Opinion Magazine
Number of visits: 9448982
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવતાં વૃક્ષ અને મરતાં વૃક્ષ

મૂળ લેખક : ઇતો હિરોમી [ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક], મૂળ લેખક : ઇતો હિરોમી [ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક]|Opinion - Literature|2 May 2020

વસંતની શરૂઆતમાં પાડોશમાં એક મોટું વૃક્ષ મરી ગયું. એ મરી ગયું એવું કહેવું કે ન કહેવું એની ખાતરી નથી મને, કે પછી એને મારી નાખ્યું કે એને કાપી નાખવામાં આવ્યું એમ કહેવું ઠીક ગણાશે. મારા માટે એ મોટી ઘટના હતી. થોડા વખત સુધી હું એ વિશે વાત કરવાની સ્થિતિમાં નહોતી. પરન્તુ હવે એના વિશે વાત કરી શકીશ એવું મને લાગે છે.

એ પૅપ્પરનું વૃક્ષ હતું. ઍનાકાર્ડેસિઆય કુટુંબનું કૅલિફોર્નિયા પૅપ્પર ટ્રી હતું. એના નામમાં ‘કૅલિફોર્નિયા’નો સમાવેશ છે તેથી સ્વાભાવિકપણે અહીં ખૂબ બધાં ઊગેલાં છે. સતત નજર સામે હોવાને લીધે એમને ઓળખવા સહેલાં હોય છે. બરછટ છાલ, વિલૉ કે ફર્નની માફક લટકતા પાંદડા ને નાના લાલ ટેટાનાં ઝૂમખાં બાઝેલાં હોય. મારા પાડોશવાળું એટલું વિશાળ થઈ ગયેલું કે એની ડાળીઓ રસ્તા પર ઝૂકી ગયેલી.

વૃક્ષ કાયમથી ત્યાં હતું. જેટલી વખત ત્યાંથી પસાર થઉં એને અચૂક નિરખું. ‘ઉદાસી’ અને ‘ગમગીની’ માટેના ચીની અક્ષરોમાં લખાયેલો ‘ભભકાદાર’ શબ્દ મનમાં આવતો. વૃક્ષના ઉદાસ છાંયડાને લીધે બધું ગમગીન લાગતું. ત્યાંથી પસાર થતી વેળાએ મને ઍનિમૅટૅડ ફિલ્મ ‘માય નેબર તોતોરો’ની કિશોરી મેયનો અવાજ યાદ આવતો. તે વૃક્ષોની હારમાળાને ‘વૃક્ષની સુરંગ’ કહેતી. જેવું આ યાદ કરતી કે મારા બાળકો મેયની નકલ કરતાં; ‘વૃક્ષની સુરંગ’ એકસાથે બોલી ઊઠતાં. મારા પતિ હંમેશાં કહેતા કે “આટલું કદ મેળવતાં લગભગ સો વર્ષ લાગે.” તે પણ સો વર્ષના હતા એટલે વૃક્ષ સાથે સગપણ અનુભવતા.

ટૂંકમાં, આ વૃક્ષ માટે મારા કુટુંબના દરેક સભ્યને પોતપોતાની રીતે પ્રીતિ હતી. થોડાંક નાના ઘરોની આગળ વૃક્ષ ઊભું હતું. ભાડાના ઘર હતાં એટલે આંગણું કે વાડ નહોતા. વૃક્ષના છાંયામાં ઢંકાઈ ગયા હતા. ઘરો કરતાં મોટું વૃક્ષ હંમેશનું ત્યાં હતું, એની ડાળીઓ રસ્તા પર વૈભવી ઠાઠથી ઝૂકેલી રહેતી.

વસંતની એક વહેલી સવારે મારી દીકરીએ બહાર નીકળતાની સાથે બૂમ મારી: “કોઈએ વૃક્ષ કાપી નાખ્યું છે!”

બધું એટલું અચાનક બની ગયું હતું કે માન્યામાં નહોતું આવતું. મારી અંદર એક લાગણી જન્મી, મને યાદ અપાવવા કે આવી બાબતો બની શકે છે એવી સભાનતા હતી મારામાં. આવા અનુભવો મને પહેલાં કેટલી ય વખત, કેટલાં ય સ્થળે થઈ ચૂક્યાં હતાં ને હું ક્યારે ય કશું કરી નહોતી શકી. મને ખૂબ માઠું લાગતું કે આટલી બધી વખત મરતાં વૃક્ષોને મદદ કરવા હું કશું જ કરી શકતી નહોતી.

મેં એક વાર્તા બનાવવાનો પ્રયત્ન કર્યો: “વૃક્ષ માંદુ પડી ગયેલું અને સડવા લાગેલું.” ઘણા સમય પહેલાં અમે આ જ કારણે એક પાઇન ટ્રી કાપી નંખાવેલું. મેં બીજી વાર્તા બનાવી: “વીજળીની લાઇન પર દબાણ કરતું હતું, એટલે શહેરે પગલાંરૂપે કાપી નાખ્યું. રહીશો વૃક્ષને ઉપદ્રવ માનતા હતા કે એને ઘૃણા કરતા હતા એ સૌથી અઘરો ખુલાસો હતો.

“કોઈને એ વિશે પૂછી જોઈએ?” મારી સૌથી નાની દીકરી ટોમે સવાલ કર્યો.

“પણ આ કોઈને પૂછી શકાય એવી વાત છે શું?” બેમાંથી મોટો સારાકો બોલ્યો.

એ સાંજે આકાશ ગુલાબી હતું. પૂર્વ અને પશ્ચિમ બન્ને તરફ રંગ તેજસ્વી હતા. તે વખતે કૂતરા નાના હતા અને વૃક્ષ હતું એ સ્થળ સુધી હું એમને ચાલવા લઈ જતી હતી. ભૂતકાળમાં અનેક વખત અમે અહીં ચાલતા આવેલા. રસ્તામાં આવતા બે ઘરોમાં કૂતરા હતા. અમે પસાર થતા ત્યારે એ અચૂક ભસતા. મારા કૂતરા નાના ને અડબંગ હતા. એમને ખબર નહોતી કે અજાણ્યા કૂતરા ભસે ને આપણે એમની હદમાં હોઈએ ત્યારે સામે ભસાય નહીં. આ વખતે પણ પેલા કૂતરા ભસ્યા પણ મારા કૂતરા (જે બહુ સમય પહેલા નાના હતા) હવે નબળા દાદી કૂતરા થઈ ગયેલા. અજાણ્યા કૂતરાની એમને દરકાર નહોતી. અમારા કૂતરા તરફથી પ્રતિક્રિયા નહીં મળતા પેલા કૂતરાનું ભસવાનું પણ ફિક્કુ પડી જતું. પરિણામે, મને સમજાયું કે જે અવાજને હું ચેતવણી માનતી હતી એ ખરેખર ધ્યાન ખેંચવા માટે હતો — બૂમ પાડતો અવાજ હતો: “મારી તરફ જો! જો!” વાટમાં ઘણા અકેશઅ હતા. દરેક પર ફૂલ બેઠેલાં. ઑકસેલિસ પણ બધે પથરાયેલા હતાં. સાંજ પડી ગયેલી એટલે ફૂલ બંધ થઈ ગયેલાં. લૉન હતી ત્યાં સક્યુલન્ટ રોપેલા હતા. જીરેનિયમની વેલ વાડ પર ચડેલી હતી. એનો છેડો દેખાતો નહોતો ને  એનાં ફૂલ પૂરબહારમાં હતાં.

વૃક્ષ હવે રહ્યું નહોતું. રસ્તા પર ખૂબ પ્રકાશ પથરાયેલો હતો. રસ્તો સાવ ખાલી હતો. ચીપ્પર શ્રેડરમાં નાખીને વૃક્ષની ડાળીઓ અને થડનો ભૂક્કો બોલાવી દીધો હતો. ઘણા મૅક્સિન પુરુષો લાકડાની ચીપ ઉપાડવામાં લાગેલા હતા. કદાચ એ વૃક્ષની નજીકમાં વસતા હતા અથવા એને કાપવા માટે મજૂરીએ રાખેલા હતા.

વૃક્ષની તમામ નિશાની મટી ચૂકી હતી. જે જગ્યાએ એ ઊભેલું હતું ત્યાં હવે રેતી જેવા દેખાતા ઝીણા વેરનો ઘાટો ઢગલો હતો. ત્રણ ટોટોમી મૅટના માપની એ નાની જગ્યા હતી. આટલી નાની જગ્યામાંથી ઊગીને વૃક્ષ આટલું મહાકાય થયા પછી પોતાને કેવી રીતે ટકાવી શકેલું એ મારા માટે ચમત્કારી બાબત હતી. ફૂટપાથ કડાઝૂડ રીતે ઉખેડી નાખવામાં આવેલો. મારા પગ આગળ ને આખા ફૂટપાથ અને રસ્તા પર પાંદડાં વિખરાયેલાં પડેલાં હતાં. વૃક્ષ કપાયું તે જ ઘડીએ પાંદડાં ખરી પડેલાં. કપાયેલા વૃક્ષને નીચે ઢસળીને વહેરવામાં આવ્યું ત્યારે એના પાંદડા ચારે બાજુ વિખરાઈ ગયાં.

વૃક્ષ સાથે આમ બન્યું એ પછી થોડો સમય સુધી હું દુ:ખી હતી ને એ રસ્તે પસાર થતાં હું થોભી. ત્યારબાદ ટૂંક સમયમાં હું જાપાન પાછી ફરી. વસંતનો મોટા ભાગનો સમય મેં કુમામોટોમાં વિતાવ્યો. મારી જ્યેષ્ટ દીકરી કાનોકો તે વખતે સગર્ભા હતી. એ એના પતિ સાથે મારી પાસે આવી. આસોમાં  આવેલા તાકામોરી નગરમાં પેલું મહાકાય વૃક્ષ જોવા હું એમને લઈ ગઈ. આ એક જીવતાં વૃક્ષની વાર્તા છે.

કુમામોટોમાં માઉન્ટ આસોના તળિયે તાકામોરી આવેલું છે. કુમામોટો ઍરપૉર્ટથી માત્ર ૪૦ મિનિટના અંતરે સ્થિત છે. ત્યાં ઘર અને ખેતરો છે. કોઈ કોઈ ઠેકાણે પાણીનાં સ્રોત છે. અમુક કદરૂપા સ્રોતો વેપારી અર્થે વપરાશમાં લીધેલા છે. બીજા સ્રોતો સામૂહિક કૂવા જેવા દેખાય છે જેને સ્થાનિકો રોજીંદા વપરાશમાં લે છે. થોડેક આગળ જતાં વૃક્ષોની વચ્ચે એક આવો સ્રોત છે. પાણીની સપાટી પર વૃક્ષોના પ્રતિબિંબને કારણે પાણી લીલુંછમ દેખાય છે.

પાણીની સપાટી પર મધ્યમાં જલદેવતાની લીલથી ઢંકાયેલી મૂર્તિ દેખાય છે. જો ઊંડે નજર કરો તો તળાવનું લીલના જાડા થરથી ઢંકાયેલું તળિયું અને એના પર માછલીઓ આમતેમ તરતી દેખાય. જયાંત્યાં બધે જ પાણી ફૂટતું દેખાય. એવાં સ્રોતો છે જ્યાંથી પરપોટા સાથે પાણી ફૂટે છે. પર્વતના પડખાં જેવાં સ્રોતો પરથી જે રીતે પાણી ચઢયું હતું એમ ઉતરે પણ છે.

અરે, થોભો, પાણી વિશેની વાર્તા નહોતી બનાવવાની. આ વાર્તા વૃક્ષો વિશે છે. તાકામોરીમાં એક જૂનું સાકુરા ચૅરીનું વૃક્ષ છે. એને ઈશીંગ્યો કહે છે અર્થાર્થ  એ “પૂરા હૃદયથી (ઈશીન) કોઈ પવિત્ર વ્યક્તિનું તપ (ગ્યો) કરતું હતું. એટલે એવા અર્થથી લદાયેલું વૃક્ષ લાગતું હતું. પડખે એક મોટું સુગી કે સીડાર વૃક્ષ ખડું છે જેને તાકામોરિદોનો નો સુગી કહેવામાં આવે છે.

એટલે કાનોકો અને એનાં પતિને ઍરપોર્ટ પરથી લેવા ગયાં ત્યારે રસ્તામાં ઈશીંગ્યો ચૅરી ટ્રી જોવા ગયાં. એની મહોરવાની વેળા ગુજરી ચૂકી હતી. મહોરવાની ઋતુ પૂરજોશમાં હોય ત્યારે ઘોંઘાટ્યો અને ભીડભાડવાળો ચૅરી બ્લોસમ ફેસ્ટિવલ થતો હોય છે તે પૂર્ણ થઈ ચૂકેલો અને બધાં સ્ટોલ અને નૃત્ય માટેના મંચને તાજેતરમાં જ ખસેડી લેવાયેલા. હવે ચૅરી વૃક્ષો પર માત્ર પાંદડાં દેખાતાં હતાં. મેં ક્યાંક વાંચેલું કે ચૅરીના વૃક્ષની યામાઝાકુરા જાત અને સોમેઈ-યોશીનો જાત વચ્ચે ફરક એ છે કે સોમેઈ-યોશીનો જાતના ચૅરી વૃક્ષના ફૂલ ખતમ થઈ જાય પછી એને પાંદડાં ફૂટે, જ્યારે યામાઝાકુરા જાતના ચૅરી વૃક્ષને ફૂલ અને લાલ કળીઓ એકીસાથે બેસે છે.

કાનોકો સગર્ભા હતી અને એના પતિનો હાથ પકડીને બન્ને ચૅરીના વૃક્ષના ફેરા ફર્યા. ઘરડી થઈ ગયેલી ડાળીઓ પર ટકી ગયેલા કરમાયેલા ચૅરી પુષ્પો સામે જોવા કરતાં એ બન્ને ઘરડા ચૅરીના વૃક્ષના મૂળ પાસે મબલક ઊગેલાં વોયોલૅટ, વૅરોનિકા, ઝીણા અને સાધારણ વૅચિસને નિહાળવા લાગ્યાં. કાનોકોએ એનાં પતિને કહ્યું, “આ જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું …”

પાછા વળતાં હું વિચારતી હતી કે મહાકાય સુગી પાસે રોકાવાનો સમય મળશે કે નહીં. ઘટાટોપ ચૅરી ટ્રીની સામે જતાં રસ્તા પર ત્રીસ મીનિટ જેટલું જાવ ત્યાં રસ્તાની એક બાજુએ એક નાનકડી નિશાની એ રીતે મુકાયેલી છે જાણે એને ધ્યાનમાં લેવાની ના હોય. આગળ એક નાનો ઝાંપો છે. બંધ રખાયેલો. એ ખોલીને તમારે અંદર પ્રવેશવાનું. ગાયો બહાર ન નિકળી જાય માટે ઝાંપો બનાવાયો છે. ઝાંપાની અંદરની બાજુ ચારેબાજુ છાણ પડેલું છે. એવું જ લાગ્યા કરે કે ગમે ત્યારે એની પર પગ પડી જશે. થોડેક અંતરે વૃક્ષોનું ઝૂંડ છે, ઘનઘોર, ભેજલ અને અંધારું સ્થળ છે. ઉનાળામાં મચ્છર કરડવાનો ભય રહે એવું સ્થળ. જ્યાં જુઓ ત્યાં વેલા, હંસરાજ અને લીલ દેખાય. મહાકાય સુગી સુધી પહોંચવા આ વનસ્પતિને ભેદવી પડે. મૂળમાંથી એના બે ફાંટા પડે છે. ઉપર લંબાઈ, રોકાઈ ને નીચે ઝૂકેલું છે. ટૂંકા જ સમયમાં એ પોતાને પોતાનામાં જ લપેટી લેશે. એની તરફ નજર ઊંચકીને જોનારાઓને પણ લપેટી લેશે. એવા પ્રકારનું વૃક્ષ છે એ.

ખેર, મેં ગમે તેટલા હિસાબ લગાવ્યા અમારી પાસે સમય જ નહોતો. કાનોકો અને એનો પતિ હાલ જ કુમામોટો પહોંચેલાં અને મારે સગર્ભાને આરામ કરાવવા ઘેર લાવવાની હતી. વળી જે દિવસે અમે નિકળ્યાં મારા પિતાની તબિયત નાદુરસ્ત હતી એટલે મારે એમના ઘરે પણ આંટો મારવાનો હતો. પાછું કાનોકો અને એના પતિને ત્રણ દિવસમાં આસોની આજુબાજુના સ્થળોની મુલાકાત કરાવવાની હતી, મેં વિચારેલું કે જળાશય, પર્વતનું અગ્નિમુખ અને ગરમ પાણીના ઝરા જોઈને મહાકાય સુગીની મુલાકાત કરીશું.

થયું એવું કે બીજે દિવસે મારા પિતા ગુજરી ગયા. એ કોનોકો અને એના પતિને મળેલા ને એમને તુટ્યા અંગ્રેજીમાં એમને મળ્યાનો આનંદ છે એમ કહેલું “નાઈસુ તુ મી-ચુ”. પછી કાનોકોના વધેલા પેટને પોતાના પેટ સાથે સરખાવેલું. એમના પેટના સ્નાયુઓ તદ્દન શિથિલ થઈ ગયેલાં અને એમના આંતરિક અવ્યવોને બિલકુલ ટેકો નહોતા આપી શકતા. એમનું પેટ ફુલી ગયેલું. એ રાતે એમની તબિયત લથડેલી ને બીજે દિવસે એમણે દેહ ત્યાગી દીધેલો. અમારે દોડધામ વધી ગયેલી, હોસ્પિટલ, અંતિમ સંસ્કાર, ઘર, સગાંવહાલાંનો સંપર્ક ને એવું બધું. સ્વાભાવિક છે કે અમારે આસો જવાનું માંડી વાળવું પડેલું. અંત્યેષ્ટી ગૃહ, બેંક અને હોસ્પિટલથી પરત આવતા મને થયું કે કમસેકમ કાનોકો અને એના પતિને કહેવાતા જાકુશિનસન નો કુસુ કપુરના વૃક્ષની મુલાકાત તો કરાવું. મારા પિતાના અસ્થિ ફ્યુનરલ પાર્લરમાં મુકાઈ ચૂક્યાં હતાં. ઓહ … આવું બોલવાથી એવું લાગે છે કે મારા પિતા હવે મારા પિતા નથી રહ્યા. એમણે ફ્યુનરલ પાર્લરમાં જગા ભાડે રાખી હતી અને હવે એ ત્યાં હતા. ના, થોભો, એ ગુજરી ગયા છે એટલે ખરેખર એ ત્યાં નહોતા. એટલે કે એ વાત જ નથી કે એ ત્યાં ‘હતા’ કે ‘નહોતા’ … હું ગાડી ચલાવી રહી હતી તે વેળાએ આ પ્રકારના વિચારો મારા મગજમાં ચાલતા હતા.

તાબારુઝાકા જવા અમે કુમામોટો શહેરમાંથી પસાર થતા ગ્રામીણ વિસ્તાર ભણી જતા હતા. માર્ગમાં અમને કપુરના વૃક્ષોનું ઝૂંડ નજરે પડ્યું. નજીક પહોંચીને જોયું કે દૂરથી જંગલ જેવું લાગતું હતું એ ખરેખર માત્ર એક મહાકાય કપુરના વૃક્ષનો વિસ્તાર હતો. વૃક્ષ સરસ સચવાયેલા ઉદ્યાનમાં હતું પરંતુ આસપાસ કોઈ જ દેખાતું નહોતું. પાર્કિંગની જગાથી જતા માર્ગમાં જથ્થાબંધ ફૂલો ખીલેલાં હતાં : વાયોલૅટ, વૅરોનિકાના છોડ, હૅનબીટ્સ, નાના અને સામાન્ય વૅચીસ. કાનોકો અને એના પતિએ એકબીજાંના હાથ પકડીને મહાકાય કપુરના વૃક્ષની પ્રદક્ષિણા કરી. વૃક્ષની નીચે મુકેલી પાટલી પર મેં લંબાવ્યું.

મેં ઉપર નજર કરીને વૃક્ષ સામે જોયું, મારા હાથ સામે જોયું ને પછી આકાશ સામે જોયું. આછાં વાદળા છવાયેલું આકાશ હતું. વૃક્ષ મહાકાય, તોતિંગ, કરચલીઓથી ઢંકાયેલું હતું. કરચલીઓથી ભરેલાં થાકેલા, ઉદાસ હાથ હતાં. એમની સામું જોતાં મને ભાન થયું કે મારાથી મોટી ભૂલ થઈ છે. હું વિચારતી હતી કે વર્ષના આ સમયે કપુરના વૃક્ષ ઉપરનો લાલ રંગ એના નવી કૂંપળોને લીધે હોય છે પરંતુ એવું નહોતું. જૂનાં પાંદડાં લાલ થઈ ગયેલાં અને નવી કળીઓના લીલા રંગ સાથે ભળી ગયેલાં. લાલ પાંદડાં પવનમાં ખખડતા હતાં અને ચૅરીનાં વૃક્ષનાં ફૂલ ખરી પડે છે એમ જમીન પર વરસીને પથરાઈ ગયેલાં.

એક બીજા વૃક્ષની વાત કરવી છે મારે. મારા પિતાના મૃત્યુના થોડાક જ અરસા બાદ હું કૅલિફોર્નિયા પાછી ફરી, મારી સૌથી નાની દીકરી ટોમની શાળાથી પાછા ફરવાને રસ્તે એક ફૂલવાળાં વૃક્ષ પર ધ્યાન ગયું. અગાઉ એ ધ્યાનમાં આવ્યું નહોતું પરંતુ એને કારણે ભૂતકાળના કોઈ સ્મરણથી ગમગીન બની જવાતું. એનાં ફૂલ જાંબલી હતાં ને એની તીવ્ર આકારવાળી પાતળી પાંખડીઓ ક્રોસ જેવી દેખાતી હતી. આખું વૃક્ષ આ ફૂલોથી લદાયેલું હતું. ફૂલોની નીચે ચમકતાં લીલાં પાંદડાં છુપાયેલાં હતાં. વૃક્ષ એટલું સુંદર હતું કે હું ત્યાંથી પસાર થતી ત્યારે બાઈક ધીમી પાડીને એને નિરખતી. એક દિવસે મેં બાઈક બંધ કરીને ટોમને થોડાં ફૂલ અને પાંદડાં તોડી લાવવા કહ્યું. ટોમ ડાહ્યી દીકરી હતી અને એની મા એને ગમે તેવું મૂંઝવનારું કામ કહેતી તે કરતી. એણે તોડેલાં ફૂલ અને પાંદડાં મેં જોયા કે તરત જ મને ખાતરી થઈ ગઈ કે એ બીડનું વૃક્ષ હતું, મૅલીએસા કુળનું, એશિયા અને કુમામાટોના મૂળનું મૅલીએ જાતિનું. ચીની અક્ષરોમાં “મેપલ” અથવા “પાનખરનાં પાન” વત્તા “સીડાર”નો અર્થ સમાય એવી રીતે લખાય.

બીડનાં વૃક્ષ ખૂબ ઝડપથી વધે છે. કુમામોટોની નદી સુબોઈગાવાના કિનારે વીસ વર્ષ પહેલાં ઊગી નીકળેલાં વૃક્ષો હાલ મોટાં વૃક્ષો બની છાંયડો પાથરી રહ્યાં છે. માત્ર જંગલમાં જ નહીં, ઠેકઠેકાણે ઉદ્યાનોમાં ઉછેરેલાં પણ જોવા મળી જાય છે. શિયાળામાં એમનાં પાંદડા ખરી જાય છે અને પીળા બીજ એની બોડી ડાળીઓ પરથી લટકતા દેખાય છે.

કેટલાં ય સમય સુધી આ બીડના વૃક્ષને હું વૅક્સનું વૃક્ષ માનતી રહી. વૅકસના વૃક્ષમાંથી મીણ મળે છે ને માટે સામંતી સમયમાં સ્થાનિક સાંમતોએ એના વાવેતરને પ્રોત્સાહન આપેલું. આસોની આસપાસ ઓત્સુથી છેક દાઈબુ સુધી દોડતા જૂના ધોરીમાર્ગને કિનારે આ વૃક્ષો વાવેલાં. મને યાદ આવ્યું કે હું પ્રથમ વાર જ્યારે સ્થળાંતર કરી કુમામોટો આવેલી ત્યારે લોકોએ મને જણાવેલું કે ધોરીમાર્ગના કિનારે ઊભેલાં વૃક્ષો વૅક્સનાં વૃક્ષો છે.

આમ છતાં, ધોરીમાર્ગના કિનારે હારબંધ વૃક્ષો વૅક્સનાં નહીં, બીડનાં છે. ત્રણ વર્ષ પૂર્વે એપ્રિલમાં મારી મા ગુજરી ગયેલી ત્યારે એપ્રિલ અને મેના વ્યસ્ત ગાળામાં હું કૅલિફોર્નિયા અને કુમામોટો વચ્ચે આવજા કરતી. તે વખતે જ્યાંત્યાં બીડનાં વૃક્ષો મહોરવા લાગેલાં પૂરબહારમાં.

વૅકસનાં વૃક્ષ અને બીડનાં વૃક્ષ હૂબહૂ સરખા દેખાય છે પરંતુ એમનાં ફૂલ જુદા હોય છે. વૅક્સનાં વૃક્ષનાં ફૂલ ધ્યાન ખેંચતાં નથી. મે મહિનામાં ખીલતાં બીડનાં વૃક્ષનાં ફૂલ ખૂબસુરત અને આકર્ષક હોય છે. એટલે દક્ષિણ કૅલિફોર્નિયામાં અમારા પાડોશમાંથી ટોમે તોડેલાં ફૂલ નિસંકોચ બીડનાં વૃક્ષનાં જ હતાં.

જો તમે ધ્યાનથી જોશો તો આ ફૂલો દ્વિરંગી હોય છે: સફેદ અને જાંબલી. ફૂલની દરેક પાંખડી પાતળી અને તીવ્ર આકારની હોય છે ને એના લીધે તમને એનો આકાર ક્રોસ જેવો લાગે. પણ હકીકતે એક કળી દીઠ એને પાંચ પાંખડી હોય છે. ને એની સુગંધ એવી કે તમારું ધ્યાન ખેંચાયા વિના રહે નહીં. એટલી તીવ્ર ને તેજ સુગંધ કે માત્ર બે જ ફૂલોથી આખું ઘર પમરવા લાગે.

ત્યાં કુમામોટોમાં સુબોઈગાવાના કિનારે અને ત્યાંના ઉદ્યાનોમાં પણ જે બીડનાં વૃક્ષો છે એ અત્યારે પૂરબહારમાં હશે. મારી નજર સામે તરે છે એ વૃક્ષો. મારા પિતા પણ એપ્રિલમાં ગુજરી ગયેલા, પરંતુ હવે ત્યાં કોઈ રહ્યું નથી કે મારે એપ્રિલ અને મે દરમ્યાન કુમામોટો પાછા ફરવું પડે. ના હું, ના પિતા, ના માતા. આ વિચારે એક આખો વિશાળ ખાલીપો ખોલી દીધો.

જોયા વગર જ જાણી શકું છું. ત્યાં નદી કિનારે બીડનાં વૃક્ષો પવનમાં ઝોલાં ખાય છે ને એમનાં ફૂલ ખરી જાય છે. નદી કિનારેની ઝાડીમાં નર તેતર એની સાથીની તલખાટમાં એને પોકારે છે. પરિપક્વતાએ પહોંચેલા મલ્ટીફ્લૉરા રોઝના છોડ પર ઝુમખેઝુમખાં બાઝેલાં છે અને આખો ય નદી કિનારો સફેદ રંગાઈ ગયો છે જાણે કોઈએ ટૅલકમ પાવડરનો છંટકાવ કર્યો હોય.

~

•   મૂળ ભાષા : જૅપનીઝ    •   અંગ્રેજી અનુવાદ : જૅન પિટ્ટ   •   ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

સ્રોત : asymptote journal.com (Educator’s Guide, Fall 2020)

Loading

2 May 2020 admin
← ભારતમાં કોરોનાકાળની દલિત દુનિયા
દેશમાં કોરોના વાઇરસ સામે યુદ્ધ લડાઈ રહ્યું છે તો એ કોણ લડી રહ્યું છે ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved