Opinion Magazine
Number of visits: 9446257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝારખંડનો જનાદેશ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 January 2020

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હાર ભારતીય જનતાપક્ષને લાંબા સમય સુધી ચચરે એવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બી.જે.પી.ની સત્તાવાપસી થઈ શકી નહોતી. હરિયાણામાં મળ્યા એવા કોઈ સાથી મહારાષ્ટ્રમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં મળ્યા નહીં, એટલે દેશના સૌથી વધુ ઔદ્યોગિક રાજ્યમાં સત્તા ગુમાવવી પડી. આ સૌ કરતાં ભા.જ.પા.ની વધુ ભૂંડી હાર ઝારખંડમાં થઈ છે. કેમ કે અહીં ભા.જ.પા. મુખ્યમંત્રી, પ્રદેશ-અધ્યક્ષ, વિધાનસભા સ્પીકર અને છ મંત્રીઓ ચૂંટણી હારી ગયા છે. હજુ સાત જ મહિના પહેલાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પક્ષને લોકસભાની ૧૪માંથી ૧૨ બેઠકો મળવા સાથે, ૫૧ % મત અને ૫૪ ધારાસભા બેઠકો પર બહુમતી મળી હતી. તેમાં ૩૫ બેઠકો પર તો ૫૦,૦૦૦ કરતાં વધુ મતોની લીડ હતી. પણ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ૮૧માંથી ૨૫ જ બેઠકો અને ૩૩.૩૭ %  જ મત મળ્યા છે. બી.જે.પી.ને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મળેલા મતોમાં ૧૮ %નો વિક્રમી ઘટાડો થયો છે.

૮૧ બેઠકોની ઝારખંડ વિધાનસભામાં ૪૪ સામાન્ય, ૨૮ અનુસૂચિત જનજાતિ અને નવ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો છે. ૨૦૧૯ની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોને મળેલી બેઠકો અને મતની ટકાવારી આ પ્રમાણે છે : ઝારખંડ મુક્તિમોરચો – ૩૦ (૧૮.૭૨ %), ભારતીય જનતાપક્ષ – ૨૫ (૩૩.૩૭ %), કૉંગ્રેસ – ૧૬ (૧૩.૮૮ %), ઝારખંડ વિકાસ મોરચો – ૩ (૫.૪૫ %), ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પાર્ટી – ૨ (૮.૧૦ %), અપક્ષ – ૨ (૧૦.૬૩ %), રાષ્ટ્રીય જનતા દળ (આર.જે.ડી.) – ૧ (૨.૭૨ %), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એન.સી.પી.) – ૧ (૦.૪૨ %), સી.પી.આ.ઈ. (એમ.એલ.) (એલ.) – ૧ (૦.૩૨ %)

અખંડ બિહારના દક્ષિણ ભાગને ચીરીને ૧૫મી નવેમ્બર, ૨૦૦૦ના રોજ ઝારખંડનું અલગ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. ૨૦૧૧ની વસતીગણતરી મુજબ ૩.૨૯ કરોડની વસ્તી ધરાવતા ઝારખંડના અલગ રાજ્ય માટે ત્યાંના આદિવાસીઓ, ખાસ કરીને ઝારખંડ મુક્તિમોરચા અને તેના પ્રમુખ શિબુ સોરેનનો સિંહફાળો હતો. ૨૦૧૪માં બી.જે.પી.એ પ્રથમ વાર બિન આદિવાસી રઘુવર દાસને મુખ્યમંત્રી બનાવ્યા તે પૂર્વે અને તે પછીના સઘળા મુખ્યમંત્રી આદિવાસી છે. વીસેક વરસ જૂના આ રાજ્યમાં આ ચોથી ચૂંટણી હતી અને તેમાં ઝારખંડ મુક્તિમોરચો, કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળના ચૂંટણીપૂર્વેના ગઠબંધનને ૪૭ બેઠકો મળતાં હેમંત સોરેન રાજ્યના ૧૧મા મુખ્યમંત્રી બન્યા છે. સતત રાજકીય અસ્થિરતા (૧૯ વરસમાં ૧૦ મુખ્યમંત્રી અને ૩ વખત રાષ્ટ્રપતિ શાસન) અને ભ્રષ્ટાચાર (મધુ કોડાથી સોરેન પરિવાર) પછી ૨૦૧૪થી ૨૦૧૯માં પ્રથમ વાર બી.જે.પી. સરકાર પાંચ વરસ ટકી પણ તે ફરી સત્તા મેળવી શકી નથી.

રાજ્યમાં આશરે ૩૨% અન્ય પછાતવર્ગો, ૨૬% આદિવાસી, ૧૫% મુસ્લીમ, ૧૨% દલિત, ૧૧% ઉચ્ચવર્ણો, અને ૪% ખ્રિસ્તી વસ્તી હોવાનો અંદાજ છે. રાજ્યના રાજકારણ પર ૨૬% વસ્તી ધરાવતા આદિવાસીઓનું પ્રભુત્વ છે. સત્તા કાયમ તેમના હાથમાં જ રહી છે, પરંતુ ૨૦૧૪માં બી.જે.પી.એ અન્ય પછાતવર્ગની તેલી જ્ઞાતિના રઘુવર દાસની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને આદિવાસીઓની નારાજગી વહોરી લીધી હતી. વીત્યાં પાંચ વરસોમાં મુખ્યમંત્રી સામે આદિવાસીઓનો અસંતોષ અને બી.જે.પી.ની તે પ્રત્યેની ઉપેક્ષા હાલની હારનું પ્રમુખ કારણ છે. ભા.જ.પે. આદિવાસીઓના જળ, જમીન, જંગલના પ્રશ્નો ઉવેખ્યા, જમીનસુધાર અને જમીન-અધિગ્રહણ કાયદામાં સુધારા કરીને આદિવાસીઓની જમીનો માલેતુજાર ઉદ્યોગપતિઓને પધરાવી તેમ જ ધર્મપરિવર્તન કાયદામાં પણ સુધારા મારફતે ખ્રિસ્તી આદિવાસીઓને રંજાડ્યા. આ સૌનું પરિણામ ઝારખંડનો વર્તમાન જનાદેશ છે. ૨૮ આદિવાસી અનામત બેઠકોમાંથી ગઈ ચૂંટણીમાં ભા.જ.પ.ને ૧૧ મળી હતી, પરંતુ આ વખતે ઘટીને ત્રણ જ થઈ ગઈ છે. જે.એમ.એમ.ને ૧૯, કૉંગ્રેસને પાંચ અને જે.વી.એમ.ને એક બેઠક મળી છે. ઝારખંડની ચાર પ્રમુખ જનજાતિઓ(મુંડા, સંથાલ, ઉરાંવ અને હો)માં મુંડા બી.જે.પી. સમર્થક, સંથાલ જે.એમ.એમ. સમર્થક અને બાકીના કૉંગ્રેસ સમર્થક મનાય છે. ૨૦૧૪માં બી.જે.પી.ના અર્જુન મુંડા વિધાનસભાની ચૂંટણી હારી ગયા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માંડમાંડ જીત્યા, ત્યારથી મુંડા આદિવાસીઓ બી.જે.પી.થી નારાજ છે. એટલે બી.જે.પી.ને તેમના પણ મત મળ્યા નહીં. માત્ર ઝારખંડમાં જ નહીં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભા.જ.પ.ને આદિવાસી બેઠકો મોટા પ્રમાણમાં ગુમાવવી પડી છે. આ ચાર રાજ્યોની વિધાનસભાની કુલ આદિવાસી બેઠકો ૧૨૯ છે, તે પૈકી ૨૦૧૩-૧૪માં ભા.જ.પ. પાસે ૭૧ હતી, જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૩૧ જ થઈ ગઈ છે. અર્થાત્‌ બી.જે.પી. પાસે પાંચ વરસ પહેલાં આ રાજ્યની ૫૫% આદિવાસી બેઠકો હતી, જે હવે ઘટીને ૨૪ % થઈ ગઈ છે.

ઝારખંડના આદિવાસી મતદારો ભા.જ.પ.થી નારાજ છે, તો દલિત મતદારો ઓળઘોળ છે. તેનાં કારણો સમજવાં અઘરાં છે. ઝારખંડની નવ દલિત અનામત બેઠકોમાંથી ૨૦૧૪માં ભા.જ.પ.ને પાંચ જેવી એમને ત્રણ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનને એક બેઠકો મળી હતી. ૨૦૧૯માં ભા.જ.પ.ને મળેલી દલિત અનામત બેઠકમાં એકનો વધારો થતાં તેને છ બેઠકો (કુલ બેઠકોના ૬૦ %) મળી છે. જે.એમ.એમ.ને બે અને આર.જે.ડી.ને એક બેઠક મળી છે. દલિત મતદારોએ ઝારખંડ વિકાસમોરચા અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનથી મોં ફેરવી લીધું છે અને તેમને એક પણ બેઠક મળી નથી.  જે ત્રણ બેઠકો પર ભા.જ.પ.ની હાર થઈ છે ત્યાં પણ તે બીજા ક્રમે છે. હાલના સત્તાધારી ગઠબંધનના મુખ્ય ભાગિયા કૉંગ્રેસને એક પણ દલિત અનામત બેઠક મળી નથી, જો કે બી.જે.પી.એ જીતેલી ૬ પૈકીની ૨ બેઠકો પર તેણે સીધી ટક્કર આપી હતી. આર.જે.ડી.એ એક બેઠક મેળવી છે અને બે પર સીધી ટક્કર આપી છે. આ ચૂંટણીમાં દલિતોની મનાતી બહુજન સમાજપાર્ટીને એક પણ બેઠક મળી નથી. હા, તે ૧.૫૩ %ના વોટશેર સાથે રાજ્યની આઠમા ક્રમાંકની પાર્ટી બની છે. રિપબ્લિકન પાર્ટી (આઠવલે), ભારતીય દલિતપાર્ટી, મૂળ નિવાસી સમાજપાર્ટી અને આંબેડકરાઇટ પાર્ટી ઓફ ઇન્ડિયા જેવી દલિત પોલિટિકલ પાર્ટીઓ પણ ચૂંટણીમેદાનમાં હતી.

રાજ્યમાં ત્રીજા ક્રમની વસ્તી મુસ્લિમોની છે. રાજ્યની ૧૪ વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક ગણાય છે પરંતુ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ એટલું નથી. સ્થાપનાકાળથી જ રાજ્યમાં બી.જે.પી. સત્તામાં હોવા છતાં બે દાયકામાં થયેલી ચાર ચૂંટણીમાં બી.જે.પી.ને હજુ એક પણ મુસ્લિમ ઉમેદવાર મળ્યો નથી. ૨૦૦૫માં બે, ૨૦૦૯માં પાંચ, ૨૦૧૪માં બે અને ૨૦૧૯માં ચાર મુસ્લિમો ધારાસભામાં ચૂંટાયા છે. રાજ્યમાં પ્રથમ વખત અસુદુદ્દીન ઓવેસીની પાર્ટીએ ૧૪ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાંથી એક પણ જીતી શક્યો નથી. એ રીતે મુસ્લિમ મત વિભાજિત થયા નથી. અત્યાર સુધીમાં ત્રણ (અને હવે ચાર) મુસ્લિમો મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૬૫,૧૦૮ મતોની લીડથી પકુર બેઠક પરથી કૉંગ્રેસના આલમગીર આલમ ચૂંટાયા છે અને કૉંગ્રેસ ક્વૉટામાંથી મંત્રી બન્યા છે, પરંતુ ૧૫% વસ્તી ધરાવતા મુસ્લિમોને તેમના ઉચિત રાજકીય પ્રતિનિધિત્વની હજુ પણ તલાશ છે.

ભૂંડી રીતે પરાજિત થવા છતાં બી.જે.પી. ૨૦૧૪ની તુલનાએ તેમને મળેલા મતોની ટકાવારી વધ્યાનો ઢોલ પીટે છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં બી.જે.પી.ને સૌથી વધુ વોટશેર (૩૩.૩૭ %) મળ્યા છે અને તે બીજા તમામ પક્ષો કરતાં વધુ છે તે ખરું પરંતુ તે બીજા તમામ રાજકીય પક્ષો કરતાં વધુ એટલે કે ૭૯ બેઠકો પર ચૂંટણી લડ્યાનું પરિણામ છે, ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન અને ઝારખંડ વિકાસ મોરચાને અનુક્રમે ૮.૧૦ % અને ૫.૪૫ % મત મળ્યા હતા, પરંતુ બેઠકો અનુક્રમે બે અને ત્રણ મળી છે, તેનું કારણ પણ તેણે વધુ એટલે કે અનુક્રમે ૮૧ અને ૫૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા તે છે. એન.સી.પી.ના સાત ઉમેદવારોને મત ૦.૪૨ % મળ્યા પણ બેઠક એક જીત્યા, સામે પક્ષે આર.જે.ડી.ના સાત ઉમેદવારોને મત ૨.૭૫ % ને બેઠક એક મળી. સી.પી.આઈ.એમ.એલ.ના ૧૪ ઉમેદવારોને મત ૦.૪૨ % અને બેઠક એક મળી છે. અપક્ષોએ મત ૧૦.૬૩ % અને બેઠકો ૨ જ મેળવી છે. માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીને ૧.૫૩ % અને ઓવૈસીની પાર્ટીને ૧.૧૬% મત મળ્યા. એન.ડી.એ.ના ઘટકદળ પણ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડનારા રામવિલાસ પાસવાનના પક્ષ એલ.જે.પી.ને ૦.૨૭ % (૫૦ ઉમેદવારો), નીતિશકુમારના જનતાદળ(યુ)ને ૦.૮૦ % (૪૭ ઉમેદવારો) મત મળ્યા છે. પરંતુ કોઈ બેઠક મળી નથી. એટલે મતોની ટકાવારી બેઠકોમાં પરિવર્તિત કરી શકાતી નથી. તે પણ હકીકત છે.

ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજપાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણીપૂર્વે ગઠબંધન થયું હતું પરંતુ બ.સ.પા.ની ફરિયાદ રહી હતી કે સ.પા. તેના વોટ ટ્રાન્સફર કરાવી શકી નહીં. ઝારખંડમાં તેવું થયું નથી. સેન્ટર  ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીના લોકનીતિ-કાર્યક્રમ અંતર્ગત થયેલા મતદાન પછીના સર્વેનું તારણ છે કે જે.એમ.એમ., કૉંગ્રેસ અને આર.જે.ડી. ગઠબંધન એકબીજા પક્ષોને પોતાના પરંપરાગત વોટ તબદિલ કરાવવામાં સફળ રહ્યા છે. તેનો ફાયદો આર.જે.ડી.ને ઓછો મળ્યો છે તે પણ હકીકત છે. જો.કે બી.જે.પી.ની ધારણા હતી કે તેના ઓ.બી.સી. મુખ્યમંત્રી બિનઆદિવાસી, બિનયાદવ, બિનમુસ્લિમ મતો લાવી શકશે, તે શક્ય બન્યું નથી. એટલું જ નહીં ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન સાથે ગઠબંધન ન થવાથી તેના કૂર્મી-કોઇરી મત પણ બી.જે.પી.ને મળ્યા નથી. સામે પક્ષે વિપક્ષી ગઠબંધનને ન માત્ર ગ્રામ વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં પણ સારી સફળતા મળી છે.

આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદો કૉંગ્રેસને થયો છે. કૉંગ્રેસે ૩૧ બેઠકો લડીને ૧૬ બેઠકો મેળવી છે. એ રીતે તેનો સ્ટ્રાઇકરેટ ૫૧.૬ % છે. ૨૦૧૪માં ૬૩ બેઠકો પર તે લડીને અને છ જીતી હતી. એટલે સ્ટ્રાઇકરેટ ૧૦ % જ હતો. તેમાં અઢી ગણો વધારો થયો છે અને તેના વોટ ૪૨ % વધ્યા છે. વળી, અત્યાર સુધીમાં કૉંગ્રેસને મળેલી આ સૌથી વધુ બેઠકો છે. ૨૦૦૫માં ઝારખંડ વિધાનસભામાં કૉંગ્રેસના નવ, ૨૦૦૯માં ૧૪, ૨૦૧૪માં છ ધારાસભ્યો હતા, એ વધીને ૧૬ થયા છે.

ઝારખંડમાં વિપક્ષી ગઠબંધનની જીત કરતાં બી.જે.પી.ની હારનાં કારણોની માધ્યમોમાં વધુ ચર્ચા થઈ છે. ચૂંટણીપૂર્વેના સઘળા અહેવાલો આ ચૂંટણીને એકતરફી ગણાવતા હતા. ભા.જ.પે. પણ એવી હવા ઊભી કરી હતી. તેનું લક્ષ્ય ૮૧ બેઠકોની વિધાનસભામાં ૬૫+નું હતું. મુખ્યમંત્રી રઘુવર દાસને ન માત્ર મુખ્યમંત્રીપદે રિપીટ કરવાની ઘોષણા કરી પણ તેમને ટિકિટોની વહેંચણીમાં છૂટો દોર આપ્યો. ૨૦૧૪માં ભા.જ.પ.ને ૩૭ બેઠકો મળતાં તેણે પાંચ બેઠકો ધરાવતી ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પાર્ટી સાથે મળીને સરકાર બનાવી હતી. તે પછી મોટા પાયે વિપક્ષી ધારાસભ્યો અને નેતાઓને પક્ષપલટા કરાવી વધુ બહુમતી ઊભી કરી હતી. આ પક્ષપલટુ ધારાસભ્યોને ટિકિટો આપીને મૂળ બી.જે.પી.ના ૧૩ ધારાસભ્યોની ટિકિટો કાપી, પ્રધાનમંડળના વરિષ્ઠ સાથી અને ઇમાનદાર નેતાની છબી ધરાવતા સરયૂ રાયને ટિકિટ ન આપતાં તેમણે અને ભા.જ.પ.ના અન્ય ધારાસભ્યોએ બળવો કર્યો હતો. સરકારમાં સાથીપક્ષને પણ ન ગણકારી એકલા હાથે ચૂંટણી લડ્યા અને હાર પામ્યા. આરંભે બી.જે.પી.નો ચૂંટણીનારો ‘ઘરઘર રઘુવર અને ઝારખંડ પુકારા રઘુવર દોબારા’ હતો, પરંતુ મુખ્યમંત્રી સામેના વિરોધના અણસારા મળી જતાં તે નારો પડતો મુકાયો. વડાપ્રધાન અને પક્ષપ્રમુખની પ્રચારસભાઓમાં મુખ્યમંત્રીને ગેરહાજર રખાયા. રઘુવર દાસના મત – વિસ્તારમાં વડાપ્રધાને સભા કરી છતાં તેમને જિતાડી ન શકાયા. ભા.જ.પ.ના કેન્દ્રીય નેતૃત્વએ કલમ ૩૭૦, તીન તલાક, રામમંદિર અને નાગરિકતા- સંશોધન કાયદાના નામે ધૂમ પ્રચાર કર્યો, પણ લોકોએ ગઠબંધનના સ્થાનિક મુદ્દાઓને જ મહત્ત્વ આપી મતદાન કર્યું. હેમંત સોરેનનું નેતૃત્વ અને તેમના ચૂંટણીમુદ્દા સ્વીકાર્યા. નરેન્દ્ર મોદી અને અમિત શાહે દોઢ ડઝન ચૂંટણીસભાઓ કરી, ચૂંટણીપ્રચારમાં હિંદુત્વવાદી મુદ્દાઓ ઉજાગર કર્યા હતા. તેને ઝારખંડના મતદારોએ જાકારો આપ્યો છે, એટલે આ હાર મોદી અને અમિત શાહની પણ છે. ૮૧ બેઠકોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૧૪ની જેમ ૨૦૧૯માં પણ પાંચ તબક્કામાં કરવી પડી છે. એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઝારખંડને નક્સલવાદથી મુક્ત કર્યાના દાવા પણ જૂઠાણું સાબિત થયા છે.

કૉંગ્રેસે ગઠબંધનધર્મનું દિલથી પાલન કર્યું. લોકસભામાં કૉંગ્રેસને મોટાભાઈની ભૂમિકા સોંપનાર જે.એમ.એમ.ના હેમંત સોરેનના નેતૃત્વને વિધાનસભાની ચૂંટણીમાં સ્વીકાર્યું. પ્રિયંકા ગાંધીએ યુ.પી. બહાર પહેલી વાર ઝારખંડમાં પ્રચાર કર્યો. કૉંગ્રેસપ્રભારી આર.પી.એન. સિંહ અને રાજ્યના કૉંગ્રેસી નેતાઓનું કૉંગ્રેસ હાઈકમાન્ડે સમર્થન કર્યું. એના પરિમાણે મત  અને બેઠકો બંને વધ્યાં છે.

દેશની કુલ વસ્તીમાં ઝારખંડનું વસ્તી પ્રમાણ ૨.૭૨ % છે. દેશની કુલ આબાદીમાં માંડ ત્રણ ટકા વસ્તી અને તેથી અડધા ભાગના મતદારો ધરાવતા રાજ્યની વિધાનસભામાં મળેલો ચૂંટણીપરાજય લોકસભામાં જંગી બહુમતી ધરાવતા ભા.જ.પ. માટે નગણ્ય ગણાવો જોઈએ, પરંતુ ખરેખર એવું છે ખરું ? આ હારની ભા.જ.પ. અને સરકાર પર કોઈ અસર પડશે ખરી ? રાજ્યસભામાં બી.જે.પી.ની બહુમતી નથી. મહત્ત્વના ખરડા માટે તે આંધ્રના જગન રેડ્ડી અને ઉડિસાના નવીન પટનાયક પર આધારિત રહે છે. ઝારખંડમાં પરાજય પછી રાજ્યની ૬ રાજ્યસભા-બેઠકોમાંથી બી.જે.પી.ને એકાદ જ મળવાની છે તે સરકારને થનારું સીધું નુકસાન છે.  ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા, ત્યારે બી.જે.પી. શાસિત રાજ્યો સાત હતાં. તે ૨૦૧૮માં વધીને ૨૧ થયાં હતાં દેશની ૭૨% વસ્તી પર બી.જે.પી.ના નેતૃત્વવાળા એન.ડી.એ. ગઠબંધનની સરકારો હતી. હવે તે ઘટીને  ૧૬ રાજ્યો અને ૪૨ % વસ્તી થઈ છે. છેલ્લાં બે વરસમાં ઝારખંડ સાતમું રાજ્ય છે. જ્યાં ભા.જ.પે. સત્તા ગુમાવી છે. હવે કૉંગ્રેસ અને યુ.પી.એ. શાસિત રાજ્યોની સંખ્યા ૧૩ સુધી પહોંચી છે. આ મોદી અને ભા.જ.પ.ની ઘટતી લોકપ્રિયતા દર્શાવે છે.

ઝારખંડનાં ચૂંટણી-પરિણામો રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોના વધતા દબદબાની રીતે પણ જોવા જેવાં છે. વડાપ્રધાન રાજ્યોના ચૂંટણીપ્રચારમાં ડબલ એંજિનની વાત કરે છે. તેઓ રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષ ભા.જ.પ.ની સરકારની તરફેણ કરે છે અને તેવો પ્રચાર કરે છે, પરંતુ તેમ બનતું નથી અને બી.જે.પી.  રાજ્યોની રાજવટ  ગુમાવી રહી છે. જો રાજ્યોમાં કેન્દ્રના સત્તાપક્ષની કે તેના માનીતા પક્ષની સત્તા ન હોય, તો કેન્દ્રની યોજનાઓનો રાજ્યમાં અમલ થઈ શકતો નથી. વળી, કેન્દ્ર પણ વિપક્ષી સરકારો પ્રત્યે ભેદભાવ રાખે છે. એટલે ન.મો. જેને “ટીમ ઇન્ડિયા કહે છે, તે શક્ય બનતું નથી. આપણા બંધારણના સમવાય માળખામાં કેન્દ્ર અને રાજ્યોની સત્તા,, જવાબદારી અને આવકની વહેંચણી થઈ છે, પરંતુ મજબૂત કેન્દ્રસરકાર તેનો અમલ કરતી નથી અને રાજ્યોને અન્યાય કરે છે.

બી.જે.પી.એ ખાસ કરીને મોદી-શાહે રાજ્યોમાં જનાધાર વિનાના નેતાઓને મુખ્યમંત્રીઓ બનાવ્યા છે. ગુજરાતમાં વિજય રૂપાણી, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર અને ઝારખંડમાં રઘુવર દાસ તેનાં ઉદાહરણ છે. પોતાના ખંડિયા અને વફાદાર મુખ્યમંત્રીઓને પોતાની લોકપ્રિયતા અને ચૂંટણી મૅનેજમેન્ટના જોરે જિતાડી શકાશે, એવી પોતાને અજેય માનતા મોદી-શાહની ગણતરી એક પછી એક રાજ્યોમાં ખોટી પડી રહી છે, તો કૉંગ્રેસે એકલા ચલોની નીતિ ત્યાગી રાજ્યોમાં ગઠબંધન સ્વીકાર્યાં છે, પ્રાદેશિક નેતાઓને આગળ કર્યા છે. રાજ્યના નેતૃત્વ પર વિશ્વાસ અને તેનું દિલી સમર્થન સારાં પરિણામો નિપજાવી શકે છે તે ઝારખંડના જનાદેશથી જણાઈ આવ્યું છે. ૨૦૨૦ના આરંભે દિલ્હી અને અંતે બિહારની ચૂંટણીઓ છે. બી.જે.પી.ની ઝારખંડમાં થયેલી હાર તે રાજ્યોની ચૂંટણીઓ પર પણ અસર પાડશે.

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ.03-05 

Loading

14 January 2020 admin
← નિર્ભયાકાંડ : જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ ન્યાય-અન્યાય
જો જોરશોર સે જિન્નાહ કા વિરોધ કર રહે થે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved