Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જવાબ છે હજાર, પણ જવાબ આપવો નથી : પારુલ ખખ્ખર

રૂપા મહેતા|Opinion - Literature|28 June 2021

“મારી કવિતા વિશે હું શું કહું? એ મારો મૌન સહારો છે એમ કહી શકાય. મારી વેદનાઓને  પ્રગટ થવાનું એ એક માત્ર માધ્યમ છે.” આ શબ્દો  છે કવયિત્રી પારુલ ખખ્ખરના.

માત્ર 15 વર્ષની ઉંમરે પારુલે પહેલી કવિતા લખેલી અને તે ય એમનાં ઘરમાં ક્યાં ય દૂર સુધી છેક સાતમી પેઢી સુધી ન કોઈ કવિ કે ન કોઈ લેખક. પણ એમના લખવા પર ઘરના સૌનો રાજીપો. એમના પપ્પાના જ શબ્દોમાં કહીએ તો “તું બહુ આગળ જઈશ. તારી કવિતાઓ તને ભારતભરમાં અને વિદેશમાં લઈ જશે. તું બસ લખતી રહેજે.”

ગુજરાતના નાનકડા શહેર અમરેલીમાં રહેતી એક સરળ, સાલસ ગૃહિણીને છેલ્લાં પાંચ-છ વર્ષથી મુશાયરા ને કવિ સંમેલનમાં વાહવાહી મેળવતી કવયિત્રીની કવિતા “શબવાહિની ગંગા”ની દેશ દુનિયામાં નોંધ લેવાઈ છે ને જબરદસ્ત ચર્ચા જગાવી છે. માત્ર ભારતની ભાષાઓમાં જ નહીં, પણ જર્મન તેમ જ તુર્કીમાં પણ તેનો અનુવાદ થયો છે  ને લાખ્ખો લોકોએ તેને સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ્સ પર શેર કરી. જો કે, અનેક લોકોએ પારુલબહેનને ટ્રોલ પણ કર્યાં છે અને ટીકાઓ  પણ કરી છે. વળી કેટલાકે  તો  તેમની આ ધારદાર કવિતાને કવિતા  તરીકે  સ્વીકારવાનો જ ઈન્કાર કરી દીધો છે. આ કપરા સમયે પારુલે પોતાની  ફેસબુક વોલ પર લખ્યું :

“ગનીમત કે ‘પારુલ’ હજુ યે જીવે છે,
હતું  નામ એનું  ઘણાં  ખંજરોમાં.”

પારુલબહેને શું પહેલી વાર જ આવી સામાજિક નિસ્બત સાથેની સણસણતી કવિતા લખવાની હિંમત કરી છે? આ પ્રશ્ન સાથે પારુલબહેનનાં લેખન અને સર્જન પ્રક્રિયાને જાણવાનો પ્રયત્ન કર્યો તો સમજાયું કે મુંબઈની ‘આરે’ કોલોનીનાં વૃક્ષો કપાય ત્યારે જે મરસિયું લખે,

“એક રાતમાં  જંગલ આખું  થઈ  ગ્યું  ઉજ્જડ સીમ.
કે બાયું ગાવ મરસિયાં,
રાજા, તારા સિપાઈડાએ ઢાળ્યું એનું ઢીમ,
કે બાયું  ગાવ મરસિયાં.”

એ જ કવયિત્રીની સંવેદનાઓ સમાજમાં પોતાની આજુબાજુ બનતી, હચમચાવી મૂકે એવી ઘટનાઓથી કેવી રીતે અલિપ્ત રહી શકે?

“જાગ, હવે રણભેરી વાગી, પડી નગારે થાપ,

જાગી ઊઠ્યાં કીડી-મકોડાં, જાગ્યાં સૂતાં  સાપ,

હવે નઘરોળ ચામડી જાગ.

ભડભડ બળતાં શેરી-ફળિયાં, ભડભડ બળતું  ગામ,

નિંભર  તારા ક્રોડ રુંવાડા તો ય કરે આરામ

કોણે દીધા હાય …. તને રે મગરપણાના શ્રાપ 

હવે નઘરોળ ચામડી જાગ”

પણ પારુલની ચામડી નઘરોળ નથી અને એની સાક્ષી પૂરે છે લોકડાઉન દરમ્યાન જે લાખ્ખો શ્રમજીવીઓએ સ્થળાંતર કર્યું તે વિષે તેમણે પોતાની એક ગઝલ “સ્થાન આપો”માં લખેલાં બે શેરઃ

“તારીખ તો છે કેવળ નિર્જીવ અંક સાહેબ,
જીવતા મનુષ્યને પણ યાદીમાં સ્થાન આપો”

“ઉખડ્યો છે મૂળસોતો કરમાઈ પણ ગયો છે,
સોંપી દો આગને કાં માટીમાં સ્થાન આપો”

વળી અમદાવાદથી બિહારની વિશેષ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક શ્રમજીવી મહિલાના મૃતદેહ પાસે બેઠેલું એક બાળક પોતાની માને જગાડવાનો પ્રયત્ન કરે છે એ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનનાં હ્રદયદ્રાવક દ્રશ્ય અખબારોમાં ને ટી.વી.ના પર્દે જોતાં સૌ કોઈથી હલી જવાયું હતું. ગરીબી, લાચારી અને  તંત્રની નઘરોળતાને પારુલે વાચા આપી છેઃ

પિતા રસિકભાઈ કારિયા જોડે કવયિત્રી પારુલ ખખ્ખર

“સનસનીખેજ થઈ ખબર સૂતી, છીનવી બાળનું છતર સૂતી,
આભ ઓઢી ધરાના પાથરણે, જીવતી જાગતી કબર સૂતી,
પીળ કાઢો ને ચીર ઓઢાડો, એક નારી લઘર-વઘર સૂતી,
બાળ એનો જીવાડશે એને, થઈને ઇતિહાસમાં અમર સૂતી, 
આપ સૌને શરમમાં ડૂબાડી, ભર બજારે શરમ વગર સૂતી,
લે બાઈ હવે મોક્ષ પામી જા, આમ ના જો ટગર ટગર સૂતી, 
કોણ તારાં મરશિયા લખવાનું? પેન બેહોશ બે અસર સૂતી, 
ક્યાં ય આઘે નથી આ બીના, લ્યો કવિ આપને નગર સૂતી.”

પારુલબહેન ગીત, અછાંદસ, ગઝલ, વાર્તા એ તમામ સ્વરુપોમાં લખે છે. એમના જીવનની રસપ્રદ વાત એ છે કે તેમનાં 20 વર્ષે  લગ્ન થયાં ને થોડાં  સમયમાં જ માતૃત્વ. પછી લગભગ 20 વર્ષ સુધી એ એક આદર્શ પત્ની, કુશળ ગૃહિણી ને શ્રેષ્ઠ માતા બની સંસારની જવાબદારી નિભાવતાં રહ્યાં. લખવાનું છૂટી ગયું. જો કે તદ્દન બિનસાહિત્યિક પરિવેશમાં પણ એમણે  પોતાની અંદરની કવયિત્રીને અને પોતીકા વિચારોને સતત જીવતાં રાખ્યાં. પિતાના મૃત્યુ વખતે પોતાના ભાઈની સાથે સાથે પપ્પાને કાંધ આપી ને અગ્નિસંસ્કાર પણ કર્યાં. પારુલબહેનના જીવનની ફિલસૂફી છે ”ઉત્ક્રાંત થતું જાવું ને અનુકૂલન કરતાં જાવું. ને આસપાસ બનતી ઘટનાઓ, કોઈ ચિત્ર, કોઈ દ્રશ્ય, કોઈ એવી વ્યક્તિ મળે ને તેમાંથી સંવેદના જાગે તો તેના પર લખવું”. 2020માં જ બનેલી હાથરસ બળાત્કારની  ઘટનામાં ભોગ બનેલી 20 વર્ષની છોકરીના મૃતદેહને પોલીસે અડધી રાત્રે બાળી નાંખ્યો અને તે પણ તેના ઘરના લોકોની જાણ બહાર. આ ઘટના પર પારુલે પોતાની કવિતામાં પોલીસ, સમાજ અને સત્તાને પોતાની આગવી શૈલીમાં પડકાર્યાં  છે.

“જોર દેખાડી લાશ બાળી દો, કાયદા ફાડી લાશ બાળી દો 
ચીર ખેંચીને, દેહ ચૂંથીને, વસ્ત્ર ઓઢાડી લાશ બાળી દો 
જીભથી ને કરોડથી રમજો, જાવ ખેલાડી લાશ બાળી દો 
ગામ ભડકે બળે તે પહેલાં ઝટ સત્ય સંતાડી લાશ બાળી દો 
જાગશે તો જગાડશે તેથી, સૌને ઊંઘાડી લાશ બાળી દો 
જીવતાં  જાગતાં શરીરોની વાડ ઠેકાડી લાશ બાળી દો 
આજથી નામ સૌ મનીષાનું નિર્ભયા પાડી લાશ બાળી દો.”

મધ્ય પ્રદેશના ગુના ગામના દલિત દંપતીએ પોલીસતંત્ર, અધિકારીઓને કોન્ટ્રાક્ટરની જોહુકમી તથા પાકથી લહેરાતા ખેતરમાં બુલડોઝર ફેરવવાના જડાગ્રહથી થાકી પાક પર છાંટવાની  દવા પીને જીવનનો અંત આણ્યો. તે વખતનું એ દંપતીનાં બાળકોનું આક્રંદને આખી કરુણ કથની કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને હલબલાવી મૂકે જ! આત્મગૌરવમાં દૃઢપણે માનતાં પારુલબહેન આ ઘટના પરનાં કાવ્યમાં આત્મસન્માનની સાથે સાથે નિ:સહાયતા તેમ જ સામાજિક – રાજકીય વ્યવસ્થા પર આકરો વ્યંગ કરવાનું પણ ચૂક્યાં નથી

“ક્યાં સુધી કરગરે; દવા પીધી, બે જણે આખરે દવા પીધી. 
 ના ખૂણેખાંચરે ગયાં બન્ને, જઈ ખૂલા ખેતરે દવા પીધી. 
ભીંત ભાંગી પડી છે ઢગલો થઈ, છત અને  ઉંબરે દવા પીધી.
દ્વાર ભીડીને ગામ બેઠું’તું, એટલે પાદરે દવા પીધી.
પાંખ ગીરવે પડી’તી પક્ષીની, શું  કરે? પિંજરે દવા પીધી.
જાવ …. વિદ્યાના ધામ બંધાવો, આંધળા અક્ષરે દવા પીધી. 
સાક્ષરો પેનથી રડી લેશે, હાય … રે, હાય … રે દવા પીધી.” 

આમ તો પારુલે “જો મિલ ગયા ઉસીકો મુકદ્દર સમજ લીયા … ને જો ના મિલા ઉસે ભૂલાતા ચલા ગયા” એ પંક્તિને પોતાનાં જીવનમાં વણી લીધી છે પણ તેઓ આપણી કુટુંબ, સમાજ, ધર્મને રાજ્ય વ્યવસ્થાને પોતાની જવાબદારીનું ભાન કરાવવાનું ચૂક્યાં નથી. પોતાના કાવ્ય “બંગલો માંગે સમારકામ”માં તેઓ લખે છે,

“લાગ્યો લાગ્યો લૂણો સરકાર કે બંગલો માંગે સમારકામ, 
 છેક પાયેથી પાંગરતો ક્ષાર કે બંગલો માંગે સમારકામ ……
 તમે  ક્યાં  લગ આ ગાબડાં  ઢાંકશો રે 
 તમે ક્યાં લગ આ થિગડાં મારશો રે,
 હવે પાયેથી કરજો ઉધ્ધાર, કે બંગલો માંગે સમારકામ.” 

આજે જ્યારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર સતત તરાપ મારવામાં આવી રહી છે ત્યારે પારુલની સ્વતંત્રતા વિષેની સમજ બહુ  જ સ્પષ્ટ છેઃ

“મન મુજબ મહોરી શકો છો, તો તમે આઝાદ છો,
 ચોકઠાં તોડી શકો છો, તો તમે આઝાદ છો. 
 જીભ મારી, શબ્દ  મારાં, હું ગમે તે કહી શકું
 આ બધું બોલી શકો છો, તો તમે આઝાદ છો. 
 હોય કાંટાળો ભલે પણ એક પીંછું મોરનું, 
 તાજમાં રોપી શકો છો, તો તમે આઝાદ છો. 
 રાજરાણી પદ ભૂલીને કાનજીના નામની 
 કામળી ઓઢી શકો છો, તો તમે આઝાદ છો. 
 હસ્તરેખાને વળોટી મન પડે તે સ્થાન પર,
 એકલા પહોંચી શકો છો, તો તમે આઝાદ છો.”

આ આઝાદીને આધારે જ પારુલે “શબવાહિની ગંગા”માં પોતે જે અનુભવ્યું તે લખ્યું. તેમની સમાજ સાથેની નિસ્બતને લોકો સમક્ષ બહુ ચોટદાર શબ્દોમાં મૂકી અને કવિતા દેશના લોકોની વ્યથાકથા બની ગઈ અને સચ્ચાઈને ન સહી શકનારી સત્તાની અસહિષ્ણુતાએ પારુલ ખખ્ખરને હાંસિયામાં  ધકેલી દેવાનો પ્રયત્ન આદર્યો, પણ પારુલે તો એમનાં નાનીમા સવિતાબહેનની સલાહ ગાંઠે બાંધેલી છે કે “એક વાત યાદ રાખજે કે જે ખમી ખાય છે ઈ જીવનમાં  ક્યારે ય દુ:ખી નો થાય. જેવી છો એવી ડાહી રે’જે, બેટા.” અને એટલે જ પારુલ ખખ્ખર માને છે કે, “જીવનમાં  કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે. માટે જિંદગી સામે હાર ન માનવી.”

“છે તીર આરપાર પણ જવાબ આપવો નથી,
નથી સ્વીકારી હાર પણ જવાબ આપવો નથી. 
મલમ લગાવશું નહીં, આ ઘાવને ઉછેરીશું,
ટકી જશું  ધરાર પણ જવાબ આપવો નથી. 
જવાબ  આપીએ નહીં  એ સ્વયં જવાબ છે, 
જવાબ છે હજાર પણ જવાબ આપવો નથી. 
સમય જરૂર આવશે, સમય જવાબ આપશે,
ઘસીશું શબ્દ ધાર પણ જવાબ આપવો નથી. 
જો કે એક મારશું તો દસ ઊભા થશે એ રાવણો,
છે ભેટમાં કટાર પણ જવાબ આપવો નથી.”

પારુલબહેનની સંવેદના અને તેમની ધારદાર કલમ વધુ ચોટદાર બનશે પણ હાર તો નહીં જ માને એવું  માનવું  રહ્યું.

[June 26, 2021]

https://www.vibesofindia.com/gu/i-have-a-thousand-answers-but-i-wont-give-any-parul-khakhar/?fbclid=IwAR0MCNRWt0y85Ep83POqIU-LYINuSC3kKTY-2qxGY3nFBUxytXRHqOqlt_k

Loading

28 June 2021 admin
← સ્વિસ બૅંક ફરતે જેટલું રહસ્ય ખડું કરવામાં આવે છે, તેની વાસ્તવિકતા એટલી પેચીદી નથી
સારાસાર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved