
પ્રકાશ ન. શાહ
અમદાવાદમાં જ્ઞાનકુંભ કર્ણાવતી 2024, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે હમણેના દિવસોમાં યોજાઈ ગયો ત્યારે એ માટેના નિમંત્રણપત્રમાં વિદ્યાપીઠના સરનામા તરીકે અમદાવાદને સ્થાને ‘કર્ણાવતી’નો હવાલો અપાયો હતો એથી અચરજ પામવું કે આંચકો અનુભવવો, એ નક્કી થઈ શકતું નથી.
અચરજનું કારણ સીધુંસાદું એટલું જ કે અમદાવાદનું નામાંતર વાજપેયી સરકારનાં છ વરસ દરમ્યાન કે નમો ભા.જ.પ.નાં દસ વરસ દરમ્યાન પણ ખુદ કેન્દ્ર સરકારે ગ્રાહ્ય રાખ્યું નથી. આંચકો એટલા માટે કે સંઘ પરિવાર પોતાના વહેવારમાં દાયકાઓથી ‘કર્ણાવતી’નો જ પ્રયોગ કરે છે. એની એક રાજકીય વિચારધારાકીય ભૂમિકા છે. વિદ્યાપીઠ હવે ચોક્કસ સરનામાસંકેત સાથે અધિકૃત રીતે આ રાજકીય-શાસકીય વિચારધારા સાથે જોડાવાનો ઉદ્ઘોષ કરે છે એમ જ કહેવું જોઈશે.
આ જ્ઞાનકુંભ સંઘ પરિવારની નિશ્રા શી આયોજનમાં મળી ગયો હોવાનું જો કે એના વિદ્યાપીઠ સાથેના સહ બલકે મુખ્ય આયોજક શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનું નામ જોતાંયે સમજાઈ રહેવું જોઈતું હતું. 2007માં આ ન્યાસનો આરંભ થયો અને એના સ્થાપકો પૈકી વડું નામ હજુ સાતમી નવેમ્બરે જ નિધન પામેલા દીનાનાથ બત્રાનું હતું. બત્રા, આમ તો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રચારક અને આગળ ચાલતાં સંઘપ્રેરિત વિદ્યાભારતીના અગુઆ.
જાહેર જનતાની સ્મૃતિ ટૂંકી હોવાની વાયકા છતાં એટલું તો યાદ હોવું જોઈએ કે 2014ના જૂનની 30મીએ ગુજરાત સરકારે ખાસ પરિપત્ર પાઠવીને રાજ્યની 42,000 શાળાઓને બત્રાનાં કેટલાંક પુસ્તકો સહ-અને-પૂરક વાચન તરીકે વંચાવવા જણાવ્યું હતું. ભલા માણસોની ખોટ દુનિયાને ક્યારે ય પડતી નથી એ ન્યાયે કોઈ કોઈ શિક્ષણકારે નાનાભાઈ ભટ્ટને મનુભાઈ પંચોળીનો હવાલો આપી સંવાદ ભૂમિકાએ આ પુસ્તક પ્રવેશ પરત્વે અનુમોદના પણ દાખવી હતી. અલબત્ત, સારા બત્રા સાહિત્યમાંથી પસાર થવું જરૂરી નહીં હોય – બાકી, આ બત્રા સાહિત્યમાં સારા વિદ્યાર્થીની વ્યાખ્યા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય હોય એવી બેધડક અપાઈ હતી.
શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના લગભગ મુખ્ય ટ્રસ્ટીવત આજકાલ (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સચિવ) અતુલ કોઠારી જણાય છે. સરસંઘચાલક ભાગવતે સંઘની પ્રતિનિધિ સભામાં વિધિસર જાહેરાતભેર કોઠારીને ન્યાસની જવાબદારી ભળાવ્યાના હેવાલો આ લખતાં સાંભરે છે. બીજી બાજુ, કોઠારીએ હમણાં બત્રાને અંજલિ આપતાં ખાસ કહ્યું હતું કે એન.ઈ.પી. કહેતાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળમાં બત્રાની કામગીરી રહી છે.
આ ન્યાસકથા જોતાં વિદ્યાપીઠનો, ‘કર્ણાવતી’ એ સરનામાસંકેત ખરેખર તો હિમદુર્ગનું એકદશાંસમું ટોચકું જ માત્ર વરતાય છે. ન્યાસે, કર્ણાવતી કુંભ સારુ વિદ્યાપીઠથી સારી પસંદગી બીજી હોઈ જ ન શકે એમ કહેવા સાથે જોતરેલું કારણ એ છે કે મેકોલેની શિક્ષણ પ્રથા સામેનો આ અનેરો વિકલ્પ હતો. જો કે, ન્યાસવીરોને તેમ હવે તો કદાચ વિદ્યાપીઠના વાસ્તવિક ધુરીણોને પણ ગાંધીએ 1920માં વિદ્યાપીઠનો પ્રારંભ કરતાં સરકારથી પરહેજ કરવાપણું જોયું હતું એ ઇતિહાસવસ્તુ બાબતે જાણેત છતે ઓસાણ નયે હોયે.
મદનમોહન માલવીયની જેમ બનારસ હિંદુ યુનિવર્સિટી સારુ બ્રિટિશ સરકારનું ચાર્ટર લેવાની જરૂરત ગાંધીએ જોઈ નહોતી એનું મહત્ત્વ આજે કદાચ કોઈને પણ વસે છે કે કેમ તે આપણે જાણતા નથી. સ્વરાજ પછી, 1963માં, વિદ્યાપીઠે સરકાર સાથે યુ.જી.સી. રાહે સંધાન કર્યું ત્યારે પણ એણે તે પોતાની સ્વાયત્તતાને ધોરણે કર્યું હતું. પણ, હવે તો, ટ્રસ્ટીમંડળની બહુમતી પોતે સામે ચાલીને શાસકીય સત્તાકીય વરણી ભણી જાય – નારાયણ દેસાઈ અને ઈલા ભટ્ટનાં 14 વરસની ગરિમા ભૂલીને સ્વાયત્તતાનું અંજીરપાંદ પણ રેઢું મેલે, શું કહીશું એને.
ન્યાસ ભારતીય જ્ઞાન પરંપરાની આધુનિકતા અને વૈજ્ઞાનિકતા પર ભાર મૂકવા માગે છે. બત્રાએ પુષ્પક વિમાનનો જે મહિમા કર્યો હતો એમાં આ બેમાંથી એકે વાનું નથી.
હશે, લાંબે નહીં જતાં થોડી કર્ણાવતી-ચર્ચા કરી લઈએ એ ઠીક રહેશે. અમદાવાદને અંગે બીજાઓએ પણ કરી હશે, પણ વિદ્યાપીઠ પરિવારને, પોતાને ત્યાં સુદીર્ઘ સેવા આપનાર ઇતિહાસવિદ રસેશ જમીનદારે આ અંગે કરેલી વિશદ ચર્ચાની તો ખબર હોવી જ જોઈએ ને. નામાંતરની ચર્ચા ઊપડી ત્યારે જમીનદારે પ્રમાણપૂર્વક જણાવ્યું હતું કે અહમદાબાદ જે અહમદશાહે વસાવ્યું એની પૂર્વાવૃત્તિ નક્કી જ કરવી હોય તો તે આશાવલ (આશાપલ્લી) હોઈ શકે.
આઠમીથી અગિયારમી સદીના ગાળામાં એ ભીલી હકૂમત હતી. પાટણના સોલંકીઓ અને લાટના ચાલુક્યો વચ્ચે બફર તરીકે આશાવલની કામગીરી હતી. આગળ ચાલતાં સોલંકીએ આશાવલ કબજે કર્યું ત્યારે લાટના ચાલુક્યો સામે સીમાન્ત રક્ષાવ્યૂહની જરૂરતને ધોરણે આશાવલ પાસે હાલના બહેરામપુરા-દાણી લીમડા (સપ્તર્ષિના આરેથી ગંગનાથ) વિસ્તારમાં કર્ણદેવ સોલંકીએ પૂરા કદના નગર તરીકે નહીં, પણ લશ્કરી છાવણી તરીકે કર્ણાવતી ઊભું કર્યું. તે બાદ સત્તા વિસ્તરી એટલે છાવણીની જરૂર ન રહી. લશ્કરી જરૂરત માટે બજાર સહિતના વહેવારમાં પડેલાઓ પડખેના આશાવલમાં ગોઠવાઈ ગયા કે બીજે ચાલ્યા ગયા. તે પછી અહમદશાહે, પડોશમાં અન્યત્ર અહમદાબાદ વસાવ્યું. એટલે કોઈ કર્ણાવતી નગર ધ્વસ્ત કરીને અહમદાબાદ વસ્યાનો ઇતિહાસ નથી. આજે તો જો કે આશાવલ, કર્ણાવતી છાવણી વિસ્તાર, કોટમાંનું અહમદાબાદ આ બધું સમાવીને ઉત્તરોત્તર વિકસતું કે વકરી શકતું મહાનગર અમદાવાદ જ એક વાસ્તવિકતા છે. મૂળ નામનો મહિમા કરવો હોય તો કળશ આશાવલ પર ઢોળવો પડે. ગમે તેમ પણ, આપણે સંમત થઈશું જમીનદાર સાથે કે નામોના અણઘડ ફેરફારથી તો ઇતિહાસ નાશ પામે છે.
કાશ, વિદ્યાપીઠ-ધુરીણોને પોતાના ઇતિહાસનીયે સ્મૃતિ હોય!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ડિસેમ્બર 2024