વરાછામાં રેશનિંગની દુકાને મહિલાઓ અનાજ લેવા ગઈ તો ઘઉં, ચોખા, ચણામાં ધનેડા, ઇયળ પડેલી. એવું સડેલું અનાજ વજનમાં અપાયું. એમાં એકલી જીવાત જ ન હતી, થોડું અનાજ પણ હતું. દુકાનદારે કહ્યું કે આવું અનાજ પુરવઠા વિભાગમાથી આવ્યું છે. એ પણ બિચારો શું કરે? આવ્યું તે આપ્યું. એને આંખો થોડી જ છે કે જુએ કે ઇયળ છે કે અનાજ? આવામાં વળી પુરવઠા વિભાગ જુદો જ બચાવ કરશે. રેશનિંગમાં અપાતું અનાજ મોટે ભાગે ભિખારીઓને અપાતું હોય એવું જ હોય છે. લોકો પણ જાણે છે કે સસ્તું એટલે સડેલું. તે ખાઈ પણ લે છે ને એમાં કોઈને કૈં થયું તો મરે અથવા સિવિલમાં જાય. નસીબ હશે તો જ ઘરે બીજું સડેલું અનાજ ખાવા આવશે. આ અકસ્માત નથી. અકસ્માતે જ આવું નથી બનતું. વિચારવાનું એ રહે કે પુરવઠા વિભાગ જથ્થો ગોડાઉનમાં મુકાય કે ત્યાંથી બહાર મોકલાય ત્યારે એ જુએ છે ખરો કે એ છાણ છે કે અનાજ? પણ એ પણ શું કરે? એ તે પોતાનો પુરવઠો જુએ કે લોકોનો?
ગાય ભાંભરે છે કે કૂતરાં રડે છે તો ખબર પડે છે કે જીવે છે, પણ લોકોએ કૈં કહેવા કૂટવાનું નથી એટલું સારું છે. સરકારમાંથી વિપક્ષ ગયો છે એમ દેશમાંથી લોક અવાજ ગુમ થયો છે. પહેલાં – રામ રાખે તેમ રહીએ – એવું ગવાતું, હવે દામ રાખે તેમ રહીએ – એમ ગવાતું હોય તો નવાઈ નહીં. છ વર્ષમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 258 ટકા અને ડીઝલ પર 820 ટકા વધી ને એમાં 18 લાખ કરોડની કમાણી સરકારને થઈ. થાય. સરકાર બિચારી પણ શું કરે? એણે ય કમાણી તો લોકોમાંથી જ કરવાની છેને ! એ આપણામાંથી નહીં ખાય તો કોનામાંથી ખાશે? ગાવ રે બધાં – રામકે નેતા, રામકા ખેત, ખા લો નેતા, ભર ભર પેટ !
શું છે કે ઝાડ હોય તેને ડાળ, પાન પણ હોય. એમ જ નેતા હોય તેને અધિકારી, પટાવાળા પણ હોવાના. એમને ય પેટ લાગેલું છે. એ ભૂખા રહે ને આપણને ખવડાવે એવું તો ઓછું જ બનવાનું. એમને હોજરી હોય ને આપણને હાજરી હોય એટલે એ ખાય ને લોકો ગાય તો જ કારભાર ચાલે. એમના કારભારમાં – કાર – હોય આપણા કારભારમાં માર હોય. આપણે સમજી લેવાનું રહે કે એ મારવા માટે ને આપણે મરવા માટે જ છીએ.
આપણે બધું ખાવા-ગાવામાંથી જ ઊંચા નથી આવતા. બધું બઢાવી-ચઢાવીને જ બોલીએ છીએ. ગરીબોને તો કાંદા એ જ કસ્તૂરી એમ ચલાવ્યું. તે એટલે કે કાંદા સહેલાઇથી મળી રહેતા હતા ને સસ્તા હતા. હવે હાલત એ છે કે કસ્તૂરી મૃગ મળે, પણ કસ્તૂરી મળે એમ નથી. કારણ કાંદા, ગાંડા કરી મૂકે એટલા મોંઘા છે. આમાં યુક્તિ એવી કામ કરે છે કે બધું મોંઘું કરતાં જવાનું, એમાં જે ખરીદી શકે તે આગળ આવે ને ન ખરીદી શકે તે પાછળ જાય. પાછળ જ જતા જાય ને એક દિવસ દેખાતા બંધ થાય. એટલે જ કહ્યું છેને કે જે સક્ષમ છે તે ટકશે ને નથી તે અટકશે.
એક વસ્તુ માર્ક કરી છે? લગભગ ચોમાસા પછી તરત જ કાંદા, બટાકા, ટામેટાંમાંથી કોઈ નહીં ને કોઈનો ભાવ કિલોના સો રૂપિયા થઈ જ જાય છે. સામાન્ય સંજોગોમાં જે દસ, પંદર રૂપિયે મળતા હોય એ એક્દમ જ સો રૂપિયાનો ભાવ પકડી લે તો ભડકો થાય જ. થયો. એમાં બહાનું અત્યારે એ છે કે ચોમાસું ખરાબ ગયું. બહુ વરસાદ પડ્યો ને એમાં પાક ધોવાઈ ગયો. ભાવ વધારવા માટે ચોમાસાથી સારું બહાનું બીજું નથી. વરસાદ ન પડે તો, તો પાક જ ન થાય. એ સંજોગોમાં પણ અછત સર્જાય ને ભાવ વધે. ચોમાસું સારું જાય કે ખરાબ, અછત કોમન છે ને એ ભાવ વધારવા માટેનું મજબૂત કારણ છે. ખરેખર તો ચોમાસાને કારણે કાંદા આ વખતે તેલ લેવા ગયા છે, તે એ હદ સુધી કે તેના કરતાં સફરજન સસ્તાં છે. આ સ્થિતિમાં કાંદાબટાકાનું શાક ખાનારા સફરજનબટાકાનું શાક કરે તો રજવાડી આનંદ આવે એમ બને.
આમાં સરકારો બિચારી મહેનત તો બહુ કરે છે, પણ કૈં કાંદા નથી કાઢતી તે પણ હકીકત છે. સરકાર, – સર – છે ને – કાર-માં ફરે છે. એ થોડી જ આપણી કાંદાની લારી ફેરવવાની હતી?
સરકાર જેમ દેશમાં છે તેમ કાંદા ય દેશભરમાં છે ને ચેન્નઈ જેવામાં તો તે 150 રૂપિયે કિલો પર પહોંચ્યા છે. મહારાષ્ટ્ર જે સૌથી વધુ કાંદા પકવે છે ત્યાં પણ કાંદાના ભાવ 100ની પાર પહોંચ્યા છે. અગેઇન, સરકાર ભાવ કાબૂ કરવાના પ્રયત્નો કરી રહી છે, પણ ભાવોનું તો એવું છે કે એણે ઘટવા હોય ત્યારે જ એ તો ઘટે. વેપારીઓ કહે છે કે કાંદાની આવક નથી એટલે ભાવ વધ્યા છે, જ્યારે સાચું તો એ છે કે વેપારીઓ બહુ ભલા છે. તે લાભ વગર લોટતા નથી. આવક નથી, એ ખરું, પણ કોઠારોમાં ટનબંધી કાંદા પડેલા છે તે કાઢે તો આવક થાય જ ને ભાવ ઘટે જ, પણ એ બહાર એમને એમ તો ન નીકળેને ! પૂરો ભાવ વધારો બધે થઈ જાય, હોજરી તર થઈ જાય કે કાંદા બહાર ને ગાંડા અંદર ! એમાં સરકારનું પણ બહુ ચાલે નહીં. એવું કહેવાય છે કે ગેંડાને ઘા મારો તો એને મોડી ખબર પડે. સરકારનું પણ એવું જ છે. બધે પૂરતો ભાવ વધી જાય પછી જ એને ભાન થાય છે ને ભાવ ઘટાડાના પગલાં લે છે.
આ વખતે કૃષિબિલ રજૂ થયું તેમાં સરકારે મોટે ઉપાડે સ્ટોક લિમિટ ઊંચકી લીધી. એનો વેપારીઓએ તરત જ લાભ લઈને કાંદાનો સ્ટોક કરી લીધો. ચોમાસાએ તો પાક ધોયો એટલે અછત તો ઊભી થઈ જ, તેમાં સ્ટોકની લિમિટ ન રહી એટલે સંગ્રહ બેફામ થયો. એથી બજારમાં ઑર અછત થઈ ને લોકોને જરૂર તો હતી જ, એટલે ભાવ સીધા કિલોના 150 થઈને જ રહ્યા. એ પછી સરકારને જાગવાનુ થયું અને તેણે ફરી સ્ટોક લિમિટ લાગુ કરી. છૂટક વેપારીઓ માટે 2 ટન અને જથ્થાબંધ વેપારીઓ માટે 25 ટનની મર્યાદા લાગુ કરાઈ, પણ એ બધું ખાતર પર દિવેલ થઈને જ રહ્યું. એ જુદી વાત છે કે નાફેડે બજારમાં કાંદા ઠાલવ્યા છે ને સરકાર પાસે અત્યારે 25,000 ટન જેટલો જથ્થો જ બચ્યો છે ને એ પણ નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી જ ચાલે એમ છે. પછી શું? પછી બીજી વસ્તુ મોંઘી થશેને ! એટલે કાંદા પરથી ધ્યાન ખસેડીને કંચન પર ક્યાં નથી ગોઠવાતું? દિવાળી આવે છે એટલે સોનાનો ભાવ ઊંચકાવાનો જ છે ને ત્યારે કાંદાને કોણ પૂછવાનું હતું? ને ત્યાં સુધીમાં તો કાંદામાંથી ભરપૂર કમાણી થઈ ગઈ હશે ને સંગ્રહાયેલા કાંદા તે પછી બહાર આવશે એટલે ભાવ ડાઉન ને લોકો અપ ! લોક-અપ!
ન ગમે એવી સ્યુગરકોટેડ વાસ્તવિકતા એ છે કે હવે જુદી રીતે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો નિયમ જ બધે કામ કરે છે. ટકી શકે તે ટકે, બાકી અટકે. એમાં મદદ થાય તે કરે, પછી એની પણ એક લિમિટ આવે. આ બધાંમાં લાગણી, મૂલ્યો, આદર્શની વાતો નામશેષ થઈ રહી છે એટલું નક્કી છે. એની ય કેટલીક ચિંતા કોઈ કરશે? એમાં પણ એમ જ માનવનું રહે કે જેનામાં પણ કૌવત હશે તે ટકશે, પછી એનો પણ લોપ થાય તો નવાઈ નહીં. જો સત્ય, પ્રેમ, કરુણા, પ્રમાણિકતા ન ટકે તો એમ જ માનવાનું રહે કે એની જરૂર જ નહીં રહી હોય. ઢોરને પણ એ બધાં વગર ચાલે જ છેને, એમણે ઓછું જ કૈં જીવવાનું છોડી દીધું છે? જેમ એ જીવે છે તેમ માણસો ય જીવશે.
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર” દૈનિક, 26 ઑક્ટોબર 2020; પૃ. 04