સુરતમાં વડાપ્રધાન 7 માર્ચ 2025ના રોજ આવતા હોઈ, આગલા દિવસે પોલીસ બંદોબસ્ત નિમિત્તે રીહર્સલ હતું. તે દરમિયાન એક 15 વર્ષનો નેપાળી છોકરો સાયકલ લઈને નીકળ્યો. પોલીસ સબ ઈન્સ્પેકટર ગઢવીએ તેના વાળ પકડીને માર્યો, અપમાનિત કર્યો. આ છોકરો વડા પ્રધાનનો બંદોબસ્ત એટલે શું એની સમજ ધરાવતો ન હોય તે સ્વાભાવિક છે.
પોલીસ પણ ટેન્શનમાં હોય. રીહર્સલ લાંબા સમય સુધી ચાલે. ગુજરાત આખામાંથી પોલીસને સુરત ખડકી હોય. પોલીસ પણ કંટાળી ગઈ હોય. એટલે ઝપટે ચડ્યો તેના પર ગુસ્સો ઊતારે. આ છોકરાની જગ્યાએ કોઈ વૃદ્ધ હોત તો પણ પોલીસ આવું જ ગેરવર્તન કરત.
સવાલ એ છે કે પોલીસ આવું ગેરવર્તન કેમ કરે છે? આ એ પોલીસ છે જેની પાસે કાયદા મુજબ કામ લેવાતું નથી. પોલીસે કાયદાનું શાસન જોયું નથી. પોલીસે તો રાજસત્તા / આર્થિક સત્તા / ધર્મસભાનું રાજ જોયું છે અને તેમની ઈચ્છા મુજબ કાયદાઓને ઝૂકતા જોયા છે. એટલે પોલીસનો ગુસ્સો નબળા / લાચાર લોકો પર ઊતરે છે. સક્ષમ પર નહીં.
સવાલ એ પણ છે કે આપણે પોલીસમાં માણસાઈ રહેવા દીધી છે? શું પોલીસનો ઉપયોગ પપેટની જેમ થતો નથી? શું પોલીસનો ઉપયોગ રાજકીય ચાપલૂસી માટે થતો નથી? સુપરવાઈઝરી પોલીસ અધિકારીઓએ ક્યારે ય તાબાના પોલીસ કર્મચારીઓ માટે વિચાર કર્યો છે? સીનિયર પોલીસ અધિકારીઓએ ક્યારે કાયદાના શાસનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે? તાબાના પોલીસ કર્મચારીઓ જાણે વેઠિયા મજૂર હોય તે રીતે કામ લેવાતું નથી? શા માટે તેમને ફિક્સ પગાર અપાય છે? શા માટે તેમના કલ્યાણની ચિંતા કરવામાં આવતી નથી? શું રાજ્યના પોલીસ વડાએ ક્યારે ય આ બાબતે ધ્યાન આપ્યું છે? પોલીસ રોજેરોજ જોઈ રહી છે કે સીનિયર પોલીસ અધિકારીઓ કેવી રાજકીય ભક્તિ કરે છે? કેટલું ખોટું કરે / કરાવે છે? આ સ્થિતિમાં તાબાના પોલીસ કર્મચારીઓ નાગરિકો સાથે સારું વર્તન કરે ખરાં?
યૂટ્યૂબર જ્યોત્સના આહિરે ગુસ્સો વ્યક્ત કર્યો છે કે “નબળો ધણી બૈરી પર શૂરો ! ત્રેવડ હોય તો જાવ જેના લીધે હેરાન થાવ છો, એની સામે પડો તો ખરા બહાદુર કહેવાવ ! પણ ત્યાં તો અવાજ નીકળશે નહીં ગુલામ પ્રજાતિનો !”
પત્રકાર પ્રશાંત દયાળે કહ્યું કે “છોકરાને મારે છે તે વીડિયો એક વખત વડા પ્રધાનને જોઈ લેવો જોઈએ, આ પોલીસને માનસિક સારવારની જરૂર છે !”
પણ આ એ વડા પ્રધાન છે જે પોતાને પ્રધાનસેવક કહીને ગર્વ કરે છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે ગુજરાત પોલીસને જ નહીં, ખુદ ગૃહ મંત્રીને ગુલામ બનાવી દીધા હતાં ! ગુલામ બનાવી દીધી હતી ! એટલે વડા પ્રધાન આ વીડિયો શા માટે જૂએ? એમણે જ તો પોલીસની આ સ્થિતિ કરી મૂકી છે ! PSI ગઢવી મોરબીથી સુરત બંદોબસ્તમાં આવ્યા હતા. આખા રાજ્યમાંથી પોલીસને બોલાવવી પડે તે સ્થિતિ કરનાર તો મોદીજી છે ! પોલીસ બોલી શકે તેવી સ્થિતિ રહેવા દીધી છે? જ્યાં મોટા મોટા પોલીસ અધિકારીઓ જ બોલી શકતા ન હોય ત્યાં નાના પોલીસ કર્મચારીઓ કઈ રીતે મોં ખોલે?
ગુજરાતમાં ગૃહ મંત્રી હરેન પંડ્યા હતા ત્યારે મેં અનુભવ્યું હતું કે પોલીસ સ્વતંત્ર રીતે કામ કરી શકતી હતી. પરંતુ મોદીજી મુખ્ય મંત્રી થતાં ગોરધન ઝડફિયા અને અમિત શાહ ગૃહ મંત્રી બન્યા. આ બન્નેની સ્થિતિ જ ગુલામ જેવી હતી. એમાં ય અમિત શાહે તો પોલીસતંત્રને બિલકુલ સ્વામાનહીન બનાવી દીધું હતું. હાલ કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે અમિત શાહ ખુદ તથા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખુદ બિલકુલ ગુલામની જેમ કામ કરી રહ્યા છે, ત્યારે પોલીસ માનવીય ચહેરાવાળી બને તેવી અપેક્ષા કઈ રીતે રાખી શકાય?
જ્યાં સુધી પોલીસતંત્રમાંથી સામંતશાહી માનસિકતા દૂર નહીં થાય; જ્યાં સુધી પોલીસ સત્તાપક્ષની ગુલામ રહેશે ત્યાં સુધી બાળકોના / મહિલાઓના / વૃદ્ધોના વાળ ખેંચાતા રહેશે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર