સાઉથ ડાકોટાના ‘રેપિડ સિટી’માં રેન્ટલ હાઉસમાં ત્રણ રાત્રિ મુકામ કર્યો. રેન્ટલ હાઉસમાં રોકાવાનો ફાયદો એ છે કે ઘર જેવું વાતાવરણ મળે, હોટલથી સાવ અલગ. રેન્ટલ હાઉસમાં કીચનનો ફાયદો રહે છે. મનગમતી રસોઈ બનાવી શકાય છે. રેન્ટલ હાઉસનું પ્રિબૂકિંગ ઓનલાઈન થઈ શકે છે. Airbnb-Airbed and Breakfast / Vrbo-Vacation Rentals by Owner / B&B-bed and breakfast જેવી કંપનીઓ પ્રવાસ માટે હાઉસ, રેન્ટ પર મેળવી આપે છે.
16 જુલાઈ 2025ના રોજ, સવારે 6 વાગ્યે ‘રેપિડ સiટી’થી આગળનો પ્રવાસ શરૂ કર્યો. હવે પછી અમારો મુકામ Yellowstone નેશનલ પાર્ક છે. રેપિડ સિટીથી Yellowstoneનું અંતર 430 માઈલનું છે. વચ્ચે નેશનલ હાઈવેના બદલે સ્ટેટ હાઈવે પર મુસાફરી કરી. નાનાં ગામડાંઓ જોવા મળ્યા. રોડની બાજુએ વિશાળ પડતર જમીનો જોવા મળી.

બપોરના 3.30 વાગ્યે, Yellowstone – યલોસ્ટોન પાસેના અમારા ઉતારે – રેન્ટ હાઉસ પહોંચ્યા. દૂરથી ઝૂંપડા જેવું લાગે પણ અંદર જઈને જોયું તો બધું વ્યવસ્થિત હતું. સાંજે દાળ, ભાત, શાક, રોટલીનું ભોજન કર્યું. આરામ કર્યો. હાઉસ બહાર ફર્યા અને થોડા ફોટાઓ પાડ્યા. અહીં હાઉસમાં એરકંડિશ્નર નથી કેમ કે ઉનાળામાં પણ અહીં ઠંડું વાતાવરણ હોય છે.
યલોસ્ટોન નેશનલ પાર્ક વિશે માહિતી એકત્ર કરી. આ પાર્ક વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક છે. જે 1 માર્ચ 1872ના રોજ બન્યો હતો. યલોસ્ટોન નેશનલ પાર્ક એ વ્યોમિંગ, ઇડાહો અને મોન્ટાનામાં 2.2 મિલિયન એકરમાં, એટલે કે 3,468 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલો છે. જેમાં તળાવો, ખીણો, નદીઓ, પર્વતમાળાઓ, ધોધ, વન્યજીવન અને ઘણું બધું જોઈ શકાય છે. ‘ઓલ્ડ ફેથફુલ’ અને ‘ગ્રાન્ડ પ્રિઝમેટિક સ્પ્રિંગ’ સહિત વિશ્વના સૌથી વધુ ગીઝર-ગરમ પાણીનાં ઝરણાં માટે આ પાર્ક પ્રખ્યાત છે. સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ, સરિસૃપ અને ઉભયજીવી પ્રાણીઓની સેંકડો પ્રજાતિઓનું ઘર છે. વિશાળ જંગલો અને ઘાસનાં મેદાનોમાં છોડની અનોખી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. આ ઉદ્યાનમાં ગ્રીઝલી રીંછ, કુગર, વરુ અને બાઇસન અને એલ્કના મુક્ત-રેન્જિંગ ટોળાંઓ વસે છે.

યલોસ્ટોન નેશનલ પાર્ક વ્યોમિંગના ઉત્તરપશ્ચિમ ખૂણામાં આવેલો છે. યલોસ્ટોન નેશનલ પાર્કનો 96% ભાગ વ્યોમિંગમાં છે, જ્યારે બાકીના ભાગો મોન્ટાના અને ઇડાહો વચ્ચે વહેંચાયેલા છે. જ્વાળામુખી ફાટવાથી થતા લાવાના પ્રવાહો અને ખડકો યલોસ્ટોનના મોટાભાગના ભૂમિ વિસ્તારને આવરી લે છે.
આ પાર્કનાં મોટાભાગના લોકપ્રિય સ્થળો જોવા માટે 2થી 3 દિવસનું આયોજન કરવું પડે. ઊંડાણપૂર્વક મુલાકાત લેવી હોય તો એક અઠવાડિયાનું આયોજન કરવું પડે. અમે 5 દિવસ અહીં ફરવાના છીએ.
દર વર્ષે ઉદ્યાનના જંગલમાં આગ લાગે છે; 1988ની મોટી આગમાં, ગ્રેટર યલોસ્ટોન ઇકોસિસ્ટમમાં 1.4 મિલિયન એકર જમીન બળી ગઈ હતી, જેમાં પાર્કનો 7,97,880 એકર વિસ્તાર પણ સામેલ હતો. આ આગ પર્યાવરણીય અને માનવીય પરિબળોના મિશ્રણને કારણે લાગી હતી, જેમાં ઐતિહાસિક રીતે શુષ્ક ઉનાળો, ભારે પવન, વીજળીના કડાકા અને માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જૂનથી પાનખર બરફ અને વરસાદથી આગ ઓલવાઈ ગઈ ત્યાં સુધી આગ સળગતી રહી હતી. સરેરાશ વર્ષમાં, યલોસ્ટોનમાં આશરે 24 આગ લાગે છે, જેમાંથી 80% કુદરતી-વીજળીને કારણે થાય છે. યલોસ્ટોનમાં હાઇકિંગ, કેમ્પિંગ, બોટિંગ, માછીમારી અને જોવાલાયક સ્થળો સહિત અનેક મનોરંજનની તકો મળે છે.
આ ઉદ્યાનનો માનવ ઇતિહાસ ઓછામાં ઓછા 11,000 વર્ષ પહેલાં શરૂ થયો હતો જ્યારે મૂળ અમેરિકનોએ આ પ્રદેશમાં શિકાર અને માછીમારી કરવાનું શરૂ કર્યું હતું. 1807-1808ની આસપાસ John Colter – જોન કોલ્ટર યલોસ્ટોન વિસ્તારમાં પ્રવેશનાર પ્રથમ યુરોપિયન હતો. તે વેપારની તકો શોધવા આવેલ. કોલ્ટર યલોસ્ટોન આવ્યો તેની પાછળ જિજ્ઞાસા અને સાહસની ભાવના પણ હતી. જિજ્ઞાસાની ભાવના અમને પણ યલોસ્ટોન ખેંચી લાવી છે !
18 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

