મકરંદ મહેતા, અચ્યુત યાજ્ઞિક
અણમોલ પ્રકાશન, અમદાવાદ. કિંમત ₹૬૦.
સમાજસુધારણાના યોદ્ધા એવા કરસનદાસ મૂળજી વિશે એમની જીવનનોંધની એક પુસ્તિકા હાલમાં વાંચવામાં આવી. મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક લિખિત આ 1983માં પ્રકાશિત પુસ્તિકાની આ દ્વિતીય આવૃત્તિ 2024માં પુનઃપ્રકાશિત થઈ છે. માત્ર અડતાલીસ પૃષ્ઠોમાં સમાવિષ્ટ આ પુસ્તિકામાં શૂરવીર પત્રકાર કરસનદાસ મૂળજીના માત્ર ઓગણચલીસ વર્ષના ટૂંકા આયુષ્યમાં એમણે કરેલાં સમાજસુધારણાનાં ટોચનાં કામોની નોંધ છે. ઓગણીસમી સદીના મધ્યાહ્નમાં સમાજમાં પ્રવર્તતાં જાત જાતનાં સામાજિક દૂષણો સામે બંડ પોકારી ધાર્મિક પાખંડો સામે એમણે રીતસરનો સંઘર્ષ કર્યો.
કરસનદાસ મૂળજીનો જન્મ સન 1832માં થયો, જ્યારે અંગ્રેજ સરકાર ભારતમાં આરૂઢ થઈ ચૂકી હતી. એમના સમયમાં નિરક્ષરતા, જાતિપ્રથા, ભેદભાવ આભડછેટ, બાળલગ્ન, વિધવાવિવાહ નિષેધ, જ્ઞાતિ બહિષ્કૃતી, સ્ત્રીઓ પર અત્યાચાર, ધર્મના નામે થતા પાખંડ, શોષણ, અંધશ્રદ્ધા, વહેમ ટોચ પર હતાં. પરદેશગમન સામે ન્યાતબાર મુકાવું જેવાં અનેક દૂષણોમાં આપણી પ્રજા ફસાયેલી હતી. સમગ્ર પુસ્તિકામાંથી પસાર થતાં વીર યોદ્ધા કરસનદાસ મૂળજીએ આદરેલી જનજાગૃતિની ઝુંબેશ, એમણે લખેલા ‘રાસ્ત ગોફ્તાર’ તથા ‘સત્યપ્રકાશ’ના લેખો છે. 1852માં ‘રાસ્ત ગોફ્તાર’ના લેખ પછી 1855માં ‘સત્યપ્રકાશ’માં એમણે આ બધાં દૂષણો સામે રીતસરનું રણશિંગું ફૂંક્યું. ‘સત્યપ્રકાશ’ તેમની ઝુંબેશનું માધ્યમ બન્યું. એમણે સાબિત કરી દીધું કે, ‘A Pen is mightier than a Sword’. 1852માં એમનો પહેલો નિબંધ ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ સામે વંચાયો, ત્યાંથી આ ચિનગારી મશાલ બને છે. કલમ ‘સત્યપ્રકાશ’માં તેજાબી અને જેહાદી બને છે.
1858માં ‘સત્યપ્રકાશ’માં એમણે ચલાવેલી વૈષ્ણવ મહારાજ સામેની ઝુંબેશ એમના જીવનનું સીમાચિહ્ન બની રહે છે. વૈષ્ણવ સંપ્રદાયના જદુનાથમહારાજ સામે એમણે ચલાવેલી કલમે એમને કોર્ટનો દરવાજો બતાવ્યો અને કરસનદાસ મૂળજી સામે જદુનાથમહારાજે દાવો માંડ્યો તે ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતો બન્યો. લોકોજીભે ચર્ચાને ચાકડે ચઢ્યો. એમાં કરસનદાસ મૂળજીની જીત થઈ અને ખરચેલાં થોડાં નાણાં પરત મળ્યાં, ત્યારબાદ કરસનદાસ ૧૮૬૭માં રાજકોટ રાજ્યના આસિસ્ટન્ટ સુપરિટેન્ડટ નિયુક્ત થાય છે. આખા સૌરાષ્ટ્રમાં ભાષણો આપ્યાં. સૌરાષ્ટ્ર ખૂંદી વળ્યા. 1870માં લીંબડી બદલી થઈ. જીવનના અંતિમ દાયકામાં અહીં પણ એક સીમાચિહ્ન રૂપ કામ કર્યું. ધનકુંવરબાઈ નામની એક વિધવા સ્ત્રીનું પુનઃલગ્ન એમણે કરાવ્યું. આ પુસ્તિકામાં ધનકુંવરબાઈની છબી તથા ‘સ્ત્રીબોધ’માં હિન્દુ વિધવા સ્ત્રીઓની અવદશા વિશેના એક લેખના અંશ પણ સમાવિષ્ટ છે. જીવનના અંતિમ દાયકામાં પરદેશગમનને કારણે બહિષ્કૃત થયેલા કરસનદાસ કપોળ વાણિયાની જ્ઞાતિમાં સમાવિષ્ટ થાય છે. બંધનો તોડવા કે માફી માંગવા એ ટસના મસ થયા નહોતા.
28મી ઑગસ્ટ ૧૮૭૧માં નાદુરસ્ત તબિયતને કારણે એ અવસાન પામ્યા.
આ પુસ્તિકમાં સમાવેલી સાલવારી પરિશિષ્ટ–એક અને પરિશિષ્ટ–બે છે. પરિશિષ્ટ–એકમાં વીર કરસનદાસ મૂળજીનો જન્મ, 1832થી 1871માં એમણે કરેલાં કાર્યોની નોંધ છે, તો પરિશિષ્ટ–બેમાં 19મી સદીની ગુજરાતની સામાજિક–સાંસ્કૃતિક સાલવારી છે. આમ તો સમાવિષ્ટ બધી જ સાલ મહત્ત્વની છે, છતાં જે નોંધ્યું છે તે 1824માં સ્વામી દયાનંદનો જન્મ, 1826માં દુર્ગારામ મહેતાનો જન્મ, 1829માં મહીપતરામ રૂપરામનો જન્મ અને 1833માં કવિ નર્મદાશંકરનો જન્મ અને 1836માં નવલરામનો જન્મ. સામાજિક સુધારણાના મશાલધારીઓનો જન્મ લગભગ એક જ દાયકામાં થાય છે. તેમાં એક યોગાનુયોગ એવો બને છે કે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ત્રણ જણ, નર્મદાશંકર, કરસનદાસ અને મહીપતરામ અભ્યાસમાં આગળપાછળનાં વર્ષમાં હતા. કવિ નર્મદાશંકર કૉલેજના પ્રથમ વર્ષમાં, કરસનદાસ બીજા વર્ષમાં, મહીપતરામ રૂપરામ ત્રીજા વર્ષમાં આગળપાછળનાં વર્ષમાં છે. આ ત્રિપુટીની સુધારણાની ઝુંબેશમાં એકબીજાની પડખે રહે છે. આ ઝીણવટભરી નાની નાની નોંધ આ પુસ્તિકાનું ધ્યાન પર આવે એવું સબળ પાસું છે. આ ત્રિપુટીની અભ્યાસ અને પરિણામની વિગત. મહીપતરામે લખેલ કરસનદાસનું જીવનચરિત્ર. જીવનચરિત્રની બીજી આવૃત્તિનું મુખપૃષ્ઠનું ચિત્ર મહીપતરામનું ચિત્ર. નવલરામે મહારાજ લાયબલ કેસની પદ્યરચનાના અંશ અને નવલરામની છબી. એના લેખકોની સૂક્ષ્મ અને સજ્જ સંશોધનકારની દૃષ્ટિ હોવાના કારણે એમના આ કસબનો ખ્યાલ આપણને ઝીણી ઝીણી વિગતોથી આવે છે.
‘કરસનદાસ મૂળજી જીવન-નોંધ’ પુસ્તિકા એક વિશિષ્ટ પ્રકારની પુસ્તિકા છે. 25 જુલાઈ 1983માં પ્રથમ આવૃત્તિ કરસનદાસની સાર્ધ શતાબ્દી નિમિત્તે પ્રસિદ્ધ ઇતિહાસકાર મકરંદ મહેતા અને પ્રબુદ્ધ પત્રકાર અચ્યુત યાજ્ઞિકે પ્રસિદ્ધ કરી હતી. તેનું પુનઃમુદ્રણ ચોથી ઑગસ્ટ 1924ના દિને અચ્યુત યાજ્ઞિકના સ્મૃતિદિને એમના અનુજ ડૉક્ટર ગૌરાંગ જાનીએ અણમોલ પ્રકાશન તરફથી કર્યું છે. ગાગરમાં સાગર સમાન આ પુસ્તિકાનું સફાઈદાર મુદ્રણ ઊડીને આંખે વળગે એવું છે. બ્લૅક ઍન્ડ વાઇટ સિલુએટ (Silhouette) પૅટર્નનું આ આવરણ પુસ્તિકાની સજ્જામાં અભિવૃદ્ધિ કરે છે.
1/852, ધાતિગરા સ્ટ્રીટ, નાનપુરા, સુરત. પિન – 395 001.
સૌજન્ય : “નવનીત – સમર્પણ”; નવેમ્બર 2024; પૃ. 120-122