Opinion Magazine
Number of visits: 9448208
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે

જિજ્ઞેશ મેવાણી|Opinion - Literature|23 February 2017

જ્યારે કલા કલા નહીં જીવન બની જશે,

મારું કવન જગતનું નિવેદન બની જશે

અલગારી ગઝલકાર મરીઝ સાહિત્યજગતની એક દુર્લભ જણસ છે. અત્યંત સરળ બાનીમાં ઉચ્ચ કક્ષાની શાયરી કરવાનો હુન્નર મરીઝને ગઝલસાહિત્યમાં સર્વોચ્ચ શિખરે બેસાડે છે. એક વ્યક્તિ તરીકે અત્યંત લૉ પ્રોફાઇલ રહેલા અબ્બાસ અબ્દુલઅલી વાસી ઉર્ફે ‘મરીઝ’ની આજે [22 ફેબ્રુઆરી 2017] 100મી જયંતી નિમિત્તે મરીઝના ઊંડા અભ્યાસુ અને અઠંગ ચાહક એવા જિજ્ઞેશ મેવાણીની કલમે ગઝલના ‘ગળતા જામ’ને ફરી મરીઝની ‘મદિરા’થી છલકાવીએ છીએ …

આજે 22 ફેબ્રુઆરીના રોજ મરીઝ નામની ઘટનાના અસ્તિત્વને પૂરાં સો વર્ષ થયાં. બેમિસાલ કવિતાનો આ જાદુઈ સર્જક ભલે ઓળખાતો ‘ગુજરાતના ગાલિબ’ તરીકે હોય, પણ એની પ્રતિભા ગાલિબથી એક અણુ ઓછી નથી. બલકે, રઈસ મણિયારના શબ્દોમાં કહીએ તો અભિવ્યક્તિની સરળતા-સહજતામાં મરીઝ એ ગાલિબ કરતાં એકાદ માર્ક વધારે સ્કોર કરે છે.

માનવહૃદયમાં જન્મના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવને મરીઝે જે સરળતા, સહજતા અને કારીગરીથી વ્યક્ત કર્યા છે તે કોઈ જિનિયસ જ કરી શકે. મરીઝની કમાલ એ છે કે તમે કલા સાહિત્યના કોઈ પણ સ્વરૂપ કે એસ્થેિટક્સ વિશે વાત કરવા લેશમાત્ર ઓથોરિટી ન હોવ, છતાં ચાની કીટલી પર કે મિત્રોની મહેફિલોમાં પૂરેપૂરી તીવ્રતા અને આક્રમકતા સાથે તમને એવો દાવો કરવાનું મન થાય કે બોસ, જગતમાં મરીઝની તોલે કોઈ ન આવે, એ અદ્વિતીય છે.

મંત્રમુગ્ધ કરી નાખનારી કવિતાનો આ સર્જક યુરોપના કોઈ દેશમાં જન્મ્યો હોત તો એણે જન્મશતાબ્દી વર્ષ દરમિયાન આખા દેશને હિલોળે લીધો હોત અને ત્યાંના સાહિત્યકારો-સરકારોએ ભેગાં મળી એની સ્મૃિતમાં મેગેઝિનોના વિશેષાંકો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, મુશાયરા, કલાપર્વો, આર્કાઇવ્ઝ ન જાણે શુંનું શું કર્યું હોત. ખેર, ફૈઝ અહેમદ ફૈઝની જન્મ શતાબ્દી ઊજવવાનું પણ જેને સૂઝ્યું નહીં, એવી ગુજરાતી સાહિત્યની અકાદમીઓ અને પરિષદોની વૈચારિક દારિદ્રતા તેમને મુબારક, પણ આજે મરીઝના ગઝલસંગ્રહ – ‘આગમન’ની આઠ આવૃત્તિઓ થયા બાદ તેની એક પણ કોપી બજારમાં ઉપલબ્ધ નથી એ મારા જેવા મરીઝના ચાહકો માટે સૌથી મોટું આશ્વાસન છે.

મરીઝનો જાદુ ચારેકોર ફેલાયેલો છે. મરીઝના ચાહકો, આશિકો, દીવાનાઓને મરીઝ એમની કવિતાના નશામાં એવા તો ડુબાડી દે છે કે જીવનભર એમને હેંગ ઓવર રહે અને આ ચાહકો દ્વારા મરીઝની મોહિની દિન દુગની રાત ચોગુની ફેલાયા જ કરવાની છે. મરીઝને પણ એ વાતની ખાતરી હતી, એટલે જ તો એ લખે છે –

આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો ય જાય ના.

આપણા સરકારી સાહેબોને જેનામાં ગુજરાતની અસ્મિતા અને ગૌરવનાં દર્શન થયાં નથી એવા સુરતના દાઉદી વ્હોરા પરિવારમાં જન્મેલા આ શાયરનો અભ્યાસ ફક્ત ગુજરાતી બે ચોપડી અને એ પછી મરીઝ જે શીખ્યા હશે તે 14 વર્ષની ઉંમરે મુંબઈમાં રબરની ફેક્ટરીમાં, મુંબઈના મહમદ અલી રોડ વિસ્તારની લાચાર-બેબશ ગલીઓમાં, દેશી દારૂનાં પીઠાંઓમાં, મિત્રોની મહેફિલોમાં અને નિષ્ફળ પ્રણયમાં. સાહિત્યજગતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની ખેવનાથી સદંતર વિપરીત, મુશાયરામાં દાદ મળે તો ય શરમાઈ-સંકોચાઈ જવાની માસૂમ પ્રકૃતિ ધરાવતા આ કવિ ભારે રસપ્રદ છે.

શાયરો વિશેની લોકોના મનમાં જે ટિપિકલ ઇમેજ હોય છે એમાં મરીઝ એકદમ ફિટ બેસે. જેમ કે, માણસ પ્રેમમાં પડે, પ્રેમમાં વાત બને નહીં એટલે પ્રેમિકાના ગમમાં ઝૂરે, પછી શાયરી કરતો થાય, દર્દે દિલ ભુલાવવા શરાબની લતે ચઢે, દુનિયાદારીથી બેપરવા બની જાય, એની કલાની, એની હયાતીમાં કદર ન થાય. મુફલિસીમાં જીવે, મર્યા પછી મોટું નામ થાય. આ બધાં લક્ષણો મરીઝમાં મોજૂદ. ઉપરાંત, આઠ આનામાં ગઝલો વેચવી, ચાર-મિનાર સિગારેટનાં ખોખાં ઉપર શેરો ટપકાવવા, મુલ્લાઓની સામે પીને લથડિયાં મારવાં, મયખાનામાં લોકોને ઇસ્લામની બારીકીઓ સમજાવવી.

મુશાયરાઓમાં નબળા પઠનને કારણે ફ્લોપ જવું ને શેરીઓમાં શેરો સંભળાવી લોકોને ફ્લેટ કરી દેવા, એક એવી ગઝલ લખવી જેના પ્રત્યેક શેરમાં પ્રેમિકા રબાબનું નામ વણાયેલું હોય, મુશાયરામાં લાસ્ટ મોમેન્ટ પર સૌના જોતાં ઇન્સ્ટન્ટ ગઝલ લખી નાખવી. આવા વ્યક્તિત્વને કારણે સામાન્ય રીતે મુશાયરામાં ફ્લોપ જતાં મરીઝ ગલીને નાકે ટોળે વળીને સાંભળવા લોકો તલપાપડ રહેતા. મુંબઈના ભીંડી બજાર, ભાયખલ્લા, મહમદ અલી રોડ, ડોંગરી આ બધા વિસ્તારોમાં ગલીએ ગલીએ મરીઝના ચાહકો પડ્યા હોય, આજે ય છે.

મરીઝ આવા સ્ટ્રીટ-મુશાયરામાં ભારે ખીલતા અને ચાર મિનાર સિગારેટના કસ ઉપર કસ ખેંચે જાય અને અનીસ, દબીર, મીર, મોમીન ગાલિબ અને પોતાના શેરો અને મરશિયાઓ પણ કલાકો સુધી સંભળાવી શકે. એમને કહે કે મરીઝ સાહબ આપકે કુછ તાજા કલામ હો જાયે, ત્યારે મરીઝ પોતાના મસ્ત-મૌલા હ્યુમરસ અંદાજમાં કહેતા, પહલે કુછ તાજા શરાબ હો જાય. પીવાની લતને ખાતર તેઓ આઠ આના માગવાનું ચૂકતા નહીં. જો કે, આઠ આનાથી વધુ માગે પણ નહીં. મરીઝના નાના ભાઈ તાહેરવાસીએ આ લખનારને એક મુલાકાત દરમિયાન કહેલું કે એમની દીકરીનાં લગ્ન દરમિયાન લોકો ગિફ્ટ, ચાંદલો લખાવવા જે કવર આપતા તે કવર સાચવવાનું કામ મેં મરીઝને સોંપ્યું.

મરીઝની શરાબની લતથી વાકેફ એક વ્હોરા સજ્જને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, તમે આ કવર સાચવવાનું કામ મરીઝને ક્યાં સોંપ્યું? ત્યારે મેં એમને કહેલું, ચિંતાનું કોઈ કારણ એટલા માટે નથી કે કવરમાં કોઈ આઠ આના મૂકવાનું નથી. જો કોઈ આઠ આના મૂકવાનું હોય તો જ જોખમ બાકી નહીં. શરાબની લતને કારણે સાવ સસ્તા દામમાં મરીઝે ચંદ્રશેખર ઠક્કુર તબીબને આખો ગઝલસંગ્રહ રેડી કરી આપેલો, જે શૂન્ય પાલનપુરીને જાણ થતાં તેમણે રોકાવી દીધેલો એ જાણીતી વાત છે. જીવનભર માંડ બે-પાંચ રૂપિયામાં તેઓ ગઝલો વેચતા રહ્યા, તેઓ લખે છે –

દુનિયાના લોકમાં ગજું ના દીઠું મરીઝ,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

શરાબની આ લતના કારણે એમની ભારે બદનામી અને બરબાદી થઈ. જો મરીઝને આ લત ન હોત તો ગુજરાતી સાહિત્યના ખોળામાં ‘આગમન’ જેવા બીજા બે-ચાર બેનમૂન ગઝલસંગ્રહો હોત. જો કે, મરીઝે પોતાની શરાબખોરીને ક્યારે ય છુપાવી નથી કે નથી પોતાની લાચારીની કોઈ ફરિયાદો કરી. ઊલટું તેઓ લખે છે-

કિસ્મતને હથેળીમાં હંમેશાં રાખો,
ચહેરા પર એની ન રેખા રાખો,
દેવાને દિલાસો કોઈ હિંમત ના કરે,
દુ:ખ-દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.

આ નિખાલસતા એ મરીઝની કવિતાનો સર્વોચ્ચ ગુણ છે. મરીઝે પોતાને પોતે હતા એવા જ પ્રગટ કર્યા છે. મેં પોતે જ મારા સંજોગોને મારું મુકદ્દર બનાવી દીધું એવો ભાવ તેઓ ખૂબ નિખાલસતાપૂર્વક કવિતામાં પ્રગટ કરે છે. કોઈ ફરિયાદો નહીં, કોઈ રોદણાં નહીં, માત્ર સહજતા, સરળતા, નિખાલસતા અને એ પણ કલાની ઉત્કૃષ્ટ, બેમિસાલ અભિવ્યક્તિ સાથે. આ જ છે મરીઝ. જો શેક્સપિયર, ગાલિબ કે ફૈઝને ગુજરાતી આવડતું હોત અને તેમણે મરીઝ વાંચ્યા હોત તો મરીઝનો કમાલ જોઈ ઝૂમી ઊઠ્યા હોત.

મરીઝની દુર્લભ કાવ્યપ્રતિભા વિશે તેમના બીજા અને છેલ્લા ગઝલસંગ્રહ ‘નકશા’ની પ્રસ્તાવનામાં સિતાંયુ યશશ્વંદ્ર લખે છે –

‘જેમ એક સમયે સોનેટ કાવ્ય સ્વરૂપ પર કવિઓના દરોડા પડતા, તેમ આજે હાઈકુ, ગીત અને ગઝલ પર પડે છે. તેમાં ય ગઝલ પર તો કંઈક વધારે જ. કાવ્યત્વને ન સમજતા મનોરંજકો, ઇશ્કીઓ, કીર્તિલોલુપ ધનપતિઓ અને કમઅક્કલ કિશોરનું એક વિચિત્ર ટોળું જેના પર સામૂહિક અત્યાચાર ગુજારી ચૂક્યું હોય એવી સ્ત્રીને તેનું શિયળ પાછું અપાવવાનું કામ સાચા ગઝલકાર-કવિએ કરવાનું છે. આ કવિકર્મ દુષ્કર છે. જે ગણ્યાગાંઠ્યા શાયરોએ ભારતભરમાં આ દુષ્કર કવિકર્મ કર્યું છે તેમાં મરીઝનું સ્થાન છે.’

મરીઝ એટલે નર્યું સુખ. મરીઝે પોતાના સર્જનમાં ‘હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ’ ઉમેર્યાં છે. આશા રાખીએ કે યુગયુગાંતર સુધી લોકો એમની આ લાજવાબ અભિવ્યક્તિનો આસ્વાદ માણે. ચિઅર્સ મરીઝ સાહેબ.

(મરીઝ ઉપર તલસ્પર્શી સંશોધન કરનાર યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ‘દિવ્ય ભાસ્કર’ના વિશેષ આમંત્રણને માન આપીને વાચકો માટે આ સ્પેિશયલ પેજ પર તેમના સંશોધનનો નિચોડ રજૂ કર્યો છે.)

મરીઝના અમર શેર

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
િમલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યા રબ,
મરણનો ઘૂંટ પી લે, એનું લોહી ચૂસનારાઓ.

જિંદગીના રસને પીવામાં જલદી કરો ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

મહોબતના દુ:ખની આ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

મરીઝ શાયરીનો ઉત્તમ વારસો આપણને સોંપી ગયા છે એ અનંત કાળ સુધી લોકહૈયે જડાયેલો રહેશે. એનો પ્રત્યેક શેર અમર છે અને એ પોકારી પોકારીને કહેશે – મરીઝ હયાત છે અને યાવતચંદ્રૌદિવાકરો હયાત જ રહેવાનો. સૂરાની ભાષામાં કહીએ તો-

‘આખું સૂરા જગત છે ઉપાસક મરીઝનું,
પ્રત્યેક ખાલી જામ છે સ્મારક મરીઝનો.’

                                        — શૂન્ય પાલનપુરી

ફેક્ટસ

 મરીઝના મિત્ર અને ગુરુ અમીન આઝાદે ઉર્દૂના જે શેર પરથી મરીઝને તખલ્લુસ આપ્યું તે શેર છે:

‘મરીઝ ઇશ્ક પર રહેમત ખુદા કી,
મર્ઝ બઢતા ગયા જૂ જૂ દવા કી.’

•

સૈફ પાલનપુરીએ મરીઝને યુગમૂર્તિ ગઝલકાર તરીકે નવાજેલા અને મરીઝના સમકાલીન એ.ટી. અમીરીએ મરીઝને પહેલી વાર એક મુશાયરામાં ‘ગુજરાતના ગાલિબ’ તરીકે સંબોધેલા.

•

મરીઝનો મુશાયરા-પ્રવેશ આસિમ રાંદેરીના કારણે મુંબઈ ખાતે આકાશવાણીના રેડિયો મુશાયરામાં થયો હતો, તારીખ હતી -20-12-1936

•

મલ્લિકા-એ-ગઝલ બેગમ અખ્તરે બે ગુજરાતી ગઝલો ગાઈ હતી. (બંને પુરુષોત્તમ ઉપાધ્યાયે ગવડાવી હતી) તેમાંની એક મરીઝની ‘મેં તજી તારી તમન્ના’ ખૂબ જાણીતી ગઝલ છે. મરીઝની એકમાત્ર ઉપલબ્ધ ઉર્દૂ ગઝલ ‘બે ઘડી મોજ’માં પ્રગટ થઈ હતી.

મરીઝના જીવનના યાદગાર કિસ્સા

1. મરીઝ તેમની ભુલક્કડ વૃત્તિને કારણે ખાસ જાણીતા હતા. એક વાર જલન માતરી અને મરીઝનો ભીંડીબજારમાં ભેટો થઈ ગયો. જલન માતરીએ મરીઝને શેર સંભળાવ્યો. મરીઝ તો જલન માતરીને દાદ દેવા મંડ્યા, ‘વાહ! જલન, તને લખતા આવડી ગયું હોં!’ એટલે જલન માતરીએ મરીઝને યાદ અપાવતાં કહ્યું, ‘મરીઝ સાહેબ, આ મારો નહીં, તમારો પોતાનો શેર છે.’ મરીઝ કહે, ‘એમ! ઊભો રહે, હું હમણાં જ કાગળમાં ટપકાવી દઉં, નહીંતર પાછો ભૂલી જઈશ.’

2. એક વાર મરીઝને કોઈકે પૂછ્યું કે – ‘તમે જેને ગઝલો વેચો છો એની પાસે એનું પોતાનું કંઈ મૌલિક છે ખરું?’ ત્યારે મરીઝે કહેલું, ‘હા, છેને. એને બે બાળકો છેને.’

3. નઝીર ભાતરી નામના શાયર ઉપર એવું આળ છે કે તેમણે પણ મરીઝ પાસે ગઝલો લખાવેલી. હકીકત સદંતર વિપરીત છે. મરીઝે માત્ર નઝીર ભાતરીની ગઝલોની ઇસ્લાહ કરેલી અને મરીઝને નઝીર સાથે  િદલોજાનની મૈત્રી હતી. મરીઝના કારણે જ નઝીરને કિશોર વયમાં શાયરીનો ચસ્કો લાગેલો. મરીઝની સાથે એ મુશાયરામાં જાય. સૈફ પાલનપુરી, અમીરી, અમીન આઝાદ, આસિમ રાંદેરી વગેરેની જોડે બેસે-ઊઠે.

એમ કરતાં એ શાયરી કરતા થઈ ગયા. શરૂઆતમાં મરીઝે તેમને મદદ કરેલી, પણ પછી તો એ જાતે જ લખતા. રાત્રે મોડે સુધી લખતા. ‘વતન’માં તેમની શાયરી છપાતી થઈ એટલે લોકોને ખ્યાલ આવ્યો કે આ બહુ સરસ શાયરી કરે છે. મુશાયરામાં તેમને માન મળવા લાગ્યું. મુશાયરામાં નઝીરની તારીફ જોઈને મરીઝે કહ્યું હતું કે આ છોકરો એક દિવસ બહુ આગળ જશે, પણ તેમને 26માં વર્ષે કેન્સર થયું. આ બીમારીની જાણ થતાં મરીઝ અને પરિવારજનોના જાણે પગ જ ભાંગી ગયા. નઝીરના ખાટલા પાસે રાત-દિવસ મરીઝ બેસી રહેતા. છેલ્લા ચાર દિવસ મરીઝ એમની પડખેથી ખસ્યા નહોતા. મરીઝે તેમનું મેલું પણ સાફ કરેલું. નઝીર જે કંઈ માગે તે તરત હાજર કરતા.

નઝીરનો ‘સમય’ જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ મરીઝ વધુ ઢીલા પડતા ગયા. તેમના ચહેરા પરનું નૂર ઊડી ગયેલું. આખરે નઝીરે ચોથા દિવસે દમ તોડ્યો. શરાબ વિના જેને કલાક પણ ચાલે નહીં એ મરીઝે નઝીરના છેલ્લા ચાર દિવસ સુધી શરાબને હાથ સુધ્ધાં નહોતો લગાડ્યો. કદાચ જિંદગીમાં પહેલી વાર એવું બન્યું હશે કે એમણે ચાર દિવસ સુધી શરાબને હાથ ન લગાડ્યો હોય, પણ નઝીરને દફનાવ્યા પછી મરીઝે નઝીરના ગમમાં હદ બહારનું પીવાનું ચાલુ કરી દીધું હતું. પરિવારજનોએ અને બીજા કેટલા ય લોકોએ મરીઝને દારૂ પીધેલી હાલતમાં પોક મૂકીને રડતા જોયેલા અને મરીઝે નઝીરની શાનમાં એક અંજલિ લેખ પણ લખ્યો હતો.

સૌજન્ય : ‘મરીઝ નામની ઘટનાની 100મી જયંતી’, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 22 ફેબ્રુઆરી 2017

————————————————————

શૈલેન્દ્ર વાઘેલા, ‘ફેઇસબુક’ને જરિયે 22 ફેબ્રુઆરી 2017ના લખતા હતા :



મરીઝ પરના સ્પેિશયલ પેજ પાછળની વાત

“દિવ્ય ભાસ્કર”ના પૂર્તિ વિભાગની ટીમ મિટિંગમાં નક્કી થયું કે મરીઝની 100મી જન્મજયંતી પર વિશેષ પેજ કરવું, એટલે સૌ પહેલાં જિજ્ઞેશ મેવાણીના નામનો જ વિચાર આવ્યો.

ગુજરાતમાં ઉનાકાંડ પછી તે દલિત નેતા તરીકે પ્રકાશમાં આવ્યો છે, પણ મૂળભૂત રીતે તે પત્રકાર અને પત્રકાર તરીકેના કાર્યકાળ દરમિયાન મુંબઈમાં ખૂબ જ રઝળપાટ કરીને મરીઝ વિશે તેણે સંશોધન કર્યું હતું તેનો મને ખ્યાલ હતો.

મરીઝ પર પેજ કરવા માટે જ્યારે તેનો સંપર્ક કર્યો, ત્યારે તે નાગપુરમાં હતો અને કહ્યું કે આપણે એ કરીએ જ છીએ અને નાગપુરથી આવું એટલે તરત આપણે મળીએ. મેં કહ્યું કે સ્યોર પણ આ માટે તારે “દિવ્ય ભાસ્કર”ની ઓફિસ પર આવવું પડશે તો એ સંમત પણ થઈ ગયો.

નાગપુરથી આવ્યા બાદ તે આવ્યો પણ ખરો અને ઉત્સાહપૂર્વક આખા ટાસ્કમાં સામેલ થવાની તૈયારી દર્શાવી. મેગેઝિન એડિટર કૃષ્ણકાંતભાઈ અને મેં મરીઝ વિશે વાચકોને શું આપવું તેની રૂપરેખા બનાવી રાખી હતી, તે તેને દર્શાવી. તેણે તેના સંશોધનની કેટલીક વાતો કરી. તેમાંથી શું લેવું અને શું ના લેવું તે નક્કી થયું.

પછી મિટિંગ પૂરી થયા બાદ, કેન્ટિનમાં ચા-પાણીના દોર વખતે અચાનક જ તેણે કહ્યું કે તું અત્યારે જ ઘરે ચાલ, અને મારી પાસે જે મટિરિયલ છે તે આપું. કાલની રાહ નથી જોવી, કારણ કે કાલે સવારે હું બેંગલોર જવાનો છું.

હું તેના ઘરે ગયો. મરીઝ વિશે તેણે કરેલું કામ જોયું. તેમાંથી કેટલાંક કામની પ્રિન્ટઆઉટ્સ મેં લીધી અને કલાકેક બાદ છૂટા પડ્યા.

બીજા દિવસે તેનો ફોન આવ્યો કે બીજી પણ રસપ્રદ વસ્તુઓ મળી છે તે હું બેંગલોરથી આવું એટલે લેતો આવીશ. મેં કહ્યું ઓકે. તે બંેગલોરથી આવ્યો ત્યારે મારા સહકાર્યકર મીરાં ત્રિવેદીએ મરીઝ પર કેટલુંક કન્ટેન્ટ તૈયાર કરી રાખ્યું હતું. તે તેણે જોયું અને સંતોષ વ્યક્ત કર્યો. મરીઝપ્રેમના લીધે “દિવ્ય ભાસ્કર”ની ઓફિસ પર તેણે એક આખો દિવસ વિતાવ્યો અને મોડી રાત્રે “દિવ્ય ભાસ્કર”ના ક્રિએટિવ હેડ નરેશ ખીંચીએ ડિઝાઈન કરેલું મરીઝ પરનું પેજ જોઈ તે ખુશ થઈ ગયો. મરીઝ વિશેની અપ્રાપ્ય માહિતી તો જિજ્ઞેશ પાસેથી મળી જ, પણ મરીઝના હસ્તાક્ષરમાં લખાયેલો અલભ્ય શેર પણ તેની પાસેથી મળ્યો અને તેણે હોંશે-હોંશે તે બધું “દિવ્ય ભાસ્કર”ને સોંપ્યું તે માટે જિજ્ઞેશ મેવાણીને બિગ થેંક્સ.

સૌજન્ય : https://www.facebook.com/shailendra.vaghela.10

Loading

23 February 2017 admin
← આપણી જાત સિવાય કોઈને માટે નથી આ શબ્દ!
નલિયાકાંડઃ ડાળખાં-પાંદડાં અને મૂળિયાં →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved