“અમે અસાધારણ દંપતી હતાં. ૧૯૦૬માં એકબીજાની સંમતિ પછી અને અજાણી અજમાયશ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિત રૂપે સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ પહેલાં કદી નહોતી એવી દૃઢ બની તેથી મને ભારે આનંદ થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચું જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હંમેશાં બહુ મજબૂત ઇચ્છાશક્તિવાળી સ્ત્રી હતાં, જેને નવપરિણીત દશામાં હું ભૂલથી હઠીલાં ગણી કાઢતો. પણ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસહકારની કળાના આચરણમાં મારા ગુરુ બન્યાં.”
કસ્તૂરબાના અવસાન બાદ ગાંધીજીએ લૉર્ડ વેવૅલને લખેલા પત્રના આ અંશ છે. કસ્તૂરબાની આ ઓળખ તો ગાંધીજીના ‘શુભતર અર્ધાંગ’ તરીકેની; પણ સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે તેમનો પરિચય જૂજ ઠેકાણે મળે છે. ‘અમારાં બા’ પુસ્તકનાં વનમાળા પરીખ અને સુશીલા નય્યરે એવો પ્રયાસ કર્યો છે અને કસ્તૂરબાનું જાહેર જીવન કેવું રહ્યું છે, તે અંગે એક આખું પ્રકરણ આ પુસ્તકમાં આલેખ્યું છે. આ પ્રકરણમાં કસ્તૂરબાના જાહેર જીવનના યોગદાનનો વિશેષ રીતે પરિચય મળે છે :
દક્ષિણ આફ્રિકામાં જેલમાં જવા ઉપરાંત ત્યાંની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં બા પડ્યાં હોય એમ લાગતું નથી. પણ હિંદુસ્તાનમાં આવ્યા પછી તો બાપુજીએ જેટલી પ્રવૃત્તિઓ ઉપાડી તેમાં બાએ એક કસાયેલા સૈનિકને છાજે એવો ફાળો આપ્યો છે. બાને જાહેર સભાઓ અને સરઘસો અને એવા દેખાવોનો તો બિલકુલ જ શોખ ન હતો. પણ જ્યાં રચનાત્મક કામ કરવાનું હોય, પોતાની હાજરી અને સહાનુભૂતિથી લોકોને હૂંફ અને હિંમત આપવાની હોય, ત્યાં તેવાં કામ કરવા બા તત્પર રહ્યાં છે. બાપુએ હિંદુસ્તાનમાં આવી પહેલી સત્યાગ્રહની લડત ઉપાડી તે ચંપારણમાં. તેમાં સવિનયભંગ કરવાની સાથે જ વિજય મળ્યો એમ કહી શકાય.
પણ બાપુજીને લાગ્યું કે, ચંપારણમાં બરાબર કામ કરવું હોય તો ગામડાંમાં કેટલાક સેવકોએ લોકોની વચ્ચે બેસી જવું જોઈએ અને તેમનાં સુખદુ:ખમાં ભાગ લઈ લોકોને કેળવવા જોઈએ. બિહાર જેવા ગરીબ પ્રાંતમાં પગારદાર સેવકો તો પોસાય જ નહીં. અને ગમે તેવા સેવકોથી એ કામ થાય નહીં. ગામલોકો પાસે પૈસા તો નહોતા, પણ જે ગામમાં લોકો રહેવાનું મકાન અને કાચું અનાજ પૂરું પાડે ત્યાં સેવકોને ગોઠવવાનું બાપુજીએ નક્કી કર્યું. આ કામને સારુ બાપુએ સ્વયંસેવકોની જાહેરમાં માગણી કરી. મહારાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી સંસ્કારી અને કુશળ સેવકો મળી ગયા. અને બાપુએ આશ્રમમાંથી પણ થોડાં ભાઈબહેનોને ત્યાં બોલાવી લીધાં. ગુજરાતમાંથી ગયેલી બહેનોને જે જ્ઞાન હતું તે ગુજરાતીનું જ થોડું કે ઘણું હતું. તે બાળકોને હિંદી કઈ રીતે શીખવે ? બાપુએ બહેનોને સમજાવ્યું કે, એમને વ્યાકરણ નહીં પણ સભ્ય જીવન શીખવવાનું છે; વાંચવા-લખવા કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. આવેલાં ભાઈબહેનોની બબ્બે કે ત્રણ ત્રણ જણની ટુકડીઓ પાડી દીધી, અને તેમને ગામડાંમાં મૂક્યાં. ભીતીહરવા નામના ગામમાં એક નાના મંદિરના બાવાજીની મદદથી મંદિરખાતાની થોડી ધર્માદા જમીનમાં ઝૂંપડું ઊભું કરી એક શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યાં બા અને બીજા બે ભાઈઓ રહેવા લાગ્યાં.
આ શાળામાં સગવડ ઓછામાં ઓછી હતી. એ પ્રદેશની હવા પણ સારી નથી અને હિમાલયની તળેટીની વધારે પાસે હોવાથી ત્યાં શિયાળામાં ઠંડી બહુ પડતી હતી. રહેવાની ઝૂંપડી ઉપર રૂનો પોલ વેરાઈને પડ્યો હોય એવું ઝાકળ સવારમાં બાઝી ગયેલું જોવામાં આવે. આ શારીરિક અગવડો ઉપરાંત ત્યાંની પાસેની કોઠીવાળો સાહેબ બધા નીલવરોમાં ખરાબ ગણાતો, એટલે જ બાપુજીએ બાને ત્યાં રાખ્યાં હતાં. બા ગામમાં ફરવાનું તથા દવા આપવાનું કામ કરતાં તે આ નીલવરથી સહ્યું ન ગયું. “મિ. ગાંધી ઉઘાડે પગે ફરી, કપડાંમાં સાદાઈ રાખી લોકોમાં અંધશ્રદ્ધા પેદા કરી, તેનો લાભ ઉઠાવવા માગે છે એટલું જ નહીં, પણ એ બીજી રાજકીય ચળવળો ચલાવવા બહાર જાય છે ત્યારે મિસિસ ગાંધી અહીં લોકોમાં ઉશ્કેરણી કરવાનું પોતાના પતિનું કામ જારી રાખે છે.” વગેરે ન છાજે એવી ટીકાઓ એ નીલવરે વર્તમાનપત્રોમાં કરી.
રાજકીય બાબતોથી અલિપ્ત, કેવળ જનદયાથી પ્રેરાઈને જ રોગીઓને દવા આપવાનું કામ કરનારાં, ગામડાની ભાષા તો બોલી પણ ન જાણે અને હિંદુસ્તાની પણ ભાંગ્યું તૂટ્યું બોલે એવાં, તથા વર્તમાન-પત્રોમાં અંગ્રેજીમાં કરવામાં આવેલા આક્ષેપો વિશે કોઈના ગુજરાતીમાં સમજાવ્યા વિના જાણી પણ ન શકે એટલા થોડા અક્ષરજ્ઞાનવાળાં બા, એ આ તુમાખી નીલવરને લોકોમાં ઉશ્કેરણી કરનારાં લાગ્યાં !
એક વખત બા એમના સાથીઓ સાથે ગામડામાં ફરવા ગયેલાં. ત્યાંથી આવીને જુએ તો પોતાને રહેવાનું તથા જેમાં શાળા ચલાવતાં હતાં તે બંને ઝૂંપડાં બળી ગયેલાં. રાખ સિવાય તેનું કાંઈ નામનિશાન પણ નહોતું રહ્યું. કામમાં અડચણ નાખવાના હેતુથી કોઈ દ્વેષીએ આગ લગાડી હશે એમાં સંશય નહોતો. બા અને એમના સાથી શ્રી સોમણનો તો આગ્રહ હતો કે શાળા એક દિવસ પણ બંધ ન રહે. આખી રાત જાગી ફરી વાંસ અને ઘાસનું ઝૂંપડું ઊભું કરી દીધું. પાછળથી ત્યાં પાકું મકાન કરવામાં આવ્યું, જે હજી કાયમ છે.
ભીતીહરવાની પાસે જ એક નાનું ગામડું છે. બાપુજી ફરતા ફરતા એ ગામમાં ગયા. ત્યાં કેટલીક બહેનોનાં કપડાં બહુ મેલાં જોવામાં આવ્યાં. બાપુજીએ આ બહેનોને કપડાં ધોવાને સમજાવવા બાને સૂચવ્યું. બાએ બહેનોને વાત કરી. એમાંથી એક બહેન બાને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ અને બોલી : “તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતે ધોઉં ? મહાત્માજીને કહો કે, તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ.”
બાએ બાપુને બધી વાત કરી. હિંદમૈયાની આ અવસ્થાથી બાપુનું હૃદય કકળી ઊઠ્યું.
ખેડા સત્યાગ્રહ
ચંપારણનું કામ તો ચાલુ જ હતું એટલામાં ખેડા જિલ્લામાં સત્યાગ્રહ શરૂ થયો ત્યારે બા પણ બાપુની સાથે ખેડા જિલ્લાનાં ગામોમાં ફરતાં હતાં. ક્યારેક બાપુની સાથે રહેતાં અને ક્યારેક એકલાં પણ ફરતાં.
ખેડા જિલ્લાના તોરણા ગામમાં મામલતદારે એકદમ હલ્લો કરી તેવીસ ઘેર જપ્તીઓ કરી, તેમાં એમણે સ્ત્રીઓના દાગીના, દેગડા, ઘડા, દૂઝણી ભેંસો વગેરે ચીજો જપ્તીમાં લીધી. આની ખબર બાને પડી અને તરત જ તેઓ તોરણાવાસીઓને તેમના દુ:ખમાં આશ્વાસન આપવા દોડી ગયાં. એમના આગમનથી લોકોના આનંદનો પાર ન રહ્યો, અને સ્ત્રીઓએ ખરેખર ફૂલોનો વરસાદ વરસાવ્યો. ત્યાંની સ્ત્રીઓની સભામાં બાએ લડતનો મર્મ અને ધર્મ સમજાવતું નાનું છતાં અસરકારક ભાષણ કર્યું :
આપણા પુરુષોએ સત્યની ખાતર સરકાર સાથે જે લડત ઉપાડી છે તેમાં આપણે તેમને ઉત્સાહ આપવો જોઈએ. સરકાર જે દુ:ખ દે છે તે સહન કરવું. આપણો માલ ઉઠાવી જવા આવે તો ઉઠાવી જવા દેવો. આપણી જમીન ખૂંચવી લે તો જમીન જવા દેવી. પણ સરકારને એકે પૈસો આપી જુઠ્ઠાં બનવું નહીં; કારણ, રૈયત સરકારને કહે છે કે પાક નથી થયો, ત્યારે સરકારે તે માનવું જોઈએ. છતાં તે નથી માનતી અને દુ:ખ દે છે તો આપણે દુ:ખ ખમવું, પણ આપણી પ્રતિજ્ઞા પરથી ન ખસવું. સરકારી નોકરોથી ડરવું નહીં, પણ ધીરજ રાખવી, અને આપણા ભાઈઓ, પતિઓ અને છોકરાઓને હિંમત આપવી.
બાનાં આ સાદાં પણ ઉત્સાહ અને પ્રેરણાદાયી વચનોથી લોકોમાં ઉત્સાહ આવ્યો અને કેટલી ય બહાદુર સ્ત્રીઓએ તેમને વચન આપ્યાં કે : “જ્યારે તમે અમારે માટે આટલાં આટલાં દુ:ખો વેઠો છો તો પછી અમે શા માટે ડરી જઈએ ? અમે હિંમત રાખીશું અને સરકારને પૈસા આપવા દઈશું નહીં.”
સ્વરાજ્યની પહેલી લડતમાં
૧૯૨૨માં બાપુજીને પકડવામાં આવ્યા અને છ વર્ષની સજા કરવામાં આવી. એ સજા સાંભળી આખો દેશ કકળી ઊઠ્યો. તે વખતનો બાનો સંદેશો એક વીરાંગનાને શોભે એવો છે :
મારા પતિને આજે છ વર્ષની સજા થઈ છે. આ ભારે સજાથી હું કંઈક અસ્થિર-બેચેન બની છું એનો મારે સ્વીકાર કરવો જોઈએ. પણ આપણે ધારીએ તો સજાની મુદ્દત પૂરી થાય એ પહેલાં જ આપણે તેમને જેલમાંથી છોડાવી શકીએ.
સફળતા મેળવવી એ આપણા હાથની વાત છે. જો આપણે નિષ્ફળ નીવડીશું તો એમાં આપણો જ દોષ હશે. અને તેથી જ હું મારાં દુ:ખમાં દિલસોજી ધરાવનાર અને મારા પતિ પ્રત્યે પ્રેમ ધરાવનાર સર્વ સ્ત્રી-પુરુષોને રાતદિવસ રચ્યાપચ્યા રહીને રચનાત્મક કાર્યક્રમને સફળ બનાવવાની વિનંતી કરું છું. રચનાત્મક કાર્યક્રમમાં ચરખો ચલાવવો અને ખાદી ઉત્પન્ન કરવી એ મુખ્ય છે. ગાંધીજીને થયેલી સજાનો જવાબ આપણે આ રીતે આપીએ :
૧. બધાંય સ્ત્રી-પુરુષો પરદેશી કાપડ પહેરવું છોડી દે અને ખાદી પહેરે તથા બીજાને પહેરવા સમજાવે.
૨. બધાં સ્ત્રી-પુરુષો કાંતવાને પોતાની ધાર્મિક ફરજ સમજે અને બીજાંને પણ તેમ કરવા સમજાવે.
૩. બધા ય વેપારીઓ પરદેશી કાપડનો વેપાર કરવો બંધ કરે.
બાના સાચા દિલના સંદેશાની લોકો ઉપર ખૂબ સારી અસર થઈ. ઠેર ઠેર પરદેશી કાપડની હોળીઓ થવા લાગી. રેંટિયા ગુંજવા લાગ્યા અને કેટલાક લોકોએ શુદ્ધ ખાદી પહેરવી શરૂ કરી.
બાપુને સાબરમતીથી યરવડા લઈ ગયા. બાને દુ:ખ તો ખૂબ થયું, પણ તે સ્વસ્થતા જાળવી રહ્યાં. આવે વખતે બાનું ખરું પોત પ્રકાશી ઊઠતું. સદાનાં ઓછાબોલાં અને રસોડું સાચવનારાં બા જુવાનોને શરમાવે તેવાં જાહેર કામો માટે નીકળી પડ્યાં. “મને હવે આશ્રમમાં ચેન પડતું નથી. હવે તો મારે બાપુનું કામ થાય એટલું કરવું જોઈએ. બાપુ કાર્યકર્તાઓને ગામડાંમાં અને રાનીપરજમાં બેસવાનું કહી ગયા છે. માટે મને પણ ગામડામાં લઈ જાઓ,” એમ બા કહેતાં. સ્વ૦ દયાળજીભાઈનાં બા સાથે વિદ્યાપીઠના ફાળા માટે સુરત જિલ્લામાં તેમ જ નંદરબાર સુધી બા ફર્યાં. અને બારડોલીમાં રેંટિયાપ્રવૃત્તિને વેગ આપવા ગામડે ગામડે ગાડામાં પણ ફર્યાં. સ્વરાજ્ય પક્ષ ઊભો થયો અને બાપુના રચનાત્મક કામ માટે ભલભલાની શ્રદ્ધા ડગી ગઈ હતી ત્યારે બા અનન્ય નિષ્ઠાથી અને અડગતાથી બાપુના કાર્યક્રમમાં વિશ્ર્વાસ રાખતાં અને થોડાં વાક્યોમાં પ્રેરણા આપતાં :
“જુસ્સાનો જુવાળ ચડતો હોય ત્યારે તો સહુ કોઈ સાથ આપે. પણ જુસ્સો ઊતરી ગયા પછી ટકી રહે તે ખરા. દક્ષિણ આફ્રિકામાં પણ આવી જ નિરાશા આવેલી પણ બહેનો અને ખાણિયા મજૂરો નીકળી પડ્યાં અને જીત થઈ. તેમ મારી તો ખાતરી છે, આખરે સત્યનો જય થવાનો છે.
બાના આ શબ્દો છટાદાર વક્તાના ભાષણ કરતાં ઊંડી અસર કરતા. એ જ અરસામાં બાએ સોનગઢ તાલુકાના જંગલમાં ડોસવાડામાં રાનીપરજની બીજી પરિષદનું પ્રમુખસ્થાન લઈને હજારો રાનીપરજવાસીઓને દારૂ છોડાવી રેંટિયો કાંતતાં અને ભજન કરતાં કર્યાં.
દાંડીકૂચ અને ધરાસણા – ’૩૦ની લડતમાં
આ લડતમાં બાએ આપેલા ફાળાનું વર્ણન શ્રી મીઠુબહેનના શબ્દોમાં જ આપ્યું છે : ૧૯૩૦માં બાએ દાંડીકૂચ વખતે બહેનોએ બાપુને પૂછ્યું કે, અત્યારે અમારે શું કરવાનું છે ? બાપુએ કહ્યું :
તમારે માટે મેં સુંદર કામ શોધી રાખ્યું છે. બહેનોએ જેલમાં જવાનું નથી, પરંતુ વિદેશી કાપડનો બહિષ્કાર અને મદ્યપાનનિષેધનું કામ કરવાનું છે. અને જરૂર પડે તો તે માટે પિકેટિંગ પણ કરવાનું છે.
છઠ્ઠી એપ્રિલે દાંડીના મીઠા સત્યાગ્રહ પછી બાપુએ જે સભા કરેલી તેમાં આ વસ્તુ ઉપર ખાસ ભાર મૂકેલો. નવસારી પાસે વીજલપુરમાં બહેનોની ખાસ પરિષદ બોલાવી. પરિષદમાં ચારથી પાંચ હજાર બહેનો હાજર હતી. અમદાવાદ અને મુંબઈથી પણ આગેવાન બહેનો આવ્યાં હતાં. તે પરિષદમાં બાપુની સલાહથી ‘સ્ત્રી સ્વાતંત્ર્ય સંઘ’ની સ્થાપના કરવામાં આવી અને વિદેશી કાપડનો બહિષ્કાર તેમ જ મદ્યપાનનિષેધની છાવણીઓ સુરત શહેર અને જિલ્લામાં નાખવાની રૂપરેખા દોરવામાં આવી. બહેનોને મદદ કરવા માટે ગુજરાતના જાણીતા આગેવાન ડૉક્ટર સુમંત મહેતાની પસંદગી કરી બાપુએ તેમને કહ્યું કે, “તમારે બહેનોને દોરવણી આપવી નહીં, દોરવણી તો બા અને મીઠુબહેન જ આપશે. તમારે તો માત્ર મુનીમ તરીકે જ મદદ કરવી.”
બાપુએ આમ કહ્યું, કારણ કે બાની તત્ત્વનિષ્ઠા અને કાર્યશક્તિથી તેઓ પરિચિત હતા. બાના વ્યક્તિત્વથી આકર્ષાઈને છાવણીમાં સેંકડો બહેનોની ભરતી થઈ. સુરત શહેરમાં, પછાત ગણાતી કોમોમાંથી પણ સેંકડો બહેનો જિંદગીમાં પહેલી જ વાર જાહેર કામ માટે નીકળી પડી. તે સહુને હિંમત અને પ્રેરણા બા પાસેથી જ મળેલાં. ‘બા ક્યાં અંગ્રેજી ભણેલાં છે ? તેઓ આ કામ કરી શકે તો અમે તેમનો સાથ કેમ ન કરીએ ?’ બાના જીવનમાંથી તેમનામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થઈ. પરિણામે અઠંગ છાકટા ગણાતા સુરત જિલ્લામાં દારૂતાડીનાં પીઠાં ઉપર ચકલુંયે ફરકતું નહીં. સરકારને નીતિનિયમ બાજુએ મૂકીને દારૂતાડીની ફેરી કરવા દેવી પડી. ગામડાંમાં પણ અત્યાર સુધી સભ્યતા જાળવી રહેલી સરકારે બહેનોને છાવણી માટે કોઈ મકાન ન આપે એવી તજવીજ કરી. પરંતુ બહેનો ડગી નહીં. માંડવા બાંધી એમાં છાવણી શરૂ કરી. માંડવા બળવા માંડ્યા અને વાસણકૂસણ જપ્ત થવા મંડ્યાં એટલે બાએ કહ્યું, ‘આપણે સાદગીનાં ઝૂંપડાં અને માટીનાં વાસણો જ રાખો. પછી શું લઈ જવાના છે ?’
બા છાવણીમાં હતાં ત્યાં બાપુ પકડાયાના સમાચાર એમને મળ્યા. એ ખબર સાંભળી એમણે સ્વદેશભક્તિથી ભરેલો સંદેશો પ્રજાને આપ્યો :
આજે સવારે ચાર વાગ્યે હું પ્રાર્થના કરતી હતી ત્યારે જ મને બાપુનું ચિંતવન થયું. રાત્રે અમારી છાવણી પાસે થઈને મોટરોની દોડાદોડ બહુ સંભળાતી હતી, એટલે મનમાં શંકા તો પેઠી જ હતી. પ્રાર્થના પછી તરત નવસારી છાવણીમાંથી ખબર આવી કે ગાંધીજીને મધરાતે લઈ ગયા. સવારે કરાડી છાવણીએ હું જઈ આવી. આશ્રમવાસીઓને મળી. તેમની પાસેથી સાંભળ્યું કે, બે મોટરો ભરીને હથિયારબંધ સિપાઈઓ સાથે અમલદાર આવ્યા હતા. ગાંધીજીને ફરતો સિપાઈનો ઘેરો મૂકી દીધો અને થોડી વાર તો કોઈ આશ્રમવાસીઓને પણ એમની પાસે જવા ન દીધા. કરાડી ગામના લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા પણ કહે છે કે, સિપાઈઓએ એમને છાવણીમાં દાખલ ન થવા દીધા. આ બધી વાતો સાંભળી મને બહુ ખેદ થયો. સરકારના ગાંડપણ ઉપર મને હસવું આવ્યું. ગાંધીજીને પકડવા માટે તે મધરાતે ધાડ પાડવાની હોય ? એમને પકડવા એમાં આટલાં લાવલશ્કર શાં ?
હવે ગાંધીજી તો ગયા. એમને આટલા મોડા લીધા એ જ સરકારની મહેરબાની. આ પાંચ અઠવાડિયાંમાં એમણે આપણને જેટલું કહેવું હતું એટલું કહી દીધું છે. આપણો રસ્તો બરાબર આંકી દીધો છે. ભાઈઓને અને બહેનોને પોતપોતાનું કામ બતાવી દીધું છે. ગાંધીજીએ સોંપેલું કામ પાર ઉતારવું એ જ હવે આપણો ધર્મ થઈ પડ્યો છે.
આ બનાવથી દેશમાં કોઈ જગ્યાએ અશાંતિ ન થાઓ એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. લોકોને પણ પ્રાર્થના કરું છું કે, તમારી લાગણી અને તમારી ભક્તિમાં કોઈ ગાંડા ન થશો, પણ વધારે મરણિયા થઈ લડત ચલાવજો.
સરકારી નોકરી કરનારા ભાઈઓ, તમે પણ હવે ક્યાં સુધી નોકરીને બાઝી રહેશો ? સિપાઈઓ પોતાના દેશી ભાઈઓ ઉપર લાઠીઓ ચલાવે અને ગોળીઓ છોડે છે. એ તેમનો જીવ કેમ ચાલે છે ? ભાઈઓ, હિંમત કરો. ભગવાન તમને કોઈને ભૂખ્યા નહીં રાખે. નિર્દોષ અને દેશભક્તિથી ઊભરાતા છોકરાઓને મારવા અને પછી ઘેર જઈ આંખમાં પાણી લાવી નિસાસા મૂકવા એથી શું વળે ? પરમેશ્વરનું નામ લઈને હિંમત કરો અને નોકરી છોડી દો.
આથી બીજો સંદેશો આજે મારે શો આપવાનો હોય ? પરમાત્મા આપણને સૌને શક્તિ આપો.
બાપુજી પકડાયા પછી ગુજરાતના દેશસેવકો ધરાસણા ઊપડ્યા. સરકારે એમની ઉપર ખૂબ ક્રૂરતા કરી. લાઠી મારી. પાડી નાખી ઉપર ઘોડા ચલાવ્યા. મોઢામાં ડૂચા મારી ખારા પાણીમાં ડુબાડ્યા. કાંટાની અને તારની વાડમાં ફેંકી દીધા. જેટલો થઈ શકે એટલો કેર નિ:શસ્ત્ર સૈનિકો ઉપર વર્તાવ્યો. બાને આની ખબર પડી. તેઓ ત્યાં ગયાં. ત્યાંના દૃશ્યે તેમનું હૃદય કકળી ઊઠ્યું. એમણે છાપાના પ્રતિનિધિને મુલાકાત આપતાં જે કરુણ વર્ણન કર્યું છે તે ઉપરથી આપણને એમના દુ:ખનો થોડો ખ્યાલ આવશે :
ઘાયલ થયેલા સૈનિકોને જોવા અને આશ્વાસન આપવા હું વલસાડની ઇસ્પિતાલમાં ગઈ. બિછાના પર પડેલા એ ભાઈઓના મલમપટ્ટા અને પાટાઓનો કરુણ ચિતાર જોઈ મારું હૃદય ઘવાયું-રોયું. પોલીસે એમના ઉપર જે જુલમ વર્તાવ્યો તે સાંભળીને કમકમાટી છૂટી. મારે એટલું કહેવું જોઈએ કે, મને દુ:ખ તો થયું છતાં પણ આવી ભારે વેદના સહન કરવા છતાં ય એ યુવાનોએ જે દેશભક્તિ, વીરતા અને ઉત્સાહ દાખવ્યાં હતાં તે જોઈ મારું દિલ હર્ષથી ઊભરાયું. સત્યને માટે આવા બલિદાનનું દૃષ્ટાંત તો ઇતિહાસમાં એકલા હરિશ્ચંદ્રનું જ મળે છે. ચારે બાજુએથી આવા જુલમોની કહાણીઓ આવ્યે જાય છે. તેમાં સર્વ કોઈ એકમેકને સહાય અને સાથ દે તો જ આપણા કાર્યની સફળતા થાય. આટલા બધા ડૉક્ટરો અને બહેનો માંદાઓની સેવા કરે છે એથી મને બહુ આનંદ થયો.
મને આશા છે કે મારા જે દેશભાંડુઓ ધરાસણાની કરુણ કહાણી સાંભળે તે વાઇસરૉયના નવા કાળા કાયદાઓનો સામનો કરવા બમણા ઉત્સાહથી કર ન ભરવાની હિલચાલ ઉપાડશે. તેમ જ દારૂનિષેધ અને પરદેશી કાપડના બહિષ્કારની પ્રવૃત્તિ ચાલુ રાખશે.
એ લડત દરમિયાન વીજલપુરમાં મળેલી જલાલપુર તાલુકા પરિષદનું પ્રમુખપદ બાએ સ્વીકાર્યું હતું. તેમાં ભાષણ કરતાં બાએ જણાવ્યું હતું :
આપણા દેશના ઇતિહાસના એક કટોકટીના પ્રસંગે આજે આપણે અહીં મળ્યાં છીએ. અત્યારે આપણી પાસે લાંબાં ભાષણો કરવાનો વખત નથી. એટલે આજની પરિષદનું પ્રમુખસ્થાન આપવા માટે હું ટૂંકમાં જ તમારો આભાર માની લઉં છું. આ વખતે મારે તો તમને એક જ વાત કહેવાની છે કે, અંદર અંદરના ઝઘડા ભૂલી જાઓ. બધા આ પ્રસંગે એક થાઓ. એકને ઘેર જપ્તી થાય તો બધાને ઘેર થઈ એમ સમજો. કોઈ જપ્ત થયેલો માલ ન રાખો.
આ લડતમાં બહેનો ધારે તો પુરુષોને ખૂબ મદદ કરી શકશે. દારૂ-તાડી અને પરદેશીના નિષેધનું કામ તો બહેનોએ જ કરવાનું છે. હિંમત આપવાના પ્રસંગે બહેનો ભાઈઓને હિંમત તો આપશે જ. પણ કદાચ સ્વાર્થને વશ થઈ કોઈ ભાઈ સરકારને મદદ કરવા નીકળે ત્યારે બહેનો તેમને ચેતવે અને જરૂર પડ્યે એવા ભાઈઓ સાથે અસહકાર પણ કરે.
બહેનોને જેટલી સમજ પડે છે તેટલી પુરુષોને નથી પડતી, કારણ કે બહેનો દુ:ખની ભાષા વધારે સમજે છે. ધરાસણાના અત્યાચારથી બહેનોનાં દિલ ઘવાયાં છે. જ્યારે જ્યારે દેશહિત વિરુદ્ધની કોઈ પણ હિલચાલ શરૂ થાય ત્યારે ધરાસણાને યાદ કરજો.
આથી વધારે મારે શું કહેવાનું હોય ? પરમાત્મા મેં તમને સૂચવ્યો છે તે નિશ્ચય કરવાનું અને તેને અમલમાં મૂકવાનું બળ આપો અને તમારું સૌનું કલ્યાણ કરો.
આ લડત દરમિયાન દોડાદોડીથી બાની તબિયત લથડી. બા મીઠુબહેન સાથે મરોલી ગામમાં રહેતાં હતાં. એક દિવસ સવારની પ્રાર્થના પૂરી કરી બધાં નાસ્તો કરવા બેઠાં હતાં એવામાં ટપાલી આવીને એક તાર આપી ગયો. સૌ તારના સમાચાર જાણવા માટે અધીરાં બન્યાં હતાં.
તાર હતો, “અમને કસ્તૂરબાના સાથની જરૂર છે.”
આ ટૂંકા સંદેશાએ સૌને ક્ષુબ્ધ કર્યાં. બા તારનો મર્મ સમજી ગયાં અને નાસ્તો પડતો મૂકી ઉતાવળાં ઉતાવળાં જવાની તૈયારી કરવા માંડ્યાં.
આ તાર બોરસદથી આવ્યો હતો. બોરસદના બહાદુર ખેડૂતોએ દેશને ખાતર વતન, ઘરબાર, ઢોરઢાંખર બધું ય છોડી હિજરત કરી હતી. સરકારને મહેસૂલ ન ભરવા ખાતર એમણે જેલ અને મારપીટ સહન કર્યાં હતાં. ખેડૂતોના જીવનનિર્વાહનું એક માત્ર સાધન જમીન તે પણ હરાજ થઈ ગઈ હતી. મહેસૂલ ન ભરવાની સલાહ આપનાર કેટલીક બહેનો પર સરકારે લાઠી ચલાવી હતી. ગામમાં હાહાકાર વર્તી રહ્યો હતો. અનેક બહેનો ઘાયલ થઈને હૉસ્પિટલમાં પડી હતી. આ બહેનોએ ગામલોકોને હિંમત આપવા બાને તાર કરીને બોલાવ્યાં હતાં.
“બા, તમે આ શું કરો છો ?” મીઠુબહેન બાની ઉતાવળ જોઈ ગભરાઈ ગયાં. અને બાની તબિયત આથી વધારે બગડશે એવી ચિંતાથી બોલ્યાં, “તમારામાં શક્તિ કયાં છે ? લોહીનો છાંટોયે નથી, એટલે તો ડૉક્ટરોએ તમને આરામ લેવાનું કહ્યું છે. તમારા વતી હું બોરસદ જાઉં છું. તમે અહીં રહો.”
“પોલીસોનો લાઠીમાર બહાદુરીથી સહન કરનાર બહેનોની પડખે મારે ઊભા જ રહેવું જોઈએ. બાપુ હોત તો અત્યારે એમની પાસે હોત, પણ આજે એ છૂટા નથી,” કામળ અને બીજી જરૂરી વસ્તુઓ થેલીમાં મૂકતાં બાએ જવાબ આપ્યો, અને ઉતાવળાં ઉતાવળાં બોરસદ જતી ગાડી પકડવાને સ્ટેશન પર રવાના થયાં.
બોરસદ પહોંચી બાએ હૉસ્પિટલમાં ઘાયલ થઈને પડેલી બહેનોને ઉત્સાહિત કરી એટલું જ નહીં, પણ ગામ પર છવાયેલ ભય અને ત્રાસને પણ દૂર કર્યા. પોતાની નબળી તબિયતની જરાકે પરવા કર્યા વિના બાએ સવારથી માંડીને રાત સુધી ખડે પગે રહીને કામ કરવા માંડ્યું.
બાની તબિયત લથડી. નડિયાદથી ડૉક્ટરો આવ્યા. એમણે બાને તપાસ્યાં. આરામની અનિવાર્ય આવશ્યકતા હોવાનું જણાવ્યું અને ચેતવણી આપી કે, “અમારું કહ્યું નહીં માનો તો તબિયત વધુ બગડશે અને બૂરું પરિણામ આવશે.”
“પણ મને તો કાંઈ લાગતું જ નથી. હું તો બાપુને પગલે પગલે ચાલવા સિવાય બીજું કોઈ કામ કરતી નથી. બાપુની ગેરહાજરીમાં કામ કરવાની મને આ તક મળી છે. આરામ લેવાનું તો મારાથી બની શકશે નહીં.” ડૉક્ટરો નિરાશ થયા. અને બાએ એક સત્યાગ્રહીને છાજે એ રીતે પોતાનું કાર્ય આગળ ધપાવ્યે જ રાખ્યું.
*
’૩૨ની અને ’૩૩ની સાલમાં તો ઘણો વખત બાનો જેલમાં જ ગયો છે. ’૩૨ની સાલમાં સૌ૦ લાભુબહેન મહેતાને બાના સ્વભાવનો જે પરિચય થયો તે વિશે તેઓ લખે છે :
આ કોણ આવ્યું છે ? આવડાં નાનાં કુમળાં બાળકોને પકડી લાવતાં ય સરકારને શરમ નથી આવતી ? મને જોઈને એમનું કૂણું દિલ કકળી ઊઠ્યું. બીજે દિવસે એમને ખબર પડી કે હું કાંઈ ખાતી નથી, મને ત્યાંનું લૂખુંસૂકું ખાવાનું ગળે ઊતરતું નથી. તરત જ મને બોલાવી. એમના ‘બી’ વર્ગના ખોરાકમાંથી મને પરાણે જમાડી ને શિખામણના બે બોલ કહ્યા : “જો એમ ભૂખી રહીશ તો જેલ કેવી રીતે વેઠી શકીશ? સહન કરવા આવી છું તે સહન તો કરવું જ જોઈએ ના ?” હું બધું સમજતી તો હતી જ, પણ મન મજબૂત કરતાં બેત્રણ દિવસ નીકળી ગયા. ને પછી ખોરાકને અનુકૂળ બની ગઈ. એ દરમિયાન એમની સહાનુભૂતિ મળી ગઈ. જેલમાં કોઈ પણ બહેન બીમાર હોય, પોચા દિલની હોય, સુંવાળી જિંદગી ગાળેલી હોય એને હંમેશ બાની ઓથ રહેતી. બાની સહાનુભૂતિથી જેલ વેઠવી સહેલ થઈ પડતી. જેલમાં અમે લગભગ એંશી બહેનો સાથે હતાં, પણ કોઈને કદી કશી તકલીફ આવતી નહીં. એકલાં પડી ગયાં છીએ, અહીં અમારું કોઈ નથી, એવું કદી લાગતું નહીં. એમના કુટુંબમાં જ રહેતાં હોઈએ એ રીતે તેઓ સૌની સંભાળ રાખતાં. સૌ પર એકસરખો પ્રેમ અને સૌની એકસરખી કાળજી એ એમના સ્વભાવની વિશિષ્ટતા હતી.
*
રાજકોટમાં સત્યાગ્રહ ઊપડ્યો ત્યારે એ તો પોતાનું વતન એમ કરીને બા ત્યાં બાપુથી પણ વહેલાં પહોંચી ગયાં હતાં. તે વિશે બાપુજીએ પોતે ગાંધીજી નામના ગ્રંથમાં બા વિશે જે ઉમેર્યું છે તે જોઈએ :
રાજકોટની લડાઈમાં બા જોડાઈ એ વિશે કશું ન લખવું એવો મારો ઇરાદો હતો. પણ એ લડતમાં પડી તેના ઉપર કેટલીક નિષ્ઠુર ટીકાઓ થઈ છે, એ ખુલાસો માગી લે છે. બાએ લડતમાં જોડાવું જોઈએ એવું મને તો કદી સૂઝ્યું જ નહોતું. એનું મુખ્ય કારણ એ હતું કે આવી હાડમારીઓ માટે એ બહુ વૃદ્ધ ગણાય. પણ ટીકાકારોને ગમે તેટલું વિચિત્ર લાગે તો પણ મારા કહેવા ઉપર એમણે એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે, બા નિરક્ષર હોવા છતાં કેટલાં ય વર્ષોથી પોતાને જે કરવું હોય તે કરવાની તેને પૂરેપૂરી છૂટ હતી.
દક્ષિણ આફ્રિકામાં અથવા હિંદુસ્તાનમાં જ્યારે જ્યારે તે લડતમાં જોડાઈ છે, ત્યારે ત્યારે પોતાની મેળે જ પોતાની અંતરની લાગણીથી એ તેમાં પડી છે. આ વખતે પણ એમ જ બન્યું હતું. મણિબહેનના પકડાવાની વાત સાંભળી ત્યારે તેનાથી રહી શકાયું નહીં. અને લડતમાં પડવાની તેણે રજા માગી. મેં કહ્યું કે, તું હમણાં બહુ જ અશક્ત છો. દિલ્હીમાં થોડા જ દિવસ પહેલાં નાહવાની ઓરડીમાં તેને મૂર્છા આવી ગઈ હતી. અને દેવદાસે સમયસૂચકતા ન વાપરી હોત તો તે સ્વધામ પહોંચી ગઈ હોત. પણ બાએ જવાબ આપ્યો કે, “શરીરની મને પરવા નથી.” એટલે મેં સરદારને પુછાવ્યું. તેઓ પણ સંમતિ આપવા બિલકુલ તૈયાર નહોતા.
પણ પછી તો તેઓ પણ પીગળ્યા. રેસિડેન્ટની સૂચનાથી ઠાકોરસાહેબે જે વચનભંગ કર્યો તેને લીધે મને થયેલા ક્લેશના તેઓ સાક્ષી હતા. કસ્તૂરબાઈ રાજકોટની દીકરી ગણાય, એટલે તેને અંતરનો અવાજ સંભળાયો. રાજકોટની દીકરીઓ રાજ્યના પુરુષો અને સ્ત્રીઓની આઝાદી માટે ઝૂઝતી હોય તે વખતે મારાથી શાંત ન જ બેસી રહેવાય એમ તેને લાગ્યું.
બા બહુ જ આગ્રહી સ્વભાવની બાઈ હતી. નાનપણમાં હું એને જક્કીપણું ગણતો. પણ આ આગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં એને મારી ગુરુ બનાવી. પહેલાં અનેક વખત કારાવાસ ભોગવેલો હોવા છતાં આ વખતનો (૧૯૪૨-૪૪) કારાવાસ તેને જરા ય ગમ્યો ન હતો, જો કે આ વખતે શારીરિક સુખસગવડોની કશી જ કમી નહોતી. મારી પોતાની અને સાથે સાથે થયેલી બીજાં અનેકની ધરપકડને લીધે અને પછી તરત જ કરવામાં આવેલી એની પોતાની ધરપકડથી એને જબરો આઘાત લાગ્યો, અને એનામાં બહુ કડવાશ આવી ગઈ.
મારી ધરપકડ માટે તે જરા પણ તૈયાર નહોતી. મેં એને ખાતરી આપેલી કે સરકારને મારી અહિંસા ઉપર વિશ્વાસ છે અને હું પોતે પકડાવાની પેરવી ન કરું ત્યાં સુધી તેઓ મને પકડશે નહીં. આ આઘાત એટલો ભારે હતો કે, પકડાયા પછી તેને સખત ઝાડા થઈ ગયા અને ડૉ૦ સુશીલા નય્યર જે એની સાથે જ પકડાઈ હતી તેણે એ સંજોગોમાં શક્ય એટલી સારવાર ન કરી હોત તો અટકાયતીની છાવણીમાં અમારો મેળાપ થતાં પહેલાં જ તે ગુજરી ગઈ હોત. ત્યાં મારા સહવાસથી તેને બહુ આસાએશ મળી અને કંઈ પણ દવા વગર એના ઝાડા મટી ગયા, પણ હૃદયમાં વ્યાપેલી કડવાશની લાગણી નાબૂદ થઈ નહીં. એમાંથી ઉકળાટ અને ખિજવાટ નીપજ્યાં, જેને પરિણામે બહુ ધીમે ધીમે કષ્ટાઈ કષ્ટાઈને દેહ પડ્યો. આવી તીવ્ર વેદનામાંથી એ છૂટે એ ઇચ્છાએ, તેની ખાતર, જલદી તેના દેહનો અંત આવે એમ જો કે હું ઇચ્છતો, છતાં આજે એની ખોટ મેં ધાર્યું હતું તે કરતાં અતિ ઘણી વધારે હું અનુભવી રહ્યો છું. અમે સાધારણ કરતાં અનોખાં દંપતી હતાં. અમારું જીવન સંતોષી, સુખી અને સદા ઊર્ધ્વગામી હતું.
બાની આ બધી સાર્વજનિક પ્રવૃત્તિઓ ઉપરથી ચોખ્ખું દેખાય છે કે એવી પ્રવૃત્તિઓ કરવા માટે અથવા લોકસેવા કરવા માટે ખરી આવશ્યકતા, વિદ્વત્તાની નહીં પણ જનતા પ્રત્યેની પ્રેમની અને મૂળ વસ્તુ શી કરવા જેવી છે એ વિશેની સાદીસીધી સમજની છે. બાને ગુજરાતી કે હિંદીમાં ભાષણ કરવા માટે પણ અક્ષરજ્ઞાનનો અભાવ કદી નડ્યો નથી. ઊલટું સીધી વાત કરવાથી તેઓ વધારે અસર ઉપજાવી શક્યાં છે. ઉપર તેમનાં થોડાં નિવેદનો આપ્યાં છે. પણ એ નિવેદનો કરતાં બા જ્યારે મોઢેથી ભાષણ કરતાં ત્યારે તેની વધારે અસર થતી.
(વનમાળા પરીખ, સુશીલા નય્યર કૃત અમારાં ‘બા’માંથી ટૂંકાવીને સાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 03-07