ગ્રંથયાત્રા : 8
“ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલાવેલી છે. સહેજ આગળ વધીએ તો ગરબાને થોડુંઘણું નૃત્ય સાથે અડપલું કરવા દઈએ. પણ ગરબાનું વ્યક્તિત્વ કોઈ પણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ના જ જોઈએ.” આ શબ્દો છે ગરબાને અનહદ લાડ કરીને ઉછેરનાર અવિનાશ વ્યાસના.
તેમના ગરબા એટલા તો લોકપ્રિય થયા છે કે કેટલીક વાર અજાણતાં લોકગીતોનાં સંપાદનોમાં સમાવાઈ ગયા છે. જુદાં જુદાં પુસ્તકોમાં વેરાયેલા તેમણે લખેલા ગરબા-રાસ ‘કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ નામના પુસ્તકમાં એક સાથે સુલભ થયા છે. અહીં ૧૪૨ જેટલા ગરબા સંગ્રહાયા છે જેમાંના ૧૧ અગાઉ પ્રગટ ન થયા હોય તેવા છે. આ ઉપરાંત ૨૬ જેટલા રાસ પણ આ પુસ્તકમાં છે. ગરબા-રાસ એટલે એકવિધતા, ગતાનુગતિકતા, લોલેલોલ, એવો ખ્યાલ જો કોઈના મનમાં હોય તો તે આ પુસ્તક વાંચ્યા પછી ભાંગી જાય તેમ છે. કારણ અહીં ભાવ, વિષય, અભિવ્યક્તિ, તાલ, લય, વગેરેનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. પરંપરા સાથે અનુસંધાન સાચવતો આ ગરબો જુઓ :
માનો મરઘડો બોલ્યો કે રાત છે અંજવાળી,
પડી તાળી ને ડુંગરો ડોલ્યો કે રાત છે અંજવાળી.
તો બીજી બાજુ અવિનાશભાઈમાં રહેલી કવિત્વ શક્તિનો પૂરેપૂરો પરિચય આપતી કૃતિઓ પણ અહીં છે :
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
સારું આકાશ એક હિંડોળાની ખાટ
જેમાં ઝૂલે મારી જગદંબા માત, હિંડોળાની ખાટ.
તો કેટલીક વિશિષ્ટ કહી શકાય, પ્રયોગાત્મક કહી શકાય, નવી ભોંય ભાંગનારી કહી શકાય, એવી કૃતિઓ પણ અહીં છે. ‘ગરબાની ગાથા’માં લોકગીતો અને મધ્યકાલીન તેમ જ અર્વાચીન કવિઓના ગરબાનું સૂઝભર્યું સંકલન છે તો કાવ્યશાસ્ત્રની અષ્ટ નાયિકાઓને રજૂ કરતી કૃતિ પણ છે. પાંચ મહાભૂતો અને નવ ગ્રહોને લગતા ગરબા અહીં છે તો પાંચેક પંખીઓના કલરવ વિશેની કૃતિ પણ છે. અરે, સંસ્કૃત છંદોમાં લખાયેલો ગરબો પણ અહીં જોવા મળે છે. શાસ્ત્રીય રાગો પર આધારિત ગરબા પણ અહીં છે. વળી આ બધા કાગળ પરના પ્રયોગો નથી. આ પુસ્તકમાંની કોઈ કૃતિ એવી નહિ હોય જે ક્યારેક ને ક્યારેક રંગભૂમિ પરથી સફળતાપૂર્વક રજૂ ન થઈ હોય. અને છતાં આજે પણ આ કૃતિઓ વાસી લાગતી નથી.
પુસ્તકમાં જોડાયેલા લેખમાં ગૌરાંગ વ્યાસે કહ્યું છે તેમ “આટલાં વર્ષો પછી પણ એ ‘નવી’ જ લાગે છે એ જ એની ખૂબી છે.” પુસ્તકમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, અને કલ્લોલિની હઝરતનાં લખાણો પણ સમાવ્યાં છે. પુસ્તકનું સંકલન કરનાર અંકિત ત્રિવેદીએ કહ્યું છે તેમ “સાધના, આરાધના, અને ઉપાસનાના ત્રિવેણી સંગમ પર ઊભેલા આ ગરબા ક્ષણોને વીંધીને સદીઓને ઊજળી કરી રહ્યા છે.”
(અવિનાશ વ્યાસ, જન્મ ૨૧ જુલાઈ ૧૯૧૨)
21 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com