
ચંદુ મહેરિયા
બાબાસાહેબ આંબેડકરે દલિતોને ‘હુકમરાન સમાજ’ બનાવવાનું જે સોણલું જોયું હતું તેનો જ્ઞાતિવાદથી ખદબદતી હિંદી પટ્ટીમાં અમલ કરાવી જાણનાર રાજનેતા એટલે કાંશીરામ (જન્મ 15 માર્ચ 1934 — અવસાન 09 ઓકટોબર 2006). ભારતના દલિત ચળવળના ઇતિહાસ પર અમીટ છાપ મૂકી જનાર કાંશીરામની સૌથી મોટી ઓળખ બહુજન સમાજ પક્ષના સ્થાપક અને દેશની બહુજન રાજનીતિના જનકની છે.
૧૯૩૨ના પૂના કરારના બે વરસ બાદ પંજાબના દલિત રૈદાસી શીખ પરિવારમાં કાંશીરામનો જન્મ થયો હતો. તેમનું જન્મસ્થળ પંજાબના હોંશિયારપુર ઈલાકાના રોપડ જિલ્લાનું ખવાસપુર ગામ. ખાધેપીધે સુખી કિસાન પરિવારના બાળક-કિશોર કાંશીરામને ન તો જ્ઞાતિપ્રથાનો કે ન તો ગરીબી- અભાવનો કોઈ અનુભવ થયો હતો. ચાર બહેનો અને ત્રણ ભાઈઓનું તેમનું કુટુંબ જેમ આર્થિક તેમ શારીરિક તાકાતે પણ સંપન્ન હતું. બાળપણથી જ ‘કોઈની શું મજાલ કે અમને હાથ લગાડી શકે’ એવી તાકાત મળી હતી. નાત બિરાદરીના પહેલા સાયન્સ ગ્રેજ્યુએટનું બહુમાન મેળવનાર કાંશીરામ પણ અન્ય અનામતજીવી દલિત જમાતની જેમ સરકારી નોકરીમાં લાગી ગયા હતા.

કાંશી રામ
૧૯૫૬માં બાબાસાહેબના નિર્વાણના શોકે સહકાર્યકર ગૈનીને ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા જોયા ત્યાં સુધી તેમને બાબાસાહેબનો પણ કશો પરિચય નહોતો. ૧૯૫૮માં પંજાબથી વાયા દહેરાદૂન પૂનામાં તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલિટરી એક્સ્પ્લોઝીવમાં સંશોધન અધિકારીના પદે નોકરીમાં હતા. ૧૯૬૪માં તેમના સંસ્થાને જાહેર રજાઓની યાદીમાંથી ડો. આંબેડકર અને ગૌતમ બુદ્ધ જયંતીની જાહેર રજાઓ રદ્દ કરી નાંખી. ૧૯૫૬માં બાવીસ વરસના કાંશીરામને ડો. આંબેડકરના જીવનકાર્યનો પરિચય થયો હતો. પરંતુ તેના એકાદ દાયકે પણ આ જાહેર રજાઓની કમીના વિરોધમાં અવાજ ઉઠાવવા જેટલા એ જાગ્રત અને સક્ષમ નહોતા. રાજસ્થાની દલિત એવા સંસ્થાનના વર્ગ ૪ના કર્મચારી દીના ભાનાએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને બરતરફી વહોરી તે ક્ષણ કાંશીરામ માટે સાક્ષાત્કારની હતી. તેમણે ભાનાનું સમર્થન કર્યું અને તે ઘડીથી દલિત જાગ્રતિ માટે પાછું વળીને જોયું નહીં. દીના ભાનાને ન્યાય અપાવવા તે એવા તો લાગી ગયા કે નોકરીને પણ તિલાંજલી આપી દીધી આજીવન અપરિણિત રહી દલિત ઉત્થાનમાં લાગી જવાના સંકલ્પ સાથે પરિવારનો પણ ત્યાગ કરી દીધો હતો.
દીના ભાના પ્રકરણ વખતે એક જ રાતમાં ત્રણ વાર ડો. આંબેડકરના ‘એની હિલેશન ઓફ કાસ્ટ’નું તેમણે વાચન કર્યું. એ રીતે બાબાસાહેબના વિચારવારસાએ કાંશીરામનો પથ અજવાળ્યો હતો. અનામતજીવી ગણાતી અને નવા બ્રાહ્મણની ગાળો ખાતી દલિત સરકારી અધિકારીઓ-કર્મચારીઓની જમાતને જ તેમણે દલિત ચળવળ માટે ખપમાં લીધી. ચૌદમી ઓકટોબર ૧૯૭૧ના રોજ કાંશીરામે પૂનામાં દલિત, આદિવાસી, અન્ય પછાત વર્ગો અને લઘુમતી વર્ગના કર્મચારીઓનું ‘બામસેફ’ – પૂના સંગઠન બનાવ્યું હતું. સાઈકલ પર જ એ ફરતા અને પોતાના વિચારો કર્મચારીઓને જણાવતા. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૮ના રોજ દિલ્હીમાં ‘બામસેફ’(ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન – BAMCEF)ની રાષ્ટ્રીયસ્તરે સ્થાપના કરી અને પે બેક ટુ સોસાયટીનો નિયમ સૌને સમજાવ્યો હતો.
અનામતના લાભાર્થી દલિત-આદિવાસીઓ સાથે તેમણે પછાતવર્ગો-લઘુમતીઓને જોડી બહુજન એકતાની સંકલ્પના કરી હતી. ‘બામસેફ’ને કાંશીરામ બિનરાજકીય, બિનધાર્મિક અને બિનઆંદોલનાત્મક સંગઠન રાખવા માંગતા હતા. તેથી ૧૯૮૧માં તેમણે કર્મચારીઓ સિવાયના દલિતોને પણ સંગઠનમાં જોડવા ડી એસ ફોર(દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ)ની રચના કરી હતી. કાંશીરામે ‘બામસેફ’ અને ડી એસ ફોર મારફત પોતાના વિચારોને બૌદ્ધિક અને આંદોલનકારી માર્ગે ફેલાવવા દેશભરમાં પ્રયાસો કર્યા. “ઓપ્રેસ્ડ ઇન્ડિયન” અને “બહુજન સંગઠક” નામક છાપાં-સામયિકો કાઢ્યાં. આ નામો જ તેમની વિચારધારાના દ્યોતક નથી શું?.
કાંશીરામને માત્ર રાજકીય નેતા કે ગઠબંધન રાજનીતિના માહોલમાં અવસરવાદી સત્તાશૂરા તરીકે ખતવી નાંખનારાઓએ તેમની આરંભિક અને થોડી મર્યાદિત એવી સામાજિક ચળવળોને પણ સંભારવી જોઈએ. ‘આપણી બુદ્ધિ, આપણો પૈસો અને આપણી મહેનત’ના સૂત્રે ચાલતા કાંશીરામની ઉત્તર પ્રદેશની ફતેહના મૂળમાં દલિત મહિલાઓનું દારૂબંધી અભિયાન રહેલું છે. માયાવતીની દોમદોમ સાહ્યબીની વાતો માધ્યમોમાં ખૂબ ચગે છે પણ કાંશીરામની સાઈકલ માર્ચ અને ‘બે પૈડાં બે પગ’ ઝુંબેશ વિશે ભેદી મૌન પળાય છે. યોગેન્દ્ર યાદવે તેમના અંજલિ લેખમાં કાંશીરામની સભાઓમાં સભા સ્થળ જેટલી જ મોટી જગ્યા સાઈકલોના પાર્કિંગ માટે રાખવામાં આવતી હોવાનું અને તેમના દલિત ચાહકો કેટલા ય કિલોમીટર દૂરથી સાઈકલો પર સભામાં આવતા હોવાનું નોંધ્યું હતું.
રાજકીય સત્તાને વંચિતો-બહુજનોના સઘળા દુ:ખોની ગુરુચાવી માનતાં કાંશીરામે ‘ભાઈચારા બનાવો’ , ‘જાતિ તોડો, સમાજ જોડો’ જેવાં સામાજિક આંદોલનો પણ કર્યા હતા. ‘સામાજિક પરિવર્તન અને આર્થિક મુક્તિ’ કાંશીરામના આંદોલનના અનિવાર્ય ભાગ હતા. રાજકીય અનામતોને કારણે દલિત રાજકારણીઓનો ‘ચમચાયુગ’ જન્મ્યો હોવાનું તેઓ ભાર દઈને કહેતા હતા. તેમણે ચમચાયુગની ટીકા તો કરી છે પણ તેની નાબૂદીના ટૂંકા ગાળાના, લાંબા ગાળાના અને કાયમી ઉપાયો પણ બતાવ્યા હતા.
કાંશીરામે દલિતોને રાજકીય સત્તા તરીકે સ્થાપવા ‘બહુજન સમાજ પાર્ટી’ની સ્થાપના કરી હતી. તેના પાયામાં બહુજન કર્મચારીઓનું ‘બામસેફ’ સંગઠન હતું તે ભૂલવું ન જોઈએ. જો કે બહુજન સમાજ પાર્ટીને રાજકીય સત્તાનું કેન્દ્ર બનાવવા માટે તેમના સામાજિક-આર્થિક આંદોલનો ભૂલાઈ ગયા એટલે દલિતોને માત્ર રાજકીય સત્તા તરીકે સ્થાપતી મૂલ્યહીન અને વિચારધારા વગરની રાજસત્તા જ કેટલાક વરસોથી શેષ રહી છે.
બહુજન સમાજ પાર્ટીએ કાંશીરામના ગૃહરાજ્ય અને અનેક સામાજિક આંદોલનો પચાવી ચૂકેલા પંજાબ, ફુલે-આંબેડકરની ભૂમિ મહારાષ્ટ્રને બદલે જ્ઞાતિવાદ અને સામંતવાદથી ખદબદતા ઉત્તર પ્રદેશમાં કાઠું કાઢ્યું તેનો માયનો પણ સમજવા જેવો છે. બ.સ.પા. રાષ્ટ્રીય પક્ષની માન્યતા મેળવી શકી અને યુ.પી.માં માયાવતી એકાધિકવાર મુખ્ય મંત્રીનો તાજ પહેરી શક્યા છે દેશના સૌથી મોટા રાજ્યમાં બી.એસ.પી.ને લગભગ ચોથા ભાગના મતદારોનું સમર્થન મળતું થયું અને કાશ્મીરથી અંજાર સુધી બ.સ.પા.નો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ કાંશીરામનો કઠિન પરિશ્રમ રહ્યો છે.
કાંશીરામે ઈચ્છ્યું હોત તો તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કે ભા.જ.પ.ની કૃપાથી રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ તેઓ દલિત સમાજને ‘હુકમરાન સમાજ’ બનાવવા માટે વડા પ્રધાનની ખુરશીથી ઓછું કશું જ ઈચ્છતા નહોતા. ભા.જ.પ., કાઁગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા જુદી જુદી રાજકીય વિચારધારાના પક્ષો સાથે તેમણે રાજકીય ગઠબંધનો કર્યા હતા. સાપનાથ અને નાગનાથની લડાઈમાં તેઓ દલિત નોળિયારૂપી સત્તા નિયંત્રણ ઈચ્છતા હતા. આંબેડકરની બૌદ્ધિકતા અને જગજીવન રામની અસીમિત રાજકીય સત્તા કરતાં કાંશીરામે જુદો માર્ગ પસંદ કર્યો હતો. એકાદ દસકામાં જ તેમણે બહુજન સમાજ પાર્ટીને દેશભરમાં ગાજતી કરી મૂકી હતી. પરંતુ કાંશીરામ તેનો લોકશાહી ઉછેર કે મૂલ્યલક્ષી વિચારધારાવાળી રાજકીય પાર્ટી તરીકેનો વિસ્તાર કરી શક્યા નહીં. તેઓએ માયાવતીને ઉત્તર પ્રદેશના રાજપથ પર સ્થાપ્યાં અને પોતાના રાજકીય ઉત્તરાધિકારી પણ બનાવ્યાં હતાં. જો કે માયાવતીની મહત્ત્વા કાંક્ષાઓ અને રાજકીય પ્રોઢિનો અભાવ કાંશીરામના અધૂરા કાર્યને આગળ ધપાવશે કે કેમ એવો સવાલ બ.સ.પા.ની વર્તમાન હાલતા જોતાં તેના સમર્થકો અને ચાહકોને થાય છે.
ભારતની દલિત રાજકીય ચળવળોનો ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’થી આરંભાયેલા ઇતિહાસને કાંશીરામ ‘બહુજન સમાજ પક્ષ’ સુધી લાવ્યા છે. બહુજન સુપ્રીમો તરીકે જ નહીં, દલિત ચેતના કે શક્તિનું રાજકીય તાકાતમાં, રાજસત્તામાં રૂપાંતર કરનાર અને તે માટે અનામત લાભાર્થીઓનો યોગ્ય ઉપયોગ કરી જાણનાર વિચારક તરીકે પણ કાંશીરામ કાયમ યાદ રહેશે.
e.mail :maheriyachandu@gmail.com