
રમેશ ઓઝા
આજકાલ હું પ્રવીણ સાહનીનું પુસ્તક The last war – How Artificial Intelligence will shape India’s final showdown with China.’ વાંચું છું. આ પુસ્તક શરીરમાંથી લખલખું પસાર થઈ જાય, એવું ડરાવનારું છે. પ્રવીણ સાહની લશ્કરમાં હતા અને મુદ્દત પહેલાં નિવૃત્તિ લીધા પછી અત્યારે તેઓ ડિફેન્સ રિસર્ચનું કામ કરે છે. તેઓ નિયમિત રીતે અખબારોમાં અને ‘જેને ડિફેન્સ રિસર્ચ વીકલી’ અને એવાં બીજા લશ્કરી તેમ જ સંરક્ષણની બાબતોને લગતાં પ્રતિષ્ઠિત સામયિકોમાં લખે છે.
પ્રવીણ સાહની તેમનાં પુસ્તકમાં કહે છે કે ચીન ૨૦૨૩ના પૂર્વાર્ધમાં ભારત સામે યુદ્ધ કરવા લશ્કરી રીતે તૈયાર હશે. આનો અર્થ એવો નથી કે યુદ્ધ થશે જ પણ જો યુદ્ધ થયું તો માત્ર દસ દિવસમાં ચીન ભારતને પરાજીત કરશે, અરુણાચલ પ્રદેશ અને લડાખ છીનવી લેશે. યુદ્ધમાં જોડાઈને પાકિસ્તાન સિયાચીન લઈ લેશે અને કાશ્મીરની ખીણ યુનોમાં ચર્ચાનો વિષય બનશે અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા માટે ભારત ઉપર દબાવ આવશે. પણ ભારત, ચીન અને પાકિસ્તાન એમ ત્રણેય દેશો પાસે અણુશસ્ત્રો છે. શું અણુશસ્ત્રો પરસ્પર ડર (ડેટરંટ) પેદા કરવાનું અને એ રીતે યુદ્ધને ખાળવાનું કામ નહીં કરે? એ જ તો તર્ક આપવામાં આવે છે અણુશસ્ત્રોના ખપનો. શું અણુશસ્ત્રો ડરાવવા પૂરતા પણ ખપનાં નહીં રહે? પ્રવીણ સાહની કહે છે કે ના. એનાં કરતાં પણ ખતરનાક શસ્ત્રો ચીન પાસે છે અને તેનું નામ છે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રવીણ સાહનીએ તેમનાં પુસ્તકમાં પહેલું પ્રકરણ ભારત અને ચીન વચ્ચેનાં ૨૦૨૩નાં કાલ્પનિક પણ સંભવિત યુદ્ધ વિષે લખ્યું છે અને એ વાંચીને હાજાં ગગડી જાય.
એ યુદ્ધમાં છેક દસમાં અને છેલ્લા દિવસે ચીની લશ્કર અરુણાચલ પ્રદેશમાં તવાંગમાં નજરે પડે છે. ત્યાં સુધી ભારતીય જવાનોએ કોઈ ચીનાને ભાળ્યો સુદ્ધા નહોતો. તો ચીનાઓ તરફથી યુદ્ધ લડ્યું કોણે? જવાબ છે રોબોએ, પ્રોગ્રામિંગ કરેલાં ડ્રોને, દૂરથી નરી આંખે નજરે પણ ન પડે અને મધમાખીની જેમ હજારોની સંખ્યામાં ઉડતાં આવતાં માઈક્રો ડ્રોને અને બીજાં એવાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ જનિત હથિયારોએ. ચીનનો જવાન તો સરહદથી સો કિલોમીટર દૂર બેસીને યુદ્ધનું નિયંત્રણ કરતો હોય. પણ મીઝાઈલ્સ અને એવાં બીજાં શસ્ત્રો ભારત પાસે છે જે ચીનની અંદર સેંકડો કિલોમીટર સુધીનાં ટાર્ગેટ પર એટેક કરી શકવાની ક્ષમતા ધરાવે છે તે શું યુદ્ધનું નિયંત્રણ કરનારા ચીનાઓ જ્યાં બેઠા હોય ત્યાં અટેક ન કરી શકે? નહીં. કારણ કે યુદ્ધની શરૂઆત જ ભારતની દરેક પ્રકારની કોમ્યુનિકેશન સિસ્ટમ હૅક કરવા સાથે થશે. મીઝાઈલસ છોડનારાઓ સુધી આદેશ જ નહીં પહોંચે કે તેમણે મીઝાઈલ્સ છોડવાનાં છે. સરહદે રહેલા ભારતીય જવાનોને દિલ્હીથી કોઈ સંદેશ જ નહીં મળે કે તેણે શું કરવાનું છે અને સામેથી મધમાખીઓનાં કદનાં ડ્રોનનો હુમલો થશે. ભારત પોતાનો પ્રદેશ પણ ગુમાવશે અને ભારે લશ્કરી ખુવારી થશે.
એ પ્રકારણના અંતે પ્રવીણ સાહની લખે છે ચીન યુદ્ધ કરશે કે નહીં એ ખાતરીપૂર્વક ન કહેવાય, પણ જો યુદ્ધ થશે તો યુદ્ધનું સ્વરૂપ લગભગ આવું હશે એ ખાતરીપૂર્વક કહી શકાય. કારણ ચીનની આ રીતની તૈયારી છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો લશ્કરી હેતુ માટે ઉપયોગ કરવામાં ચીન જગત આખામાં અગ્રેસર છે જે રીતે અમેરિકા અણુમાં હતું કે છે. અણુશક્તિ દેશનાં સીમાડા જોયા વિના પ્રચંડ સાર્વત્રિક નુકસાન પહોંચાડી શકે છે જ્યારે રોબોટિક યુદ્ધ સ્થાનિક ટાર્ગેટેડ નુકસાન પહોંચાડી શકે. આને કારણે રશિયા એક રીતે યુક્રેન સામે હારી ગયું હોવા છતાં પણ હાર કબૂલ કરતું નથી, કારણ ચીન પાસેથી તેને ડ્રોનનો પૂરવઠો મળતો રહે છે. સામે અમેરિકાનાં અણુશસ્ત્રો તેની પ્રચંડ સંહારકશક્તિ હોવાથી યુક્રેન માટે કોઈ કામનાં નથી. ટૂંકમાં ચીનના અશ્વમેઘી ઘોડાને નાથવો શક્ય નથી.
આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની તાકાતની ખાતરી કરાવવા પ્રવીણ સાહનીએ એક પ્રકરણ ગો નામની રમત વિષે લખ્યું છે. આ રમત ચેસ જેવી હોય છે, પણ ગોની રમત ખૂબ જટિલ હોય છે. જેને જીનિયસ કહેવાય એવા લોકો માટેની આ રમત છે જે પ્રતિસ્પર્ધીની ૮૦ જેટલી મુવ્ઝ કેવી હશે એ વિષે વિચારી શકે. આ રમતની શોધ પણ ચીનાઓએ અઢી હજાર વર્ષ પહેલાં કરી હતી. ૨૦૧૯માં ગોની રમતમાં બીજા ક્રમના દક્ષિણ કોરિયાના વર્લ્ડ ચેમ્પિયન લી સેડોલે નિવૃત્તિ જાહેર કરી. સેડોલની ઉંમર ત્યારે માત્ર ૩૫ વરસની હતી અને આખું જગત માનતું હતું કે તે વરસ બે વરસમાં વર્લ્ડ ચેમ્પિયન લી ચાંગ હોને હારાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો છે. સેદોલને પણ એ વાતની ખાતરી હતી.
પોતાની કસમયની નિવૃત્તિ વિષે સેડોલે કહ્યું હતું કે હું ગોની રમતમાં વર્લ્ડ ચેમ્પિયન બની પણ જઉં તો પણ એક હસ્તી એવી છે જેને હું ક્યારે ય હરાવી શકવાનો નથી. એ પછી પણ વર્લ્ડ ચેમ્પિયન તો એ હસ્તી જ રહેવાની છે. એ અજીંક્ય હસ્તીનું નામ છે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ.
સેડોલે નિવૃત્તિ જાહેર કરી અને આવા તારણ પર આવ્યો એની પાછળ તેનો જાતઅનુભવ હતો. ૨૦૧૬માં ડીપમાઈન્ડ નામની બ્રિટિશ કંપનીએ ગૂગલ સાથે મળીને ગોની રમત માટે આલ્ફાગો નામનો એક પ્રોગ્રામ બનાવ્યો હતો અને તેને તેઓ અજમાવવા માગતા હતા. ડીપમાઈન્ડે આલ્ફાગોને હરાવનારા વિજેતાને દસ લાખ અમેરિકન ડોલર્સનું ઇનામ જાહેર કર્યું. સેડોલે વિચાર્યું કે આલ્ફાગોને હરાવવો એ કોઈ મોટી વાત નથી. પ્રોગ્રામ બનાવનારાઓએ વિચારી વિચારીને પ્રતિસ્પર્ધીની કેટલી મૂવ્ઝ વિચારી હશે? માનવમસ્તિષ્કની કેટલી સંભાવનાઓ કલ્પી હશે? સેડોલે ચેલેન્જ સ્વીકારી અને તેના આશ્ચર્ય વચ્ચે ૧૫૦ મૂવ્ઝ પછી એ બુદ્ધિ આરોપેલા મશીન સામે હારી ગયો. તેને ખાતરી થઈ ગઈ કે આ બુદ્ધિશાળી મશીન અજીંક્ય છે. એ પહેલાં ૧૯૯૭માં ડીપબ્લુ નામની ચેસની એપ સામે રમતા વર્લ્ડ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ હારી ગયો હતો. ૧૯૯૭થી ૨૦૧૬ અને હવે ૨૦૨૨.
દરમ્યાન ગૂગલ માટે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું કામ કરનારા અને જેને ગોડફાધર ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાવવામાં આવે છે એ જયોફ્રી હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપી દીધું છે. શા માટે એની વાત આવતા સપ્તાહે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 મે 2023