Opinion Magazine
Number of visits: 9504391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઓરીને પત્ર

નારાયણ દેસાઈ|Gandhiana, Opinion - Opinion|22 August 2024

(કાઓરી કુરીહારા એક જાપાનીઝ યુવતી. ગાંધી વિચાર-દર્શનમાં વિશેષ રુચિ. આથી ગાંધીજીને જાણવા-સમજવા ખાસ ભારત આવી. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં રહી અને ગાંધીદર્શન પર પીએચ.ડી. કર્યું. ગાંધીજીને વધુ સમજવા ખાસ ગુજરાતી શીખી. નારાયણભાઈ દેસાઈની ગાંધીકથા ય સાંભળતી-માર્ગદર્શન મેળવતી.  – સંપાદક, “ભૂમિપુત્ર”)

જાપાનમાં સુનામી આવી અને દરિયાકિનારે જ આવેલ અણુમથક એમાં સપડાયેલું. સૌ લોકો ચિંતિત હતા. ત્યારે કાઓરીએ કેટલાક પ્રશ્ર્નો પૂછેલા તેના જવાબરૂપે આ પત્ર લખાયો હતો. તેના કેટલાક અંશો.

પ્યારી પુત્રી કાઓરી,

કાઓરી કુરીહારા અને નારાયણ દેસાઈ

તારી સાથે ઓળખાણ હતી એટલે જેવું સાંભળ્યું કે તારો દેશ એકસાથે ત્રણ મોટાં સંકટોમાં ફસાયો છે, તેવું જ મારું મન તારા ભણી દોડી ગયું. મેં જ્યારે તારા ઘરનાં સંબંધીઓ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેં તો મને એક ગંભીર પ્રશ્ન પૂછીને વિચાર કરતો કરી મૂક્યો. તેં સાવ સહજભાવે મને પૂછ્યું કે જો આજે ગાંધીજી હોત તો જાપાનના લોકો શું કહેત ? તારે સારુ આ પ્રશ્ન સ્વાભાવિક છે, કારણ તને ગાંધીજીમાં ઊંડો રસ છે. અને તું જાણે છે કે હું ગાંધીજીના ખોળામાં રમ્યો છું પણ મારે માટે આ પ્રશ્ન કઠણ છે. એટલા માટે કે :

૧. મને એમ થાય કે આવા પ્રશ્નનો જવાબ આપવાનો મારો અધિકાર કેટલો ? અને

૨. ગાંધી તો નિત્યવિકાસશીલ વ્યક્તિ હતા. એમને ગયાને પણ કેટલાં ય વર્ષો થઈ ગયાં. મેં એમને જોયા-જાણ્યા તેને આધારે જવાબ આપું, પણ તેઓ તો આટલાં વર્ષોમાં ક્યાંયના ક્યાં ય આગળ વધી ગયા હોત. એટલે મારો જવાબ કદાચ જુનવાણી પણ બની જાય !

પહેલી વારની ચેતવણી આપણને – આખી માણસજાતને હિરોશીમા-નાગાસાકીમાં મળી ગઈ હતી. પણ દુનિયા આખીએ આવી તેજાબી ચેતવણી આગળ આંખ આડા કાન કર્યા. ત્યાર પછીના દાયકાઓ સુધી આપણી માણસજાતે એકબીજાની સામે મૉતનાં શસ્ત્રોના ખડકલા જ કર્યે રાખ્યા. અને પાછું એને રૂપાળું નામ આપ્યું “શીત યુદ્ધ” ! વળી પરમાણુ શસ્ત્રો અને પરમાણુ ઊર્જાનો સંબંધ “ચોલી દામન” હતો. એ આપણે ન સમજ્યા. પરમાણુ શસ્ત્રના શિકાર બનેલા તમારા દુર્ભાગી દેશે એ જ રસ્તો લીધો. “શાંતિ માટે અણુ” એ તો પોતાની લાજ છુપાવવા માટેનું, કહેવાતી વિકસિત દુનિયાનું એક મોટું બહાનું જ હતું. હવે તો એ પુરવાર થઈ ચૂકેલી વાત છે કે પરમાણુ ઊર્જા સ્વચ્છ નથી, સસ્તી નથી અને સલામત તો હરગિજ નથી.

તમારા દેશે અણુઊર્જા પાછળ દોટ મૂકવાનું સ્વીકાર્યું તેની પાછળ કદાચ નીચેનાં કારણો હોઈ શકે :

૧. તમારી પાસે ઊર્જા મેળવવાના બીજા સ્રોતો પ્રમાણમાં ઓછા હતા.

૨. વિકાસ એટલે જરૂરિયાતો વધારવી, એ વ્યાખ્યા તમારા નીતિ – નિર્ધારકોને મનમાં વસી ગઈ હતી. અને એવા વિકાસની હોડમાં તમારે બને એટલા આગળ રહેવું હતું.

૩. આપણી નજર “પશ્ચિમ” ભણી જ રહી. એની આપણે એટલી હદ સુધી હરીફાઈ કરી કે એનાં મૂલ્યો, એની જીવનશૈલી, એની આખી સંસ્કૃતિ જ આપણો આદર્શ બની ગઈ અને આપણે આપણું આગવાપણું વિસારીને પશ્ચિમની નકલમાં લાગી ગયા અને કેટલીક બાબતમાં તો એને આંટી પણ ગયા.

૪. આપણે એમ જ માનીને ચાલ્યા કે અમારી ટેકનોલોજી તો કદી ભૂલ, થાપ ખાય જ નહીં. આપણા પહેલાં બીજા એકથી વધારે મોટા દેશોએ પણ આમ જ માન્યું હતું અને ખસૂસ ભૂલો કરી હતી. તોયે આપણે પોતાને કદી ભૂલ ન કરનારા માનતા રહ્યા. “માણસ માત્ર ભૂલને પાત્ર” એટલી સાધારણ બુદ્ધિને આપણે અળગી જ રાખી.

અમર્યાદ સંપત્તિ, નિરંકુશ સત્તા અને હદબહારની મહત્ત્વાકાંક્ષા – આ ત્રણ આપણા સમાજને નષ્ટ કરનાર ત્રિદોષ છે. એને કાબૂમાં રાખવા માણસે પોતાની મનોવૃત્તિ ફેરવવી પડશે. લોભ, સત્તાકાંક્ષા અને અહંકારને જીતવા આપણે સતત પ્રયત્ન કરતા રહેવો પડશે. સમાજનાં મૂલ્યો બદલવા સારુ છેવટે તો વ્યક્તિની મનોવૃત્તિ જ બદલવાની રહેશે. ઈર્ષા, મહત્ત્વાકાંક્ષા અને યુદ્ધને પ્રેરણા આપનાર સ્પર્ધાને બદલે આપણે પરસ્પર કાળજી રાખતો અને સુખદુ:ખ વહેંચતો caring – દરકાર રાખનાર અને sharing – સહભાગી થનાર સમાજ ઊભો કરવો પડશે.

આપણા સમાજના માળખામાં આપણે એવા ફેરફાર કરવા પડશે કે જેથી સમાજના સંચાલનમાં સમાજના દરેક સભ્યની ભાગીદારી થાય. એ ભાગીદારીનો દરેક સભ્ય લાભ પણ ઉઠાવતો હોય અને એને સારુ જરૂરી એવી ફરજ પણ એ અદા કરતો હોય.

જ્યાં લોકો એકબીજાને નિકટથી ઓળખતા હોય એવા સમુદાયમાં જ આ શક્ય છે. માટે આપણી નવી સમાજરચનાની ગોઠવણ નાના સમુદાયોવાળી કરવી પડશે. આને માટે ઘણાં સામાજિક નિરીક્ષણો ને પ્રયોગો  કરવાં પડશે. તમારી નવી પેઢીનું આ કામ છે. અમારી જૂની પેઢી જ્યાં સુધી સમાજને લઈ ગઈ છે, ત્યાંથી આગળ લઈ જવાનું કામ તમારું છે. માણસજાતના ઇતિહાસમાં તમને આને મળતા કેટલાક દાખલાઓ મળી આવશે. તમારું કામ એનું અધ્યયન કરીને એમની વ્યવસ્થામાંથી સમાજને ટકાવનાર તકો શોધી કાઢીને એને વિકસાવવાનું રહેશે. અલબત્ત આપણે જે નવી વ્યવસ્થા ઊભી કરવી છે તે કોઈ પુરાણી વ્યવસ્થાની નકલ તો નહીં જ હોય. આપણો પ્રયાસ પુરાણી વ્યવસ્થામાંથી સમાજપોષક તત્ત્વો શોધી કાઢીને તેની કલમ નવી વ્યવસ્થાના પડકાર સાથે કરવાનો હોવો જોઈએ.

કામ ભલે થોડું કે નાનું હોય, પણ તે સતત થતું રહેવું જોઈએ. સાતત્ય કામને જે શક્તિ આપે છે તેવી શક્તિ કેટલીક વાર આંદોલન પણ નથી આપી શકતાં. ધ્યેય ઊંચું રાખવું, પણ આંખો સામે નાનાં, પણ સિદ્ધ થાય એવાં લક્ષ્ય રાખવાં.

આજની જટિલ પરિસ્થિતિનો વિચાર કરતાં સમૂળગું પરિવર્તન કરવાની વાત સાવ સહેલી નથી, એ હું સ્વીકારું છું. પણ આદર્શ તો એવો જ હોય ને કે જે પહોંચમાં હોય, પણ પકડમાં ન હોય ! તો જ એને સારુ પરાક્રમ કરવાની પ્રેરણા થાય.

વ્યક્તિગત સજ્જતા જો તમે ઉપર જણાવ્યા તે મુદ્દાઓ મુજબ સાધી, એની સાથેસાથે જ સમાજ પરિવર્તન સારુ નીચેના રસ્તાઓ લેવા જોઈએ એમ મને લાગે છે :

૧. સૌથી પહેલાં તો આજની પરિસ્થિતિમાં રહેલાં એવાં તત્ત્વો જે નૈતિક, સાંસ્કૃતિક કે અન્ય વિષયોમાં જીવન-મરણની કટોકટી ઊભી કરે છે, અને ભવિષ્યમાં કરી શકે એમ છે તે બાબત ખૂબ મોટા પ્રમાણમાં લોકજાગરણ થવું જોઈએ. આ કામ વ્યાપક લોકશિક્ષણ દ્વારા જ થઈ શકે. એને સારુ પ્રચાર અને માધ્યમોનો પણ ઉપયોગ થઈ શકે. અને લોકજાગરણના નવાં વૈકલ્પિક માધ્યમોની શોધ પણ થવી જોઈએ. સમાજનો વિવેક જગાવવો એ પરિવર્તનનું પહેલું પગલું છે.

૨. ત્યારબાદ લોકોની શક્તિ સંગઠિત થવી જોઈએ. સંગઠન સત્તા કબજે કરવા સારુ નહીં. સત્તા કબજે કરીને પરિવર્તનનો પ્રયત્ન એ સાચો ક્રાંતિકારી પ્રયત્ન નથી. મોટેભાગે તો આવા પ્રયાસથી ચાલુ વ્યવસ્થા જ વધુ મજબૂત થતી હોય છે. નવું અને નક્કર સંગઠન તો નીચેથી ઉપર, નાના નાના સમુદાયોમાં, ગામડાઓમાં અને મહોલ્લાઓમાં ઊભું થશે.

૩. વ્યવસ્થાને બદલવા જતાં ઠેક ઠેકાણે એનાં સ્થાપિત હિતો દ્વારા વિરોધ થશે. એમને તો દુનિયા સામે ગમે તેવું સંકટ આવીને ઊભું હોય, તો પણ તેમાંથી પોતાનું હિત જ સાધવું હોય છે. એમની સામે શીંગડાં માંડવા જનારે એ વાસ્તવિકતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે સ્થાપિત હિતો સંખ્યામાં ભલે નાનાં હોય, પણ તે સંપત્તિવાન છે, સત્તાવાન છે, અને સંચારનાં ઘણાંખરાં માધ્યમો પર અંકુશ છે. સંઘર્ષ કઠણ અને લાંબો થઈ શકે છે. આ બાજુ પરિવર્તન ઇચ્છનારાઓની મોટામાં મોટી શક્તિ લોકશક્તિ છે. એ શક્તિ લાંબા ગાળાના સંઘર્ષમાં છેવટ લગી તો જ ટકી રહે કે જો (અ) એમનામાં ફાટફૂટ ન પડે, (આ) શુદ્ધ સાધનોના ઉપયોગ કરવાના આગ્રહમાં તે મક્કમ હોય અને (ઈ) એને શુદ્ધ ચારિત્ર્યવાળું અને કુશળ નેતૃત્વ મળે. મને વિશ્વાસ છે કે તમારી સુસંસ્કારી, શિસ્તબદ્ધ અને ટકી રહેનારી પ્રજામાંથી જ આવું નેતૃત્વ તમને મળી રહેશે.

બહેન, તારા નાના પ્રશ્નનો મેં બાપુને નામે, લાંબો જવાબ આપ્યો, ક્ષમા કરજે. સાચો જવાબ તો તારા જેવા તરુણ તરુણીઓએ શોધવાનો છે. એની પાછળ અખૂટ શ્રદ્ધા અને વિલક્ષણ કાર્યક્ષમતા જોઈશે. તમારી વાદ-મુક્ત બુદ્ધિ અને વિકારશુદ્ધ હૃદય તમને જવાબ શોધવામાં જરૂર કામ લાગશે. કાળે આપણી સામે કટોકટી ખડી કરી છે. એ કટોકટી જ આપણને વિચાર કરવા પ્રેરશે અને છેવટે સર્વમંગલકારી શક્તિ જ આપણને પુરુષાર્થ કરવા પણ પ્રેરશે એવી શ્રદ્ધા સાથે.

તમારામાં માનવીનું ભાવિ ભાળતો તારો દાદાજી …

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 07-08

Loading

22 August 2024 Vipool Kalyani
← રણમાં પહોંચ્યા બાદ વેડફાતું નર્મદાનું પાણી
ગાંધી વિરોધીઓને સાદર →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved