Opinion Magazine
Number of visits: 9446866
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કે.જી. સુબ્રહ્મણ્યન્‌ની કલાયાત્રા

ગુલામમોહમ્મદ શેખ|Profile|19 July 2016

‘મણિદા’, ‘મણિસાહેબ’ કે ‘મણિસર’ એવા હુલામણા નામે વિશાળ વિદ્યાર્થીવર્ગમાં અને ‘કે.જી.’ના નામે કળા-વર્તુળોમાં ઓળખાતા કળાકાર, કળામર્મજ્ઞ અને કળાગુરુ, કલપાતી ગણપતિ સુબ્રહ્મણ્યન્‌નો જન્મ ઈ.સ. ૧૯૨૪માં કેરળના પાલઘાટ જિલ્લાના કલપાતી પ્રદેશના તમિળ અગ્રહારમાં થયો હતો. [અવસાન : ૨૯ જૂન, ૨૦૧૬] ધારવાડ હિન્દુસ્તાની સંગીતનું થાણું એમ કલપાતી કર્ણાટકી સંગીતનું ધામ, ત્યાંથી મોટા ગજાના સંગીતકારો નીકળ્યા છે. દાયકાઓ બાદ, સુબ્રમણ્યન્ હવે ‘હેરિટેજ’માં ગણાતા કલપાતીના અગ્રહારની મુલાકાતે ગયા, ત્યારે ઘર તો ઓળખાયું નહિ, પણ બાળપણમાં રમેલા એ મંદિરનો રથ અકબંધ મળ્યો! રેવન્યુ ઇન્સ્પેક્ટર પિતા ગણપતિ અય્યર અને મા અલમેલુનું એ આઠમું સંતાન (એમાંનાં ચાર તો એ ગાળે જ મૃત્યુ પામ્યાં હતાં.) નાનપણથી જ તબિયત નાજુક એટલે સુબ્રહ્મણ્યન્‌નું શરૂઆતનું ભણતર ઘેરબેઠાં જ થયું. થોડાં વરસો બાદ કુટુંબ ફ્રૅન્ચ હકૂમતના માહેમાં વસ્યું. ત્યાં એમને ચોથા ધોરણમાં સીધો પ્રવેશ મળ્યો, કારણ કે શાળામાં ભણાવાતું એ બધું એ શીખી ગયેલા! મૂળે તો વાચનભૂખ એટલી તીવ્ર કે ત્યારબાદના શાળાગાળે એમણે ઘણું ઊથલાવી નાખેલું અને મૅંગ્લોરની ઍલિઇસિયસ કૉલેજના ઇન્ટરમીડિયેટનું ભણવા ગયા ત્યાં સુધીમાં માર્ક્સથી માંડીને ગાંધીજી અને વિવેકાનંદથી માંડીને રવીન્દ્રનાથ સુધ્ધાં પચાવી ગયેલા. આગળ વધતા કુમારસ્વામીનું બીજરૂપ પુસ્તક ‘મેડિવલ સિંહાલીઝ આર્ટ’ વાંચીને ખૂબ પ્રભાવિત થયેલા. એ ગાળે પહેલેથી જ એમનું મન ગાંધીજી તરફ ઢળ્યું હતું. ત્રીસીના ગાળે ગાંધીજીએ તૈયાર કરેલ તેર મુદ્દાનો સમાજકલ્યાણનો ખરીતો એમને આજના સંજોગે ય મૂલ્યવાન લાગે છે. શાળા દરમિયાન એમને સ્વાતંત્ર્યની લડતના કર્મશીલો ભેટ્યા. અંગ્રેજી હકૂમતથી છુપાઈ એ ફ્રૅન્ચ વસાહતમાં ભૂગર્ભ-પ્રવૃત્તિઓ કરતા તેમાં સુબ્રહ્મણ્યન્‌ સામેલ થતા. ત્યારબાદ ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણતી વેળા હડતાળ પડાવવામાં સરદારી લીધેલી. એક વાર ધરપકડ માટે પોલીસ આવી, ત્યારે પેપ્વર્થ નામના સ્કૉટિશ પ્રિન્સિપાલે વહાલા વિદ્યાર્થીઓને કૉલેજના પ્રાંગણમાં પકડાવા દીધા નહીં પણ ’૪૨ના ‘ભારત છોડો’ (‘ક્વિટ ઇન્ડિયા’) આંદોલન વેળા સચિવાલયને ઘેરો ઘાલ્યો, એટલે છ મહિનાની જેલ થઈ. જેલમાં ઘણા સાચુકલા ને કેટલાક સગવડિયા ‘કર્મશીલો’ને મળી એ મૂંઝાયા હતા.

રેખાંકન અને ચિત્ર કરવાની ટેવ બાળપણની. જેલ પછી કૉલેજની પ્રવેશબંધી થઈ એ ગાળે એક મિત્રે એમનાં ચિત્રો ચેન્નાઈની આર્ટ કૉલેજના યુવાન અધ્યાપક કે.સી. એસ. પણિક્કરને પહોંચાડ્યાં; પણિક્કરે એ પ્રિન્સિપાલ દેવીપ્રસાદ રાયચૌધરીને દેખાડ્યાં ને કૉલેજમાં જોડાવાનો માર્ગ મોકળો થયો. જો કે મોટા ભાઈ નારાયણસ્વામી પોલીસ-ઇન્સ્પેક્ટર હતા – એમને સરકારની આંખે ચડેલો ચળવળિયો ભાઈ ચેન્નાઈમાં રહે તો ભારે જોખમ વહોરી લેવા જેવું લાગ્યું. સુબ્રમણ્યન્‌ની કલાપ્રવૃત્તિથીય એ અજાણ નહોતા, એટલે એમણે જ શાંતિનિકેતન નંદલાલ બસુને અરજીનો પત્ર લખ્યો અને ત્યાંથી ‘હા’નો તાર આવ્યો. વિશાળ વાચનમાં સુબ્રમણ્યને શાંતિનિકેતન વિશે સારી એવી માહિતી મેળવેલી (અને રાજકારણથી થોડું કંટાળ્યા પણ હતા) એટલે એમને તો ભાવતું હતું ને વૈદે બતાવ્યા જેવું થયું. શાંતિનિકેતન પહોંચ્યા, ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓ રવીન્દ્રનાથનું નાટક ભજવવા મુંબઈ ગયા હતા, એટલે ત્રણેય ધુરંધરો નંદલાલ, રામકિંકર અને બિનોદબાબુ સાગમટે મોઢામોઢ થયા.

’૪૪ પછીનાં એ ચાર વર્ષોમાં એમને નંદલાલ પાસેથી ખુલ્લી હવામાં મોકળા મને અને હળવા હાથે ચીતરવાની શીખ મળી. રામકિંકરની તપ્ત ઊર્જાનો પાસ લાગ્યો, પણ સૌથી વિશેષ તો બિનોદબિહારી મુખર્જી સાથે અંગત ઘરોબો થયો, ’૪૮ના ગાળે હજારીપ્રસાદ દ્વિવેદીના નિમંત્રણે બિનોદબાબુએ હિન્દી ભવનની ત્રણ દીવાલે આઠ ફૂટ ઊંચું ને અઠ્યાસી ફૂટ લાંબું ભીંતચિત્ર માંડેલું. ‘મધ્યયુગીન સંતો’ના જીવનને આવરી લેતા તે મહાચિત્રમાં જોડાવાનો છેલ્લા વર્ષમાં ભણતા સુબ્રમણ્યન્‌ને અદકેરો અવસર મળ્યો. હજુ ઋણાનુરાગે યાદ કરે છે કે છેલ્લી (ઉત્તર) દીવાલે રણજિતસિંહના બે ઘોડેસ્વારો એમણે દોર્યા તે બિનોદબાબુએ એમ ને એમ રહેવા દીધા છે. આ બધું રવીન્દ્રનાથની સર્જન-સૃષ્ટિની આભામાં સંભવ્યું ને એટલું ઊંડું ઊતર્યું કે એ બંગાળી બોલતા થઈ ગયા! પછી બંગાળી એટલી પાકી થઈ કે અવીન્દ્રનાથના રસાળ ગદ્યને અને બિનોદબાબુના ‘ચિત્રકાર’ ગ્રંથને સુપેરે અંગ્રેજીમાં ઉતાર્યા.

અભ્યાસ પછી ’૪૯ની શરૂઆતે પંજાબમાં ભાગલાના નિરાશ્રિતોના પુનર્વસવાટની કામગીરીમાં જોડાયા. ટૂંકી નોકરીઓ કરી ને મૂકી, રમકડાં ને પોેસ્ટર બનાવી ગુજરાન ચલાવ્યું. સુશીલા જસ્સા સાથે સંબંધ શાંતિનિકેતનનો. એ ય ગાંધીરંગે રંગાયેલાં. સુચેતા કૃપાલાની સાથે ‘કસ્તૂરબા મેમોરિયલ ટ્રસ્ટ’માં એમણે મહિલાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને કળાકારીગરીની તાલીમનો હવાલો સંભાળેલો. ૧૯૫૦માં બંને પરણ્યાં. આજે સુશીલાબહેન નથી, પણ દીકરી ઊમા (પદ્મનાભન) પડખે ઊભી છે.

૧૯૫૧માં વડોદરામાં નવી સ્થપાયેલ વિશ્વવિદ્યાલયની આખા પાનાની જાહેરાતમાં અન્ય વિષયો સાથે લલિતકલા, સ્થાપત્ય અને સંગીતની સંસ્થાઓ શરૂ થવાનું વાંચ્યું, તો થયું કે આ તો બીજું શાંતિનિકેતન! – ને ઊપડ્યા ને જોડાયા. સ્વાતંત્ર્યની સવારે અહીંયાં નવશિક્ષણનું સપનું સાકાર કરવા ત્રણ મોટા ગજાની વ્યક્તિઓ – માર્કંડ ભટ્ટ, નારાયણ શ્રીધર બેન્દ્ર અને શંખો (નરનારાયણ) ચૌધરી પહોંચી ગઈ હતી. સુબ્રમણ્યન્‌ એ પ્રણેતાઓમાં ચોથા. ઉપકુલપતિ શ્રીમતી હંસા મહેતાની સાખે ત્યાં નવા કળાશિક્ષણની રૂપરેખા તૈયાર થઈ ને નવી સર્જનાનાં બીજ નંખાયાં. આમાં શાંતિનિકેતનની મોકળી હવા દિવસ-રાત ઉઘાડા સ્ટુડિયોમાં સાક્ષાત્ થઈ, પૂર્વ-પશ્ચિમની કળાનો સુપેરે સંયોગ કરવાનાં બારણાં ખૂલ્યાં, પારંપરિક અને આધુનિકને સરખી આંખે જોવાનો વિવેક સમાયો. ખરેખર તો અભણ ને અલગારી કળાકારની પ્રચલિત ઓળખને બદલે સુશિક્ષિત અને સજાગ નાગરિક જેવા કળાકારની કલ્પનાને સાકાર કરવાનો સંકલ્પ થયો. કળાશિક્ષણમાં હજુ લગી સ્ટુડિયો-તાલીમ પર જોર દેવાતું, એમાં કળાના ઇતિહાસનું અને સૌંદર્યશાસ્ત્રનું શિક્ષણ ઉમેરાયું, એટલે હાથ અને આંખ સાથે બુદ્ધિમત્તાનો ય મહિમા થયો. એ જ્ઞાનમાર્ગી વિચારણા ને તાલીમના સુયોગને વ્યાખ્યાયિત કરવામાં સુબ્રહ્મણ્યન્‌ની સર્જના અને વિચારસૃષ્ટિએ મોંઘું પ્રદાન કર્યું છે. નવશિક્ષણના અખતરાની પહેલ ગુજરાતમાં થઈ. એમાં પ્રણેતાઓએ ગુજરાતની કળાકારીગરીની પરંપરાને પિછાણી કારીગરવર્ગના વિદ્યાર્થીઓમાં વિશેષ રસ દાખવ્યો હતો.

૧૯૫૫માં હું વડોદરા ભણવા પહોંચ્યો એ ગાળે, બીજા શિક્ષકોની સરખામણીએ સુબ્રહ્મણ્યન્ ઉંમરમાં નાના, પણ વિદ્યાર્થીઓમાં માનીતા. આપણા જ્યોતિ ભટ્ટ અને શાંતિ દવે અને ત્યાર બાદ હકુ શાહ એમની સાખે-શીખે ઊછર્યા. વિદ્યાર્થીઓ એ જ્યાં બેઠા હોય, ત્યાં પહોંચી જાય. કેટલાકે એમને કાગળની અવેજીમાં ફરશ પર ચૉક કે ચારકોલથી (અને ધૂળિયો ફ્લક હોય તો આંગળીથી) ચિત્રના આયોજનના પાઠ દેતા જોયા છે. મારા ચોથા વર્ષ દરમિયાન હું સુરેશ જોષીના ‘મનીષા’ માટે એમની મુલાકાત લેવા દોડી ગયેલો. ૧૯૬૧માં રવીન્દ્ર-શતાબ્દી દરમિયાન ભોગીલાલ ગાંધીએ મને રવીન્દ્રનાથની કળા વિશે લખવાનું કહ્યું, તો મેં સુબ્રહ્મણ્યન્ તરફ આંગળી ચીંધી અને એમનો અંગ્રેજી લેખ પહેલો ગુજરાતીમાં છપાયો! વર્ષો પછી મને કહે કે એ લેખે મને લખતો કરી દીધો! અને કેવું ને કેટલુ લખ્યું? કળાવિમર્શના ગ્રંથોમાં ‘મૂવિંગ ફોકસ’ (૧૯૭૮) પહેલું : એમાં લેખોને ગોઠવવાનું કામ મેં ઉપાડેલું ‘લિવિંગ ટ્રેડિશન’ અને ‘મૅજિક ઑફ મેકિંગ’માં કળાની સમસ્યાઓનો સુવાચ્ય અને રસાળ ગદ્યમાં સમતોલ વિમર્શ. પછી તો મુક્ત ગદ્ય પણ ખેડ્યું, કવિતા સુધ્ધાં. બાળકો માટે ડઝનબંધ સચિત્ર પુસ્તકો કૉલકાતાના સિંગલ (Seagull) પ્રકાશને એમનાં ચિત્રો, રેખાંકનો, પત્રો અને લેખોનાં અનેક પુસ્તકો પ્રગટ કર્યાં છે.

લેખન સાથે ચિત્રલીલા અવિરત પણ ૧૯૫૯થી ’૬૧ સુધી (પુપુલ જયકરના આગ્રહે?) એ વડોદરા મૂકી મુંબઈના ‘વિવર્સ સર્વિસ સેન્ટર’માં જોડાયા. ત્યાં ‘બ્લીડિંગ મદ્રાસ’ પદ્ધતિએ બનાવેલ તાકા પડી રહેલા. એમણે એ પદ્ધતિ અપનાવીને ઉપરાછાપરી ભાતવાળી છપાઈ કરાવડાવી. આ પદ્ધતિમાં અમુક રંગ ગળે ને ઊતરી જાય ને અમુક રહે એટલે અટપટી ભાત થાય. કહે છે કે પછી તો ‘બ્લીડિંગ મદ્રાસ’ના તાકા દેશવિદેશમાં એવા ઊપડ્યા કે સરકારને ટંકશાળ પડી. મને યાદ છે અમે ય ‘બ્લીડિંગ મદ્રાસ’નાં ખમીસ સિવડાવી પહેરતા. ટેક્સ્ટાઇલ ક્ષેત્રે નિષ્ણાત ગણાતા માર્તંડ સિંહે એમને ન્યુયૉર્કના મેળામાં એમણે સર્જેલ સફેદ પર સફેદ છાપવાળો પડદો દેખાડી એ કાપડ કેટલું ઊપડ્યું હતું, તેની યાદ દેવડાવેલી. એથીયે તો ૧૯૬૫ના ન્યુયૉર્ક મેળે પ્રદર્શિત, ફેંકી દીધેલ ચીંથરાને બીજા દોરે વીંટી, ગૂંથી-વણીને વિશાળ અર્ધશિલ્પ કરેલું તે ઘણા યાદ કરે છે પણ દુર્ભાગ્યે એ કૃતિ કે એની છબી બચ્યાં નથી. કટોકટીકાળે બ્લૅક પાર્ટીજ ગૅલેરીએ પ્રદર્શિત કરવા કૃતિ માગી, ત્યારે એમણે સાળ પર જાતે વણેલો (રાષ્ટ્રીય પક્ષી ગણાતો), લંગડો મોર રજૂ કરેલો. વણાટ અને રંગાટીકામના અનુભવે કારીગરો સાથે ઘરોબો કેળવાયો, ત્યારે કળા અને કારીગરી વચ્ચે પાયાનો ભેદ નહિ હોવાની પુનઃપ્રતીતિ થઈ હશે. એમનો દેશના કારીગરોની કોઠાસૂઝમાં ઊંડો વિશ્વાસ પણ એમાંથી જ નીપજ્યો હશે. ૧૯૬૯ના ગાળે અમે (હું અને દામોદર ગજ્જર) મણિસાહેબને લઈ આબુ જતાં પાટણ રોકાયા, ત્યારે એમની હોંશે, પટોળાના વિખ્યાત સાળવી કાન્તિભાઈને ત્યાં પહોંચેલા. ભાંગી-તૂટી હિન્દીમાં એમણે પળવારમાં જ સાળવી સાથે સાળવી થઈ સંવાદનો તાંતણો કેવો જોડી દીધો, એ મને યાદ છે.

મુંબઈથી પાછા ફરતાં દોરવા, ચીતરવા ને ઘડવાનો ક્રમ નિરંતર ચાલ્યો. આમ તો મુંબઈ જતાં પહેલાં એમણે વડોદરાના ઔદ્યોગિક સંકુલ જ્યોતિ લિમિટેડ માટે લાંબાં ચિત્રો કરેલાં. એમાં કારખાનાનો પરિવેશ, યંત્રો ને મજૂરો બધું ગૂંથી લીધેલું. ડિયેગો રિવેરા જેવા મૅક્સિકન કળાકારનાં ભીંતચિત્રોની યાદ આપે તેવાં ચિત્રોમાં એમણે નવા માધ્યમનો અખતરો કરેલો. તૈલચિત્રોમાં વપરાતા તેલના બે વાર ઉકાળેલા પ્રવાહીમાં મીણ ઉમેરી એમણે નવું માધ્યમ નિપજાવ્યું. (આ સસ્તા પ્રયોગે વિદ્યાર્થીઓને મોંઘા રંગોનો વિકલ્પ જડેલો.) મોટું કામ આવ્યું ૧૯૬૩માં, સૂચેતા કૃપાલાની(તે વખતનાં ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન)એ એમનેે લખનૌના નાટ્યગૃહ રવીન્દ્રાલય પર કશુંક કળાત્મક માંડવા માટે નોતર્યા. એમણે રવીન્દ્રનાથના ‘અરૂપ રતન' પાત્રોને લઈને લાંબું અર્ધશિલ્પ પકવેલી માટીમાં રચ્યું. આ માટે તેમણે દરેક પાત્ર કે આકૃતિને અવનવા આકારે વહેંચી, એના ૧૦,૦૦૦ ‘ટુકડાઓ’(units)ને ફરી મેળવીને લગાડ્યા અને એમાંથી લોકાકૃતિને લગતી નવીન, આધુનિક પદ્ધતિ નિપજાવી. ૧૯૬૯માં ગાંધીદર્શનના એક સંકુલને આયોજિત કરવાનું સ્થપતિ ચાર્લ્સ કોરિયાના હાથમાં આવ્યું, ત્યારે એમણે સુબ્રહ્મણ્યન્‌ને એમાં જગ્યા ફાળવી. અહીં એમણે સિમેન્ટ અને સિરેમિકમાં આકૃતિઓ ઢાળી. ગાંધીદર્શનનાં પાસાં વણી લીધાં. પછી તો જાણે પડકાર ઝીલતા હોય એમ એમણે પકવેલી માટીમાં અર્ધશિલ્પોની અનેક શૃંખલાઓ કરી. એ ૧૯૭૧નો ગાળો અને બાંગ્લાદેશનો લોહિયાળ ઉદ્ગમ : એક શૃંખલા એની જ. આમાં ક્યાંક નવેક ચોરસનું કે ક્યાંક ચારેક ચોરસનું ચોકઠું કરી દરેક ચોરસે અવનવી આકૃતિઓ મૂકી, ઉત્તમ કૃતિઓમાં ગણાય એવાં આ શિલ્પોમાં એમણે માટીને હાથે દબાવી, વાળી પોલી કરીને જોડીને કે ઓજારે આંકા કરીને રૂપ રચ્યાં છે. તેમાં ચર્મસ્વરૂપી/ સંવેદના ઝળકે છે. ને સંહારલીલાનું સ્વરૂપે કેવું? અમુક ચોરસે વધેરાયેલાં અંગો, બીજે અપ-પ્રસવે લટકતાં બાળને ઉપરના ત્રણે ચોરસે કકડાવતા દાંતવાળા મિલિટરી માંધાતાઓ અને યુનિફૉર્મ પર ખખડતા એમના બિલ્લા. બીજી શૃંખલામાં બાળલીલા (એક છોકરો પોતાનું માથું કેમ સમેટી લે છે તેનું અચરજ), બીજામાં કપડાંનું નાટક, ત્રીજામાં માછલીઓનાં હાડપિંજર અને એવું બધું.

મુંબઈથી વડોદરા આવ્યા ને ઠરીઠામ થયા  છે તે છેક ૧૯૮૦ લગી. વચમાં રોક્ફેલર ગ્રાન્ટ વાટે ન્યૂયૉર્કનો ફેરો ૧૯૮૫માં માટીનાં અર્ધશિલ્પોની શૃંખલા પછી એક વિશાળ શિલ્પ જ્યોતિ લિમિટેડના સંશોધન વિભાગની દીવાલે : આમાં એમણે બીજસ્વરૂપને વિશાળ સ્તરે બહેલાવ્યું. એમના જૂના સાગરિત ગ્યારસીલાલ મિસ્ત્રી ફેસ્કો પદ્ધતિ શિખવાડતા તે આ બધાં જાહેર સ્થળનાં શિલ્પોમાં સાહેદ. ચિત્રોમાં ય શિલ્પની જેમ ચોકઠામાં ચોકઠાની લીલા. એમાં એક ચોકઠેથી કેટલાંક રૂપો બીજે નીકળતાં થાય : મોજ અદલબદલની, અંદર-બહારના ખેલની, અવરજવરની. ૧૯૭૧ના ગાળે જ કાચની પાછળ અવળું ચિત્ર આગળથી સવળું જોવાનાં ચિત્રો કર્યાં. ક્યાંક માત્ર આકૃતિ કાચ પર દોરે ને પાછળ સોનેરી પૂંઠું મૂકે ત્યારે કોરો કાચ સવળું જોતાં સોનેરી લાગે. કાચચિત્રોની પરંપરા પશ્ચિમ ભારતમાં અઢારમી સદીથી પ્રવર્તે છે : એમાં દેવ-દેવી, રાજવીઓ અને રૂપાળી રમણીઓના ચહેરા-આજનાં છાપેલાં પોસ્ટરની જેમ ઝળકતા. સુબ્રહ્મમ્યન્‌ે એક આખું પ્રદર્શન ‘સુંદરીઓ’ સર્જી કર્યું. એમાં એમની રમૂજનો પારો, ઠઠ્ઠા જેટલો ઊંચો ગયો. લોભામણી, લજામણી, નટખટો કે જાદુગરણી જેવી લલનાઓની લંગાર. શણગાર કરતી, સજેલી કે અધસજી રમણીઓ કૂતરાં, બિલાડા કે પોપટ જેવાં પક્ષીઓ સાથે સહજ કે કપટી ખેલ ખેલતી. આવાં કાચ ચિત્રો પછી મોટાં થયાં, વ્યાપ વિસ્તર્યો અને કાચની અવેજીમાં એક્રિલિક આવ્યું. સાથોસાથ કાગળ પર રેખાંકનો અને કૅનવાસ તથા પાટિયા પર રંગચિત્રોની હારમાળા. આમાં જિવાતા જીવનના સમગ્ર સરંજામને અગમ ઊર્જાથી આંદોલિત કરવાનો પેંતરો. નર-નારી. જનાવર ને ફૂલ-પાંદ તો ચલિત કે ચલાયમાન પણ રાચરચીલું, બારી-બારણાં, વાસણ બધાંમાં સજીવારોપણ, પાત્રો બહાર જોતાં, અંદર રવડતાં, લડતાં-ઝઘડતાં ને ઊડી જતાં, ક્યાંક રાજકારણી જેવા, ક્યાંક સેનાના અફસરો, નરવી ગૃહિણીઓ અને છેલબટાઉ જુવાનિયા ઊડી જતી પરીની પાછળ દોડાદોડ કરતા. ક્યાં ય સીધોસાદો ગૃહજીવનનો પરિવેશ, ક્યાંક રાજકારણી ખટપટ, સાચ-જૂઠના ખેલ. એમાં જાણીતા લાગે એવા લોક (પાઘડી પહેરી લેવાની છૂટ સાથે) આટાપાટા રમતા હોય, તેમ હરેફરે ને મોઢાં સાથે મહોરાંની અદલબદલ કરે. વિશ્વ જાણે કે એક વિરાટ અને નિરંતર નાટકનો નકશો, થોડું સર્કસ જેવું ય ખરું. બધું બહુમુખી, બહુરૂપી, એમાં મર્ત્યલોકના માનવી ભેળાં દેવદેવી ય ચશ્માં પહેરી બેસે ને બાબલા ભેગાં રમે. ક્યાંક સ્ત્રીને વધારાના હાથ ફૂટે ને જાત્રાના ફલક જેમ દેવીનો, મહિષાસુરનો, બેહુલાનો ખેલ પડે. ૧૯૮૭માં ઑક્સફર્ડમાં રેસિડેન્સી ભોગવી તે ટાણે ત્યાંની બોડલાઇન લાઇબ્રેરીના સંગ્રહમાં મરતા ઇનાયતખાનનું મુઘલ ચિત્ર છે. તેમાંથી ઇનાયતખાનને છૂટો મૂક્યો ઑક્સફર્ડના પ્રાંગણમાં. એ હાડકાંને માળો અંગ્રેજી ઇમારતોના વિલાયતી સમારંભોમાં વણનોતર્યો પરોણો. સેંકડો ચિત્રોની શૃંખલાઓમાં દુનિયાનાં દાવપેચ, રમખાણો ને રમઝટ બધું બિલોરી આંખે નીરખ્યું હોય તેવું ચોખ્ખુંચણાક. આ બધું દેશવિદેશના પ્રદર્શને મુકાયું. એનાં સમૃદ્ધ પ્રકાશનો થયાં ને ૨૦૦૩માં નૅશનલ ગૅલરી ઑફ મૉડર્ન આર્ટમાં એમની સમગ્ર ચિત્રસૃષ્ટિને આવરી લેતું વિશાળ પ્રદર્શન થયું. આર. શિવકુમારે એનું નિયોજન કર્યું અને એમની કલાસૃષ્ટિનું વિગતે વિવેચન કર્યું. ગીતા કપૂરે પણ એમની કળા પર પૂરું પુસ્તક લખ્યું છે.

આટલાં ચિત્રો-શિલ્પો કર્યાં તે ઓછું હોય તેમ ૧૯૯૦માં એમના શાંતિનિકેના વાર્ષિક ફેરે, બેસીને કામ કરતા તે બે માળની ઇમારતની કાયાપલટ કરવાનું માથે લીધું. રોજ ખપાટિયાં (scaffolding) પર ચડી, પરસેવો ટાળવા કપાળે પટ્ટી બાંધી, એમણે અઠવાડિયાંઓ લગી દીવાલો ચીતરી ને ઇમારતના દીદાર બદલી નાખ્યા. પહેલાં કોરી દીવાલો હતી, ત્યાં એના બારણે ને બારીએ મોર બેઠા, પંખીઓ ઊડ્યાં, વાંદરા કૂદ્યા ને તાડ ઊગ્યાં. દોઢેક માળ ચીતરતાં ઉપરનું બાકી રહ્યું હતું તે ૧૯૯૩માં જઈને પૂરું કર્યું. જાણે કે જાદુગરે પળવારમાં ઇમારતને કાળા-ધોળા તિલસ્મી રૂપે પલટી નાખી. વરસો વીતતાં એ આકૃતિઓ ઘસાઈ, ભૂંસાઈ ને ઝાંખી થઈ, એટલે ફરી પાછી ચાનક ચડી ને જૂની આકૃતિઓ ભૂંસી એને નવા રૂપે સજીવન કરી. અહીંયાં મોટી દીવાલે બહુરૂપી કેવી ફૂટ્યાં. દાનવેશે મહિષ પ્રગટ્યો, કાળાં-ધોળાં રૂપ બારી-બારણે સંતાકૂકડી રમ્યાં ને ઇમારત તો જાણે ઊડણખટોલા જેવી નજર કરતાં જ ઊડવા માંડે એવી થઈ. અચરજ હજુ બાકી છે. માસ્ટર મોશાળ નંદલાલ બસુનો સ્ટુડિયો કલાભવન પરિસરમાં – એને જર્જરિત થતો જોયો ને થયું, એના મૂળ માળખાને સાચવી સમારકામ કરીએ તો કેમ? વિદ્યાર્થીઓ અને કારીગરો સાથે ભેગાં મળી એમણે હજારોની સંખ્યામાં સિરેમિકની ‘ટાઇલ્સ’ બનાવી ને દરેક પર સહજ હાથે કોઈ ભાતનું એક રૂપ ટાંક્યું. આવા સહજ અને ચલિત રૂપે મઢેલી દીવાલે એ સ્થળને એક તીર્થસ્થાન જેવું કરી દીધું. એ થયું ત્યારે એ નેવુંના થવા આવ્યા હતા!

શાંતિનિકેતનની જેમ વડોદરાની ફાઇન આટ્ર્સ કૉલેજમાં ય વાર્ષિક કળામેળો ભરાય. એમાં સુબ્રહ્મણ્યન્ રમકડાં બનાવે. બાળકો માટે ચોપડીઓ લખી-ચીતરી છપાવે ને જરૂર પડે તો નાટકના પડદા ય ચીતરે. રમકડાં માટીનાં હોય, તો મોટી ગૂંદીને ઝીણકાં જનાવર ઘડે. લાકડાના ટુકડા ભેગા કરી રેક્ઝિન કે ચામડે મઢી નાનકડાં ગેંડા ને ઘેટાં બનાવે. ઘણાએ આ રમતિયાળ શિલ્પો પરસાદની જેમ સંઘર્યાં છે. કહે છે કે નંદલાલ બસુ પાસે કોઈ વિદ્યાર્થી પોતાની વર્ષગાંઠે જઈ ચડતો, તો માસ્ટર મોશાય એને એક પતાકડા (પોસ્ટકાર્ડ) પર કશુંક દોરી દેતા. સુબ્રહ્મણ્યન્‌ે દાયકાઓથી, એ વડોદરે હોય કે શાંતિનિકેતન, પણ દિવાળી કે નવા વરસ ટાણે મિત્રો-સ્નેહીઓ અને વિદ્યાર્થીઓને, હાથે ચીતરેલ પતાકડું મોકલવાનો શિરસ્તો જાળવ્યો છે. એમાં કોઈને મળે મોર તો કોઈને કાબર કે કાગડો, કોઈને ઠસ્સાદાર ગર્દભરાજ કે મસ્ત મર્કટ અનેરી અદામાં, કોઈને ગરમાળો તો કોઈને એકલવાયું તાડવૃક્ષ. એમની રસળતી પીંછીના સજીવ છરકે પ્રગટતાં જીવસૃષ્ટિનાં ચલાયમાન રૂપ આજે ય જોનારને ચકિત કરે છે.

(‘વિશ્વવિહાર’ના સદ્ભાવથી)

e.mail : gulamsheikh@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 08-10

Loading

19 July 2016 admin
← ગુજરાત ફાઇલ્સ : ફરી વાગોળવાની વેળા
ભારત ભૂમિ સમન્વયની ભૂમિ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved