Opinion Magazine
Number of visits: 9449012
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જે દેશમાં બંદૂકની બૅરેલથી ચર્ચા બંધ કરાવવામાં આવે છે, તે દેશનું ભાવિ અંધકારમય છે.’

ભીખુ પારેખ અને અનુજકુમાર|Opinion - Opinion|19 January 2016

ભારતનો એક દેશ તરીકે ‘જાહેર ચર્ચા’(પબ્લિક ડિબેટ્સ)નો ગૌરવમય, ભવ્ય વારસો હતો. આધુનિક ભારતમાં કેમ જ્ઞાન આધારિત વિચારભેદ, મતભેદ (વૉઇસ ઑફ ડિસેન્ટ) માટેની જાહેરચર્ચાની જગ્યા, અવકાશ (સ્પેસ) સતત સંકોચાતાં જાય છે?

આશરે એક દાયકા પહેલાં નોબેલ પ્રાઇઝ વિજેતા અમર્ત્ય સેને  ‘ધી આર્ગ્યુમેન્ટટિવ ઇન્ડિયન’ નામના પોતાના જગપ્રસિદ્ધ પુસ્તકમાં લખ્યું હતું કે દેશની ધર્મનિરપેક્ષ (સેક્યુલર ડેમોક્રસી) લોકશાહીને બચાવવા માટે જુદાજુદા વિચારો ઉપરનો બૌદ્ધિક વિવાદ ખૂબ જ અનિવાર્ય છે. આ મુદ્દે પ્રો. સેને ખૂબ જ મુશ્કેલ અને જટિલ પ્રવાહોને સવિસ્તાર વૃત્તાંત સાથે અસરકારક રીતે પોતાના પુસ્તકમાં રજૂ કર્યા હતા.

શું આજે આ ભારતીય ખોવાઈ ગયેલો દેખાય છે? હા, કદાચ તે પહેલાં જેવો પોતાના વિચારો વ્યક્ત કરવામાં અસરકારક નહીં હોય! પરંતુ હું જાણું છું કે હજુ તે આ મુદ્દે સક્રિય છે અને ભારતદેશની આ પ્રણાલિકાને જીવંત રાખવા તે પોતાનાથી જે યથાર્થ છે, તે કરી રહ્યો છે. સને ૨૦૦૫માં દેશના વડાપ્રધાન તરીકે એક શીખ ચૂંટાઈ આવ્યા હતા અને તે સમયે દેશના રાષ્ટ્રપ્રમુખ મુસ્લિમ હતા. તે સમયે નીતિશકુમારે બિહારની ચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવને હરાવ્યા હતા (સને ૨૦૧૫માં બંનેએ ભેગા થઈને ભાજપને જબ્બરજસ્ત હાર પણ આપી છે.) તે સમયે અર્ણબ ગોસ્વામી રાષ્ટ્રીય ટેલિવિઝનના પડદે એક અસરકારક પરિબળ તરીકે ઊભરી આવ્યા ન હતા અને ઓસામા બિન લાદેન જીવિત હતો, પરંતુ ભારતીય સમાજને કોઈ બાહ્ય પરિબળોનો ભય ન હતો. પણ સને ૨૦૧૫-૧૬માં આ બધું બિલકુલ જુદું થઈ ગયું છે. વૈચારિક મતભેદ માટે રાષ્ટ્રીય કક્ષાએ જે ખુલ્લાપણાનો અવકાશ કે મોકળાશ હતી તે ખૂબ જ ઝડપથી સંકોચાઈ જવા માંડ્યા છે. બીજી બાજુએ ISIS જેવી ઇસ્લામિક ધર્માંધ સંસ્થાના ત્રાસવાદીઓ દેશની સરહદો પર ટકોરા મારી રહ્યા છે.

આવા સંજોગોમાં ‘હિન્દુ’ દૈનિકના પ્રતિનિધિ અનુજકુમાર ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના લેખક પ્રો. ભીખુ પારેખના રાજકીય વિચારો સમજવાનો પ્રયત્ન કરે છે.

દિલ્હીની ડિસેમ્બર માસની સવારની કડકડતી ઠંડીમાં તેમણે પ્રો. પારેખ સાથે ચર્ચા કરવા માંડી.

મારું આ પુસ્તક પ્રો. સેનના ‘ધી આર્ગ્યુમેન્ટટિવ ઇન્ડિયન’ કરતાં ઘણી બધી દૃષ્ટિએ ભિન્ન છે. સેનના મત પ્રમાણે બધા જ ભારતીયો એક સમૂહ તરીકે છુટા ના પાડી શકાય તેવા‘હમૉજિનાઇઝ’ છે. હું પ્રો. સેનના તે અભિપ્રાયથી બિલકુલ મુક્ત થઈ જવા માંગુ છું (ગેટ અવે ફ્રોમ ઇટ). હું  દેશના પ્રજાજન ભારતીય વિશે ચર્ચા કરવા માંગતો નથી પણ ભારતની એક દેશ તરીકે ચર્ચા કરવા માંગું છું. પ્રો સેનનું તારણ છે કે સમગ્ર ભારતીય પ્રણાલીઓ કે પરંપરાઓ મુક્ત મનથી છલોછલ વાદવિવાદના વારસાથી ભરેલી છે. આ સંદર્ભમાં મારો વિવાદનો મુદ્દો એ છે કે જ્યાં સુધી આપણી ચર્ચા ધાર્મિક અને જ્ઞાનમીમાંસા (ઇપિસ્ટોમોલૉજિકલ) વિષયક હશે ત્યાં સુધી આપણે બધા તે અંગેની ચર્ચાઓમાં મૌલિક, ધરમૂળથી સુધારાની તરફેણ કરનારા, કે હિમાયતી બની જઈએ છીએ, પણ જ્યારે આ દેશની દુખતી નસ જેવા સામાજિક ને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે, ત્યારે ઉગ્ર, મૌલિક સુધારાવાદીને બદલે ડરપોક તથા ‘જૈસે થે વાદી’ બની જતા હોઈએ છીએ. આપણી ચર્ચામાં એવો પ્રશ્ન ક્યારે ય પેદા થતો નથી કે શા માટે આપણામાંથી કેટલાક લોકો ગરીબ છે? શા માટે આપણામાંથી કેટલાક લોકો દલિત છે?

પછી પ્રો. પારેખ, પોતાના સમર્થનની દલીલમાં બાબાસાહેબ આંબેડકરના આ વાક્યનો સંદર્ભ આપે છે, “How come no Hindu felt morally angry and outraged at the practice of untouchablity”. ‘શા માટે કેમ કોઈ હિંદુને, પોતાના સમાજમાં પ્રવર્તમાન અછૂતપ્રથા સામે નૈતિક અને વાસ્તવિક રીતે આક્રોશ થતો નથી?’ શા માટે તે બધાને આ પ્રથા અમાનવીય અને ગૌરવહીન દેખાતી અને અનુભવાતી નથી? મેં મારા આ પુસ્તકમાં એ સાબિત કરવાની કોશિશ કરી છે કે આ દેશની એક પ્રણાલી ખૂબ જ પરિવર્તનશીલ અને મૂળભૂત રીતે ક્રાંતિકારી દેખાય છે, જ્યારે તે જ દેશમાં બીજી સામાજિક કે રાજકીય પ્રણાલીઓ સામે રૂઢિચુસ્ત, અપરિવર્તનશીલ અને પ્રત્યાઘાતી વલણો જોવા મળે છે.

અમર્ત્ય સેન સાથે પ્રો. ભીખુભાઈ એક બીજા મુદ્દા પર પણ સંમત નથી. ‘ભારતમાં મુક્ત વાદવિવાદની પરંપરા છે.’ વિશ્વના કોઈ દેશમાં અસ્તિત્વ ના ધરાવતી હોય તેવી અગત્યની જાહેર વાદવિવાદની પ્રથા (ટ્રેડિશન ઑફ પબ્લિક ડિબેટ) આપણા દેશમાં છે. આપણે ત્યાં જાહેરમંચ (પબ્લિક સ્પેક્ટકલ) ઉપરથી હજારો લોકો સામે બે કે તેથી વધારે વ્યક્તિઓ સમાજને સ્પર્શતા પ્રશ્નો અંગે બિલકુલ શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરે એ પ્રણાલી છે. તેઓનો અભિગમ ભારતની આ વિશિષ્ટ ચર્ચાપ્રણાલી વિચારને સમજાવાનો છે. તમે કલ્પના કરી શકો છો ખરા કે ખ્રિસ્તી પાદરીઓ અને હિંદુ પંડિતો સાથે એક મંચ પરથી ચર્ચા થઈ શકે? આ ચર્ચા તે જમાનામાં બનારસના મહારાજાના પ્રમુખપણામાં બનારસ મુકામે (કાશીમાં) યોજાઈ હતી. મહારાજાએ આ ચર્ચામાં પ્રથમ પ્રશ્ન ખ્રિસ્તી ધર્મગુરુઓને પૂછવાનો કહ્યો હતો. “The Maharaja asks the missionaries to fire the first question.” અને તે ચર્ચા વિનાવિઘ્ને ત્રણ અઠવાડિયાં સુધી ચાલી હતી.

ગમે તે કારણોસર આવી જાહેર ચર્ચાઓનાં સદ્દગુણો અને ફળ સામાન્ય પ્રજાજનોના બૌદ્ધિક સ્તરો સુધી ઝમણ (પરકોલેટ) થઈને પહોંચ્યાં નથી. આ દેશમાં જ્યારે ગાંધીજી રાષ્ટ્રીય સ્તર પર કેન્દ્રસ્થાને હતા ત્યારે તેઓએ આવા પ્રજાલક્ષી જાહેર પ્રશ્નો ઉપર ચર્ચાઓ કરી હતી. પોતાની દૃષ્ટિએ જાહેર હિતમાં હાનિકારક માન્યતાઓને પડકારી હતી અને પોતાના અભિપ્રાય મુજબના લભ્યપ્રચારનાં સંસાધનોનો ઉપયોગ કરીને કેળવણી આપીને પ્રજામત તૈયાર કર્યો હતો. પ્રો. પારેખે જે પાંચ રાષ્ટ્રીય ચર્ચાઓમાં ગાંધીજી કેન્દ્રસ્થાને હતા, તેની યાદી જણાવી હતી. (૧) ગાંધીજી અને સાવરકર (૨) ગાંધીજી અને આધુનિક વિચારના સમર્થકો (મૉડર્નિસ્ટ) (૩) ગાંધીજી અને હિંસાથી ક્રાંતિ કરીને બ્રિટિશ હકૂમતને ઉથલાવનારાઓ (૪) ગાંધીજી અને ટાગોર (૫) ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર. આ બધા ગાંધીજી સામેના વિચારો ભલે જુદી-જુદી વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, તેમ છતાં તે દરેક વિચારની પાછળ લોકમાન્યતાઓનું પીઠબળ હતું.

ગાંધીજી અને ટાગોર વચ્ચેની ડિબેટનો મુદ્દો વિદેશી કાપડની હોળી કરવા વિશેનો હતો. લોકો આ ચર્ચામાં કોણ જીતશે, તેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા. કોણ નવી દલીલ લઈને આવશે, તેની ખૂબ જ ઇંતેજારી પ્રજામાં હતી.

ટાગોરે ગાંધીજીને કહ્યું હતું કે તમે પરદેશી કાપડોની હોળી કરો છો. શું આવી સુંદર સાડીઓની હોળી કરવાની તમને ઠીક લાગે છે? તેને બદલે તે બધી સાડીઓ ગરીબોની અંદર વહેંચી આપોને.

ગાંધીજીએ જવાબ આપ્યો કે શું તમને આવી દલીલ વાજબી લાગે છે? તમને માહિતી છે ખરી કે આવી સાડીઓની દેખરેખ રાખવાં માટેનાં સાધનો તે બધી ગરીબ સ્ત્રીઓ પાસે છે? ખરેખર તો આવી સાડી તે ગરીબોને આપવી તે જ ગરીબોનાં અપમાન સમાન છે.

આવી ચર્ચાએ આઝાદીના સંગ્રામનો પ્રજામત ઘડીને લોકોને સર્વસ્વનો ત્યાગ આપવા તૈયાર કરી હતી. આઝાદી પછી દેશની સંસદના ડિબેટે સરકારી અને સામાન્ય સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેનાથી સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર પ્રજામત ઘડાતો અને વિકસતો બંધ થઈ ગયો છે. સંસદીય ચર્ચાઓનો સ્તર ક્રમશ : ઝડપથી ઉતરતો જાય છે. (વધારે દુઃખદ બાબત તો એ છે કે રાજ્યના મુખ્ય પ્રધાન કે દેશના વડાપ્રધાન ચાલુ વિધાનસભાએ કે ચાલુ સસંદે સમજપૂર્વક ગેરહાજર રહીને આ બંને સંસ્થાઓની ગરિમાને હાની પહોંચાડે છે. આવી સંસ્થાઓની પ્રસ્તુતતાઓને અપ્રસ્તુત બનાવે છે. – ભાવાનુવાદક) સને ૧૯૭૦ પછી આપણા આ મહામૂલા વાદવિવાદ-સંવાદ દ્વારા લોકશિક્ષણનો વારસો ઝડપથી ઘસાતો ગયો. લોકચર્ચા માટે આપણી સમક્ષ પ્રજા તરીકે રાષ્ટ્રવ્યાપી મોટી ચર્ચાના મુદ્દાઓ હોવા જોઈએ. જે મુદ્દાઓ ઉપર મહત્ત્વના પ્રામાણિક અને સૈદ્ધાંતિક મતભેદો હોવા જરૂરી છે. આવા જાહેર મુદ્દાઓને પ્રજા સમક્ષ જ્ઞાન આધારિત રજૂ કરનારા શક્તિશાળી સાક્ષરો હોવા જોઈએ, જે આવા મુદ્દાઓને લોકભોગ્ય ભાષાઓમાં સહેલાં અને યાદગાર સૂત્રો બનાવીને દેશની પ્રજા સમક્ષ પ્રજામત કેળવવા મૂકી શકે. આ બધાં હકારાત્મક ડિબેટ્સનાં પરિબળો સખત પ્રમાણમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાએ ઘટી ગયાં છે. નરેન્દ્ર મોદી જેવા કુશળ વક્તાઓ છે, પણ જ્ઞાન આધારિત વાસ્તવિક વાદવિવાદ કરનારા જૂજ હશે. મોદી મોટી જનમેદની સમક્ષ લોકરંજક આવેશયુક્ત ભાષણ કરી શકે છે, પણ શું તે સામસામા બેસીને ઠંડેચિત્તે જ્ઞાનઆધારિત વાદવિવાદ કે ચર્ચા કરી શકે?  (‘There are orators like Narendra Modi but very few debaters. He can harabgue a crowd, but can he debate ?’ he muses.)

હવે આ એવો સમય પેદા થઈ ગયો, જે સમયે હિંદુત્વ આધારિત ઓળખે પોતાનું રાષ્ટ્રવ્યાપી કાઠું કાઢવાની પ્રક્રિયાને ગતિશીલ બનાવી. પ્રો.પારેખના મંતવ્ય પ્રમાણે તે માટે કેટલાક અંશે જવાહરલાલ નેહરુ જવાબદાર હતા. “નેહરુએ કહ્યું હતું કે ભારતે વૈશ્વિક કે અન્ય કક્ષાએ પોતાની છાપ પેદા કરવી હશે, તો તેણે તેના ભૂતકાળ સાથે જોડાયેલા નાભિ-નાતાનો સંબંધ કાપી નાંખવો પડશે.”

ભૂતકાળે તો આપણને મારી નાંખ્યા છે. બ્રિટનના એક સમયનાં વડાંપ્રધાન શ્રીમતી થેચરની માફક નેહરુજીએ દેશને વૈચારિક રીતે એવો ‘હાઇજેક’ કરી લીધો હતો કે જાણે દેશ સમક્ષ નેહરુજીના બૌદ્ધિક તારણ સિવાય બીજો કોઈ સુલભ વિકલ્પ ઉપલબ્ધ જ નથી. નેહરુજીના અવસાનનાં ૨૦ વર્ષ પસાર થઈ ગયા પછી આપણી પાસે સૂત્ર આવ્યું કે “ગર્વસે કહો હમ હિંદુ હૈં”. આ સંદર્ભમાં મને વિચાર આવે છે કે જે દેશની ૮૫ ટકા પ્રજા હિંદુ છે, તેને એમ ઠસાવવાની કોશિશ કરવામાં આવે કે તને હિંદુ હોવાનું ગૌરવ હોવું જોઈએ. તે સ્થિતિ બહુમતી પ્રજા માટે દયનીય કહેવાય. કારણ કે નેહરુજીના જમાનામાં સાચી કે ખોટી રીતે એવી છાપ પેદા કરવામાં આવી કે હિંદુઓને બહુમતી પ્રજા તરીકે પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.

અસહિષ્ણુતાના મુદ્દાના સંદર્ભમાં ચર્ચા કરતાં પ્રો. પારેખનું મંતવ્ય છે કે જો આપણે આપણી રાષ્ટ્રીય ઓળખનાં પ્રતીકો અથવા સંકેત ચિહ્નો (ધી સિમ્બોલ્સ ઑફ અવર નેશનલ આઇડેન્ટિટી) તરફ એક નજર નાંખીશું, તો ખબર પડશે કે તે બધામાંથી ૮૦થી ૯૦ ટકા પ્રતીકો હિંદુ અથવા બૌદ્ધ છે. “શું તે દેશના હિંદુ ચહેરાની ઓળખ નથી, તો બીજું શું છે?” આમ, દેશની પ્રતિકાત્મક ઓળખ હિંદુ કે બૌદ્ધધર્મ આધારિત બનાવ્યા પછી નેહરુજીનું કહેવું હતું કે અમે દેશની લઘુમતીમાં જ્યાં સુધી તે સુધારા માટે તૈયાર ન હોય ત્યાં સુધી તેને અડકીશું નહીં કે તેમાં કોઈ ફેરફાર સૂચવીશું નહીં. પરંતુ તે હિંદુ બહુમતીના સંદર્ભમાં ફેરફાર માટે હિંદુકોડ બિલ લઈને આવ્યા. તેથી કેટલાક હિંદુ આગેવાનોએ અનુભવ્યું કે પંડિતજીના ભારતમાં હિંદુઓ માટે કોઈ મહત્ત્વનું સ્થાન કે ભૂમિકા નથી. ખરેખર તો તે બધા નેહરુજીને સમજ્યા નહીં અથવા જે નેહરુજી કરવા માંગતા હતા, તે અંગે આ બધા હિંદુ અગ્રણીઓનાં મનમાં મોટી ગેરસમજ પેદા થઈ. નેહરુજીના પક્ષે એ સમજવાની જરૂર હતી કે છેલ્લાં બે હજાર વર્ષ કરતાં વધારે સમયથી હિંદુઓ આ દેશમાં બહુમતી પ્રજા હોવા છતાં ગૌરવહીન (હ્યુમિલિયેટેડ) દશામાં જીવતી આવી છે. તેને બદલે હિંદુઓને કોમવાદી તરીકે ઓળખાવ્યા.

મારા મત મુજબ ‘ગર્વસે કહો હમ હિન્દુ હૈ’ સૂત્રની પાછળનો આ પૂર્વાપર સંદર્ભ છે. પણ તેઓનું સ્પષ્ટ મંતવ્ય છે કે આવા હિંદુઓની ગૌરવહીનતાનો ભારપૂર્વક કે નિશ્ચયપૂર્વકનો ખ્યાલ બિલકુલ ગેરસમજ પર આધારિત છે. ગણપતિનો દાખલો આપીને એમ સાબિત કરવા કોશિશ કરવી કે અમારે ત્યાં પ્રાચીનકાળમાં પ્લાસ્ટિક સર્જરીનું વિજ્ઞાન વિકસેલું હતું તે બિલકુલ વિવેકહીન હકીકત (ઍબ્સર્ડ) છે. હિંદુઓના માનબિંદુની ચળવળ આ રસ્તા ઉપર દોડશે, તો ટૂંક સમયમાં જ તે બેઆબરૂ થઈ જશે. હું એ વાત સમજી શકું છું કે જો તે બધા એમ કહેતા હોય કે ભારતની એક દેશ તરીકેના ભૂતકાળની નોંધ લેવાવી જોઈએ અથવા રામાયણ અને મહાભારત તે ફક્ત હિંદુગ્રંથો નથી, પણ સમગ્ર ભારતીયોના ગ્રંથો છે તે બધાની આવી આકાંક્ષાઓને હું સમજી શકું છું. તેના પર ચર્ચા કે વાદવિવાદ પણ થઈ શકે! પણ તેનાથી આગળ વધીને આ બધા કહે કે કોઈએ ગાયનું માંસ ન જ ખાવું જોઇએ, તે દલીલ અથવા હકીકત વિચારહીનતાની પરાકાષ્ઠા ગણાય.

ઇસ્લામ અંગે પ્રો. પારેખના વિચારો જાણતાં પહેલાં આપણે એ જાણવાની જરૂર છે કે તેઓએ બ્રિટનમાં બહુસંસ્કૃિતવાદ અને જાતીય સમાનતાના મુદ્દે (મલ્ટિકલ્ચરાઇઝમ ઍન્ડ રેસિયલ ઇનઇક્વાલિટી) ઘણાં કમિશનોના પ્રમુખ તરીકે કામ કર્યું છે. તેઓનું મંતવ્ય છે કે ઇસ્લામમાં હિંદુધર્મની માફક જાહેર ચર્ચા કરાવાની કોઈ પ્રણાલીઓ નથી અને વિકસી પણ ન હતી. તેઓએ પોતાના આ પુસ્તકમાં ગાંધીજી અને બિનલાદેન વચ્ચે કાલ્પનિક સંવાદ ઊભો કર્યો છે, જેમાં પ્રો. પારેખે બિનલાદેનને ભારતદેશની આઝાદીની ચળવળમાં ગાંધીજીના અંતિમવાદી મિત્રો (!) તરીકે સરખામણી કરી હતી. જાહેર સંવાદ કે વાદવિવાદને ઇસ્લામમાં ‘ઇત્તિહાદ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે માટેનાં બારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે. ઘણા આ મુદ્દે એમ દલીલ કરે છે કે  ઇસ્લામમાં બૌદ્ધિક વાદવિવાદને સ્થાન છે પણ કોઈ સ્પષ્ટ રીતે જવાબ આપતું નથી કે વાદ-વિવાદનું કેટલું મહત્ત્વ ઇસ્લામમાં છે. ધાર્મિક પુસ્તકો તમને તમારો રસ્તો બતાવશે, પણ તેમનાં લખાણોથી  આગળ જતા ચોક્કસ અટકાવશે.

પ્રો. પારેખે ઇંગ્લૅંડ અને ભારતની વાદ વિવાદની વિકસેલ પ્રથાની સરખામણી કરતાં જણાવ્યું કે આપણા દેશના જે-તે સમયના નેતાઓએ આ સંવાદને કોમવાદી દિશામાં લઈ જવા માટે જવાબદાર ઠેરવ્યા છે. ઇંગ્લૅંડમાં વાદ વિવાદમાં કે ચર્ચામાં તમને સપાટી ઉપર મતભેદ દેખાય, પણ દેશને કઈ દિશામાં લઈ જવો છે તે મુદ્દે બધાની સહમતી હોય. તેથી ચર્ચા કરનારાઓ પોતાના આંતરિક મતમતાંતરોને દેશનું પાયાનું માળખું તૂટી જાય ત્યાં સુધી ન લઈ જાય, આપણે એવી સહસંમતિ વિકસાવવાની પ્રક્રિયાની તૈયાર કરી રહ્યા છે, પણ કરી નથી.

અંતમાં પારેખસાહેબની ચિંતા છે કે મતભેદ, અસંમતિ, સહિષ્ણુતા, વિવેક, વિનયસૌજન્ય એક પ્રકારની ગૃહસ્થાઈ (સિવિલિટી) જાણે ભારતીય સમાજમાંથી ક્રમશઃ લુપ્ત થતી હોય તેમ દેખાય છે. તેની નિશાનીઓ તો રોજબરોજના નાગરિકજીવનમાં દેખાય છે. સવા અબજની વસ્તીવાળા દેશમાં બે-ત્રણ બનાવો કાંઈ મોટી ચીજ નથી, પરંતુ આ બનાવો સ્થાનિક કે કોઈ પ્રસંગાનુસાર બન્યા હોય તેવા પણ નથી. પરંતુ આ બધા બનાવો દેશ જે હિંદુ માનસિકતામાં વલોવાઈ રહ્યો છે, તેના વજૂદવાળા, નજરઅંદાજ ન થઈ શકે તેવાં પ્રતીકો કે ચિહ્નો છે. કેટલીક વસ્તુઓની કે વિષયોની આ દેશમાં ચર્ચા જ ન થઈ શકે!  આવાં વલણોની શક્તિઓમાં સતત વધારો મને ખૂબ જ ચિંતા ઊપજાવે છે. જે રીતે પેલા ત્રણ રેશનાલિસ્ટોના ખૂનીઓએ બંદૂકની બુલેટથી તે બધાની ચર્ચાઓ કાયમ માટે બંધ કરાવી દીધી, તે ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.

જાહેરચર્ચાનું નવું સ્થળ

આ દિવસોમાં જાહેરચર્ચાઓ અને વાદ-વિવાદનું સ્થળ બદલાઇને ટેલીવિઝનનો સ્ટુડિયો બની ગયું છે. જ્યારે ટીવી-ઍન્કર પોતે જ ચર્ચાની શરૂઆત કરનારો હોય, ત્યારે ક્રિકેટની રમતમાં અમ્પાયર પોતે ખેલાડી બની જાય તેવી સ્થિતિ પેદા થાય છે. આ સંદર્ભમાં લોકસભા અને રાજ્યસભાનાં ટીવી-ડિબેટ્સ જુદાં તરી આવે છે.

(રજૂઆત : બીપીન શ્રોફ)

e.mail : profparekh@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 03-05

[ડિબેટિંગ ઇન્ડિયા − એસેઝ અૉન ઇન્ડિયન પોલિટિકલ ડિસકોર્સ : લેખક – પ્રૉફેસર ભીખુ પારેખ, અૉક્સફર્ડ યુનિવર્સિટી પબ્લિકેશન, ન્યૂ દિલ્હી]

તાજેતરમાં જ અૉક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા લૉર્ડ પ્રો. ભીખુભાઈ પારેખનું ‘ડિબેટિંગ ઇન્ડિયા’ નામનું 400 પાનનું દળદાર પુસ્તક અંગ્રેજીમાં બહાર પડેલ છે. ડિસેમ્બર, 2015માં ભીખુભાઈએ ન્યૂ દિલ્હી અને મદ્રાસથી પ્રકાશિત “હિન્દુ” [The Hindu] દૈનિકના પ્રતિનિધિ અનુજકુમારને ન્યૂ દિલ્હી મુકામે આપેલ ઇન્ટરવ્યૂમાં આ પુસ્તક અંગે જે વાતો કરી હતી, તેનો ભાવાનુવાદ અત્રે આપેલ છે. આ મૂળ લખાણની અંગ્રેજી કડી અહીં નીચે આપીએ છીએ : તંત્રી

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/closing-the-debate-with-a-bullet-is-sad/article8026812.ece

 

Loading

19 January 2016 admin
← અર્થચ્છાયામૂલક અનુવાદ
હૈદરાબાદની ઘટનાના લાંબા ગાળાના પ્રત્યાઘાત પડવાના છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved