
રમેશ ઓઝા
૧૯મી સદીની મધ્યમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં રેલવે શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે કંપનીના કેટલાક રોકાણકારોએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે પ્રજા સાથે જમતી નથી એ પ્રજા સાથે પ્રવાસ થોડી કરવાની છે. ભારતમાં સાર્વજનિક પ્રવાસન અશક્ય છે અને જુદીજુદી પ્રજા માટે કેટલા ડબ્બા અલગ કરશો? સામે કેટલાક રોકાણકારોએ એવી દલીલ કરી હતી કે સ્વાર્થ અને સુવિધા એવી ચીજ છે જેને કોઈ નકારતું નથી. થોડો સમય પ્રતિકારનું નાટક કરશે અને પછી અપનાવી લેશે. તમે ભારતમાં કોઈ સવર્ણ દુકાનદાર કે વેપારી જોયો છે જે હરિજન ગ્રાહકને પાછો મોકલતો હોય કે મુસ્લિમ સાથે ધંધો ન કરતો હોય? લાભ અને સુવિધા માટે લોકો રસ્તો શોધી લેતા હોય છે.
દલીલમાં દમ હતો અને સત્ય સામે હતું એટલે કંપનીએ રેલવે શરૂ કરી. ૧૮૫૩માં મુંબઈથી થાણે વચ્ચે. તેને આગળ ખંડાલા સુધી વિસ્તારવામાં આવી. પેલી બાજુ પૂનાથી લોનાવાલા વચ્ચે ટ્રેન શરૂ કરી. વચ્ચે ભોર ઘાટ બળદગાડીમાં ચડવો પડતો, કારણ કે બોગદાં હજુ બનવાનાં બાકી હતાં. તો પણ પૂનાથી સવારે નીકળેલો પ્રવાસી સાંજે મુંબઈ પહોંચી જતો હતો. પૂનાના સંસ્કૃતિરક્ષક બ્રાહ્મણોએ રેલવેનો બહિષ્કાર કર્યો. અનેક જન્મો પૂણ્ય કર્યા પછી પવિત્ર બ્રાહ્મણનું ખોળિયું પામનાર પતિતો અને મ્લેચ્છો સાથે એક પંક્તિએ પ્રવાસ કેવી રીતે કરી શકે! પાતક! પાતક! હવે બન્યું એવું કે જે લોકો સંસ્કૃતિની રક્ષાના ઠેકેદાર નહોતા એ લોકો સવારે નીકળીને સાંજે મુંબઈ પહોચી જતા હતા અને ભટજીઓને મુંબઈ પહોંચતા બેથી ત્રણ દિવસ લાગતા હતા. ઉપરથી શારીરિક કષ્ટ અને હેરાનગતી વધારામાં. થોડા દિવસમાં તેઓ પણ પાણીની છાંટ નાખીને ટ્રેનમાં બેસવા માંડ્યા. સંસ્કૃતિની રક્ષામાં સમાધાન કર્યાં.
આ પ્રસંગ ટાંકવા પાછળનું કારણ એ છે કે ૧૯મી સદી અને ૨૧મી સદીમાં એક સમાનતા છે. અત્યારની જેમ જ ૧૯મી સદીએ સાંસ્કૃતિક આઘાત પહોંચાડ્યા હતા. ધંધા માટે આવેલા યુરોપિયન હવે શાસક થઈ ગયા અને તેમણે તેમની શાશનવ્યવસ્થા, તેમની મૂલ્યવ્યવસ્થા, તેમની ન્યાયવ્યવસ્થા, તેમની શિક્ષણપદ્ધતિ, તેમની ચિકત્સાપદ્ધતિ, તેમની ભાષા, તેમનો વ્યક્તિ અને સમાજ પ્રત્યેનો દૃષ્ટિકોણ અને આધુનિક ટેકનોલોજી તેમ જ એકંદરે આધુનિકતા દાખલ કર્યા. ભારતમાં હિંદુ અને મુસલમાનો માટે અને તેમાં પણ સંસ્કૃતિના ઠેકેદારો માટે આ આઘાત પચાવવો મુશ્કેલ બન્યો. અત્યાર સુધી આર્યાવત પર આક્રમણ થતાં હતાં, પણ હવે તો આર્ય સંસ્કૃતિ પર આક્રમણ થયું. આક્રમણ કરનારાઓ ઇતિહાસમાં ક્યારે ય નહોતા જોયા એવા શક્તિશાળી હતા અને સમય તેમની સાથે હતો. આ બાજુ એવા કેટલાક હિંદુઓ અને મુસલમાનો પણ હતા જેમણે સમય વર્તીને વહેવારુ માર્ગ અપનાવ્યો. થોડું પકડી રાખ્યું અને થોડું જતું કર્યું. તેઓ સમયને ઓળખતા હતા અને સમયની સાથે ચાલવા માગતા હતા. એ સમયે દરેક સમાજમાં અને ઘરેઘરે સાંસ્કૃતિક આક્રમણ કરનારા લોકો સાથે અને સાંસ્કૃતિક આક્રમણ સાથે કેમ કામ પાડવું એ વિષે મતભેદ પેદા થયા હતા. લગભગ અત્યારના જેવી જ સ્થિતિ હતી. દરેક સમજમાં બે ભાગ થયા હતા. અત્યારે મીડિયાને કારણે વિભાજન વધારે પહોળું થયું છે.
આપસમાં લડતા બાખડતા, શિખા બાંધીને પ્રતિકાર કરતા કરતા ઓગણીસમી સદી પૂરી થઈ અને વીસમી સદીમાં જોવા મળે છે કે સંસ્કૃતિરક્ષકોનાં સંતાનો છાંટ નાખીને શાળાએ જવા માંડ્યા, દવાખાને જવા માંડ્યા, પરંતુ તેમાં તેઓ પ્રગતિશીલ હિંદુઓ અને મુસલમાનો કરતાં ત્રણથી ચાર પેઢી પાછળ હતા. રમણભાઈ નીલકંઠનું પ્રહસન ‘ભદ્રંભદ્ર’ ૧૯૦૦ની સાલમાં પ્રકાશિત થયું છે એનો અર્થ એ કે ત્યાં સુધી સંસ્કૃતિરક્ષકોનું ઝનૂન હજુ કાયમ હતું. પણ છેવટે પૂનાના બ્રાહ્મણો મનેકમને રેલવેમાં બેસી ગયા એ ઓગણીસમી સદીના પહેલાં સાંસ્કૃતિક આઘાતનું અંતિમ સત્ય હતું, અલબત્ત તેમાં તેઓ ત્રણથી ચાર પેઢીથી પાછળ રહી ગયા હતા. તેમણે તેમનાં સંતાનોનું નુકસાન કર્યું.
૨૧મી સદીમાં ફરી એકવાર આપણે સાંસ્કૃતિક આઘાતનો સામનો કરી રહ્યા છે અને એ પણ વૈશ્વિક સ્તરે અને વધારે પ્રચંડ માત્રામાં. ૧૯મી સદીની જેમ જ ૨૧મી સદીમાં સંસ્કૃતિરક્ષકો ફરી વાર મેદાનમાં ઉતર્યા છે અને એ પણ વૈશ્વિક સ્તરે. ટેકનોલોજીના કારણે વિશ્વ નાનું થઈ ગયું છે અને વૈશ્વિક વેપારવણજના કારણે જગત પરસ્પરાવલંબી અને પચરંગી બની ગયું છે. અજાણ્યા સાથે સતત સ્પર્ધા, સતત એડી પર જીવવાનું, કારમી અનિશ્ચિતતાએ માનસને કલુષિત કર્યું છે. સમય સાથે નહીં ચાલનારાઓએ જે ભય ૧૯મી સદીમાં અનુભવ્યો હતો એ ભય લોકો અત્યારે અનુભવી રહ્યા છે. એવા લોકો પોતાની અસ્મિતા, પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા, પોતાનો ઇતિહાસ વગેરેમાં આશ્રય શોધે છે. ૧૯મી સદીના સંસ્કૃતિરક્ષકોએ પણ એ જ માર્ગ અપનાવ્યો હતો. જૂનાનો જાપ કરો અને આપણે શ્રેષ્ઠનો પોકાર કરો.
કમાલની સમાનતા છે ૧૯મી સદીમાં અને ૨૧મી સદીમાં. પણ ૧૯મી સદીમાં જોવા મળ્યું એમ આ વખતે પણ સંસ્કૃતિરક્ષકોનો પરાજય અવશ્યંભાવી છે, કારણ કે તેઓ સમયને નકારે છે. સમયને સમજવો અને સમયને નકારવો એ બે જુદી વસ્તુ છે. ગાંધીજી સમયને સમજ્યા હતા. તેમણે આધુનિકતાનું એક પાસું સ્વીકાર્યું હતું અને એક પડકાર્યું હતું. નકાર્યું નહોતું, પડકાર્યું હતું. નકારવામાં અને પડકારવામાં જમીન આસમાનનો ફરક છે. પડકારી એ શકે જે સમયને સમજે. પડકારી એ શકે જેની પાસે વૈકલ્પિક દર્શન હોય. પડકારી એ શકે જેનામાં આત્મવિશ્વાસ હોય. પોતાના પર ભરોસો હોય. પરંપરા અને ઇતિહાસની કાખઘોડી વાપરનારાઓ આ ન કરી શકે. તેઓ સમયને નકારશે અને નકારી રહ્યા છે. ૧૯મી સદીના સંસ્કૃતિરક્ષકોમાં જેમ આ ગુણ નહોતો તેમ ૨૧મી સદીના સંસ્કૃતિરક્ષકોમાં પણ આ ગુણ નથી. તેઓ સમયની વાસ્તવિકતાથી ભાગનારા ભાગેડુ છે. અને માટે આ વખતે પણ સંસ્કૃતિરક્ષકોનો પરાજય અવશ્યંભાવી છે. જેમ ૧૯મી સદીમાં તેઓ સમયનો લાભ ઉઠાવવામાં ત્રણ-ચાર પેઢીથી પાછળ રહી ગયા તેમ આ વખતે પણ તેઓ પાછળ રહી જવાના છે. જેમ ૧૯મી સદીમાં છાંટ નાખીને ડબ્બામાં બેસી જવું પડ્યું તેમ આ વખતે પણ બનવાનું છે. બે-ત્રણ પેઢી પછી પ્રત્યેક સંસ્કૃતિરક્ષક હિંદુનો જમાઈ કે પુત્રવધૂ ગૈરહિંદુ હશે અને મ્લેચ્છોની ભૂમિમાં ગુજરાન કરતો હશે. આ સમયનો ડંકો છે અને સાદ નહીં આપનાર પરાજિત થવાનો છે.
પૂરી તાકાત (અને તાકાત પણ કેવી પ્રચંડ) લગાવ્યા પછી પણ બહુમતી હિંદુઓ હાથમાં નથી આવતા, કારણ કે તેઓ સમયની વિરુદ્ધ નથી જવા માગતા. કારણ કે તેઓ મિથ્યાભિમાનમાં રાચીને તક ગુમાવવા નથી માગતા. કારણ કે તેઓ આત્મવિશ્વાસ વિનાના ભાગેડુ નથી. કારણ કે તેઓ જૂઠા આશ્વાસનમાં જીવવા નથી માગતા. આ જ કારણે પૂરી તાકાત લગાવ્યા પછી પણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનું છાત્ર સંગઠન હિન્દુત્વવાદીઓના હાથમાં નથી આવતું અને તેમાં સેક્યુલર છાત્રોની બોલબાલા છે. પૂરી તાકાત લગાવ્યા પછી પણ બહુમતી અમેરિકનો (અને એ પણ શ્વેત ખ્રિસ્તી) હાથમાં નથી આવતા અને ઝોહરાન મમદાનીને ન્યુ યોર્કના મેયર તરીકે ચૂંટણી કાઢે છે. લંડનનો મેયર સાદિક અમન ખાન મૂળ પાકિસ્તાની છે, કારણ કે બહુમતી બ્રિટિશ નાગરિકોને ડર નથી લાગતો. તેઓ સંસ્કૃતિરક્ષકોના કહ્યામાં નથી. આવું જગત આખામાં બની રહ્યું છે.
મને સો ટકા ખાતરી છે કે તમે રાજા રામમોહન રોય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, કેશબચન્દ્ર સેન, પંડિતા રમાબાઈ, મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેનાં નામ સાંભળ્યાં હશે, પણ તેમનો એ સમયે વિરોધ કરનારા કોઈ સંસ્કૃતિરક્ષકનું નામ તમે સાંભળ્યું છે? એક નામ બતાવો જે ઇતિહાસમાં અમર થયું હોય. પૂછી જુઓ તમારા માર્ગદર્શકોને જો એક નામ બતાવી શકે તો! આવા લોકો પરાજિત થવા માટે અને ભૂંસાઈ જવા માટે જ જન્મ લેતા હોય છે.
માટે સમયને ઓળખો, ભાગો નહીં. ભાગીને જવા માટે કોઈ જગ્યા જ નથી. ૧૯મી સદીનું આ લેસન હતું અને ૨૧મી સદીનું લેસન પણ આ જ હશે. કારણ વિના બે-ચાર પેઢીથી પાછળ રહી જશો. ઝોહરાન મમદાનીઓ આજના યુગનું સત્ય છે અને માનવસમાજનું ભવિષ્ય છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 નવેમ્બર 2025
![]()

