
રમેશ સવાણી
ચૂંટણીપંચની ભારે બદનામી થયા બાદ 17 ઓગસ્ટ 2025ના રોજ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશકુમાર ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સ કરી.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે : [1] ચૂંટણી પંચ માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી. બધા બરાબર ! [2] ચૂંટણી પંચના ખભા પર બંદૂક રાખી રાજનીતિ થઈ રહી છે. [3] ફરિયાદીએ પુરાવા આપવાના હોય છે. [4] આક્ષેપો અંગે સોગંદનામું આપે, નહીંતર દેશની માફી માંગે ! જે પ્રેઝેન્ટેશન (રાહુલ ગાંધીએ) આપ્યું તે ડેટા ચૂંટણી પંચનો નથી. 7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આક્ષેપો નિરાધાર માનવામાં આવશે ! [5] વોટ-ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ઉચિત નથી. [6] લોકોને ગેરમાર્ગે દોરવા તે લોકતંત્રનું અપમાન છે. [7] ખોટા આક્ષેપોથી ચૂંટણી પંચ ડરતું નથી. [8] મતદાર યાદીની ત્રુટિઓની જાણકારી રાજકીય પક્ષો આપે. [9] મતદાર યાદીનું વેરિફિકેશન થઈ રહ્યું છે. [10] SIR-Special Intensive Revisionના કારણે ડુપ્લિકેટ EPIC-Electors Photo Identity Card નંબર દૂર થઈ જશે.
શું ચૂંટણીપંચ તટસ્થ છે? વડા પ્રધાન મોદીજીએ અનેક વખત આચારસંહિતાનો ભંગ કરેલ છે. એક તરફ મતદાન ચાલુ હોય અને બીજી તરફ ચૂંટણી રેલી પણ ચાલુ હોય ! પ્રચારમાં ધર્મ-મંદિરનો ઉપયોગ, મુસ્લિમ સમુદાયને વિલન ચીતરવો વગેરે અનેક પ્રસંગોએ ચૂંટણીપંચે આંખ / કાન / મોં બંધ રાખેલ છે. ચૂંટણી કમિશનરની નિમણૂક વડા પ્રધાન કરે છે. નિમણૂક કમિટીમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કાઢી મૂક્યા છે. એટલે ‘ઉત્તમ ચાપલૂસ’ની નિમણૂક થાય છે. તટસ્થતા જોવા મળતી નથી. ‘ચૂંટણી પંચ માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી. બધા બરાબર !’ આ દલીલ ગળે ઊતરી શકતી નથી. ખુદ ચૂંટણીપંચ સત્તાપક્ષનું ખેંચે છે એટલે વિપક્ષ ચૂંટણીપંચની મુદ્દા આધારિત આલોચના કરે છે, તેને ‘ખભા પર બંદૂક રાખી રાજનીતિ કરે છે’ તેમ કહી શકાય નહીં. ફરિયાદી પુરાવા ન આપે તો ચૂંટણી પંચે જાતે સુધારણા કરવાની હોય કે નહીં? રાહુલ ગાંધીએ જે ડેટાનો ઉપયોગ કરેલ છે તે ‘ડેટા ચૂંટણીપંચનો નથી’ એમ કહેતા શરમ પણ ન આવે? માની લઈએ કે રાહુલ ગાંધીએ તદ્દન ખોટા ડેટા આપેલ છે તો તેમની સામે ચૂંટણીપંચ કોગ્નિઝેબલ ગુનો કેમ દાખલ કરતું નથી? ‘7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આક્ષેપો નિરાધાર માનવામાં આવશે !’ આમે ય ચૂંટણીપંચ સત્ય સ્વીકારતું નથી એટલે જ રાહુલ ગાંધી વોટ-ચોરીનો મુદ્દો લોકો સમક્ષ લઈ ગયા છે. ‘લોકોને ગેરમાર્ગે દોરવા તે લોકતંત્રનું અપમાન છે’ સહમત. પરંતુ લોકોને ગેરમાર્ગે કોણ દોરે છે, રાહુલ ગાંધી કે ચૂંટણીપંચ? ‘ખોટા આક્ષેપોથી ચૂંટણી પંચ ડરતું નથી’ આવું કહેનાર બંધારણીય સંસ્થા છે કે રાજાશાહી સંસ્થા? જો ‘મતદાર યાદીની ત્રુટિઓની જાણકારી રાજકીય પક્ષો આપે’ તો ચૂંટણીપંચે શું મંજિરા વગાડવાના હોય છે? ‘મતદાર યાદીનું વેરિફિકેશન થઈ રહ્યું છે. SIR-Special Intensive Revision થઈ રહ્યું છે’ તે સારી બાબત છે પણ તેમાં પારદર્શકતા તો રાખો ! ચૂંટણી પંચે જીવતા લોકોને મરેલા ઘોષિત કેમ કરી દીધાં છે? ચૂંટણીપંચે મહાદેવપુરા બેઠકમાં 1 લાખ નકલી મતદારો અંગે કેમ કોઈ સ્પષ્ટતા કરી નથી? બિહારના બગાહામાં, 9 ઘરોમાં 100થી વધુ મતદારો રહે છે, જ્યારે એક ઘરમાં 248 નકલી મતદારો છે. પીપરાના બૂથ નંબર 310ના એક ઘરમાં, 509 મતદારો મળી આવ્યા છે !
ચૂંટણી પંચના જવાબો અને ઉપરછલ્લી હાસ્યાસ્પદ દલીલો પાછળ, તેમની પ્રવૃત્તિઓમાં મોટી વિસંગતતા અને શુદ્ધ અપ્રમાણિકતાના ફિંગરપ્રિન્ટ્સ સ્પષ્ટપણે જોવા મળે છે. ચૂંટણીપંચ માત્ર 90 કરોડ મતદારો અને 140 કરોડ લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે અને તેમની સામાન્ય બુદ્ધિની મજાક પણ ઉડાવી રહ્યું છે. ચૂંટણીપંચ આવી હિંમત એટલે કરી રહ્યું છે કે તેમને વડા પ્રધાન મોદીજીનું પીઠબળ છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે દલીલ કરી છે કે ‘પારદર્શક પ્રક્રિયામાં કોઈ ‘વોટ ચોરી’ કઈ રીતે કરી શકે?’ બરાબર, પણ ચૂંટણી પંચ પારદર્શક છે ખરું? જો ચૂંટણી પંચ પારદર્શક હોય તો ડિજિટલ, મશીન-રીડેબલ વોટર રોલ આપવામાં વાંધો શું છે? ચૂંટણી પંચ ફોર્મ 17 ડેટા(જે બૂથ પર પડેલા કુલ મતોનું પ્રમાણપત્ર છે)ની બૂથવાર માહિતી વેબસાઇટ પર અપલોડ કરવાનો અથવા જિલ્લા રિટર્નિંગ અધિકારીઓને હાર્ડ કોપી આપવાનો ઇનકાર કેમ કરે છે? EVMમાં પડેલા મતો અને EVM દ્વારા ગણતરી કરાયેલા મતો વચ્ચે તફાવત કેમ હોય છે? ચૂંટણીપંચ મતદારોના CCTV ફૂટેજ શેર કરવામાં કેમ ડરે છે? મુખ્ય ચૂંટણી કમિશનરની હાસ્યાસ્પદ દલીલ તો જૂઓ : “મતદાન કરતી માતાઓ અને બહેનોના CCTV ફૂટેજ મહિલાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન છે !” અરે જ્ઞાનેશકુમારજી ! બૂથની બહાર લાઇનમાં કઈ ગોપનીયતા છે?
મતદાર યાદીની ખામી એટલે લોકશાહીની ખામી. આવી ખામીઓને દૂર કરવાની પ્રાથમિક જવાબદારી ચૂંટણીપંચની છે. ચૂંટણીપંચે આ કામ વહિવટીતત્ર પાસે કરાવવું જોઈએ. ચૂંટણીપંચ સત્ય સમજવાનો પ્રયાસ પણ કરતું નથી. જેમ કોઈ નાવિકે ફક્ત તેની હોડીમાંથી સમુદ્ર જૂએ છે, સમુદ્રની ઊંડાઈ કે વિશાળતાનો અનુભવ કરતો નથી. તેવી જ રીતે, ચૂંટણીપંચ ઉપરછલ્લી વાત કરે છે. ચૂંટણીપંચે વસ્તુઓને ફક્ત બાહ્ય રીતે ન જોવી જોઈએ, પરંતુ તેના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજાઓની લાગણીઓ, તેમના સત્યને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ચૂંટણીપંચની હરકત જોતાં કવિ બશીર બદ્ર યાદ આવે છે :
आंखों में रहा दिल में उतर कर नहीं देखा,
कश्ती के मुसाफ़िर ने समुंदर नहीं देखा !
18 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર