સુપ્રીમ કોર્ટે એના ચિંતનમાં સત્યની ઉપર ધર્મ મૂક્યો છે. આવું કેમ?
ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોકના સિંહસ્તંભ નીચે સત્યમેવ જયતે લખેલું છે, જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. એનો અર્થ સ્વયં સ્પષ્ટ છે; સત્યની જ જીત થાય છે. સુપ્રીમ કોર્ટનું ચિહ્ન પણ અશોક ચક્ર જ છે, પરંતુ એમાં ‘સત્યમેવ જયતે’ના બદલે ‘યતો ધર્મસ્તતો જય:’ એવું લખેલું છે. આ ચરણ મહાભારતમાંથી છે, જ્યાં સો પુત્રોને યુદ્ધમાં ગુમાવ્યા બાદ માતા ગાંધારીને મહર્ષિ વ્યાસ કહે છે, યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય: – જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. સુપ્રીમ કોર્ટે એના ચિંતનમાં સત્યની ઉપર ધર્મ મૂક્યો છે. આવું કેમ? આ સંદર્ભમાં RTI હેઠળ એક અરજી થયેલી છે, જેમાં યતો ધર્મ તતો જય: પદ કયા આધારે ચિહ્નમાં મૂકવામાં આવ્યું છે, તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને સુપ્રીમ કોર્ટને ‘સત્યમેવ જયતે’ના બદલે ‘યતો ધર્મ તતો જય:’ કેમ તેનું કારણ સમજાવવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટ તો જ્યારે એનો વિચાર કરે ત્યારે ખરું, પણ ગયા સપ્તાહે 8મી અને 9મી માર્ચે બે સળંગ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જે વિચાર કર્યો તેમાં ઘણો ખરો જવાબ મળી ગયો. પહેલો નિર્ણય હતો જીવન જીવવાનો અને બીજો હતો મરણનો. કોઈ દેશની સર્વોચ્ચ અદાલત એક જ દિવસની આગળ પાછળ જીવન જીવવાના અને સન્માનપૂર્વક મરવાના બુનિયાદી અધિકાર ઉપર દૂરગામી અસરવાળા ફેંસલા આપે એવું જવલ્લે જ બન્યું હશે. આમ તો આ બંને બાબતો દુનિયામાં અનેક જગ્યાએ સહજ છે, પણ ભારતમાં જ્યાં ધાર્મિક-સામાજિક-રાજકીય ક્ષેત્રે પાછલી સદીમાં જવાના વિચારોને પોષવામાં આવતા હોય ત્યારે આ બે નિર્ણયોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.
8મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે અખિલામાંથી હદિયા બનેલી કેરળની 22 વર્ષની યુવતીનાં લગ્ન યોગ્ય ઠેરવ્યાં છે. હદિયા શફીન જહાન નામના યુવાનને પ્રેમ કરતી હતી અને તેની સાથે જીવન ગુજારવા માગતી હતી, એટલે એણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. છેલ્લાં બે વર્ષથી લવ-જેહાદના નામથી આ કિસ્સો વિવાદાસ્પદ બન્યો હતો. તેના પિતાએ આ સંબંધમાં પોલીસ અને કોર્ટ કેસ કર્યો હતો, અને હદિયાને કબજામાં રાખી હતી. કેરળ હાઈકોર્ટે લવ-જેહાદ ગણીને શફીન જહાન નામના મુસ્લિમ યુવાન સાથેનાં આ લગ્ન ફોક કર્યાં હતાં. શફીન જહાનની અરજી પર દસ મહિના પછી ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જ્યારે બે વયસ્ક વ્યક્તિઓ વિવાહ કરવાનું નક્કી કરે ત્યારે, કોર્ટે સાથીદારની ચોકસાઈ કે ઔચિત્ય અથવા લગ્નની યોગ્યતામાં પડવાની શું જરૂર છે?’
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો બે રીતે મહત્ત્વનો છે. એક, એમાં જે ધાર્મિક રંગ ભળ્યો તે અને બીજું, વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું હતું તે. હદિયાનાં લગ્નની વાસ્તવિકતા જે હોય તે, પણ હાઈકોર્ટે એને જૂઠ અને ચાલ ગણાવીને વાંધાજનક તારણો રજૂ કર્યાં હતાં જે ઘણી યુવતીઓને અસર કરે તેવાં હતાં. કેરળ કોર્ટે કહ્યું હતું કે, સ્ત્રીનાં લગ્નમાં માબાપની ઇચ્છા જરૂરી હોય છે, અને એ પુખ્ત વયે હોય તો પણ ‘કમજોર’ જ કહેવાય. મતલબ કે સ્ત્રીઓ સરળતાથી તરકટમાં ફસાઈ જાય તેવી અબુધ હોય છે, એટલે એણે કોની સાથે લગ્ન કરવાં એમાં પરિવારની બુદ્ધિશક્તિ જરૂરી છે. એક વયસ્ક સ્ત્રીની એના જીવનને લઇને નિર્ણય લેવાની સ્વતંત્રતાનું ગળું કોર્ટના એક હુકમથી ઘોંટાઈ જાય એ આઘાતજનક હતું.
સુપ્રીમ કોર્ટે આ આઝાદી પાછી સ્થાપિત કરીને કહ્યું કે, નેશનલ ઇન્વેિસ્ટગેશન એજન્સી ભલે આ લગ્નમાં ક્રિમિનલ એંગલની તપાસ જારી રાખે પણ પોતાના ગમતા પુરુષ સાથે રહેવાનો હદિયાનો અધિકાર છીનવી ન શકાય. કોઈ પણ પ્રગતિશીલ સમાજ માટે આ રાહતનો ચુકાદો એટલા માટે પણ છે કે, તેમાં સ્ત્રીની આઝાદીની વ્યાખ્યા પણ થઈ છે. મોટા ભાગે આપણે સ્ત્રી-સ્વતંત્રતાનો અર્થ સામાજિક સમાનતાના સંદર્ભમાં કરીએ છીએ. અહીં કોર્ટે કહ્યું કે, વ્યક્તિગત આઝાદીમાં કોની સાથે જીવન જીવવું તે પણ છે. સ્ત્રી-સ્વતંત્રતાનો સીધો સંબંધ એની સેક્સુઅલ આઝાદીમાં છે. સેક્સુઅલ આઝાદી એટલે લગ્ન કરવાં કે નહીં, કરવાં તો કોની સાથે કરવાં, સેક્સ કરવું કે નહીં, બાળકો કરવાં કે નહીં, તેનો અધિકાર પુરુષ કે પરિવાર કે સમાજ પાસે નહીં પણ, સ્ત્રી પાસે હોય તે. સેક્સુઅલ સ્વતંત્રતા એટલે સ્ત્રીના શરીર ઉપર સ્ત્રીનો અધિકાર. ગયા જાન્યુઆરીમાં જસ્ટિસ ચંદ્રચુડે હદિયાને એના સપનાં વિશે પૂછ્યું હતું. હદિયાએ ત્યારે કહ્યું હતું, ‘મને આઝાદી જોઈએ છે.’ સુપ્રીમ કોર્ટે એ આઝાદીને બહાલ રાખી છે.
જીવન જીવવાના બુનિયાદી અધિકારનું સુપ્રીમ કોર્ટનું ચિંતન બીજા દિવસે મરવાના હક સુધી ગયું. 9મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી. યુથેનેશિયા ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ઉત્તમ (યુ) મોત (થન્તોસ). અસહ્ય અને લાઈલાજ દર્દમાંથી મુક્તિ મેળવવા માટે દર્દી જાતે કે ડૉક્ટરની સહાયથી જીવન ટૂંકાવી દે તેને સક્રિય યુથેનેશિયા કહે છે, અને સાજા થવા માટેના ઉપચારનો ઇનકાર કરી દે તેને નિષ્ક્રિય યુથેનેશિયા કહે છે. કોર્ટે ચુસ્ત મેડિકલ માર્ગદર્શન અને કાનૂની પ્રક્રિયા હેઠળ દયા મૃત્યુને યોગ્ય માન્યું છે.
ભારતમાં ઇચ્છા મૃત્યુનો વિવાદ પશ્ચિમની તર્જ ઉપર સંવિધાન બન્યા પછી, અને 60ના દાયકામાં સ્વતંત્ર પાર્ટીના સ્થાપક અને સાંસદ મીનુ મસાણીએ સોસાયટી ફોર ધ રાઈટ ટુ ડાઈ વિથ ડિગ્નિટીની સ્થાપના કરી ત્યારથી ફોકસમાં આવ્યો છે. પશ્ચિમના ધર્મોમાં પુનર્જન્મની ધારણા નથી. આ એક જ જીવન છે. એટલે એને રક્ષવાનો ધાર્મિક આદેશ છે. મરવું એ પાપ છે એ ઈસાઈ અને ઇસ્લામિક ખયાલ છે. ત્યાં જીવન ઈશ્વરના સીધા આદેશ હેઠળ છે, અને એના ઉપર આપણો હક નથી. હિંદુઓમાં એક જ જીવન નથી, પણ અનેકાનેક જીવન છે. એ સાઈકલ છે. એટલે ફરજ પૂરી કરીને જતા રહેવું એ અસહજ નથી. હિંદુઓમાં જીવન ચાર ભાગમાં વહેંચાયેલું છે; ધર્મ (અભ્યાસ), અર્થ (રોજગારી), કામ (લગ્ન અને પરિવાર) અને મોક્ષ (સ્વેચ્છા-મૃત્યુ).
હિંદુ પરંપરામાં પ્રાયોપવેશનમનો ખયાલ છે જેનો અર્થ થાય છે ઉપવાસ કરીને જીવન છોડવું. મહાભારતમાં રાજા પરીક્ષિત પ્રાયોપવેશનમ કરતા હતા ત્યારે વ્યાસના પુત્ર ઋષિ શુકદેવે એમને ભાગવત પુરાણ સંભળાવ્યું હતું. સાવરકરે 21 દિવસના ઉપવાસ કરીને 26 ફેબ્રુઆરી, 1966ના રોજ દેહ ત્યાગ્યો હતો. વિનોબા ભાવેને હૃદય રોગનો આવ્યો તે પછી તેમણે સાત દિવસ સુધી અન્ન, પાણી અને દવાનો ત્યાગ કરીને 15 નવેમ્બર, 1982ના રોજ દેહ ત્યાગ્યો હતો. મહાભારતમાં ભીષ્મ પિતા સ્વેચ્છાએ બાણસૈયા ઉપર સૂઈ ગયા હતા. યુદ્ધ પછી પાંડવો હિમાલયમાં હાડ ગાળવા ગયા એ ઈચ્છા મૃત્યુ હતું. યદુવંશના નાશ પછી કૃષ્ણના જ્યેષ્ઠ ભાઈ બલરામ સમુદ્ર કિનારે સમાધિમાં બેસી દેહ ત્યાગી ગયા હતા. એ પછી કૃષ્ણ પણ પીપળના ઝાડ નીચે એવી રીતે બેઠા કે પારધીએ હરણની આંખ સમજીને એમના પગને તીર મારી દીધું.
મૃત્યુને લઈને આપણે ખાસ્સા ઉદાર હતા, પરંતુ પશ્ચિમના મૉડલ ઉપર આપણી કાનૂન વ્યવસ્થા આવી એટલે આખો અભિગમ ક્રિમિનલ બની ગયો. ઇન ફેક્ટ, આપણે ત્યાં મૃત્યુ એટલે જીવનનો અંત નથી. જીવ (અથવા આત્મ) મરતો નથી, અને અનેક ખોળિયામાંથી પસાર થતો રહે છે. એ રીતે મૃત્યુ એ કામચલાઉ વિશ્રામ છે.
યુ.જી. કૃષ્ણમૂર્તિ નામના વિચારક ફિઝિક્સની રીતે કહેતા કે, “શરીર માટે મૃત્યુ નથી, માત્ર અણુઓનું રિશફલિંગ છે. અણુઓ મરતા નથી. એ જગ્યા બદલીને બીજા ફોર્મમાં નિરંતર રહે છે. જીવન અને મરણને એકબીજાથી છૂટાં પાડી ના શકાય, કારણ કે શરીર બીજા ફોર્મમાં પણ જીવતું જ રહે છે. વાસ્તવમાં શરીર અમર છે, અને જન્મ કે મૃત્યુ જેવું કશું નથી.’ આવા જ અંદાજમાં સુપ્રીમ કોર્ટે પણ 9મી ફેબ્રુઆરીએ ઇચ્છા મૃત્યુના એના ફેંસલામાં કહ્યું હતું, “જીવન અને મરણ અવિભાજ્ય છે. મરવું એ જીવવાની ક્રિયાનો જ ભાગ છે.’
એટલા માટે જ સુપ્રીમ કોર્ટ માટે ‘યતો ધર્મસ્તતો જય:’ એ ‘સત્યમેવ જયતે’ ની ઉપર છે. ધર્મમાં ધ્રી ધાતુનો અર્થ છે ‘જારી રાખવું, વહન કરવું, સંભાળવું.’ ધર્મ માનવ જીવનને પ્રકૃતિના લયમાં જાળવી રાખે છે. ધર્મ એટલે ‘જે સંસારને જારી રાખે અથવા સંભાળે તે.’ બે અગત્યના ફેંસલામાં સુપ્રીમ કોર્ટે આ ધર્મને સાબિત કરી દીધો.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 18 માર્ચ 2018