
રાજ ગોસ્વામી
હિન્દી સિનેમાના ગોલ્ડન સમયની યાદોને જો મમળાવવી હોય તો પ્રાઈમ વીડિયો પર એક અફલાતૂન વેબ સિરીઝ ‘જ્યુબિલી’ આવી છે. નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાણી તમને આ સિરીઝ મારફતે મુંબઈની એ દુનિયામાં લઇ જાય છે જેને આપણે માયાનગરી તરીકે જાણીએ છીએ અને જેના વિશે આપણે ખાલી સાંભળ્યું – વાંચ્યું જ છે.
‘50ના દાયકામાં હિન્દી સિનેમાનો વ્યવસાય કેવી રીતે આકાર લઇ રહ્યો હતો અને તેની પર ભારત-પાકિસ્તાનના વિભાજનની કેવી અસર પડી હતી, તેનું આ સિરીઝમાં મોહક ચિત્રણ છે. સિરીઝમાં, મુંબઈની રોય ટોકીઝ નામની ફિલ્મ કંપની, તેના માલિક શ્રીકાંત રોય, તેમની ફિલ્મ સ્ટાર પત્ની સુમિત્રા અને કંપનીના એક નવોદિત એક્ટર મદન કુમારની વાર્તા છે.
દિલચસ્પ વાત એ છે કે આ ત્રણે પાત્રો અસલી શખ્સિયતો પર આધારિત છે (સિરીઝમાં બાકીનાં પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે). હિન્દી સિનેમામાં એક્ટર્સ-એક્ટ્રેસિસની ઘણી રસપ્રદ દંતકથાઓ છે. એમાં એક મશહૂર દંતકથા કુમુદલાલ કુંજીલાલ ગાંગુલીની અશોક કુમાર બનવાની છે. તેઓ હિમાંશુ રાય અને દેવિકા રાણીની બોમ્બે ટોકીઝમાં લેબ ટેકનિસિયન તરીકે કામ કરતા હતા અને અપ્રતીમ ધગશ અને હોંશિયારીથી હિન્દી ફિલ્મોના પહેલા લોકપ્રિય હીરો તરીકે સ્થાપિત થયા હતા.
‘જ્યુબિલી’માં, વિક્રમાદિત મોટવાણીએ આ ત્રણ જણાની વાર્તાનો પાતળો છેડો પકડીની તેની આસપાસ એક મનોરંજક વેબ સિરીઝનું પોત વિકસાવ્યું છે. સિરીઝની વાર્તા પ્રમાણે, રોય ટોકીઝ જમશેદ ખાન નામના એક નવા એક્ટરને મદન કુમાર તરીકે તેની નવી ફિલ્મમાં લોન્ચ કરવા માંગે છે, પરંતુ સુમિત્રા જમશેદના પ્રેમમાં પડી જાય છે અને મુંબઈ છોડીને લખનૌ ભાગી જાય છે.
શ્રીકાંત રોય તેની ફિલ્મ પૂરી કરવા માટે આ બંનેને પાછા લઇ આવવા એક ટેકનિસિયન બિનોદને લખનૌ મોકલે છે. બિનોદ બંનેને મનાવી તો લે છે, પરંતુ પાછા ફરતાં વિભાજનનાં કોમી તોફાનોમાં જમશેદની હત્યા થઇ જાય છે (કે પછી બિનોદ એવો કારસો ગોઠવે છે?). હવે એકલી સુમિત્રા જ મુંબઈ પછી આવે છે. પણ જમશેદ વગર ફિલ્મ કેવી રીતે બંને? શ્રીકાંત સાથે મળીને ફિલ્મની એ ભૂમિકામાં બિનોદ પોતાને ગોઠવી દે છે અને મદન કુમારના નામે હિન્દી સિનેમાને એક હોનહાર એક્ટર મળે છે.
કંઇક આવું જ બોમ્બે ટોકીઝમાં બન્યું હતું. મુંબઈના મલાડ ઉપનગરમાં 1934માં હિમાંશુ રાય અને દેવિકા રાણી ચૌધરીએ (રાણી મુખરજીના દાદાના મોટા ભાઈ) સશધર મુખરજીની મદદથી બોમ્બે ટોકીઝ નામનો સ્ટુડીઓ સ્થાપ્યો હતો. આ સશધર મુખરજીનાં કિશોરવસ્થામાં જ સતી દેવી ગાંગુલી નામની એક બંગાળી છોકરી સાથે લગ્ન થયાં હતાં. સતી દેવીને ત્રણ ભાઈ હતા, જે પાછળથી મશહૂર એક્ટર બન્યા – અશોક કુમાર (કુમુદ), અનુપ કુમાર (કલ્યાણ) અને કિશોર કુમાર (આભાસ).
જીજાજી સશધર મુખરજીના પ્રતાપે સાળા કુમુદલાલને નવી શરૂ થયેલી બોમ્બે ટોકીઝમાં નોકરી મળી હતી. કુમુદલાલ પરીક્ષામાં નાપાસ થયા હતા અને ઘરમાં ઝઘડો થતાં ગુસ્સામાં બહેન પાસે મુંબઈ આવી ગયા હતા. ત્યાં જીજાએ તેને પોતાની સાથે બોમ્બે ટોકીઝની લેબમાં લઇ ગયા હતાં. એમાં મજા પડી ગઈ એટલે પાછા ગામ જવાનું માંડી વાળ્યું.
કુમુદલાલે પાંચ વર્ષ સુધી લેબમાં કામ કર્યું. એ દરમિયાન, ટોકીઝની બીજી જ ફિલ્મ ‘જીવન નૈયા’થી તેમનો જન્મ અશોક કુમાર તરીકે થયો. તેમનો આ ‘જન્મ’ દિલચસ્પ છે. ટોકીઝની પહેલી ફિલ્મ ‘જવાની કી હવા’ (1935) હતી, જેમાં દેવિકા રાણીની સાથે નઝમુલ હસન નામનો હીરો હતો. નઝમુલ હસન વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. એ ઊંચો, પાતળો અને દેખાવડો હતો. એ લખનૌના કોઈ શાહી ઘરાનાનો હતો. એ કાયદાશસ્ત્રનું ભણવાનું મૂકીને મુંબઈ આવ્યો હતો, જ્યાં હિમાંશુ રોયે બોમ્બે ટોકીઝની પહેલી ફિલ્મ માટે સાઈન કર્યો હતો. એ ફિલ્મ પૂરી થતાં સુધીમાં ફિલ્મની હીરોઈન અને બોમ્બે ટોકીઝની માલકણ દેવિકા રાણી સાથે તેને પ્રેમ થઇ ગયો અને બંને જણાં હિમાંશુ રાય, બોમ્બે ટોકીઝ અને મુંબઈને છોડીને ભાગી ગયાં.
હિમાંશુ રાય ‘જીવન કી હવા’ પછી બંનેની ભૂમિકાવાળી ‘જીવનનૈયા’ શરૂ કરવાના હતા. સ્ટુડીઓની હાલત બહુ સારી નહોતી. બીજી જ ફિલ્મમાં તેની હીરોઈન અને હીરો નાસી જાય એ કેવી રીતે પોષાય? પાછી એ હીરોઈન હિમાંશુ રાયની પત્ની હતી. માલિક અને પતિ બંનેના અહમનો સવાલ હતો. હિમાંશુ રાયે સશધર મુખરજીને મોકલીને બંને પ્રેમીઓને કલકત્તાની ગ્રાન્ડ હોટેલમાં શોધી કાઢ્યાં. સશધરે દેવિકાને પાછી આવવા મનાવી લીધી. હસન કલકત્તામાં જ રહી પડ્યો.
મશહૂર કહાનીકાર સઆદત હસન મંટો આ અંગે લખે છે, “હસન માયાવી નગરીની હીરોઈનને અસલી દુનિયામાં ખેંચી ગયો હતો, પણ તેને એ લોકોમાં સામેલ થવા માટે કલકત્તામાં છોડી દેવામાં આવ્યો હતો, જેને લાગણીઓથી ઓછો પણ રાજનૈતિક, ધાર્મિક અને ભૌતિક કારણોસર તેના પ્રિયજનોએ ત્યજી દે એ નક્કી જ હતું. જ્યાં સુધી એ દૃશ્યોની વાત છે જે આગાઉથી શૂટ કરી લેવામાં આવ્યાં હતાં એ હવે કચરો બની ગયાં હતાં. હવે સવાલ એ હતો કે તેની જગ્યા કોણ લે?”
જવાબ હતો કુમુદલાલ ગાંગુલી. એવું કહેવાય છે કે હિમાંશુ રોય નજમુલ હસન જેવા બીજા આકર્ષક હીરોને લઈને ફરીથી દેવિકા રાણી અને ફિલ્મને ખોવા માંગતા નહોતા. જેથી કોને લેવો .. કોને લેવોની ગડમથલમાં કુમુદલાલનું નામ આવ્યું. કુમુદલાલ ઔસતન દેખાવનો હતો અને ઉપરથી હિમાંશુનો નોકર પણ હતો. હિમાંશુને ફિલ્મની વાર્તા અને તે વખતની સુપરસ્ટાર દેવિકા રાણીમાં વધારે ભરોસો હતો. પરિણામે, બોમ્બે ટોકીઝની બીજી ફિલ્મ ‘જીવન નૈયા’માં કુમુદલાલને અશોક કુમાર તરીકે લોન્ચ કરવાનું નક્કી થયું.
એક સુખદ અકસ્માતે શરૂ થયેલી એ કારકિર્દી પછી તો અશોક કુમારને છ દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં છવાયેલા રાખવાની હતી એટલું જ નહીં, 1940માં હિમાંશુ રોયના અવસાન અને દેવિકા રાણીની નિવૃત્તિ પછી તેઓ સશધર મુખરજીની ભગીદારીમાં બોમ્બે ટોકીઝ ખરીદી પણ લેવાના હતા.
‘જીવન નૈયા’માં એક તવાયફની છોકરી લતા(દેવિકા)ના વિવાહ શહેરના એક ધનવાન મુરતિયા રણજીત (અશોક કુમાર) સાથે થાય છે, પરંતુ ચંદ (એસ.એન. ત્રિપાઠી) નામનો એક ખલનાયક છોકરીને બ્લેકમેઈલ કરે છે. એમાં રણજીત તેને ત્યજી દે છે અને પછી કેવી રીતે બંને સુખરૂપ ભેગાં થાય છે તેની વાર્તા હતી. રોયના દોસ્ત અને બાવેરિયાના ફિલ્મમેકર ફ્રાન્ઝ ઓસ્ટેન નિર્દેશિત ‘જીવન નૈયા’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. 1936માં, દેવિકા સાથે આવેલી તેમની ફિલ્મ ‘અછૂત કન્યા’થી અશોક કુમાર સ્ટાર બની ગયા હતા.
અશોક કુમારમાં કેવી પ્રતિભા હતી તેની એક બીજી સાબિતી ‘જીવન નૈયા’નું એક ગીત ‘કોઈ હમદમ ન રહા છે.’ જે.એસ. કશ્યપ નામના ગીતકારના શબ્દોમાં અને સરસ્વતી દેવી નામની સંગીતકારની ધૂનમાં આ ગીત અશોક કુમારે ખુદ ગાયું હતું. ફિલ્મની સાથે આ ગીત પણ ત્યારે હિટ રહ્યું હતું.
30 વર્ષ પછી, 1960માં, અશોક કુમારના લઘુ બંધુ કિશોર કુમારે ખુદની વાર્તા પરથી ‘ઝૂમરું’ બનાવી ત્યારે તેમણે તેમાં ‘કોઈ હમદમ ના રહા’ ગીત ગાયું હતું. એ ગીત અશોક કુમારવાળા ગીત કરતાં પણ મોટું એટલું મોટું હિટ સાબિત થયું કે આજે પણ તે એટલુ જ લોકપ્રિય છે.
કિશોરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું નાનો હતો ત્યારે દાદામૂનીનું આ ગાતો હતો અને મને એટલું ગમતું હતું કે મારા હોમપ્રોડક્શન ‘ઝૂમરું’માં મારે તેની પહેલી પંક્તિ લેવી હતી. કુમારે મોટાભાઈની પરવાનગી માગી તો દાદામૂનીએ શરત મૂકી હતી કે મૂળ ગીતમાં છેડછાડ ન કરતો. કુમારે તેનો ભરોસો આપ્યો હતો અને મૂળ ગીતને ચઢે તેવું બહેતર વર્ઝન બનાવ્યું હતું. (જ્યુબિલી સિરીઝમાં, મદન કુમારના નાના ભાઈને ગાવાનો શોખીન બતાવ્યો છે.)
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 26 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર