ગયા વખતના લેખમાં પ્રશ્ન પૂછ્યો હતો કે પોતાના વતનથી છ હજાર માઈલ્સ દૂર થોડાક હજાર અંગ્રેજોની હાજરી દ્વારા ભારતનું વધારેમાં વધારે પ્રમાણમાં અને વધારેમાં વધારે સમય શોષણ કઈ રીતે થઈ શકે એ વિશે અંગ્રેજો વિચારતા હતા અને ઉપાયો શોધતા હતા તો સામે પક્ષે અંગ્રેજોનું વલણ જોઇને કોઈ ભારતીયના મનમાં એવો સવાલ કેમ પેદા ન થયો કે આપણે કોઈ એવો ઉપાય શોધવો જોઈએ કે જેથી અંગ્રેજો આપણું ઓછામાં ઓછું અને ઓછામાં ઓછો સમય શોષણ કરી શકે? એ પછી પણ નહીં જ્યારે અંગ્રેજોએ હિંદુ અને મુસલમાન એમ બે બાધા રૂપિયા જ નહીં હવે તો રૂપિયાના પરચૂરણને પણ લડાવવાનું શરૂ કર્યું હતું! હિંદુની સામે હિંદુ ઊભો થાય અને હિંદુનો છેદ ઊડાડે, પણ ક્યારે ય કોઈ હિંદુના મનમાં એવો વિચાર નહીં આવ્યો કે આપણી સામે જે માણસ ઊભો થયો છે એ આપણો છે અને આપણા કરતાં જુદી વાત કરે છે તો આપણે તેમને સાંભળવા જોઈએ.
આવો એક શક્તિશાળી અવાજ હતો મહાત્મા જ્યોતિરાવ ગોવિંદ ફુલેનો જેમની એ સમયે રાષ્ટ્રીય સ્તરે સરાસર ઉપેક્ષા કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રમાં તેમના ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા અને એના કરતાં પણ વધુ ઉપહાસ કરવામાં આવ્યો હતો. આશ્ચર્ય થવું જોઈએ કે વિશ્વવિખ્યાત બ્રિટિશ વિદ્વાન જે.એસ. મિલ છેક ૧૮૫૮માં લખેલા ‘મૅમોરેન્ડમ ઑફ ધ ઈમ્પ્રુવમેનટ્સ ઇન ધ ઍડમિનિસ્ટ્રેશન ઑફ ઇન્ડિયા ડ્યોરિંગ ધ લાસ્ટ થર્ટી ઈયર્સ’માં જ્યોતિબા ફુલે અને તેમનાં પત્ની દ્વારા કરવામાં આવેલી સ્ત્રીશિક્ષણની પહેલનો ઉલ્લેખ કરે છે, પણ કોઈ હિંદુ સવર્ણ નેતા/વિચારક (પછી સુધારક હોય કે સનાતની) જ્યોતિબા ફુલેની નોંધ નથી લેતો. આગળ કહ્યું એમ મહારાષ્ટ્રમાં તેમનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો અને બાકીના ભારતમાં તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી.
સનાતનીઓ તેમની નોંધ ન લે અને વિરોધ કરે કે ઉપહાસ કરે એ તો સમજી શકાય છે, પણ પોતાને સુધારક ગણાવનારાઓ પણ તેમની નોંધ ન લે એનું કારણ શું? કયા ભરોસે તેઓ આવું વલણ ધરાવતા હતા? આ અત્યંત મહત્ત્વનો સવાલ છે, મિત્રો, વિચારી જુઓ; કયા ભરોસે તેઓ છેવાડેના હિંદુઓમાંથી ઉઠતા અવાજોની ઉપેક્ષા કરતા હતા? ઉપર જેમનો ઉલ્લેખ કર્યો છે એ જે.એસ. મિલનો ૧૮૫૯માં પ્રકાશિત થયેલો ‘ઓન લિબર્ટી’ નામનો શકવર્તી ગ્રંથ ભારતના હિંદુ સુધારકોનો બાઈબલ હતો. લંડનમાં બેસીને જે.એસ. મિલ ફુલે દંપતીના કામની નોંધ લે છે, પણ મિલ પાસેથી પ્રેરણા મેળવનારા અને નવા યુગનો બુંગિયો ફૂંકનારા સર્વણ સુધારક હિંદુઓ તેમની નોંધ ન લે તો એ કયા ભરોસે? કોઈક તો ભરોસો તેમની પાસે હોવો જ જોઈએ જેને કારણે તેમને એમ લાગ્યું હશે કે છેવાડેથી, હાંસિયામાંથી ઉઠતા અવાજોને સાંભળવાની જરૂર નથી. કયો એ ભરોસો હતો?
હિંદુ સવર્ણ સુધારકોને એમ લાગતું હતું કે પહેલાં ‘આપણે’ સજ્જ થવાનું છે. પણ આ ‘આપણે’ એટલે કોણ? ‘આપણે’ એટલે એવા લોકો જે સજ્જ થવાની ક્ષમતા રાખે છે. લોચો અહીં પડ્યો હતો. જેમની પાસે પાત્ર છે અને જે હિંદુ નવજાગરણનું પાન કરી શકે એમ છે તેમણે ભરીભરીને તેનું પાન કરવું જોઈએ. આપણે પશ્ચિમના જેવા બનવું છે, જેવા શું તેમનાથી સવાયા બનવાની આપણે ક્ષમતા ધરાવીએ છીએ, આપણે વિશ્વગુરુ બની શકીએ એમ છીએ, આપણી પાસે શું નથી; બસ આપણે આપણી થોડી બદીઓ છોડવી જોઈએ અને નવું કેટલુંક અપનાવવું જોઈએ. આપણે આપણાં વાસણ ઉપર જે મેલ ચડ્યો છે એ ધોઈ નાખીએ તો વાસણ ઊજળું થઈ શકે એમ છે, કારણ કે એ છે જ ઊજળું. આ વાસણ એટલે હિંદુ સામાજિક શરીર અને તે શરીરના અંગોમાં સમાવેશ થતો હતો માત્ર અને માત્ર સવર્ણ હિંદુઓનો. મુખ્યત્વે બ્રાહ્મણોનો અને બ્રાહ્મણોની સમકક્ષ જ્ઞાતિઓનો. આપણે પશ્ચિમની બરોબરી કરવાની છે અને તેમનાથી ચડિયાતા નીવડી શકીએ છીએ, જો આપણે કેટલુંક છોડીએ અને સુધારાઓને અપનાવીએ.
હિંદુ સવર્ણ સુધારકો જે.એસ. મિલ જેવા ઉદારમતવાદી વિચારકો પાસેથી પ્રેરણા તો લેતા હતા, પરંતુ ‘આપણે’નો પરિઘ વિસ્તારતા નહોતા. તેમને એવો વિચાર પણ નહોતો આવ્યો, કારણ કે તેમણે એવી જરૂરત નહોતી અનુભવી. જરૂરત એ અનુભવે જેને જરૂરત હોય. જોડાનો ડંખ એને વાગે જેણે જોડો પહેર્યો હોય. દયાનંદ સરસ્વતીને એવો વિચાર પણ નહોતો આવ્યો કે છેવાડેનો માણસ હવે બોલતો થયો છે તો તેને સાંભળવો જોઈએ, રાજી થવાનું તો બહુ દૂરની વાત છે. મહાત્મા ફુલે જેવા સવર્ણ સુધારકોને ન ગમે એવા ભિન્ન અવાજ કાઢવા લાગ્યા ત્યારે સુધારકોમાં અગ્રીમ સ્થાન ધરાવતા ગોપાલ ગણેશ આગરકરે તેમને ‘રેવરન્ડ ફુલે’ તરીકે ઓળખાવીને તેમનો ઉપહાસ કર્યો હતો. સ્વામી વિવેકાનંદે પણ એ અવાજો તરફ ખાસ નજર નહોતી કરી. જરૂર નહોતી વર્તાઈ.
સમજ એવી હતી કે સવર્ણ હિંદુઓએ – ખાસ કરીને બ્રાહ્મણોએ અને હજુ વધારે ઉદાર બનો તો શ્રમણ-બ્રાહ્મણે મળીને હિંદુદર્શન, જીવનદર્શન અને હિંદુસંસ્કૃતિનો જે ગાભો વિકસાવ્યો છે એ જ હિંદુ ધર્મની ટકોરાબંધ ઓળખ છે, એ જ એનો પાયો છે, એના ઉપર જ ચણતર થઈ શકે એમ છે અને દરેક શક્યતાઓ એમાં જ રહેલી છે. એણે જ આક્રમણોનો સામનો કર્યો છે, એણે જ સમયની થપાટો ખાધી છે અને સહન કરી છે અને એણે જ ગમે તેવા અવરોધોની વચ્ચે ટકી રહેવાનું રસાયણ વિકસાવ્યું છે. આ જ એક માત્ર સમયસિદ્ધ, ટકાઉ, ભરોસાપાત્ર પદાર્થ છે એટલે નવજાગૃત હિંદુએ આને જ પરિષ્કૃત કરવો રહ્યો. હજુ તો ૯૦ ટકા બ્રાહ્મણો જ નવજાગૃત થયા નથી અને તેમાંના મોટા ભાગના સનાતનીઓ નવજાગરણનો પ્રતિકાર કરે છે અને હિંદુ-પ્રક્ષાલન પ્રવૃત્તિને તેઓ સનાતન ધર્મ સાથે કરવામાં આવતાં ચેડાં તરીકે ઓળખાવે છે, ત્યાં ગર્ભના પરિઘને વિસ્તારવાની વાત જ ક્યાં આવી? પહેલાં હિંદુમંદિરનાં ગર્ભગૃહને તો સાફ કરીએ! એ પછી આગળ જોશું.
આમ જે સજ્જ બની શકે એમ છે એ સજ્જ બને અને તેમાં માત્ર બ્રાહ્મણો અને બીજી તેની સમકક્ષ જ્ઞાતિઓનો જ સમાવેશ થતો હતો. આ પહેલી વાત. બીજું કેટલાક લોકો સજ્જ બની શકે એમ છે પણ તેનો પ્રતિકાર કરે છે એટલે પહેલી જરૂરિયાત તેમની આંખ ખોલવાની છે. આને કારણે આખી ૧૯મી સદીમાં જે વિવાદ કે વિમર્શ ચાલતો હતો એ એક બાજુ સજ્જ થયેલા કે થયા હોવાનો દાવો કરનારા અને બીજી બાજુ સજ્જ થવાની પ્રવૃત્તિનો પ્રતિકાર કરનારાઓ વચ્ચે થતો હતો. આ પડખે પણ બ્રાહ્મણ અને આ પડખે પણ બ્રાહ્મણ. ત્રીજું, જે બ્રાહ્મણો સજ્જ થવા માગતા હતા તેઓ તેમાં અંગ્રેજોની મદદ લેતા હતા અને ચોથું સજ્જ થયેલાઓ અંગ્રેજો દ્વારા મળતા લાભ લેતા હતા. એક સુધારક બ્રાહ્મણ સુધરવાનો પ્રતિકાર કરનારા સનાતની બ્રાહ્મણને કહેતો હતો કે જો સુધરશો તો આવા લાભ મળશે.
ટૂંકમાં મૂળશંકર જટાશંકરને કહેતો હતો કે છોડ સનાતની કુ-રૂઢિઓ અને ચડી જા બસમાં, મેં તારા માટે જગ્યા રોકી રાખી છે. કેટલાક જટાશંકરોએ સુધારો અપનાવ્યો અને બીજા કેટલાક જટાશંકરોએ અંગત જીવનના અને ખાનગી જીવનના એમ બે ચહેરા અપાવ્યા. સરકારી નોકરી કરી આવે અને ઘરે આવીને છાંટ નંખાવીને પવિત્ર સનાતનીનું રૂપ ધારણ કરી લે. આ બાજુ કેટલાક સુધારકો એવા પણ હતા જે વિચારથી પ્રમાણિક હતા, પણ સનાતનીઓનો વિરોધ ખમી નહીં શક્યા અને પાણીમાં બેસી ગયા.
જ્યોતિબા ફુલે જેવાઓ આ બધું દૂરથી જોતા હતા. અંગ્રેજી શિક્ષણ મેળવીને સજ્જ તો એ પણ થયા હતા, પરંતુ એ ગર્ભગૃહની બહાર મંદિરના પરિસરમાં ધીરે ધીરે આકાર લેતી સજ્જતા હતી. ગર્ભગૃહની અંદર મૂળશંકર-જટાશંકર વચ્ચે ચર્ચા, ઝઘડા અને ભાગીદારી તેઓ જોઈ રહ્યા હતા. તેમના મનમાં શંકા ગઈ કે આ લોકો હિંદુ-સાંસ્કૃતિક પરિઘનું મજબૂતીકરણ કરી રહ્યા છે અને ફરતે કિલ્લેબંધી કરી રહ્યા છે કે જેથી આપણે પ્રવેશી ન શકીએ. જે પ્રક્ષાલન થઈ રહ્યું છે એ ઈજારાશાહી માટેનું છે.
તેમની આ શંકા વ્યાજબી હતી. વ્યાજબી એટલા માટે હતી કે સમયે જે ઈમારતને ટકાઉ સાબિત કરી છે એને ઠીકઠાક કરવા દો અને પછી તેમાં વિસ્તાર કરવામાં આવશે એમ દયાનંદથી લઈને વિવેકાનંદ સુધી કોઈ તેમને કહેવા નહોતા ગયા. તેઓ સનાતનીઓને સમજાવતા હતા અને બહુજન સમાજ તરફ નજર નહોતા કરતા અને તેમના અવાજને કાન નહોતા આપતા. આને કારણે મહાત્મા ફુલેને એમ લાગ્યું હતું કે આતો મૂળશંકર-જટાશંકર વચ્ચેની ઈજારાશાહી માટેની જદ્દોજહદ છે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 જૂન 2020