ફેન્સી ડ્રેસમાં શોભીતા વડાપ્રધાને મોરને ચણ ખવડાવ્યું ને પછી વડાપ્રધાન આંટા મારતા હતા ત્યારે મોરે કળા કરી — એવો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ ચર્ચાસ્પદ બન્યો કેટલાકને તેમાં એવો વાંધો પડ્યો કે દેશ કોરોના સહિત અનેક મુસીબતો સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે વડાપ્રધાનને આવી નાટકબાજી ને દેખાડાબાજી કેમ સૂઝતાં હશે? આ સવાલ જ વડાપ્રધાનની કાર્યપદ્ધતિ સમજતા લોકો માટે અસ્થાને છે. વડાપ્રધાન તેમના ટીકાકારો માટે કશું કરતા નથી. એ તો તેમના ચાહકવર્ગને વખતોવખત લડવાનાં ને પોરસાવાનાં નિમિત્ત આપતા રહે છે. તેમના ચાહકોની સમજ વિશેની વડાપ્રધાનની સમજ બહુ પાકી છે. તેમને ખાતરી હશે કે ચાહકો મોરવાળો વીડિયો જોઈને આફરીન પોકારી જશે અને જે નહીં પોકારે, તે તેની ટીકા સાંભળીને તો મેદાનમાં ઉતરી જ પડશે. એથી વધારે બીજું શું જોઈએ?
તદ્દન બિનસત્તાવાર રીતે એવું પણ સાંભળવા મળ્યું કે મોર સાથે શૂટિંગ કરતાં પહેલાં બીજાં પ્રાણીઓ વિશે પણ વિચારાયું હતું. મામલો મૌલિકતાનો અને ખેલ પાડવાનો હોય તો વિચાર તો કરવો જ પડેને? આ કંઈ નોટબંધી થોડી જાહેર કરવાની છે કે વગર વિચાર્યે કરી દેવાય? પહેલાં કોઈએ સૂચવ્યું કે ‘કલર સ્કીમ પ્રમાણે કાચિંડો લઈએ તો કેવું? તે હથેળીમાં પણ સમાઈ જાય અને સાહેબ તેને હથેળીમાં દાણા ખવડાવતા હોય, કાચિંડો પણ સાહેબ સામે ભક્તિભાવથી તાકી રહ્યો હોય … જોરદાર કામ થઈ જાય.’
પણ પછી એક સંશયાત્માએ મુદ્દો ઉઠાવ્યો કે ‘એ તસવીરમાં કોઈને કાચિંડો ઓળખવામાં તકલીફ પડે કે ગુંચવાડો થાય તો? લોકોની વિચારશક્તિને તસ્દી આપવાનું જોખમ ન લેવાય.’ એટલે કાચિંડાવાળો આઇડિયા પડતો મૂકવામાં આવ્યો.
પછી કોઈકે પેંગ્વિન વિશે સૂચવ્યું. પેંગ્વિન દિલ્હીમાં ન લવાય તો કંઈ નહીં, સાહેબને દક્ષિણ ધ્રુવ તો લઈ જવાયને? આમ પણ સાહેબને ત્યાં જવાનું હજુ સુધી બાકી જ છે અને ત્યાંથી આમંત્રણ મળે એવી કોઈ સંભાવના નથી.
પણ ગુજરાતના એક સલાહકારે કહ્યું કે ‘અમારો અનુભવ છે, સાહેબને કશું બ્લેક એન્ડ વ્હાઇટમાં નથી રુચતું.’ એટલે એ વિચાર માંડવાળ કરાયો. પછી ગુજરાતના જ સલાહકારે કહ્યું કે ‘સિંહ સાથે સાહેબનું મેચિંગ કેવું રહેશે?’ વિચારતાં લાગ્યું કે પ્રભાવ તો પડશે, પણ સિંહને દાણા તો ખવડાવી શકાય નહીં. તેને ખવડાવવા જતાં શાકાહાર-માંસાહારના અને સંસ્કૃતિના પ્રશ્નો ઊભા થશે. સાહેબ સાથે જે હોય તે સિંહ પણ સંસ્કારી-શાકાહારી અને ગાયને માતા ગણીને નમન કરનારો હોવો જોઈએ. એ વિકલ્પ પર ચોકડી મુકાયા પછી મોરના વિકલ્પ પર પસંદગી ઊતરી.
નક્કી થયું કે સાહેબ મોરને દાણા નાખશે, મોર એ દાણા ચણશે ને પછી કળા કરશે. આ ઘટનાક્રમમાં કોઈને સાહેબનું મીડિયા મેનેજમેન્ટ સમજવું હોય તો એ પણ સમજી જશે કે સાહેબ મીડિયા સાથે કેવી રીતે કામ પાડે છે અને વળતા વ્યવહારે મીડિયા કેવી કળા કરે છે. કળા કરતા મોરના શૂટિંગ વખતે એક સલાહકારે કહ્યું હતું કે ‘જરા ધ્યાન રાખજો, કળા કરતા મોરનું આગળથી જ શૂટિંગ કરજો. પાછળ જશો તો મોર દિગંબર દેખાશે.’ પરંતુ તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે ‘ચિંતા ન કરતા, કોમી હિંસા જેવી બાબતોમાં પણ લોકો આગળથી જ, આપણે જેટલું બતાવીએ તેટલું જ શૂટિંગ કરે છે. તો મોરની કળા જેવી નિર્દોષ બાબતમાં એવી શંકા રાખવાની જરૂર નથી.’
સાહેબના વીડિયોમાં પાત્રપસંદગી વિશેનો ઘટનાક્રમ સદંતર કાલ્પનિક છે. પરંતુ સાહેબ એટલા કલ્પનાશીલ છે કે તેમના વિશેના કાલ્પનિક વિચારો પણ સુજ્ઞ જનોને વાસ્તવિક લાગી શકે. તેમાં સાહેબ શું કરે, સુજ્ઞો શું કરે ને મોર પણ શું કરે?
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 16