વ્યવસાય અને રોજગારી ઉપર આ લૉક ડાઉનની બહુ મોટી અસર પડી છે. મોટી કંપનીઓને કે તેના ઉદ્યોગપતિઓને જઈ રહેલા નુકસાન વિશે અખબારો ચર્ચા કરી રહ્યાં છે, પણ નાના વેપારીઓને અને કારખાનાંવાળાઓને થઈ રહેલા નુકસાન અંગે ખાસ વિચારાતું હોય, એવું લાગતું નથી.
સરકારની વિનંતી છે કે કોઈપણ માણસનો પગાર કાપવો નહીં. એ એક રીતે ઈચ્છનીય વાત છે, પણ તેનાથી આમજનતાનું શું થશે, એ અંગે વિચાર થયો હોય તેમ લાગતું નથી. અને સરકારની આ વાત કેટલી કંપનીઓ માનશે? અનેક કારખાનાં એવાં છે, જ્યાં કારીગરો-મજૂરો ઉધડ રોજમદાર તરીકે કામ કરતા હોય. તેમને કેવી રીતે મહેનતાણું ચૂકવવું, એ વિશે કોઈ સ્પષ્ટતા નથી.
એવા અનેક લોકોને રૂપિયા મળતા બંધ થઈ ગયા. એવું જ રોજ પર કામ કરતા કડિયા-સુથાર જેવા વર્ગનું. નાનાં કારખાનાંમાં માલ બન્યા પછી તે ન વેચાયો, તેનું નુકસાન કારખાનેદાર શી રીતે વેઠશે? અને તે કયાંથી પૈસા ચૂકવશે? ક્યાંકથી વ્યવસ્થા કરીને તે ચૂકવશે તો તેને વ્યાજનો માર પડશે અથવા તો તેના માલની કિંમત ઊંચી જશે, જેનો બોજ છેવટે જનતા પર આવશે.
અનેક નાના નિકાસકારોનો માલ તૈયાર થઈને પડયો છે, જે લૉક ડાઉનને કારણે અન્ય દેશોમાં મોકલી શકાતો નથી. તેમને બંને તરફથી માર પડે છે. કારીગરોને પગાર ચૂકવવાનો છે અને ગોદામવાળાને કે કસ્ટમ હાઉસને ડૅમરેજ. ઉપરાંત બૅન્કનું વ્યાજ તો ખરું જ. એક મિત્રની ફૅક્ટરીમાં શાર્પનર બનાવવાનું કામ છે. તેની પાસે જર્મનીનો મોટો ઑર્ડર છે, માલ તૈયાર છે, પણ તે રવાના કરી શકતો નથી. જર્મનીમાં લૉક ડાઉન નથી. પરિણામે ચોક્કસ સમય મર્યાદામાં માલની નિકાસ ન થતાં તેને મળેલો ઓર્ડર રદ્દ થયો, જે બીજા કોઈ દેશના કારખાનાને મળ્યો. આપણે ત્યાં બૅન્ક ચાલુ છે, પણ ટપાલ બંધ છે. તેના કારણે ઘણા ડૉક્યુમેન્ટ અટવાઈ પડયા છે. આવા કપરા કાળમાં બેંકોએ બચત ખાતાં પરનું વ્યાજ પણ ઘટાડ્યું, એ કેટલું યોગ્ય છે? મોટી કંપનીઓમાં પચાસ ટકા કે તેથી પણ ઓછા કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં કંપનીના સંચાલકોને ખ્યાલ આવ્યો કે આટલા ઓછા કર્મચારીઓથી પણ કંપની તો ચાલી રહી છે. તેથી કર્મચારીઓની છટણી થવાની સંભાવનાઓ વધી ગઈ છે. છેલ્લા સમાચાર મુજબ અનેક કંપનીઓએ (નાની કે મોટી) કર્મચારીઓને છૂટા કર્યા છે કે તેમના પગારમાં કામ મૂક્યો છે કે અટકાવ્યો છે. આવી અનેક કઠણાઈઓ સામે સાવ શરૂઆતમાં જાહેર કરેલા અપૂરતા પૅકેજ પછી સરકાર તરફથી બીજું કશું સાંભળવા મળ્યું નથી.
e.mail : abhijitsvyas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 ઍપ્રિલ 2020