૂર કરતાં કથિત આરોપીને ગૌશાળામાં એક લાખનું દાન કરવા, એક મહિનો ગૌ સેવા કરવાની શરત મૂકી હતી. પાંચ ગરીબ બાળકોના એક વરસનો શિક્ષણ ખર્ચ ઉઠાવવાની શરતે ગેરકાયદે દારુ વેચતા વ્યક્તિને જામીન મળ્યા હતા. કોમી ઉશ્કેરણી કરતી સોશિયલ મીડિયા પોસ્ટના કથિત અપરાધીને રાંચી કોર્ટે પાંચ લાઈબ્રેરીમાં કુરાનની નકલો આપવાની શરતે જામીન આપ્યા હતા. હત્યાના આરોપીને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે વૃક્ષો વાવવાની, તેનો ઉછેર કરવાની, છ થી આઠ ફૂટનાં દસ વૃક્ષો માટે ટ્રીગાર્ડ લગાવવાની અને ત્રણ વરસ સુધી દર ત્રણ મહિને તેના ફોટા કોર્ટને મોકલવાની શરતે જામીન આપ્યા હતા. જ્યારે જામીનનો નિર્ણય અદાલતના વિવેક પર અને આરોપી પરના આરોપ પર નિર્ભર હોય ત્યારે સામાન્ય કે ગંભીર ગુનાના આરોપી પર આવી અજીબોગરીબ શરતો લાદતું ન્યાયતંત્ર સમજવું મુશ્કેલ બને છે.
જો કે આપણી અદાલતો જેમ કેટલાક કિસ્સામાં અતિ કઠોર હોય છે તેમ કેટલાકમાં અતિ નરમ પણ હોય છે. ૧૪ વરસની અનાથ સગીરા ભત્રીજી પર બળાત્કાર કરનાર વીસ વરસના યુવાન કાકાને બોમ્બે હાઈકોર્ટે એ શરતે જામીન આપ્યા હતા કે આરોપીની ઉંમર નાની છે એટલે તેને પસ્તાવો થશે! પટણા હાઈકોર્ટે સત્તાધારી જે.ડી.યુ.ના વિધાન પરિષદ સભ્યના પુત્રને ગેરકાયદે ખનનના મની લોન્ડરિગ, પી.એમ.એલ.એ. હેઠળના કેસમાં જામીનની કઠોર જોગવાઈઓ બાજુ પર રાખીને જામીન આપ્યા. એટલું જ નહીં પોતાના જામીન હુકમમાં નિર્ણયના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતનું કથન જેલ અપવાદ છે, જામીન નિયમ છેનો હવાલો આપ્યો અને અદાલતના સ્વવિવેકનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આ બાબતે સર્વોચ્ચ અદાલતે આકરું વલણ દાખવી જામીન રદ્દ કર્યા હતા.
જામીનની શરતોના મુદ્દે પ્રવર્તતી આ પ્રકારની સ્થિતિનો એક ઉકેલ જામીનનો અલાયદો કાયદો હોઈ શકે. જામીનની શરતોનું પુનર્મૂલ્યાંકન અને સરળીકરણ કરવાથી તે વધુ સુલભ બનશે અને ગરીબો, વંચિતોને રાહત મળશે. મનમાની ધરપકડો અને ખોટા કેસો, કે જેલોમાં સબડતા અન્ડર ટ્રાયલને જામીનની પાળવી સરળ શરતો જેલ મુક્તિ અપાવી શકે છે.
e.mail : maheriyachandu@gmail.com