કાચા કામના કેદીઓની વૈશ્વિક સરેરાશ ૩૪ ટકા છે. રાષ્ટ્રકુળના ૫૪ દેશોમાં સરેરાશ ૩૫ ટકા કાચા કામના કેદી છે. પરંતુ ભારતમાં તેમની ટકાવારી ૭૬થી ૮૦ ટકા જેટલી ઊંચી છે ! ભારતમાં દર ચારમાંથી ત્રણ કેદી પ્રિ-ટ્રાયલ, અંડર ટ્રાયલ, વિચારાધીન કે કાચા કામના છે. જેલોમાં સબડતા આ કેદીઓના કેસો હજુ અદાલતની વિચારણામાં આવ્યા નથી, અદાલતમાં પડતર છે, જામીન મળવાપાત્ર હોવા છતાં ગરીબીને કારણે કેદી જામીનની રકમ કે વકીલનો જોગ કરી શકતાં નથી એટલે દિવસો કે મહિનાઓથી જ નહીં વરસોથી બંદીઘરમાં બંધ છે. નિવૃત્ત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સી.જે. રમન્ના બહુ યથાર્થ રીતે જ કાચા કામના કેદીઓને વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિકો તરીકે ઓળખાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન અને વ્યવસાયની સુગમતા જેટલી જ ન્યાયની સુગમતા હોવી જોઈએ તેમ જણાવી કાચા કામના કેદીઓની મુક્તિનો પ્રશ્ન હલ કરવા અનુરોધ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેના જુલાઈ-૨૦૨૨ના ચુકાદામાં સરકારને કાચા કામના કેદીઓના કેસોના ભરાવા માટે બ્રિટનની જેમ ભારતમાં પણ જામીન અંગેના અલગ કાયદાની વિચારણા કરવા સૂચન કર્યું છે. જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. તેવા ૧૯૭૭ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છતાં વરસોથી જામીનની રાહ જોતાં કેદીઓથી ભારતની જેલો ભરચક છે. તેથી પણ જામીન માટેના અલાયદા કાયદાની આવશ્યકતા જણાય છે.
નિવૃત્ત સી.જે.આઈ. રમન્નાએ એક જાહેર વ્યાખ્યાનમાં દેશની ૧,૩૭૮ જેલોમાં ૬.૧૦ લાખ કેદીઓમાંથી ૮૦ ટકા કાચા કામના કેદીઓ હોવાનું જણાવ્યું હતું. ગૃહ મંત્રાલય હસ્તકના રાષ્ટ્રીય અપરાધ નોંધણી એકમના પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ૨૦૨૦ મુજબ કુલ ૪.૮૮ લાખ કેદીઓમાંથી ૩.૭૧ લાખ (૭૬ ટકા) કાચા કામના કે ગુનો સાબિત થયા વિના જ જેલની સજા ભોગવતા કેદીઓ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ત્રણ મહિના સુધીના કાચા કામના કેદીઓ ૧.૩૦ લાખ, એક થી બે વરસના ૫૪,૨૮૭, બે થી ત્રણ વરસના ૨૯,૧૯૪ અને ત્રણથી પાંચ વરસના ૧૬,૬૦૩ છે. રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે ઉત્તર પ્રદેશમાં ૨૦૨૦ અંતિત ૧.૦૭ લાખ કેદીઓમાંથી ૮૦,૫૫૭ વિચારાધીન કેદીઓ હતા, જે દેશભરમાં સૌથી વધુ છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ અને મુસ્લિમોની વસ્તી ૩૯ ટકા છે. પરંતુ આ ત્રણેય વર્ગના કુલ કેદીઓ ૫૫ ટકા છે. ક્રિમિનલ જસ્ટિસ ઈન ધ શેડો ઓફ કાસ્ટ અને અન્ય અભ્યાસોના સંશોધન દર્શાવે છે કે અંડર ટ્રાયલ કેદીઓમાં ૭૩ ટકા દલિત, આદિવાસી અને પછાત વર્ગના છે. વિચારાધીન કેદીઓમાં ૬૮ ટકા ગરીબ, અભણ અને સ્કૂલ ડ્રોપ આઉટ છે. ૪૮.૮ ટકા કાચા કામના કેદીઓની ઉંમર ૧૮થી ૩૦ વરસની છે. આ સઘળા તારણો જણાવે છે કે સમાનતાના અધિકાર છતાં પોલીસ અને અદાલતની કાર્યવાહીમાં ભારોભાર અસમાનતા પ્રવર્તે છે. તેને કારણે જ કાચા કામના કેદીઓમાં મોટી સંખ્યામાં ગરીબ, અશિક્ષિત, મહિલા અને પછાત સમુદાયના લોકો છે.
વિશાળ પ્રમાણમાં કાચા કામના કેદીઓ હોવાનું કારણ પોલીસ તંત્ર, ન્યાય તંત્રની કામગીરી અને ભારતમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતા છે. આડેધડ થતી ધરપકડોના પરિણામે જ કુલ કેદીઓમાં પોણાભાગના વિચારાધીન છે ધરપકડ એક કઠોર પગલું છે. તેથી પોલીસે તેનો નિયત પ્રક્રિયા અનુસરીને સંયમ કે સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે કાચા કામના કેદીઓથી જેલો ઉભરાય છે. ખોટી અને ભેદભાવયુક્ત ધરપકડોથી ઘણા નિર્દોષ લોકો વગર ગુને કે ગુનો સિદ્ધ થયા વિના જેલની સજા વેઠે છે. ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ૧૯૭૩ની કલમ ૪૧ અને ૪૧-એમાં ધરપકડની પ્રક્રિયા દર્શાવી છે. તેનો અમલ કર્યા વિના પોલીસ ધરપકડો કરે છે. તેથી પણ અધિકાંશ અંડરટ્રાયલ માટે તો જેલ એ જ સજા બની રહે છે. કેટલાક ગુનાઓમાં પોલીસ જ આરોપીને જામીન પર મુક્ત કરી શકે તેમ હોય છે. તેનું પણ પાલન થતું નથી. તેથી અદાલતોનું કામ વધે છે.
બેફામ ધરપકડો માનવ અધિકારનું તો ઉલ્લંઘન છે જ. તેને લીધે અદાલતોનું ભારણ અને ખર્ચ વધે છે. રાષ્ટ્રીય પોલીસ આયોગના ત્રીજા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પોલીસ ૬૦ ટકા ધરપકડો તો સામાન્ય ગુનાઓ સબબ કરે છે. મધ્ય પ્રદેશના આબકારી અધિનિયમ હેઠળ ૪૭ ટકા ધરપકડો જામીનપાત્ર ગુનાઓમાં થઈ હતી. વકીલની ફી, જામીનની રકમ અને મફત કાનૂની સહાયના બંધારણીય અધિકારની જાણકારીના અભાવે ઘણાં કાચાં કામના નિર્ધન કેદીઓ જેલોમાં સબડે છે.
એક વાર ધરપકડ થયા પછી જેલમાં ગયેલા કેદી માટે તો ન્યાયિક પ્રક્રિયા જ સજા સમાન છે. અદાલતોની વિલંબિત અને તારીખ પે તારીખની કાર્યવાહી અંડરટ્રાયલને લાંબો સમય જેલમાં રહેવા મજબૂર કરે છે. ૨૦૧૦થી ૨૦૨૦માં એક વરસના અંડર ટ્રાયલ ૭ ટકાથી વધીને ૨૯ ટકા થયા હતા. તેથી પણ ખોટી ધરપકડો કરી આરોપીને જેલ હવાલે કરનાર પોલીસ અધિકારીઓ સામે અદાલતે આકરા પગલાં લેવાની જરૂર છે.
પોલીસ તપાસ જૂની-પુરાણી ઢબે થાય છે. આધુનિક તકનિકનો ઉપયોગ ખાસ થતો નથી. ગુનાઓ અંગેની પોલીસ તપાસ પૂર્ણ થઈને નિયત મુદ્દતમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતી નથી. અદાલતમાં ન્યાયિક પ્રક્રિયા તેની ગતિમાં જ ચાલે છે અને સજાનો દર ઘણો નીચો હોય છે. નીચલી અદાલતો આરંભે પોલીસ પર વિશ્વાસ રાખીને આરોપીઓને જેલમાં ધકેલે છે. આ કારણોથી પણ કાચા કામના કેદીઓને લાંબો સમય જેલમાં રહેવા વારો આવે છે.
વિચારાધીન કેદીઓનો સવાલ ઉકેલવા માટે જામીન માટેના અલાયદા કાયદાની તાતી આવશ્યકતા છે. પોલીસ જેટલી જ દેશની ન્યાય વ્યવસ્થા પણ કાચા કામના કેદીઓ માટે જવાબદાર છે. નિયમિત અને આગોતરા જામીન માટેની નિયત મુદ્દતનું અદાલતોએ પાલન કરવું જોઈએ. પોલીસે વધુ સંવેદનશીલ બની આડેધડ ધરપકડો કરવાનું વલણ ટાળવું જોઈએ. અદાલતોએ ધરપકડની પ્રક્રિયાનો અમલ ન થયો હોય તેવા કિસ્સાઓમાં પોલીસનો કાન આમળવો જોઈએ. કાનૂની સહાય અંગે જાગૃતિ અને જામીનની રકમ ભરવા અસમર્થ કેદીઓની તપાસ થવી જોઈએ. અદાલતોના હુકમો જેલ સત્તાવાળાઓને સમયમર્યાદામાં મળે અને જામીન મંજૂર થયા હોય કે સજા પૂરી થઈ હોય તેવા કેદી જેલમાં ન હોય તે જોવામાં આવે તો અંડરટ્રાયલની સમસ્યા ઘણેઅંશે ઉકેલી શકાય.
e.mail : maheriyachandu@gmail.com