ચૂંટણી પર અસર પાડે એટલી દલિતોની વસ્તી નહીં ને દલિત નેતાઓ પક્ષીય વફાદારીના બિલ્લા પહેરી રાજી
સરખામણી જેટલી સ્વાભાવિક અને ઘણી રીતે અનિવાર્ય લાગે, એટલી જ વિચિત્ર પણ છે. ગુજરાતમાં ભાજપની સંપૂર્ણ પકડ અને કોંગ્રેસની અનંત શીતનિદ્રા છતાં ત્રણ યુવા ચહેરા નેતાગીરીની ભૂમિકામાં ઉભર્યા, જેમનાં નામ હવે એક શ્વાસમાં લેવાય છે : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી. દેખીતું સામ્ય તેમની વયનું અને તેમના ઊભા થયેલા કે થઇ રહેલા બહોળા પ્રભાવનું. હાર્દિક પટેલ તેમની સમજ પ્રમાણે ‘પાટીદાર સમાજને થયેલા અન્યાય’ સામે લડત ચલાવે, અલ્પેશ ઠાકોર વેરવિખેર એવા અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના નેતા બને અનેે તેમના હિતની—મુખ્યત્વે અનામતમાં ભાગ ન પડવા દેવાની—વાતે આગળ આવે. આ બન્નેની સરખામણીમાં જિજ્ઞેશ મેવાણીનો પ્રવેશ છેલ્લો થયો.
ઉના અત્યાચારની ઘટના બન્યા પછી જિજ્ઞેશ અને તેમના સાથીદારોએ ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા હેઠળ સંગઠિત લડત આપવાની શરૂઆત કરી. આ સંગઠનને કોઈ રાજકીય પીઠબળ કે જ્ઞાતિ સંગઠનોનો આર્થિક ટેકો ન હતાં. એજેન્ડા ઉનાના પીડિતોને ન્યાય અપાવવા ઉપરાંત દલિતો પર થતા અત્યાચાર અને તેના મૂળમાં રહેલા ભેદભાવના વ્યાપક મુદ્દે લડત આપવાનો હતો. અગાઉ થાનગઢમાં ત્રણ દલિત કિશોરોની હત્યા પછી સ્વયંભૂ –અને ભાગ્યે જ જોવા મળે એવો—લોકજુવાળ પેદા થયો હતો. પરંતુ ગુજરાતમાં દલિતોની વસ્તી સાત ટકાથી પણ ઓછી. ચૂંટણીનાં પરિણામો પર અસર પાડવાની તેમની ક્ષમતા નહીં. દલિત નેતાઓ પણ પક્ષની વફાદારીના બિલ્લા પહેરીને રાજી. એટલે થાનગઢ વખતે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દલિત લાગણીને અને તેમની ન્યાયની માગણીને ઘોળીને પી ગયા.
પરંતુ થાનગઢથી ઉના વચ્ચે ઘણો બદલાવ આવ્યો છે. હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને ગુજરાત તેમનું હોમ સ્ટેટ એટલે કે ગૃહરાજ્ય છે. ઉના અત્યાચાર જેવી ઘટના વીડિયોસ્વરૂપે વહેતી થાય – ચગે, ત્યારે ચિંતા ગુજરાતની નથી. ગુજરાતને તો નરેન્દ્ર મોદી-અમિત શાહ ખિસ્સામાં ગણે છે, પણ ગુજરાતના દલિતોનો તીવ્ર અન્યાયબોધ ઉત્તર પ્રદેશ જેવાં નોંધપાત્ર દલિત મતો ધરાવતા રાજ્યમાં પડઘાય, તે શી રીતે પોસાય?’
ઉના દલિત અત્યાચારનો પહેલો બનાવ ન હતો અને ખેદની વાત છે કે, છેલ્લો બનાવ પણ નહીં હોય. છતાં, દલિતોના અન્યાયબોધને, તેમની સમાનતાની, ગરીમાપૂર્ણ વ્યવહાર-વ્યવસાય માટેની ઝંખનાને સુવ્યવસ્થિત સ્વરૂપે વાચા આપે એવા અવાજનો હમણાં સુધી અભાવ હતો. અમદાવાદની રેલીમાં અને એ સિવાય પણ જિજ્ઞેશ મેવાણીને સાંભળ્યા પછી ઘણાને એ અવાજની ખોટ પુરાતી જણાય છે. સવાલ ફક્ત બોલવાની છટાનો નથી. એ કળામાં તો વડાપ્રધાન કુલગુરુ બને એમ છે. પરંતુ આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણીની વાતમાં રોષ અને ઉગ્રતાની સાથોસાથ અભ્યાસ અને સંઘર્ષનો અનુભવ પણ રહેલો છે, જે હાર્દિક પટેલ સાથેની તેમની સરખામણીને અપ્રસ્તુત બનાવે દે છે.
જિજ્ઞેશ મેવાણી અચાનક, રાતોરાત આકાશમાંથી ટપકી પડેલો કે કોઈએ ઊભો કરેલો નેતા નથી. તેની પાછળ રાજકીય વ્યક્તિત્વોના દોરીસંચારની આશંકા નથી ને સમૃદ્ધ જ્ઞાતિજનોનો મજબૂત આર્થિક ટેકો પણ નથી. અત્યારે અમદાવાદથી પદયાત્રીઓ સાથે નીકળેલા અને 15મી ઓગસ્ટે ઉના પહોંચીને ધ્વજવંદન કરવા માગતા 35 વર્ષના જિજ્ઞેશ પાસે જાહેર કામનો લાંબો અનુભવ અને વાચનલેખનનો મજબૂત સંસ્કાર છે. બૌદ્ધિકતા, જોશ, કાર્યકરવૃત્તિ અને નેતૃત્વશક્તિ—આ બધાનું સંયોજન દલિતોમાં જ નહીં, સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં દુર્લભ છે.
જિજ્ઞેશ મેવાણીની નેતૃત્વશક્તિની હવે કસોટી છે, પરંતુ બૌદ્ધિક રીતે એ અત્યંત સજ્જ છે. એકાદ દાયકા પહેલાં ગુજરાતના ટોચના ગઝલકાર ‘મરીઝ’ વિશે જિજ્ઞેશે કરેલું સંશોધન ગુજરાતી સાહિત્યમાં અને પત્રકારત્વમાં મૂલ્યવાન ઉમેરો કરે એવું છે, તો ભગતસિંઘ અને ક્રાંતિકારીઓ વિશેનો તેમનો અભ્યાસ ભગતસિંઘના નામે ચરવા નીકળી પડેલાઓ કરતાં તેમને જુદા અને વેંત ઊંચા મૂકી આપે એમ છે. અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં સ્નાતક થયેલા જિજ્ઞેશને સામાજિક સમાનતાના ઘણા પાઠ સંજય ભાવે અને સૌમ્ય જોશી જેવા અધ્યાપકો પાસેથી શીખવા મળ્યા. એ ઘડતર પર અનુભવનું ઘણું ચણતર ગાંધીવાદી ચુનીકાકા (વૈદ્ય) અને જનસંઘર્ષ મંચના ડાબેરી કર્મશીલ મુકુલ સિંહા સાથે કામ કરતાં થયું. ચુનીકાકા સાથે રહીને જમીનવિહોણાને જમીન અપાવવાની લડતથી માંડીને સફાઈ કામદારો હોય કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સના જવાનો, તેમની અન્યાય સામેની લડતમાં જિજ્ઞેશે જનસંઘર્ષ મંચ વતી સામેલગીરી કરી છે.
ચુનીકાકા વિશે કેતન રૂપેરાએ સંપાદિત કરેલા સ્મૃિતગ્રંથમાં જિજ્ઞેશે ચુનીકાકાનો પૂરા આદર સાથેનો, છતાં અણીદાર ઇન્ટરવ્યુ કર્યો છે. તેમાંથી ફક્ત ચુનીકાકાનું જ નહીં, જિજ્ઞેશનું પણ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ઇન્ટરવ્યુની ભૂમિકાના આરંભે જ જિજ્ઞેશે લખ્યું છે, ’ગુજરાતના જાહેરજીવનમાં ત્રણ કાકાઓ અમૂલી જણસ જેવા મળ્યા—ગિરીશકાકા (પટેલ), મુકુલકાકા (સિંહા) અને ચુનીકાકા (વૈદ્ય). ગિરીશકાકા ગાંધી અને માર્કસનું કોમ્બિનેશન કરવામાં માને, મુકુલ સિન્હા માર્કસ ને લેનિનનું કોમ્બિનેશન કરવામા માને, ચુનીકાકા ગાંધીના વિકેન્દ્રીકરણના વિચાર પર આધારિત ગ્રામ સ્વરાજ સ્થાપવા માગે. પારકી છઠ્ઠીના જાગતલ એવા આ ત્રણેય કાકાઓ ખેડૂતો-પશુપાલકો-પીડિતો-દલિતો, અસરગ્રસ્તો માટે બહુ લડ્યા …’ (હાર્દિક સાથે જિજ્ઞેશની સરખામણી કેમ અયોગ્ય છે, એ આ ત્રણ લીટી વાંચીને પણ સ્પષ્ટ થઇ જવું જોઈએ.)
નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રીપદ દરમિયાન અને ત્યાર પહેલાં પણ ગુજરાતમાં સંઘર્ષનું કામ કરનારા બહુ ઓછા નીકળ્યા, માર્ટિન મેકવાન જેવાએ એક તબક્કે સમાનતાના સંઘર્ષ અને નવસર્જનનું કામ સમાંતરે અને અસરકારક રીતે ઉપાડ્યું હતું. હવે જિજ્ઞેશ પાસે (છેલ્લાં વર્ષોમાં મેળવેલી વકીલાતની ડિગ્રી ઉપરાંત) તેમણે ગણાવેલા ત્રણ કાકાઓના સંઘર્ષનો અને એ સિવાય દલિત ચળવળનો વારસો છે. જોસ્સો (પેશન) તેમનો સ્થાયી ભાવ છે, તેનાથી દોરાવાનું નેતા તરીકે ઓળખાયા પછી જોખમી બની શકે છે, પણ કોઈ પણ બાબતને ફક્ત થિયરીના સ્તરે સમજીને સંતુષ્ટ થવાને બદલે, સંવેદનાના સ્તરે અનુભવવી એ જિજ્ઞેશની પ્રકૃતિ છે.
જાહેર જીવનમાં અને દલિત ચળવળમાં જાણકારો પાસેથી સલાહસૂચન-દિશાદર્શન લેવાનું તેમણે હજુ બંધ કર્યું નથી. તેમની સામે આંતરિક તથા બાહ્ય પડકાર ઓછા નથી. જ્ઞાતિવાદની ભયંકર આડપેદાશ જેવા દલિતોના પેટાજ્ઞાતિવાદને વળોટી જાય એવી રીતે ચળવળ ટકાવવી અને આગળ વધારવી, વાજબી રાજકીય મહત્ત્વાકાંક્ષા તથા ઉગ્રતા-કટુતાને ભયજનક સપાટીથી નીચે રાખવી, આંદોલનની વરાળથી પોતાનાં એન્જિન ચલાવવા આવી પડતા રાજનેતાઓથી સલામત અંતર રાખવું, આંદોલનની ધરી વ્યક્તિકેન્દ્રી કે વ્યક્તિવિરોધી-પક્ષવિરોધી નહીં, પણ સમાજકેન્દ્રી, સમાનતાકેન્દ્રી – અત્યાચારવિરોધી રહે તે જોવું … પડકારોની યાદી લાંબી છે. તેમાં સજ્જતાની કસોટી છે, તો પરિવર્તન માટેની તક પણ છે જ.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘અમારે કેટલા ટકા?’, “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-jignesh-mevani-not-a-hardik-patel-article-by-urvish-kothari-gujarati-news-5391680-NOR.html