Opinion Magazine
Number of visits: 9448994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જવાહરલાલ નહેરુ – ક્રાન્તિનો નૂતન પરિવેશ

સતીશ જોશી|Opinion - Opinion|18 December 2023

જવાહરલાલ નહેરુના વ્યક્તિત્વમાં અનેક વ્યક્તિત્વો સમાયાં છે. એમની પ્રતિભા વિલક્ષણ અને કલ્પનાશીલ, બુદ્ધિ વિચક્ષણ અને મૂલગામી, ભાવનાઓ ઉદાત્ત તથા સર્વસમાવેશી! હિરેન મુખર્જીએ એમને એક “અલ્પપ્રતિભાવાન” કવિ તરીકે નવાજ્યા હતા, જે પોતાની પ્રતિભાને ખીલવવાને બદલે રાજકારણમાં જોડાયા હતા.

રાજકારણ, સમાજવ્યવસ્થા, શિક્ષણતંત્ર, વૈચારિક તથા વૈજ્ઞાનિક માળખું – આ તમામ વિષયોની નિસ્બત એમના જીવનમાં એક સાથે દૃષ્ટિગોચર થાય છે. એમની પ્રતિભા એક તરવરિયા, ઉત્સાહી અને હિમ્મતવાળા યુવાન તરીકે સ્થપાય છે. પણ, આઝાદીની લડતમાં નેતૃત્વ કરનાર વડીલો સાથે રહીને એમનામાં ધીરગંભીર પલટા આવે છે. સમાજ, રાજકારણ, શિક્ષણ વગેરેમાં ધરમૂળથી ફેરફાર આપવાની એમની તાલાવેલી નરમ પડે છે. સાથે સાથે જવાબદારીનો બોજો પણ એમને ગંભીર બનાવે છે.

આથી જ, તમામ ઘટક તત્ત્વો હોવા છતાં, એક બળવાખોર, ઝનૂની, ઉતાવળિયા ક્રાન્તિ વીર તરીકે એમની કીર્તિ કદી સ્થપાઈ નથી. કૉન્ગ્રેસના  જહાલ પક્ષ પરત્વે ખૂબ આકર્ષણ છતાં પિતા મોતીલાલ તથા પિતાતુલ્ય મહાત્મા ગાંધીની વ્યક્તિગત છત્રછાયા હેઠળ ઉદ્દામ પ્રવૃત્તિના કોઈ કામમાં એમણે પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ નહોતો લીધો. ભગતસિંહ કે સુભાષચંદ્ર બોઝ, જે સ્પષ્ટ અને પ્રગટરૂપે ક્રાન્તિકારક વિચારો ધરાવતા નેતાઓ હતા, એમની અનુકૃતિ પણ એમણે નહોતી કરી. એ બંને પરત્વે ભાવનાત્મક આદરથી વિશેષ એ કંઈ ન દર્શાવી શક્યા.

આઝાદી મળી ત્યાં સુધી મોટા નેતાઓના વફાદાર કે આજ્ઞાઙ્કિત સૈનિક તરીકે, અથવા કહો કે understudy તરીકે, એ વર્તતા રહ્યા. પોતાના વિચારો, આદર્શો તથા કલ્પનાઓ પોતાનાં પુસ્તકો, પ્રવચનો, પત્રો દ્વારા વ્યક્ત કરતા રહ્યા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિના એકાદ પ્રવાહને બદલવાના ઉદ્દેશથી એમણે કોઈ દૃઢ ભૂમિકા ધારણ નહોતી કરી.

આઝાદી મળી ત્યાર બાદ તરતના કાળમાં, એમના માથે શાસનથી સીધી અને પૂરી જવાબદારી આવી પડી. આવે સમયે શિસ્તપૂર્ણ વ્યવસ્થા-પ્રવણ અભિગમ જ એમણે અપનાવવો જોઈએ, એ અપેક્ષિત હતું.

પણ, ક્રાન્તિની  ખરેખરી  આવશ્યકતા તો આઝાદી પછી જ છે, એવી એમની પ્રતીતિ દૃઢ હતી. કોઈ જૂનવાણી, પરંપરાવાદી, અને સલામતિ-ઇચ્છુક રાજનેતાઓના હાથમાં દેશની ધુરા ગઈ હોત, તો પરિણામો અવાઞ્છનીય જ આવત! સરદાર પટેલની ઉમ્મર અને બગડતી તબિયત એમને નવેસરથી સંસ્થાઓ સ્થાપવા / વિકસાવવાનો મોકો આપત કે નહિ, એનો જવાબ આપવા સુધી ઇતિહાસ થોભ્યો નહિ. પણ, સરદાર અને નહેરુ, દેશના સૌથી વિકટ કાળમાં, ભલે થોડો સમય પણ, સાથે રહ્યા એ આ દુર્ભાગી દેશનું વિરલ સદ્ભાગ્ય હતું, એમ કહી શકાય. રાજેન્દ્રબાબુ, મૌલાના, રાજાજી વગેરે વરિષ્ઠ નેતાઓ પોતાની શ્રેષ્ઠ શક્તિ / ભક્તિ આઝાદી મેળવવાના ભગીરથ પ્રયત્નોમાં જ ખર્ચી ચુક્યા હતા. માત્ર નહેરુ સાઈઠ વરસથી ઓછી ઉમ્મરના હતા. એમની ઉમ્મર, ક્રાન્તિનો એક વધુ તકાજો એમની પાસે કરવાની હતી!

સંવેદનશીલ તથા વિચારશીલ નેતા તરીકે એમણે ભારતના પ્રજાજીવનને તત્કાલીન આન્તરિક અને બાહ્ય પરિસ્થિતિને અનુરૂપ પણ આદર્શ રૂપ આપવા મથામણ કરી. વિશ્વની અપેક્ષાઓ તથા ભારતની ઐતિહાસિક સમર્થતાઓને શોભે એવા ભારતનું નિર્માણ કરવું એ એમના ભાવિને કરેલા વાયદાનો એક મુખ્ય ભાગ હતો. જે રમ્ય રોમાંચક ધરાતલ પર એમણે ભારતની પ્રજાને એની નિયતિ સાથેના મિલનની કલ્પના કરાવી છે, એનું વર્ણન માત્ર કવિત્વમય જ નથી, ક્રાન્તિકારી પણ છે.

સાધારણ માણસને, કિસાન તથા મજૂરને, સ્વતંત્રપણે જીવન યાપનની તક મળે, ગરીબી અને અજ્ઞાન તથા બિમારીના અંધકાર સામે સંઘર્ષ કરી એ અનિષ્ટોનુ નિર્મૂલન થાય, સમૃદ્ધ, સ્વાયત્ત અને વિકાસશીલ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને, નવી સામાજિક, આર્થિક તથા રાજકીય સંસ્થાઓનું ચણતર કરી દરેકને ન્યાય અને પૂર્ણ જીવનની શક્યતાઓનું પ્રદાન થાય – આવા  ઉદાત્ત  આદર્શો  પોતાના સાથીઓ તથા પ્રજા સમક્ષ મૂકી સતત એ તરફની યાત્રાએ એક ગરીબ, વિભાજિત, પીડિત, વિશૃઙ્ખલિત વિશાળ માનવ સમૂહને દોરી જવાની સંકલ્પ શક્તિ, યોજના તથા લગન જવાહરનો વિશેષ છે.

આ આદર્શો માનવજાતિ સમક્ષ હંમેશાં રહ્યા છે. પણ, ઇતિહાસ સાક્ષી છે કે એ આદર્શોને યથાર્થમાં બદલવાના તમામ પ્રયત્નો ઉતાવળિયા, અવ્યહારુ તથા સ્વાર્થપ્રેરિત રહ્યા છે. આથી, ક્રાંતિને પરિણામે અનિષ્ટો, દૂષણો તથા દુર્ભાગ્યનાં સ્થાનાન્તરણ થયાં છે, નિર્મૂલન નહિ.

જવાહરલાલ આદર્શોને સિદ્ધ કરવાની ક્રાન્તિની પદ્ધતિઓ બદલ સાશંક તથા સાવધાન રહ્યા હતા. યુવાવસ્થાથી છેક પ્રધાન મંત્રી પદે સત્તર વરસ રહેવા છતાં એ ક્રાન્તિની વાટે કદી ગયા નથી. તેમ જ, આદર્શો તથા ધ્યેયને કદી નજર અંદાજ નથી કર્યા.

ગાંધીજીએ દર્શાવેલા માર્ગ પર ચાલવાની વૃત્તિ હોવા છતાં એમણે પ્રમુખ બાબતોમાં ગાંધી માર્ગથી વિપરીત આચરણ કર્યું છે. કેટલીક બાબતોમાં એ માર્ગની મર્યાદા ઓળખવા જેટલી વિવેકબુદ્ધિ, હિમ્મત તથા અભિવ્યક્તિ એમનામાં હતી. નવાઈ નથી કે, ગાંધીજીએ એમને કદી જ પોતાના વિરોધી તરીકે નથી જોયા.

સૌથી મોટું ઉદાહરણ મોટા ઉદ્યોગ પરત્વે ગાધી-નહેરુના વલણનું વૈષમ્ય! ‘હિન્દ સ્વરાજ’ની સદી થયા પછી પણ પશ્ચિમી ચિન્તકો  અને  વિચારકો, ખાસ તો યંત્રદોટના ભયસ્થાન નિર્દેશ સ્વીકારે છે. પણ, નહેરુ એનાથી વિરુદ્ધ વલણ વ્યક્ત કરે છે. આઝાદી પછી મોટા ઉદ્યોગો પર ખૂબ ભાર મૂકે છે. અને રશિયન ઔદ્યોગીકરણ પદ્ધતિનો અમલ કરે છે. આ બાબત નહેરુનું ક્રાન્તિકારી વલણ દર્શાવે છે. વિજ્ઞાન, તંત્રજ્ઞાન તથા તટસ્થ પર્યવેષક જ્ઞાનપરંપરાની સ્થાપના તથા સંવર્ધન એમની ખાસ દેણ છે.

બીજા વિશ્વયુદ્ધ પછી જગતના દેશો ન સમજાય એવી રીતે બે જૂથોમાં વિભક્ત થઈ ગયા હતા. ત્રીજા વિશ્વયુદ્ધ માટે કોઈ તૈયાર નહોતું, માટે યુદ્ધથી પણ વધુ ખતરનાક શીતયુદ્ધ આરંભાયું. આને કારણે કેટલા ય સમાજો સામસામે આવી ગયા. આન્તર કલહ સતત વીસ વરસ કેટલા ય દેશોમાં ચાલતો રહ્યો. ઐતિહાસિક રીતે આપણે જે જૂથમાં સ્વાભાવિક રીતે જોડાઈ ગયા હોત, એ જૂથ, કે જે જૂથ પરત્વે ભારતના બુદ્ધિજીવીઓની સહાનુભૂતિ હતી એ જૂથ, બેમાંથી કોઈને ન સ્વીકારતાં જવાહરલાલ નૉન અલાઇન્ડ – તટસ્થ જૂથની હિમ્મતભેર સ્થાપના કરે છે.‌ અને ઘણા દેશો એમાં જોડાય છે. આનાથી દેશની પ્રતિષ્ઠા વધે છે અને જગતમાં યુદ્ધના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બે ત્રણ દાયકાઓમાં જ, મહાસત્તાઓમાંની એક તો કાયમી સ્વરૂપે વિઘટન પામે છે, અને બીજી આર્થિક, સામાજિક, પ્રજાકીય તરીકે ખુવાર થાય છે.

શસ્ત્રો ભેગા કરવાની દોટ, શસ્ત્રો વેચીને પૈસા કમાવાની દેશોની લાલચ, અણુશસ્ત્રોની જમાવટ – આ દૂષણોને કારણે નૉન અલાઇન્ડ મુહિમ નબળી પડી;  પણ, એક વિચાર તરીકે આજે પણ એ સામ્પ્રત છે. યુક્રેન તથા રશિયા, પૅલૅસ્ટાઇન તથા ઈઝરાયેલના છમકલાંમાં, નહેરુની વિચારસરણીનો આમ તો ધરાર ઇન્કાર કરનાર પ્રધાન મંત્રી મોદી પણ એ તટસ્થ માર્ગે જ ચાલીને યશ પામ્યા છે, એ નહેરુના ક્રાન્તિકારક વિચારનો પ્રભાવ છે.

સદીઓની લાચારી અને ગુલામી બાદ નવોસવો આઝાદ થયેલો દેશ ઘણા પડકારો ઝીલતો હોય. એકાદ પણ ખોટું પગલું, અરે રાજદ્વારી faux pas પણ એને આન્તર્રાષ્ટ્રીય મૂંઝવણમાં મૂકી શકે. હૃદયના ઊંડાણથી આવતી સદ્ભાવના, બીજા દેશો પરત્વે દ્વેષહીન વલણ, પોતાની મર્યાદાઓ છતાં ય બીજા દેશને મદદ કરવાની તત્પરતા, રાજકીય રીતે લોકશાહી મૂલ્યોમાં પ્રદર્શનક્ષમ નિષ્ઠા – આવાં તરલ મૂલ્યો જગતની સમક્ષ મૂકવા માટે અદ્યયાવત્ ભાષા, પરિભાષા તથા સંવેદનશીલતાની આવશ્યકતા હોય. એવા એક વ્યક્તિ જેની બૌદ્ધિક, નૈતિક, આધ્યાત્મિક પ્રતિષ્ઠા જગદ્વયાપી હોય એવા વ્યક્તિને ભારતના વાસ્તવિક તથા આદર્શ પ્રતિનિધિ તરીકે પ્રોજેક્ટ કરવાનો નહેરુનો નિર્ણય બિલકુલ ક્રાન્તિકારી હતો.

આઝાદી પૂર્વે શિક્ષણના ઉચ્ચ આસનોમાં મૂલગામી પરિવર્તનો સૂચવવા માટેની સમિતિમાં એમને અધ્યક્ષ તરીકે લીધા. આઝાદી પછી તરત રશિયા જેવા મહત્ત્વના દેશમાં સ્ટાલિન જેવા આપખુદ લોહીતરસ્યા નેતાના શાસનકાળમાં ભારતના દૂત તરીકે પોતાની બહેન વિજયાલક્ષ્મી પંડિતને હટાવીને  એમને ખાસ નીમ્યા. બંધારણને અમલમાં મૂક્યા પછી પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પછી રાષ્ટ્રપતિ તરીકે એક શિક્ષણવિદ્, આધ્યાત્મિક વિચારક તથા ભારતીયતાના વ્યાખ્યાયક,  જગતના બૌદ્ધિકોના સ્વીકૃત એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ને નીમ્યા. ભારતીય ઇતિહાસમાં કેવળ રાધાકૃષ્ણન્‌ એવા હતા કે વડા પ્રધાન પોતે એમની સલાહ, માર્ગદર્શન તથા આદેશની ખેવના કરતા. ત્યાર બાદના રાષ્ટ્રપતિઓ કેવા વામણા હતા અને બંધારણની રક્ષા કરવા કેવા નિષ્ફળ ગયા હતા, એ સર્વવિદિત છે. માટે અંગત રીતે પ્રતિષ્ઠિત એવા વ્યક્તિ રાષ્ટ્રના ઉચ્ચતમ આસને વિરાજમાન હોય, તો કેવા પ્રભાવી પરિણામો આવે એ નહેરુએ આપણને બતાવ્યું. એટલે સુધી કે નહેરુના વ્હાલા મૅનનને રક્ષામંત્રી તરીકેના હોદ્દાથી કાઢવાની આનાકાની કરનાર નહેરુને રાષ્ટ્રપતિ ફરજ પાડી શક્યા હતા, એ નહેરુના આ ક્રાંતિકારી નિર્ણયને કારણે.

આમ, સંસ્થાઓ સ્થાપી, એ દ્વારા સમાજ, રાજકારણ, શિક્ષણવ્યવસ્થા વગેરેમાં મૂલગામી તથા દૂરગામી ઇચ્છિત પરિણામો લાવવા માટે ક્રાન્તિએ જે વિક્રમ રાજા જેવો વેશપલટો કરવો જરૂરી હતો, એ નહેરુએ પોતાની કલ્પનાશીલતા, સાલસતા, કાર્યક્ષમતા, નિર્ણયાત્મકતા, અને વિવેકબુદ્ધિ દ્વારા કરી બતાવ્યો.

પ્રગટ : “પ્રબુદ્ધ જીવન”; ડિસેમ્બર 2023; પૃ.43-44 

Loading

18 December 2023 Vipool Kalyani
← ભાવ નક્કી કરવામાંથી નીતિમત્તાની બાદબાકી? 
બુચ–વૃક્ષનાંપત્રો–પુષ્પો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved