
હેમન્તકુમાર શાહ
6 ડિસેમ્બર 2025ના રોજ, ડો. ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં વણકર સેવા સંઘ દ્વારા બનેલા વાચનાલયના ઉદ્ઘાટક તરીકે એક સમારંભમાં હાજર રહેવાનું થયું. તે નિમિત્તે આપેલા ટૂંકા પ્રવચનના મુખ્ય મુદ્દા આ રહ્યા :
[1] જયશ્રી કૃષ્ણ, જયશ્રી રામ અને જય માતાજી જેવા નારા બોલીએ અને જય ભીમ બોલીએ એમાં તફાવત છે, એ સમજવાનું છે. જય ભીમ નારામાં ભક્તિ ન જોઈએ, પણ અન્યાય સામે લડવાની ઇચ્છા જોઈએ. આંબેડકરે પોતે પણ પોતાની ભક્તિ કરવાની ના પાડી છે.
[2] જયશ્રી રામ નારો તો દેશના અનેક લોકો માટે ડરામણો બની ગયો છે. રામની ભક્તિ કરવાને બદલે રામનો ઉપયોગ બીજાને ડરાવવા માટે થઈ રહ્યો છે. આ શરમજનક બાબત છે.
[3] ડો. ભીમરાવ આંબેડકરે 25 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભામાં એમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, “ભક્તિ અથવા જેને ભક્તિમાર્ગ કહેવામાં આવે છે તે, કે વીરનાયકની પૂજા, દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતના રાજકારણમાં અપ્રતિમ ભૂમિકા ભજવે છે. ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.”
[4] આંબેડકર લોકશાહીના ચાહક હતા. એ લોકશાહી સામે આજે ખતરો ઊભો થયો છે કારણ કે સમાજ નેતાઓની ભક્તિ કરવામાં પડ્યો છે. જો ભક્તિ કરીશું તો આપણે કોઈ પણ નેતાનું સાચું મૂલ્યાંકન કરી શકીશું નહીં અને એનાં દુષ્કૃત્યો સામે અવાજ પણ ઉઠાવી શકીશું નહીં.
[5] બાબાસાહેબ આંબેડકરને નેતૃત્વમાં જે બંધારણ બન્યું છે, તેની પહેલી લીટીમાં જ ભારત નામનું રાજ્ય સ્થાપવાના ઉદ્દેશો લખ્યા છે. એ છે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, વ્યક્તિનું ગૌરવ અને લોકશાહી તથા ધર્મનિરપેક્ષતા. આ ઉદ્દેશો કેટલા સિદ્ધ થયા એ મહત્ત્વનું છે. એમ લાગે છે કે આપણે જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બધી હાલ ધોવાઈ રહી છે. આપણે સૌએ એની સામે અવાજ ઉઠાવતાં શીખવાનું છે.
[6] ગાંધી અને આંબેડકર બંને આપણને અન્યાયનો સામનો કરવાનું અને ન્યાયી સમાજ ઊભો કરવાનું શીખવે છે. બેમાંથી કોઈની ભક્તિ કરવાની જરૂર નથી, પણ એમના સિદ્ધાંતોને અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવાની જરૂર છે.
[7] અત્યારે અનામતની વ્યવસ્થા સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ખતમ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. જેમ કે, ગુજરાત સરકારમાં આશરે ચાર લાખથી વધુ કર્મચારીઓ તો કરારી અને ટૂંકા સમયની નોકરી ધરાવે છે. એમાં ક્યાં ય અનામત લાગુ પડતી જ નથી. આ રીતે સરકારનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને અનામતના અમલને કચરા ટોપલીમાં ફેંકી દેવાયો છે. આ ખાનગીકરણ સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જુઓ તમે, બંધારણનો દેખીતો નાશ કર્યા વિના જ એનો આ રીતે નાશ કરાઈ રહ્યો છે. એની સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવાની જરૂર છે.
8] નાગરિકોની સ્વતંત્રતા એ સૌથી મોટું મૂલ્ય છે. આપણે માણસ છીએ, કોઈ જંતુ નથી. સ્વાતંત્ર્યની જાળવણી એ આપણા સૌની પ્રથમ અને પ્રાથમિક ફરજ છે. જય ભીમ બોલતી વખતે આપણે એ વિચારીએ કે શું બંધારણમાં લખવામાં આવેલી સ્વતંત્રતા ઘસાઈ તો નથી રહી ને?
[9] આપણે બંધારણ રચીને પ્રજામાંથી નાગરિક બન્યા છીએ. એ આ બંધારણની દેન છે. એ ગાંધી, આંબેડકર, સરદાર પટેલ અને નેહરુ જેવા મહાન નેતાઓની દેન છે. અત્યારે આપણને નાગરિકમાંથી મચ્છર બનાવી દેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પડકાર આપણે સૌએ ઝીલી લેવાનો છે. જય ભીમના નારા ગજવવાથી કંઈ નહીં વળે, જય ભીમે જે પડકાર ઝીલ્યો હતો તે આપણે સૌ ઝીલીએ અને લોકશાહીને સાર્થક કરીએ.
6 ડિસેમ્બર 2025
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

