સોનેટ, મંદાક્રાન્તા
માળો બાંધે, વિહગ નમણાં,  પ્રેમની ડાળ માથે, 
તાણાવાણા, સહિત શમણાં, વ્હાલ રાખી જ ગૂંથે. 
આખો દા’ડો, વિકટ જગમાં, જાય હોલો કમાવા, 
વિત્યો થોડો, સમય સરતો, થાય બચ્ચાં પછી તો. 
માદા માળે, સપન સજતી, ભાવ સંસાર તાણે. 
બચ્ચાં નાનાં, કલરવ કરી, જિંદગી મોજ માણે. 
કાળે વિંઘ્યું, સનન કરતું, એક પંખી કટાણે. 
કેવી સર્જી, વિકટ વિપદા, મધ્ય ભાગે હતાશા. 
પાંખો આવી, ઉડ  ઉડ થતાં, દૂર  બચ્ચાં ગયાં ને, 
જૂદાં  જૂદાં, વન વન  ગયાં, એકલો થાય મોભી, 
ચાલ્યા જાતાં, વરસ મહિના, યાદ આવે પ્રિયાની. 
ગોઝારી સૌ, પળ વિરહની, રોજ રાતે રડાવે. 
ખાલી ભાસે, અરવ બિડમાં, મૌન વાતો કરે છે. 
ખોટાં ભાવો, સકળ ફરતાં, હ્યાં જ પાછા ફરે છે.
18/6/2021
e.mail : naranmakwana20@gmail.com
 

